Opinion Magazine
Number of visits: 9476802
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સામાજિક, સાહિત્યિક, સાંસ્કૃિતક ક્ષેત્રે ‘કુમાર’ માસિકનું પ્રદાન

અશોક ચાવડા|Opinion - Literature|24 April 2017

પ્રાસ્તાવિકઃ

સાહિત્ય અને પત્રકારત્વ અલગ હોવા છતાં લગોલગ છે એટલે જ સુધારકયુગથી અનુઆધુનિક યુગ સુધી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પત્રકારત્વ સાહિત્યને ઉપકારક રહ્યું જ છે. સામાન્ય રીતે પત્રકારત્વ સમાજજીવનને મુખ્યત્વે સપાટી પરથી પ્રતિબિંબિત કરે છે તો સામયિક પત્રકારત્વ સમાજજીવનને સપાટીથી લઈને તળિયા સુધી તાગે છે. સુધારક યુગ, પંડિત યુગ બાદ ગાંધીયુગ દરમિયાન સમાજજીવનને તાગવાની દૃષ્ટિ ગાંધીપ્રભાવને લીધે વધારે તીવ્ર બની અને એટલે જ ગાંધીયુગ સાહિત્ય સાથે સાથે સાહિત્યિક સામયિક પ્રકાશન માટે પણ વિશેષ જાણીતો છે. ગાંધીયુગમાં 'વીસમી સદી' (1916), 'નવજીવન' (1919), 'ચેતન' (1920), 'ગુજરાત' (1922), 'નવચેતન' (1922), 'કૌમુદી' (1924), 'માનસી' (1935), 'કુમાર' (1924), 'પ્રસ્થાન' (1926), 'રશ્મિ' (1934), 'ફાર્બસ ગુજરાત સભા' (1936), 'રેખા' (1939), 'સંસ્કૃિત' (1947), 'દક્ષિણા' (1947), 'અખંડ આનંદ' (1947), 'રમકડું' (1949), 'મિલાપ' (1950) જેવાં સામયિકો પ્રકટ થતાં હતાં. આ પૈકી આજે પણ પ્રકાશિત થતાં હોય તેવાં ત્રણ જ સામયિકો છે – 'નવચેતન', 'કુમાર', અને 'અખંડ આનંદ'. 1924 થી અવિરત (1987થી 1990ના ત્રણેક વર્ષના અપવાદને બાદ કરતાં) સળંગ પ્રકાશિત થતું હોય તેવાં 'કુમાર' માસિક વિશે આજે આપણે અથથી ઇતિ વાત કરીશું.

'કુમાર'નો ઇતિહાસ અને વર્તમાનઃ

એપ્રિલ, 1916માં હાજી મહંમદ અલ્લારખિયાએ 'વીસમી સદી' સચિત્ર સામયિકનું પ્રકાશન શરૂ કર્યું, જેમાં રવિશંકળ રાવળ પણ સંકળાયેલા હતા. રવિશંકર રાવળ 'વીસમી સદી' માટે કૃતિ અનુરૂપ સ્કેચ તૈયાર કરતા. પ્રારંભે 'માત્ર વિદ્વાનો માટે નહીં, માત્ર સાક્ષરોને માટે નહીં, પણ સમગ્ર પ્રજાને માટે આ નવું સાહસ છે' એવું કહેતા હાજી મહંમદના નિધન બાદ 1922ની આસપાસ આ સામયિક બંધ થયું અને રવિશંકર રાવળને પોતીકું સામયિક શરૂ કરવાનો વિચાર આવ્યો.

ગુજરાતના કલાગુરુ તરીકેનું બહુમાન ધરાવતા રવિશંકરભાઈ રાવળ (જન્મઃ 01-08-1892, અવસાનઃ 09-12-1977) 'ગુજરાતમાં કલાના પગરણ' અંતર્ગત નોંધે છે તેમ માનતા કે 'આપણે પ્રજાજીવનને ખીલવવું હોય તો શાળા અને ઘરની વચ્ચે સંબંધ સાધતું વ્યવહાર, સાહસ અને ચારિત્ર્યમાં સજગતા તથા તાલીમ આપે એવું પત્ર ઘડવું જોઈએ.' આ વિચારને મૂર્તિમંત કરવા જાન્યુઆરી, 1924માં રવિશંકર રાવળે કુમાર માસિકનો પ્રારંભ કર્યો અને તેમની સાથે જોડાયા 'નવજીવન'માં ઘડાયેલા બચુભાઈ રાવત. 'કુમાર' વાસ્તવમાં દક્ષિણામૂર્તિ ભાવનગર ખાતે અનંત અને ઉપેન્દ્ર નામના મિત્રોના હસ્તલિખિત સામયિકનું નામ હતું. આ નામ આ મિત્રો પાસેથી રવિશંકરભાઈએ લઈ લીધું અને 'કુમાર'ના પ્રથમ અંકમાં તેમનો આભાર પણ માન્યો.

જાન્યુઆરી, 1924થી ડિસેમ્બર, 1942 સુધી રવિશંકરભાઈની અંગત માલિકી હેઠળ 'કુમાર' માસિકનું પ્રકાશન ચાલ્યું. 'કુમાર પ્રોસેસ સ્ટુડિયો' અંતર્ગત બ્લોક બનાવવા તેમ જ પ્રકાશન કરવું ઇત્યાદિ કામગીરી ચાલતી. ડિસેમ્બર, 1942ના અંકમાં પહેલા પાને 'કુમાર બંધ થાય છે' તેવી જાહેરાત કરીને રવિશંકરભાઈએ નિવૃત્તિ લીધી. અત્રે એ પણ નોંધવું રહ્યું કે રવિશંકર રાવળે 'ગુજરાત કલાસંઘ'ની પણ સ્થાપના કરી હતી. આમ, કલા અને સાહિત્ય વિશ્વ પર રવિશંકરભાઈનું આ અદકેરું ઋણ છે.

અલબત્ત, તે સમયે આવું માસિક બંધ ન થવું જોઈએ એવી નેમ સાથે ગુજરાતના કેટલાક સાહિત્યરસિક સંસ્કારી શ્રેષ્ઠીઓ આગળ આવ્યા અને 'કુમાર કાર્યાલય લિમિટેડ', નામની કંપનીની સ્થાપના કરીને આ માસિકને ચાલુ રાખવાની ઇચ્છા વ્યક્ત કરી. પરિણામે જાન્યુઆરી, 1943થી બચુભાઈ રાવતે [જન્મ : 27 ફેબ્રુઆરી 1898] 'કુમાર કાર્યાલય લિમિટેડ' અંતર્ગત આ માસિકને ચાલુ રાખવાની બીડું ઉઠાવ્યું. તેમની સાથે ચિત્રકાર બિહારીલાલ ટાંક પણ જોડાયા. રૂપિયા 20નો એક એવા 1 લાખના શેર જાહેર કર્યા, જેમાંથી તે સમયે માત્ર 50 હજારના શેરનું ભરણું મળ્યું. આમ, એ આવકમાંથી 'કુમાર' બચુભાઈના તંત્રીપદે પ્રકાશિત થવા લાગ્યું. એ સમયે અંદાજે 24 વ્યક્તિઓના સ્ટાફ સાથે 'કુમાર કાર્યાલય લિમિટેડ' ચાલતું, જે અંતર્ગત કોમ્પોઝ, બ્લોક મેકિંગ, પ્રિન્ટિંગ, બાઇન્ડિંગ ઇત્યાદિ તમામ કામગીરી કુમારમાં જ થતી. ગુણવત્તા સાથે સમાધાન ન કરતાં દર વર્ષે કુમારની ખોટ વધવા લાગી. એક બાજુ માતબર રકમનું દેવું 'કુમાર કાર્યાલય' પર થઈ ગયું અને બીજી બાજુ 1980માં બચુભાઈ રાવતનું અવસાન થયું. બચુભાઈના નિધન બાદ તેમના પુત્ર અશોક રાવત અને બિહારીલાલ ટાંકે 'કુમાર' ટકી રહે તે માટેના પ્રયત્નો હાથ ધર્યા. બિહારીલાલ ટાંકના તંત્રીપદે 'કુમાર' ચાલુ રહ્યું, પરંતુ 1982થી 1987 દરમિયાન ગ્રાહકો તૂટવા લાગ્યા. લિમિટેડ કંપની હોવાથી ખોટ વધતી જતી હોવાથી 1986ના વર્ષમાં 'કુમાર'નું પ્રકાશન ન થયું. એ સમયગાળા દરમિયાન ગુજરાત યુનિવર્સિટીના ભાષાભવનના ગુજરાતી વિભાગના પ્રોફેસર અને વિભાગાધ્યક્ષ ડૉ. ધીરુ પરીખે બિહારીલાલને સંપાદકીય સહાય કરી. જુલાઈ 1987થી 'કુમાર' બંધ થયું. મોટા ભાગનું દેવું હીરાલાલ ભગવતીએ અંગત રસ લઈને માફ કરાવ્યું. સ્ટાફ છૂટો કરી દેવામાં આવ્યો. માત્ર બિહારીલાલભાઈ અને અશોક રાવત જ કુમાર સાથે જોડાયેલા રહ્યા. ત્રણ વર્ષ દરમિયાન બહોળી સંખ્યામાં 'કુમાર'ને પુનઃ ચાલુ કરવા બાબતના પત્રો આવ્યા અને ડિરેકટર્સની મીટિંગમાં 'કુમાર'ને પુનઃ ચાલુ કરવા બાબતે ચર્ચા ચાલી. જુલાઈ 1987થી જુલાઈ 1990 સુધી 'કુમાર' સદંતર બંધ રહ્યું.

12 જુલાઈ, 1980 ના રોજ બચુભાઈના અવસાન વખતે ડૉ. ધીરુ પરીખે તેમને આપેલ વચનની પૂર્તિ રૂપે 'કુમાર'ને બેઠું કરવાનો સંકલ્પ હાથ ધર્યો અને અનેક પ્રયત્નો બાદ જુલાઈ 1990 બાદ ડૉ. ધીરુ પરીખના તંત્રીપદે 'કુમાર' પુનઃ પ્રકાશિત થયું. એ ગાળામાં રોજના સોએક પોસ્ટકાર્ડ્સ લખીને ગ્રાહકોને 'કુમાર' માટે ફરી આકર્ષવાની કોશિશ કરી. 1996માં 'કુમાર ટ્રસ્ટ'ની સ્થાપના થઈ અને આ ટ્રસ્ટમાં એક ઠરાવ કરીને 'કુમાર' માસિકના પ્રકાશનની જવાબદારી સ્વીકારવામાં આવી ત્યારથી તે આજ દિન સુધી ડૉ. ધીરુ પરીખના તંત્રીપદે 'કુમાર' પ્રકાશિત થતું રહ્યું છે. 'કુમાર ટ્રસ્ટ'ના વર્તમાન ટ્રસ્ટીઓમાં ભાલચંદ્ર શાહ, કુમારપાળ દેસાઈ, અંજનાબહેન ભગવતી, રઘુવીર ચૌધરી, ધીરુ પરીખ અને પ્રફુલ્લ રાવલ છે. આમ, 'કુમાર'ના આરંભનો શ્રેય રવિશંકર રાવળને જાય છે અને 'કુમાર'ને ઘડવાનો શ્રેય બચુભાઈને જાય છે, તો 'કુમાર'ને સંવર્ધિત કરીને 'કુમારસંસ્કૃિત' ટકાવી રાખવાનો શ્રેય ડૉ. ધીરુ પરીખ ને જાય છે.

ધીરુભાઈની કુમારનિષ્ઠાના બળે ગુજરાત સરકાર તરફથી અપાતો 'ગુજરાતી અખબારોમાં શ્રેષ્ઠ આલેખન પુરસ્કાર' 'કુમાર' માસિકને વર્ષ 1994-95 માટે મળ્યો છે. જાન્યુઆરી 2004થી જૂન 2006 સુધી અશોક ચાવડાએ સહસંપાદક તરીકે ડૉ. ધીરુભાઈ પરીખ સાથે કામ કર્યું અને 'કુમાર'ને ડિજિટલ સ્વરૂપ આપ્યું. જાન્યુઆરી 2011થી જાણીતા નિબંધકાર ડૉ. પ્રફુલ્લ રાવલ ઉપતંત્રી તરીકે 'કુમાર' સાથે સંકળાયલા છે. પ્રફુલ્લભાઈ ગુજરાતી સાહિત્ય પરિષદના વર્તમાન મહામંત્રી છે તેમ જ વર્ષ 1982ના કુમારચંદ્રકધારક પણ છે.

'કુમાર'નું સાહિત્યિક, સામાજિક ધ્યેયઃ

કોઈ પણ સામયિક તેનાં ધ્યેય વિના અપૂર્ણ રહે છે. કુમાર માસિકનો ધ્યેય તેના મુદ્રાલેખથી મળી રહે છે. 'ગુજરાતની ઊગતી પ્રજાનું માસિક' એવા મુદ્રાલેખ સાથે પ્રથમ અંકનો પ્રારંભ જે ચિત્ર સાથે થયો તે ચિત્ર આગળ જતાં 'કુમાર'નું પ્રતીકચિહ્ન બની રહ્યો. વરસ એકના 6 રૂપિયાનું લવાજમ ધરાવતું તે સમયે 'કુમાર' દર માસની પૂનમે પ્રકાશિત થશે એમ નક્કી કરવામાં આવ્યું હતું. વર્તમાનમાં 'કુમાર' દર માસની 17મી તારીખે પ્રકાશિત થાય છે. પ્રથમ અંકમાં જ લેખકોને અંતર્ગત આહ્વવાન હતું કે 'ઊગતી પ્રજાને માટે જેની પાસે કંઈક પણ સંદેશો, પ્રેરણા, ઉપયોગી થવાની ઇચ્છા કે માર્ગદર્શક હકીકતો હોય તે આ માસિક માટે ખસુસ લખે. જેઓને માટે આ માસિક ચલાવવામાં આવે છે – તેઓ કુમારો અને કુમારીઓમાંથી જેઓ ઉછરતા લેખકો હશે તેમને અમે યોગ્યતા પ્રમાણે જરૂર સ્થાન આપીશું, કારણ કે અમારી ઇચ્છા છે કે આ માસિક વાંચનારાઓનાં હૃદયનું પ્રતિબિમ્બ બની રહે.'

'કુમાર'નું સાહિત્યિક, સામાજિક, સાંસ્કૃિતક પ્રદાનઃ

ક્રમશઃ 'ગુજરાતની ઊગતી પ્રજાનું માસિક', 'આવતી કાલના નાગરિકો માટેનું આજનું માસિક' અને 'પૂરા પરિવારનું સર્વલક્ષી સુરુચિપૂર્ણ સામયિક' એવા મુદ્રાલેખને 1924થી આજ દિન સુધી 'કુમાર' માસિક ચરિતાર્થ કરતું આવ્યું છે.

ગુગલ ડુગલથી આજે આપણે સુપેરે પરિચિત છીએ. વાસ્તવમાં આવી શરૂઆત 'કુમારે' શરૂ કરી હતી. 1924થી 1980 સુધીના તમામ અંકોમાં 'કુમાર'નું ટાઇટલ વિભિન્ન રીતે લખાયેલું જોવા મળે છે. આમાં પુનરાવર્તન થયું હોય તેવા એકાદ-બે અપવાદ હોઈ શકે તેની ના નહીં, પરંતુ દર વખતે 'કુમાર' એ નામનું રેખાંકન અંક તેમ જ જે તે માસના વિશિષ્ટ પ્રસંગો, તહેવારોને ધ્યાને લઈને નવીન રીતે કરવામાં આવતું તે બાબત તે સમયને ધ્યાને લેતા અદકેરી અને વિશિષ્ટ અવશ્ય ગણી શકાય.

'કુમાર'માં અનુક્રમણિકા પણ વિશિષ્ટ અને વિભાગ મુજબ પ્રકાશિત થાય છે. અનુક્રમણિકા 'સાંકળિયું' તરીકે લેખાય છે અને વર્ષાંતે 'બાર માસનું સાંકળિયું' પ્રકાશિત થાય છે, જેમાં બાર અંકો પૈકી જે કંઈ પ્રકાશિત થયું હોય તેવી વિગતોનું વિહંગાવલોકન સમાવિષ્ટ હોય છે. 'કુમાર' વાચકોના મતને ન્યાય આપીને વાચકોના રસરુચિને પોષવામાં પણ અગ્રસર રહ્યું છે. અનુક્રમણિકા પછી તરત 'વાચકો લખે છે' વિભાગ અંતર્ગત વાચકોના સારા-નરસા પત્રોને પ્રકાશિત કરીને વાચકોના ભાવને વાચા આપવામાં આવે છે.

બચુભાઈના સંપાદનકાળમાં અને 'બુધસભા'ને લીધે આગળ જતાં 'કુમાર'માં કવિતા માટે પહેલું પાનું ફાળવવામાં આવ્યું. 'કુમાર'માં કવિતાનાં તમામ સ્વરૂપોને પ્રાધાન્ય આપવામાં આવતું, મુખ્યત્વે છાંદસ કવિતા. એ વાત નોંધવી રહી કે 'કુમાર'માં કદાપિ ગદ્યકવિતા પ્રકાશિત કરવામાં નથી આવી. ઉમાશંકર જોશી, રાજેન્દ્ર શાહ, સુંદરમ્‌થી લઈને મોટા ભાગના ઉત્તમ કવિઓ 'કુમાર'ની 'કવિતાની કાર્યશાળા'માંથી મળ્યા છે. આમ, છંદોબદ્ધ કવિતા બાબતે 'કુમાર'નું પ્રદાન અનન્ય છે. શરૂઆતમાં 'કુમાર'માં કવિતાનું કોઈ ચોક્કસ પાનું નહોતું આવતું, પણ જ્યાં જ્યાં જેમ જગા પડે તેમ તેમ તે જગાની આપૂર્તિ માટે કવિતાનું પ્રકાશન કરવામાં આવતું. 'કુમાર'માં કવિતા પ્રકાશિત થાય તે સાહિત્યજગતમાં આવકારદાયી ઘટના લેખાતી. 'કુમારમાં પ્રકાશિત થાય તે જ સાચો કવિ' એવી માન્યતા તત્કાલીન સાહિત્યવિશ્વમાં પ્રવર્તતી.

'લઘુકથા', 'ધ્યાનકથા' જેવા ગદ્ય સાહિત્યસ્વરૂપો ગુજરાતી સાહિત્યમાં 'કુમાર'ના માધ્યમથી જ પ્રવેશ્યા. 'કુમાર' તેની વિશિષ્ટ 'લેખમાળાઓ' માટે પણ જાણીતું છે. 'કિશોરકથાઓ', 'ચરિત્ર' એ પણ કુમારપ્રસાદી જ છે.

'કંકાવટી' નામનો મહિલાવિભાગ અને 'શબ્દચિત્ર' તેમ જ 'અડકોદડકો' જેવો બાળવિભાગ 'કુમાર પૂરા પરિવારનું સામયિક' છે એ વાતનું પ્રમાણ છે. 'માધુકરી' નામનો વિભાગ પણ વાચકોમાં એટલો જ પ્રિય છે. કુમાર તેના છેલ્લા પાનાથી પણ વિશેષ છે. આ 'છેલ્લું પાનું' ટુચકાથી લઈને જ્ઞાનવિજ્ઞાનની અવનવી માહિતી તેમ જ પાકકલાની કોઈ વિશિષ્ટ રીતભાત અને 'શબ્દચિત્ર'થી ગાગરમાં સાગર હોય તે રીતે સંપાદિત કરવામાં આવે છે.

ફિલ્મ વિશે પ્રારંભમાં 'કુમાર'માં કશું ન આવતું. 'કંકુ' ગુજરાતી ફિલ્મથી 'કુમાર'માં પ્રથમ વાર ફિલ્મ વિશેના લખાણ આવતા થયા તે આગળ જતા 'ફિલ્માકાશ' જેવી લેખમાળા સુધી વિસ્તર્યાં. અલબત્ત, આવા લેખો ફિલ્મોની સપાટી પરની માહિતી કરતાં ફિલ્મમાં કલાત્મકતા, અભિનયકળા તેમ જ ગીતકવિતા જેવા શાસ્ત્રોક્ત અભિગમથી જ લખવામાં આવતા.

વિજ્ઞાનને તમામ સ્વરૂપોમાં 'કુમારે' પૃષ્ઠોમાં ઉજાગર કર્યું છે, તો જાતીય વિજ્ઞાન કેમ બાકાત રહે? 'કાયાની કરામત' જેવી લેખમાળા થકી યુવાનોને જાતીયશિક્ષણ આપવામાં પણ 'કુમારે' પીછેહઠ નથી કરી. પી.સી. વૈદ્યની 'ગણિત ગમ્મત' લેખમાળા પણ એટલી જ વિદ્યાર્થીઉપયોગી. પદાર્થવિજ્ઞાન, રસાયણવિજ્ઞાન, જીવવિજ્ઞાનની સાથેસાથે ખગોળશાસ્ત્ર વિશે પણ 'કુમાર'માં લેખમાળા હોય જ હોય. કુમાર તેની આવી લેખમાળાઓ થકી વિદ્યાર્થીઓમાં પણ એટલું જ લોકપ્રિય રહ્યું છે. 'આવો શીખીએ અંગ્રેજી', 'શતરંજ', 'કમ્પ્યૂટર' એવી લેખમાળા આજે ય વિદ્યાર્થીમાનસમાં જીવંત છે. 'પ્રાચીન સિક્કા' જેવી માહિતીસભાર લેખમાળા કે 'વિનોદની નજરે' વ્યંગલેખમાળા કે 'વ્યક્તિઘડતર' શ્રેણી હોય કે 'અંગ્રેજી સાહિત્યનું આચમન' જેવી પશ્ચિમી સાહિત્ય ધરાવતી લેખમાળા હોય કે પછી 'રત્ન અને તેનાં પ્રકારો', 'વનવગડાંના વાસી', 'ઉર્મિની ઓળખ', 'અગસ્ત્યને પગલે', 'ટિકિટસંગ્રહ' જેવી લેખમાળાઓ હોય 'કુમાર' તેના મુદ્રાલેખને હંમેશાં વફાદાર રહ્યું છે.

એકાંકી કે દ્વિઅંકીની તુલનમાં 'કુમાર'માં નાટિકાનું વિશેષ પ્રકાશન થયું છે. 'કુમાર' તેના એક એક પૃષ્ઠનો પ્રકાશન માટે કાળજીપૂર્વક ઉપયોગ કરતું હોવાથી બહુ લાંબા હોય તેવા નાટકો તેમ જ ગદ્ય કવિતાનું પ્રકાશન ન કરી શકે તેમ વિચારીએ તો તે લગીરે ખોટું નથી.

'કુમાર' માત્ર સાહિત્ય અને સમાજ પૂરતું સીમિત નથી રહ્યું. કલાગુરુ આદ્ય સ્થાપક હોઈ 'કુમાર'માં કલાને પણ બરાબરનું સ્થાન મળતું. દ્વિતીય મુખપૃષ્ઠ પર જે કલાકારનું રંગીન ચિત્ર પ્રકાશિત થયું હોય તેની વિગતો 'કલાવાર્તા' અંતર્ગત પ્રકાશિત થતી. કોઈ વાર 'કલાવાર્તા'માં કલાકારના જીવન વિશે, તેનાં ચિત્રો વિશે, ચિત્રશૈલી ઇત્યાદિની પણ છણાવટ કરવામાં આવતી.

'કુમાર' તેના 'દિવાળી અંક' અને અન્ય 'વિશેષાંકો' માટે પણ એટલું જ જાણીતું છે. 'રવિશંકર રાવળ વિશેષાંક' હોય કે 'બચુભાઈ રાવત વિશેષાંક' હોય કે 'ટૂંકી વાર્તા વિશેષાંક' હોય 'કુમાર'નો પ્રકાશનવૈભવ પાને પાને ઉજાગર થતો જોવા મળે છે. 'કુમાર' તેના આકર્ષક પ્રિન્ટિંગ માટે પણ વખણાય છે. જોડણી બાબતે પણ 'કુમાર'ના એક સમયે સિક્કા પડતાં. 'કુમાર'ની પ્રકાશનસામગ્રીમાં અનુસ્વારનો ઉપયોગ મહત્તમ કરવામાં આવતો. 'કુમાર' તેના મરોડદાર ટાઇપબ્લોકથી અન્ય સામયિકોથી અલગ તરી આવતું. અલબત્ત શક્ય હોય ત્યાં સુધી શુદ્ધ ગુજરાતી શબ્દોને જ પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવતું, તેમ છતાં અનિવાર્ય હોય તેવા અંગ્રેજી શબ્દો તેના પ્રમાણભૂત ઉચ્ચાર સાથે જ કુમારમાં પ્રકાશિત થતા.

આમ, 'કુમાર'માં પ્રકાશિત 'કાવ્ય', 'ચિત્ર', 'ચરિત્ર', 'આરોગ્ય', 'કલા', 'વાર્તા', 'સાહિત્ય', 'આત્મકથા', 'સંસ્મરણ', 'વિજ્ઞાન' ઇત્યાદિ પ્રત્યેક સામગ્રી વિશે વાત કરવા બેસીએ તો વરસોના વરસ લાગે. એમ કહી શકાય કે પ્રારંભમાં 'કુમાર'માં આધુનિકતા ઓછી હતી અને રોમેન્ટિસિઝમનો પણ અભાવ હતો, પરંતુ સમયાંતરે 'કુમારે' તેના આ પાસાંઓને પણ સરભર કરી દીધા. જેમ જેમ સાહિત્ય અને ચિત્રકળામાં નવીન હવા પ્રવેશી તેમ તેમ 'કુમારે' પણ તે નાવીન્યને સ્વીકારવાનું વલણ અપનાવ્યું. અલબત્ત, આ અભિગમ શાસ્ત્રોક્ત વિશેષ રહ્યો.

'કુમાર'ની બુધસભાઃ

1930ની આસપાસ સત્યાગ્રહની ચળવળ દરમિયાન 'કુમારની મેડી'એ ઉમાશંકર જોશી અને અન્ય કવિઓ રાતવાસો કરતાં. આ રોકાણ દરમિયાન આ કવિમિત્રો કાવ્ય વિષયક નોંધોની વિશદ્ ચર્ચા કરતાં અને એ રીતે એ ત્રિઉરની જોડીએ અનૌપચારિક 'બુધસભા'નો પ્રારંભ કર્યો. આ ત્રિઉર એટલે કવિત્રિપુટીશ્રી ઉમાશંકર જોશી, ત્રિભુવનદાસ લુહાર 'સુંદરમ્' અને રતિલાલ શુક્લ (રામપ્રસાદ શુક્લ). આ અનૌપચારિક 'બુધસભા'નો નિયમિત પ્રારંભ ૧૯૩૨માં મુ. બચુભાઈ રાવતની રાહબરી હેઠળ 'કુમાર કાર્યાલય'માં થયો. 'કુમાર'માં એ સમયે 'કાર્યાલય' નામનું હસ્તલિખિત સામયિક પણ પ્રકાશિત થતું, જેમાં 27 જુલાઈ, 1932ના રોજ 'બુધસભા' મળી હોય તેવો ઉલ્લેખ મળી આવે છે. આ પહેલી બેઠક હશે કે પછી બીજી એ વાત સ્પષ્ટ ન હોવાથી એમ માની શકાય કે 1932થી વિધિવત્ 'બુધસભા'નો પ્રારંભ થયો. તે સમયકાળમાં રવીન્દ્રનાથ ટાગોરના 'શાંતિનિકેતન'માં બુધવારે રજા રહેતી હોવાથી સર્જકમિત્રોએ બુધવારે મળવું એવો સંકલ્પ સંભવત્ કર્યો હશે તેમ માનીએ તો લગીરે ખોટું નથી. સ્વાસ્થ્ય કથળતા બચુભાઈ રાવતે 2 જાન્યુઆરી, 1980ના રોજ 'બુધસભા'ની સોંપણી 'ગુજરાતી સાહિત્ય પરિષદ'ને સોંપી દીધી અને એનું સુકાન ડૉ. ધીરુ પરીખને સોંપવામાં આવ્યું. તે દિવસથી આજ દિન સુધી ડૉ. ધીરુ પરીખના માર્ગદર્શન હેઠળ બુધસભા નિયમિત મળે છે. અલબત્ત, તે વખતે ગુજરાતી સાહિત્ય પરિષદનું મકાન ન હોવાથી 'શ્રી એચ. કે. આર્ટ્સ કૉલેજ'માં મળતી. ત્યાર બાદ પરિષદનું મકાન તૈયાર થતાં ગુજરાતી સાહિત્ય પરિષદ ખાતે 'બચુભાઈ રાવત સ્મૃિતખંડ'માં દર બુધવારે સાંજે 7 થી 8 કલાકે મળે છે જે અંતર્ગત કવિઓ કાવ્યચર્ચા કરે છે. ઉમાશંકર જોશી, રાજેન્દ્ર શાહ, પિનાકિન ઠાકર, બાલમુકુંદ દવે, સ્નેહરશ્મિ, નિરંજન ભગત, પ્રિયકાંત મણિયાર, લાભશંકર ઠાકર, રઘુવીર ચૌધરી, ચંદ્રકાન્ત શેઠ, ચિનુ મોદી, મનહર મોદી, રાવજી પટેલ, હરિકૃષ્ણ પાઠક જેવા કવિઓ બુધસભાની જ નીપજ છે એવું કહેવામાં જરા ય અતિશ્યોક્તિ નથી. મુરબ્બી લાભશંકર ઠાકરને તો અનેક વાર નવ્યકવિને કહેતા સાંભળ્યા છે કે 'સારા કવિ થવું હોય તો બુધસભામાં જાવ.'

કુમારના અમૃતપર્વ નિમિત્તે આયોજિત 'બૃહદ બુધ કવિસંમેલન' અંતર્ગત જૂની અને નવી પેઢીના 21 કવિઓને એક સાથે મંચ પર મૂકીને કુમારે પ્રથમ વાર બુધસભાને ઇતિહાસને લોકો સમક્ષ ઉજાગર કર્યો. રાજેન્દ્ર શાહ, ધીરુ પરીખ, નિરંજન ભગત, નલિન રાવળ, લાભશંકર ઠાકર, ચંદ્રકાન્ત શેઠ, ગીતા પરીખ, રઘુવીર ચૌધરી, પ્રવીણ પંડ્યા, મનહર મોદી, ચિનુ મોદી, હેમંત દેસાઈ, યોસેફ મેકવાન, રાજેન્દ્ર શુકલ, હરિકૃષ્ણ પાઠક, માધવ રામાનુજ, હર્ષદ ત્રિવેદી, નલિન પંડ્યા, રાજેન્દ્ર પટેલ, હરદ્વાર ગોસ્વામી, અશોક ચાવડા – આ 21 કવિઓના કાવ્યપાઠ સાથે સંચાલન દરમિયાન ધીરુ પરીખે બુધસભાની ભૂમિકા વિશે વાત કરી છે.

'બુધસભા અને હું' એવા મારા લેખમાં મેં નોધ્યું છે તેમ "‘બુધસભા’નું નામ કાને પડતા જ આજે પણ કાન સરવા થઈ જાય છે. બુધસભાનું સંચાલન કરતા ધીરુભાઈએ ક્યારે ય કવિ સામે નથી જોયું, માત્ર અને માત્ર કૃતિ સામે જોયું છે. મેં અનેક મોટા માથાઓની કવિતા ‘બુધસભા‘માં નાની થતી જોઈ છે. કવિનું નામ ગુપ્ત રાખીને ધીરુભાઈ કવિતા વાંચે. ત્યાર બાદ નાના-મોટાનો ભેદરાખ્યા વિના દરેકને (ભાવકને પણ, ક્યારેક તો ખુદ કવિને પણ) તે વંચાયેલી કવિતા વિશે પ્રતિભાવ પૂછે. વળી, આ પ્રતિભાવ ‘સરસ છે’, ‘ઠીક છે’, ‘મજા ના આવી’ એવા સુષ્ઠુસુષ્ઠુ ગોઠવેલા ટૂંકા શબ્દોમાં નહીં, પણ સચોટ કારણો સાથે જ આપવો તેવો આગ્રહ પણ રાખે. અંતે તેઓ પોતાની વિશેષ ટિપ્પણી સાથે જે તે કવિતાનું પદ્ધતિસરનું પોસ્ટમોર્ટમ કરી આપે. ઘણી વાર એવું બને કે બધાના અભિપ્રાય કરતાં કંઈ નવી જ વાત ધીરુભાઈ પાસેથી જાણવા મળે."

'કુમારચંદ્રક અને અન્ય પારિતોષિકઃ

'કુમારચંદ્રક' એ ગુજરાતી સાહિત્યનો પ્રતિષ્ઠિત ચંદ્રક છે. આ ચંદ્રકની શરૂઆત યશવંત પંડ્યાએ કરી હતી. 'કુમારચંદ્રક' વર્ષ દરમિયાન કુમારમાં પ્રકાશિત થયેલ સર્વશ્રેષ્ઠ સાહિત્ય, અભ્યાસસામગ્રી ઇત્યાદિને ધ્યાને લઈને કોઈ એક વ્યક્તિને આપવામાં આવે છે. ટૂંકમાં, 'કુમારચંદ્રક' મેળવવા માટે 'કુમાર'માં પ્રકાશિત થવું તે અનિવાર્ય શરત છે. 1944થી શરૂ થયેલો આ રૌપ્યચંદ્રક 1983 સુધી અવિરત અપાતો રહ્યો. 'કુમારચંદ્રક' મળવો એ સાહિત્યવિશ્વમાં ગૌરવપ્રદ બાબત છે. 1950માં ચં. ચી. મહેતાને 'બાંધ ગઠરિયા' માટે તે એનાયત થયો હતો, પરંતુ તેનો તેમણે અસ્વીકાર કર્યો હતો. 1984થી 2002 સુધી આ રૌપ્યચંદ્રક બંધ રહ્યો.

વર્ષ 2003થી આ ચંદ્રક હીરાબહેન ચેરિટી ફાઉન્ડેશન, મુંબઈના સહયોગથી 'કુમાર સુવર્ણચંદ્રક' તરીકે પુનઃ શરૂ થયો તે આજ દિન સુધી આપવામાં આવે છે. 1944થી આજ દિન સુધીના 'કુમારચંદ્રકધારકો'ની યાદી નીચે મુજબ છે. કયા સાહિત્યિક પ્રદાન માટે કોને આ ચંદ્રક આપવામાં આવ્યો તેની વિગતોમાંથી પણ 'કુમાર'ના વિષય વૈવિધ્યની ઝાંખી મળી રહેશે. આ લેખકયાદી પણ કુમારમાં પ્રકટ થતાં સાહિત્યિક સ્તર માટે પૂરતી છે. વળી, લેખમાળાનું વિષયવૈવિધ્ય પણ વાચકોની રસરુચિને પોષક રહ્યું છે.

વર્ષ     લેખક                      પ્રદાન

1944  ડૉ. હરિપ્રસાદ દેસાઈ   રસદર્શન લેખમાળા 

1945  પુષ્કર ચંદરવારકર     પિયરનો પડોશી નાટિકા

1946  યશોધર મહેતા           રણછોડલાલ નાટિકા

1947  રાજેન્દ્ર શાહ             કાવ્યો    

1948  બાલમુકુંદ દવે            કાવ્યો

1949  નિરંજન ભગત          કાવ્યો

1950  વાસુદેવ ભટ્ટ             આપણી રમતો લેખમાળા

1951  બકુલ ત્રિપાઠી            હળવા નિબંધો – નિબંધિકાઓ

1952  શિવકુમાર જોશી         નાટિકાઓ

1953  અશોક હર્ષ                ચરિત્રલેખો

1954  ડૉ. શિવપ્રસાદ જોશી    કાયાની કરામત લેખમાળા 

1955  ઉમાકાંત પ્રે. શાહ         સ્થાપત્ય વિષયક લેખો

1956  સુકાની–ચંદ્રશંકર બુચ   દેવો ધાંધલ નવલકથા

1957  જયંત પાઠક               કાવ્યો

 1958  હેમંત દેસાઈ               કાવ્યો 

1959   ઉશનસ્ – ન.કુ. પંડ્યા  કાવ્યો

1960  નવનીત પારેખ             અગસ્ત્યને પગલે પગલે લેખમાળા

1961  સુનીલ કોઠારી              કલાપરિચયો તથા વિવેચનો

1962  લાભશંકર ઠાકર           કાવ્યો 

1963  પ્રિયકાંત મણિયાર         કાવ્યો

1964  ચંદ્રકાંત શેઠ                કાવ્યો

1965  રઘુવીર ચૌધરી              કાવ્યો

1966  ફાધર વાલેસ                વ્યક્તિઘડતર લેખમાળા

1967  હરિકૃષ્ણ પાઠક            કાવ્યો

1968  ગુલાબદાસ બ્રોકર          નવા ગગનની નીચે લેખમાળા

1969  ભાનુપ્રસાદ પંડ્યા          કાવ્યો

1970  રમેશ પારેખ                 કાવ્યો

1971  ધીરુ પરીખ                 કાવ્યો તેમ જ વિવેચન

1972  મધુસૂદન પારેખ            અંગ્રેજી સાહિત્યનું આચમન

1973  કનુભાઈ જાની              કસુંબલ રંગ લેખમાળા

1974  મધુસૂદન ઢાંકી              લેખો

1975  ડૉ. હરિપ્રસાદ શાસ્ત્રી      પ્રાચીન સિક્કા લેખમાળા

1976  વિનોદ ભટ્ટ                   વિનોદની નજરે લેખમાળા

1977  ભગવતીકુમાર શર્મા         કાવ્યો તેમ જ ટૂંકી વાર્તાઓ

1978  અિશ્વન દેસાઈ                ટૂંકી વાર્તાઓ

1979  શંકરદેવ વિદ્યાલંકાર          પુષ્પમાળા લેખમાળા

1980  બહાદુરશાહ પંડિત            વિચારવિશ્વ લેખમાળા

1981  હસમુખ બારાડી                અંગારાની ફાંટ રેડિયો નાટિકા

1982  પ્રફુલ્લ રાવલ                     અષ્ટ દિક્પાલ લેખમાળા

1983  ચંદ્રશંકર ભટ્ટ શશિશિવમ્    કાવ્યો

2003  રજનીકુમાર પંડ્યા             ફિલ્માકાશ લેખમાળા

2004  રામચંદ્ર ન. પટેલ               કાવ્યો

2005  બહાદુરભાઈ વાંક               ધ્યાનકથાઓ

2006  પ્રીતિ સેનગુપ્તા                   પ્રવાસલેખો

2007  સુશ્રુત પટેલ                     આકાશની ઓળખ માટે

2008  ભગીરથ બ્રહ્મભટ્ટ               આથમતાં અજવાળાં લેખમાળા

2009  પરંતપ પાઠક                    ગ્લોબલ વોર્મિંગ લેખમાળા

2010  રાજેશ વ્યાસ મિસ્કીન          કાવ્યો

2011  પ્રવીણ દરજી                     નિબંધ

2012  રાધેશ્યામ શર્મા                    બોધકથા

2013  યોસેફ મેકવાન                    કાવ્યો

2014  કિશોર વ્યાસ                      સુધારક યુગના મૈત્રીસંબંધો લેખમાળા માટે

2015  હર્ષ બ્રહ્મભટ્ટ                      કાવ્યો

2016  હર્ષદ ત્રિવેદી                      કંકુચોખા લેખમેળા માટે

વર્ષ 2012થી 'શ્રીમતી કમલા પરીખ લેખિકા પારિતોષિક' પણ શરૂ કરવામાં આવ્યું છે, જેમાં વર્ષ દરમિયાન કુમારમાં પ્રકાશિત સાહિત્યસામગ્રી અંતર્ગત મહિલા સર્જકના પ્રદાનને ધ્યાનમાં રાખીને આ પારિતોષિક આપવામાં આવે છે.

વર્ષ       લેખિકા                  પ્રદાન

2012    પન્ના ત્રિવેદી            વાર્તા

2013    ભારતી રાણે            નિબંધ

2014    નિમિષા દલાલ          વાર્તા

2015    રક્ષા શુક્લ                કવિતા

વર્ષ 2013થી 'અરવિંદભાઈ ચીમનલાલ અધ્યાત્મ પારિતોષિક' પણ શરૂ કરવામાં આવ્યું છે, જેમાં વર્ષ દરમિયાન કુમારમાં પ્રકાશિત સાહિત્યસામગ્રી અંતર્ગત જે તે સર્જકના અધ્યાત્મને લગતા સાહિત્યને ધ્યાનને રાખીને આ પારિતોષિક આપવામાં આવે છે.

વર્ષ      લેખક                પ્રદાન

2013   કપિલ ઓઝા       લેખ

2014   ભૂપતરાય ઠાકર  લેખ

2015   હરીશ મીનાશ્રુ     કવિતા

'કુમાર'નાં પ્રકાશનોઃ

સામયિક પ્રકાશન સાથે 'કુમારે' સમયાંતરે પુસ્તકો પણ પ્રકાશિત કર્યા છે. 'શેક્સપીઅરની નાટ્યકથાઓ', 'ઊર્મિની ઓળખ', 'આવો શીખીએ અંગ્રેજી', 'યોગાસનો', 'પ્રસંગપરાગ', 'આરોગ્યસૂત્ર', 'શતરંજ', 'બૃહદ્‌ બુધ કવિસંમેલન કાવ્યો' ઉપરાંત 'કુમાર'માં પ્રકાશિત થયેલી વાર્તાઓ પૈકી 'વાર્તાસંપુટ', 'વાર્તામેળો', 'કુમારની ડીવીડી', 'આચાર્યના આલોકમાં' ઇત્યાદિ 'કુમાર ટ્રસ્ટ'નાં જાણીતાં પ્રકાશનો છે.

'કુમાર'નું આધુનિક સ્વરૂપ અને ડિજિટલાઈઝેશનઃ

માસ કૉમ્યુિનકેશન સાથે સંકળાયેલા યુવા કવિ અશોક ચાવડા 'કુમાર'માં સહસંપાદક તરીકે જોડાયા અને ડૉ. ધીરુ પરીખની રાહબરી હેઠળ 'કુમાર'ને નવીન માધ્યમ સ્વરૂપે લોકો સુધી પહોંચાડવામાં વિશિષ્ટ યોગદાન આપ્યું. સહસંપાદનની સાથેસાથે પ્રોગ્રામ એક્ઝયુકેટિવની જવાબદારી નિભાવીને 'કુમાર ઇન 17 સીડીસ્' પ્રકલ્પરૂપે 'કુમાર'ના 1924થી 2004 સુધીના અંકોનું ડિજિટલાઈઝેશન કર્યું. 'સાંકળિયું' અંતર્ગત આ તમામ અંકોની માહિતી ગુજરાતીમાં સર્ચ કરી શકાય તે રીતે મૂકી આપી. ડિજિટલાઈઝેશન સ્વરૂપે ઉપલબ્ધ હોય તેવાં સામયિકોમાં પણ 'કુમાર' માસિક જ પ્રથમ છે. 'કુમાર'નાં પગલે પગલે ત્યાર બાદ અન્ય સામયિકો પણ ડિજિટલ રૂપે ઉપલબ્ધ થયા, જેમાં 'વીસમી સદી' અને 'ફાર્બસ ગુજરાત સભા' છે. 'કુમાર'ના અમૃતપર્વ નિમિત્તે પ્રોડકશન આસિસ્ટન્ટ તરીકે 'બૃહદ્‌ બુધ કવિસંમેલન'ની ડીવીડી પણ તૈયાર કરીને જૂની અને નવી પેઢીના 21 કવિઓને એક સાથે મંચ પર મૂકી આપ્યા, સાથેસાથે 'બુધસભા'ના વિશિષ્ટ વારસાને લોકો સમક્ષ ઉજાગર કર્યો. સહસંપાદક તરીકે અશોક ચાવડાએ તે સમય દરમિયાન જે કોઈ કૃતિ પરત કરવામાં આવે તે કૃતિ સાથે તે પરત કરવાના કારણો પણ જવાબી પત્રમાં જણાવવાનું શરૂ કર્યું હતું, જેને સાહિત્યજગતમાં સારો એવો પ્રતિસાદ મળ્યો હતો.

ઉપસંહારઃ

કુમારનું સામાજિક, સાહિત્યિક અને સાંસ્કૃિતક પ્રદાન હકીકતમાં તો એક શોધનિબંધનો વિષય છે. કોઈ વ્યક્તિ બહુમુખી હોઈ શકે, પણ કોઈ સામયિક બહુમુખી લગભગ ન હોઈ શકે. કુમાર આ બાબતમાં અપવાદ છે. કુમાર તેની વિશિષ્ટ વાચનસામગ્રીને લીધે પૂરા પરિવારનું માસિક બની શક્યું છે. સાહિત્ય, કળા, જાહેરજીવન, જ્ઞાન અને વિજ્ઞાન હંમેશાં કોઈ ને કોઈ સ્વરૂપે કુમારમાં પ્રતિબિંબાતા રહ્યા છે. ગ્રામ્યથી ગ્લોબલ સુધીની હરળફાળ કુમાર એક જ અંકમાં ભરી શકે છે. કુમારનું પ્રકાશન ગાંધીયુગમાં શરૂ થયું હોવાથી તેની પરિકલ્પના મહદ્અંશે ગાંધીવાદી હોય તેવી પ્રતીતિ થાય છે અને એટલે જ તેનો મુખ્ય આશય વ્યક્તિ અને સમાજને સુશિક્ષિત કરવાનો છે.

કુમારે 1924થી આજ દિન સુધી પોતાના આશયને 93માં વર્ષે એપ્રિલ, 2017ના 1072મા સળંગ અંક રૂપે સુપેરે નિભાવ્યો છે તે પ્રસ્તુત વિગતોમાંથી પણ સ્પષ્ટપણે વર્તાઈ આવે છે. 1924થી અવિરતપણે સાહિત્ય અને સમાજની સેવા થકી વ્યક્તિત્વઘડતર માટે જાણીતું આ સામયિક આજે પણ કુમાર ટ્રસ્ટ, 1454, રાયપુર ચકલા, બઉવાની પોળ પાસે, અમદાવાદ-380 001 ખાતેથી પ્રકાશિત થાય છે. કુમારનો એ ડેલો કે જ્યાં આપણા મૂર્ધન્ય સાહિત્યકારો હોંશેહોંશે બેસતા અને કાવ્યતપ કરતાં તે પણ એક વાર જોવા જેવો છે. આજે કુમારનું લવાજમ વાર્ષિક 300 રૂપિયા, ત્રિવાર્ષિક 850 રૂપિયા અને પંચવાર્ષિક 1400 રૂપિયા છે. કુમારસંસ્કૃિતયજ્ઞમાં વાચક તરીકેની લવાજમઆહૂતિ આપી સાહિત્ય અને સમાજ ધર્મ આપ પણ અદા કરશો જ એવી આશા અસ્થાને નથી.

***

(ડિપાર્ટમેન્ટ ઑફ કૉમ્યુિનકેશન, જર્નાલિઝમ એન્ડ પબ્લિક રિલેશન્સ, ગુજરાત યુનિવર્સિટી ખાતે આપેલું વ્યાખ્યાન, 3 એપ્રિલ, 2017)

e.mail : a.chavda@yahoo.co.in

Loading

24 April 2017 admin
← બાબરી મસ્જિદ તોડી પાડવામાં આવી એ માનવતા સામેનો અપરાધ હતો અને ભારતીય રાષ્ટ્ર સાથેનો વિશ્વાસઘાત હતો
The Shakespeare of Mauritius →

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—310 
  • ગૂજરાત વિદ્યાપીઠ સંઘી છે, ગાંધીની નહીં*
  • દમનકારી શાસન સામે અવાજ ઉઠાવનારને Nobel Peace Prize !
  • અસહમતિ વ્યક્ત કરવાની પણ એક રીત અને ગરિમા હોવી જોઈએ
  • અમેરિકન પ્રમુખની મુલાકાત લીધી એક ગુજરાતી લેખકે

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ
  • आइए, गांधी से मिलते हैं !  
  • પહેલવહેલું ગાંધીકાવ્ય : મનમોહન ગાંધીજીને
  • સપ્ટેમ્બર 1932થી સપ્ટેમ્બર 1947… અને ગાંધી
  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 

Poetry

  • હાજર છે દરેક સ્થળે એક ગાઝા, એક નેતન્યાહુ?
  • ચાર ગઝલ
  • નટવર ગાંધીને (જન્મદિને )
  • પુસ્તકની વેદના
  • શૂન્ય …

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved