Opinion Magazine
Number of visits: 9448667
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સદા હસમુખ હરનિશ જાની

કનુભાઈ સૂચક|Opinion - Opinion|21 August 2018

અમેરિકામાં વસતા રાજપીપળાના એક સંસ્કારી કુટુંબના રાજકુમાર સરખા નબીરાની વાત કહેવાનો આ ઉપક્રમ છે.

લગભગ ચાર દાયકાના અમેરિકાના વસવાટ પછી પણ જેની સ્મૃિતમંજૂષામાં રાજપીપળા અને ગુજરાત જાણે ગઈકાલની ઘટના હોય તેમ સચવાઈને પડ્યા છે. ૧૯૪૧માં હરનિશભાઈનો જન્મ. એ સમયે ગુજરાતથી મુંબઈ કે કલકત્તા જઈને વસતા લોકો પણ પરદેશવાસી કહેવાતા. મહત્ત્વાકાંક્ષી યુવાનો નસીબ અજમાવવા ઘરથી દૂર ઘર વસાવવા નીકળી પડતાં. ૧૯૭૧માં પણ એ જ સ્થિતિ હતી. અને હરનિશને મૂકવા આવેલાં લોકો વિમાન મથકની પ્રમાણિકતાથી અંદર જઈ બારી પાસે બેઠેલાંને જોઈ શકે એટલાં નજીકથી અમેરિકા જવા નીકળેલ આ સાહસિક યુવાનને ‘આવજો’ની શુભેચ્છા આપી.

આ સ્નેહસિક્ત ‘આવજો’ અનેક પરદેશ જઈ વસેલાઓને દેશ સાથે જોડી રાખે છે. અહીં હરનિશના જીવનવૃતાંતની વિગતો નથી આપવી પણ ‘આવજો’નો અવાજ તેના મનમાં ઘૂંટાયા કર્યો તેના પરિણામની વાત કરવી છે. બાળપણથી ગૃહસ્થાશ્રમનો પ્રવાસ અને પ્રવૃત્તિમાં વ્યસ્તતા પછી માતાપિતા, ગામ, શાળા, શાળાભેરુઓ સાથે વ્યતીત સમયની સંવેદના સંકોરવા હરનિશે તેના સ્વભાવને સહજ આનંદપથ પસંદ કર્યો. બે પુસ્તકો લખ્યાં ‘સુધન’ અને ‘સુશીલા’. પિતા સુધનલાલ અને માતા સુશીલા. આ કથાઓ હતી, ઘટનાવર્ણન હતું કે હાસ્યરચનાઓ ? પુસ્તકના આવાં તે નામ હોય ? પુસ્તકોનો સાહિત્યપ્રકાર કયો ? સલાહો મળી અને સન્માન સાથે અવગણી. પૂર્ણ પ્રામાણિકતાથી સ્મૃિતઓ સંજોવી. હસતાંહસતાં સંજોવી. ડંખરહિત સંજોવી અને પુસ્તકનાં નામ એ જ રાખ્યાં. ગુજરાતી સાહિત્ય અકાદમી અને સાહિત્ય પરિષદમાં પુરસ્કૃત થયાં. દેશથી દૂર વસેલો આ માનવી અમેરિકામાં પણ દેશી જ છે.

આ માણસ ‘દેશી’ કેમ છે એ વાત કરવી છે. હરનિશભાઈ માટે કંઈ લખવું હોય તો પ્રામાણિક જ રહેવું પડે. એટલે ભૂમિતિમાં પ્રમેય સિદ્ધ કરવું પડે તેમ તેને જેવા જોયા છે અને જાણ્યા છે તે વાત કર્યા પછી સંતોષ અને શ્રદ્ધાપૂર્વક કહી શકાય કે ‘ઈતિ સિદ્ધમ’ તો પરિચય સાર્થક.

૨૦૦૭માં ન્યુ જર્સીના એક ગુજરાતી સાહિત્યિક સમારંભમાં હરનિશભાઈ જાનીને સભાસંચાલન કરતા જોયા. સભા સંચાલન કરતા ઘણાં લોકો સ્વયંપ્રભાથી જ એટલાં અંજાયેલા હોય છે કે સભાના મુખ્ય વક્તાઓનો સમય પણ પોતે જ હડપ કરી જતાં હોય છે. પરંતુ અહીં સંચાલક વક્તાઓનો પરિચય આપવા અને બોલવા આમંત્રણ આપવામાં સંયમ દાખવવા સાથે પોતાની વાતમાં સહજ હાસ્ય ઉમેરી ઉપસ્થિત સર્વ અને વક્તાને પણ હળવાફૂલ કરી દેતા હતા. ભારતથી આવતાં અનેક સાહિત્યકારોએ આ અનુભવ કર્યો જ હશે. સમારંભ પછી નવાંગતુક જોઈ મારી પાસે આવી કહે ‘તમને પહેલીવાર જોઉં છું, તમારું નામ શું?’ નામથી એ અપરિચિત હતા પરંતુ કામથી પરિચિત હતા. ત્યાં ઉપસ્થિત સૌ સાહિત્યકારો અને કાર્યકરો સાથે મારો પરિચય કરાવ્યો. આ પછી આજ દિવસ સુધી એ ઘનિષ્ઠ મિત્ર બની રહ્યા છે. પોતાને વિશેષ લાગીએ તેવું આપણી સાથે તેમનું વર્તન. એ પછી તેમની, તેમના ત્યાંના મિત્રો અને ત્યાં જઈને આવેલાં અનેક સાહિત્યકાર મિત્રો સાથે વાતો કરતા હરનિશની અનેક વિશેષતાઓનો પરિચય મળ્યો. હરનિશની ચાહ દરેકેદરેકને આપવામાં જ આનંદ અનુભવે છે.

તબિયતથી મોળા આ માનવીએ પોતાનાં સ્વાસ્થ્યને, ગુજરાતી હાસ્યરસ સાહિત્યના મહાન સર્જક જ્યોતીન્દ્રભાઈ દવે જેમ, હસવામાં ખપાવી દીધું છે. અહીંથી ત્યાં જતાં અનેક સાહિત્યકારોને તેમની સેવાઓનો લાભ મળ્યો છે. ગાંઠના ગરથથી આડંબર વગર આપ્તજન જેમ તેમને વિમાનસ્થળેથી લાવવા-મૂકી આવવા, સભાસ્થળે લઈ જવા, ઘેર ઊતારો આપવો. પ્રખ્યાત પ્રિન્સટન યુનિવર્સિટી અને અન્ય સ્મારકો બતાવવા. મિત્રો સાથે મિલન રાખવું. ઘેર સાહિત્યસભા રાખવી. આ બધાં કામમાં પત્ની હંસાબહેનનો સક્રિય સહકાર. હંસાબહેન નાનપણમાં જરૂર કોઈ કુસુમલચિત ઉપવન પાસે રહ્યાં હશે. કોમળ પ્રફ્ફુલિત કુસુમ સમાન તેમનો સ્વભાવ અને હરનિશ સાથે સદૈવ સહકાર. અને હાં હરનિશને ગમતાં ગુલાબનું ફૂલ તેમની કેશરાશિમાં હંમેશાં જોવા મળે. આ બન્ને મહાભારતના સહદેવ જેવાં છે. તેમની આ વિશેષતાઓનું જ્ઞાન તેમને પોતાને પણ નથી. તેઓની પરોણાગત માણનારા જાણે છે કે તેઓ કેટલી સહજતા એ કરતા હોય છે. કટુ વચન કે કટુતાનો સ્પર્શ પણ ન દેખાય. આવી નરમાશ અને તે પણ આવા મજબૂત મનોબળવાળા માણસમાં વિસ્મય પમાડે.

હરનિશ વાત કરવાની શરૂઆત કરે ત્યારે નીચેનો હોઠ દબાય અને તેની મર્માળુ મુખમુદ્રામાંથી પહેલો શબ્દ નીકળતા પોતાનો સમય લે, પરંતુ પછી અસ્ખલિત વહે. હાસ્યના ફુવારા ઊડે. પંચાત કોઈની નહીં. કોઈના માટે વાંકા શબ્દો નહીં. તેમનો કટાક્ષ પણ રોજબરોજના બનાવો ઉપર જ. કથાકાર મોરારિભાઈની કથામાંથી જેમ કથાઓ વહેતી રહે તેમ ઘટનાઓના વર્ણન સાથે તેમનું હાસ્ય ફોરતું રહે.  ક્યારેક કંઈ ભૂલી જાય તો તેમની વાતો અનેક વખત સાંભળી ચૂકેલ હંસાબહેન તરત જ પૂર્તિ કરી આપે. સાંભળનારને કંટાળો પણ ન આવે. વાતોડા આ માનવીમાં ફરી વિસ્મય થાય તેવું વાતરખાપણું પણ છે.

૨૦૧૭માં ઓક્ટોબર મહિનાની ૨૮મી તારીખે ન્યુ જર્સીમાં અમારા ઘેર સુશીલાના જન્મદિવસની ઉજવણીમાં લગભગ ચાર કલાક સાથે હતા, પરંતુ બીજે જ દિવસે તેમનો ફોન આવ્યો ‘ હજી ઘણી વાતો કરવી છે, કાલે સાંજે સાથે બહાર જમવા જઈશું. હું આવીને લઈ જઈશ.’ સાંજે વરસાદ આવ્યો અને ફરી ફોન આવ્યો ‘ કાલે આપણે બપોરનું ભોજન સાથે લઈશું.’ પછી તો સંપર્ક જ તૂટી ગયો. પછી ખબર મળ્યાં કે આ ભાઈશ્રીને એક આંખમાં સહેજ તકલીફ થઇ ગઈ તો હોસ્પિટલે જવું પડ્યું. પણ ફોનમાં  હસતાહસતા કહે છે કે હવે થોડો સમય વાંચવા અને લખતાં નહીં ફાવે. તે પછી બે દિવસમાં જ ફરી ફેસબુક પર કોઈને બિરદાવવા કે પોતાનો એકઅક્ષી અભિપ્રાય આપવા ટપકી પડે છે. આવી સજિન્દગી જવલ્લે જ જોવા મળે. અનેક શારીરિક ઉપાધિઓ સાથે ફરતા આનંદ અને ઉલ્લાસના આ માનવનગરની મુલાકાત લેવી એ લ્હાવો .. દેશનો માણસ, વિદેશમાં દેશી અનુભૂતિ લઈ જીવે છે અને જિંદગીની  પળેપળને માણે છે. જય હો !

૨૦૧૮ના મે મહિનામાં તેમની આંખ અને અન્ય રોગોની ખાસ દવા ભારતથી સાથે લઈ ગયા હતા. તે લેવા ઘેર આવ્યા. આ વખતે કાર હંસાબહેન ચલાવીને આવ્યાં હતાં અને હરનિશભાઈ વોકરના ટેકે ટેકે ચાલતા હતા. વાતોમાં ઉમંગ અને ઉત્સાહમાં કોઈ જ બદલાવ નહીં. ફરી જૂનમાં મળ્યા. અને ફરી તેમનું એ જ રટણ ઘેર રહેવા આવો ખૂબ વાતો કરવી છે. બહાર જમવા જઈશું અને બેસીશું. વિધિની વિચિત્રતા તો જુઓ! સમય અને દિવસ નક્કી કરીએ તે પહેલાં જ હોસ્પિટલે રૂટિન ચેકઅપ કરવા જતાં તેમના ઘરના ડ્રાઈવવે પર પડી ગયા અને હોસ્પિટલના જ નિવાસી બની ગયા.

ભારત પરત આવવા પહેલાં ૧૦મી ઓગસ્ટે તેમને હોસ્પિટલે જઈ મળ્યા. સુશીલા અને હરનિશભાઈ ભરુચની કોલેજનાં વિદ્યાર્થીઓ. બન્નેનાં વિદ્વાન પ્રાધ્યાપક તનમનીશંકરની વાતો કરી. તેમનું અવસાન પણ બે દિવસ પહેલાં જ થયું તે વાત કરી. મારો હાથ પકડી ગદ્દગદ્દ કંઠે મિત્રતા માટે કૃતજ્ઞતા વ્યક્ત કરી. આંખમાં આવતાં આંસુ રોકી અમે વિદાય લીધી અને તેઓએ ૨૦મી ઓગસ્ટ ૨૦૧૮ના રોજ રાત્રે ૮.૩૦ વાગે રોગો સામે તેમનો પ્રતિકાર પૂરો થયો અને કાયમી વિદાય લીધી. રોગો સામે એક યોદ્ધાની જેમ એ લડ્યા. મૃત્યુ સાથે પણ મજાક કરતા રહ્યા. હાસ્ય તેમને માટે આયાસ નહીં જીવનની સહજતા હતી. દિલદાર દોસ્ત ! તમારી સ્મૃિતથી અમે સદા હર્યાભર્યા.

e.mail : kanubhai.suchak@gmail.com

Loading

21 August 2018 admin
← ઊડી ગયો હંસ
પાકિસ્તાન સાથે સંબંધો સુધારવામાં બહુ ઉતાવળ કરવાની જરૂર નથી તો દૂર ભાગવાની પણ જરૂર નથી →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved