સ્વાયત્તતા તારી ખાતર
આમ તો ખૂણામાં રહું છું, ગુજરાતની ઉત્તરે ‘પાલનપુર’ નગર મારું મુકામ. ‘પાલનપુર’ શબ્દ બોલતાં જ પાલનપુરી શાયરોની નોખી ઓળખ સહૃદય ભાવકોને ભાવતી-ફાવતી લાગે. પાલનપુરને ‘ગઝલપૂર’ તરીકે ઓળખાવતાં મને હંમેશાં છુપા ગૌરવની મોંઘી જણસ જાહેર કરવાનો અનેરો લ્હાવો મુશાયરાઓના આયોજનો થકી અનેકવાર મળ્યો છે. આ નગરમાં ૨૯મી માર્ચ, ૨૦૧૮ના રોજ ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર(સરકારી અકાદમી)ના ખર્ચે મુશાયરો યોજાશે.
માર્ચ મહિનામાં તો સરકારો શું શું નથી કરતી!? ખૈર, ગુજરાતને ખૂણે ખૂણે કવિ સંમેલનો, પરિસંવાદો, શિબિરો વગેરેના સમાચારો વાંચવા, સાંભળવા મળે છે. જાણીતા, ઓછા જાણીતા ને સાવ નક્કોર નવોદિતોનાં નામ પણ અહેવાલોમાં ચમકતાં રહે છે. મારા નગર પાલનપુરમાં પણ સરકારી મુશાયરો તો થશે જ. સ્થાનિક સંયોજકના જણાવ્યા મુજબ એક બે સ્થાનિક અને બાકીના અતિથિ કવિઓને સામેલ રાખી યોજાનાર મુશાયરાનો ખર્ચ હોંશે હોંશે કરશે સરકાદમી, ગાંધીનગર ! કેવી મજા પડે ! સરકાર પુરસ્કારનું કવર આપે, મીડિયા કવરેજ આપે ને સ્થાનિક સંસ્થા (અણસમજમાં) હોંશે હોંશે સ્ટેજ આપે …
એકાદ મુશાયરાનું આયોજન મુશ્કેલ છતાં કેટલું રોમાંચક, વહાલભર્યું ને મૂલ્યવાન હોઈ શકે છે ? એવા પ્રશ્નનો જવાબ જેણે આ પ્રકારના આશરે પચાસેક કાર્યક્રમોના આયોજનમાં અગ્રિમ ભૂમિકા ભજવી હોય એવા મને જો કોઈ પૂછે તો આટલું જ કહું કે : ‘પ્રજા ચેતનામાં સમ્યક્ શબ્દો પડઘાવી શકાય તો બધું જ સાર્થક નહીં તો … વાહ! વાહ! અને દુબારા! દુબારાના ક્ષણિક ફુવારામાં ભીંજાયાનો વ્યર્થ વ્યામોહ’ સાહિત્યિક કાર્યક્રમોની પ્રસ્તુતતા વિશે બેમત હોઈ શકે નહીં, સાહિત્ય કહેતાં જ મૂલ્યપરક જિંદગીનો અમૂલ્ય અહેસાસ! સાહિત્યના મેદાનમાં ઉતરેલા સૌ અક્ષરસેવીઓને સાહિત્ય કર્મના લક્ષ્યની સરત તો હોવી ઘટે. પણ આજે તો જેમ અન્ય જીવનમૂલ્યોનું તેમ કહેવાતા સાહિત્યકારો પોતાના જ વસ્ત્રોનું હરણ થવા દે એમાં સરકારોનો શું વાંક!? સમસ્યા એ છે કે સાહિત્યના મૂળ હાર્દનું રખોપું કોણ કરશે ?
‘નિરીક્ષક’નાં પૃષ્ઠો પરની ચર્ચા-વિમર્શ વાંચીને સો ટકા ખાતરી થઈ ગઈ છે કે ગાંધીનગરની અકાદમીમાં જે કઈ બાર તેર વર્ષોમાં ગંધાઈ પડ્યું છે એની ઝાડઝૂડ, સફાઈ સ્વાયત્તતાના પૂજારીઓ સિવાય બીજું કોણ કરી શકે? એ દિશામાં ઉમાશંકર જોશીથી લઈને સિતાંશુ યશશ્ચન્દ્ર સુધીના જે કોઈ સંઘર્ષ કરી ચૂક્યા ને કરી રહ્યા છે તેમનો જાહેર ઋણ સ્વીકાર કરવો રહ્યો.
હું તો એક અદના શબ્દસેવી તરીકે ગઝલો રચું છું અને ગુજરાતમાં અપ્રસિદ્ધ સર્જક રહ્યાની મજા પણ લઉં છું! આમ તો ભાઈ હર્ષદ ત્રિવેદીએ ‘શબ્દસૃષ્ટિ’ માં ને ભોળાભાઈ પટેલે ‘પરબ’માં કૃતિઓ છાપી, આનંદ. વરસમાં એકાદ બે મારી રચનાઓ ‘નયા માર્ગ’ ને ‘નિરીક્ષક’નાં પૃષ્ઠો પર પણ પડઘાય. શહેર પાલનપુરમાં લોકો મને પ્રાધ્યાપક એ.ટી. સિંધી ‘મૌલિક’ના નામ-કામથી માનભેર પ્રેમથી ઝૂલાવે છે. લાડલા પાલનપુરી મિત્રો ‘મૌલિક’ પાલનપુરી નામે મારી ઓળખાણ મને પણ કરાવે છે, ત્યારે ગદગદિત થાઉં છું. કારણ કે હું કવિઓના શહેરમાં રહું છું …… શ્વસુ છું ; કવિઓ અને કવિતાને અપાર પ્રેમ કરું છું.
જે શહેરના મુશાયરાઓમાં હું લાગલગાટ હાજર હોઉં છું એ પાલનપુરમાં આગામી સરકારી મુશાયરામાં કવિ તરીકે હું ભાગ નહીં જ લઉં. કાર્યક્રમના સ્થાનિક સંયોજક ભાઈને મારો ઉક્ત નિર્ણય જણાવતાં મેં સખેદ કહ્યું ‘ભાઈ તમે જાણો જ છો કે મુશાયરા પ્રવૃત્તિ મને કેટલી વહાલી છે ! પણ મારા ઉસૂલોને કારણે હું કવિ તરીકે ભાગ નહીં લઇ શકું’ અલબત્ત ઉક્ત શબ્દો જણાવતાં મારા હૃદયને सद्दय: पर स्नाता સરખી પળોના અલૌકિક આનંદ થયાની અસાધારણ ખુશી પ્રાપ્ત થઇ છે.
ગુજરાતના અક્ષરકર્મીઓને ‘સ્વાયત્તતા’ના હક અધિકારથી ઓછું કશું ય ના ખપજો! આમીન!
Email : atsindhimaulik@gmail.com
લખ્યા તારીખ : ૨૪-૦૩-૨૦૧૮
પાલનપુર
સૌજન્ય : “નિરીક્ષક”, 01 અૅપ્રિલ 2018; પૃ. 16