મહેતાજીપણું છોડીને કલમને ખોળે માથું મૂકવાની ઘટના નર્મદના જીવનની શિરમોર ઘટના છે
વર્તમાનનું કશ્શીયે ફનાગીરી વિનાનું આપણું સાહિત્યજીવન, નથી લાગતું કે સુખદ છતાં તત્ત્વત: દુ:સાહસ જ છે?
'તમારા મનમાં મારે વિશે સ્વર્ગ જેટલો ઊંચો કે પાતાળ જેટલો નીચો વિચાર હો, તમે મારા કટ્ટા વૅરી કે સાચા સ્નેહી હો, તો પણ હું તમારા શહેરમાં ક્યારેક્ટર છઉં, પછી ગમે તેવો.'
ઉપર્યુક્ત શબ્દો નર્મદના છે. ૨૪ ઑગસ્ટ ૧૮૩૩-માં જન્મ. ગઇ કાલે એની જન્મજયન્તી હતી. "મારી હકીકત" શીર્ષકથી ૧૮૬૬માં એણે આત્મકથા લખેલી. ગુજરાતી સાહિત્યમાં એ સર્વપ્રથમ આત્મકથા છે. એમાં નર્મદની અંગત અને સાહિત્યકાર તરીકેની બન્ને વ્યક્તિતાનો પરિચય મળે છે. સાહિત્યકાર નર્મદને વ્યક્તિ નર્મદમાંથી શું શીખવા મળેલું; કેવા કેવા જીવનપ્રસંગોએ એની પાસે કેવું કેવું લખાવેલું; વગેરે. એ બે વ્યક્તિતા વચ્ચેના આન્તર-જીવનની હકીકતો પીરસતી આ કૃતિને હું નર્મદના અધ્યયન માટે અનિવાર્ય ગણું છું.
આપણી પહેલી મનાયેલી નવલકથા "કરણઘેલો"-ના કર્તા નંદશંકર સાથે નર્મદને મન:દુખ થયેલું. પણ પછી સમાધાન થઇ ગયેલું. એટલે નંદશંકરને એણે ઉપર મુજબનો કાગળ લખેલો. પોતાને 'તમારા શહેરમાં ક્યારેક્ટર છઉં, પછી ગમે તેવો' કહે છે, એ એની આત્મઓળખ છે, જાતસચ્ચાઇ છે, સમાજ પ્રત્યેની બેબાક બેપરવાઇ પણ છે. 'ક્યારેક્ટર' તે 'કૅરેક્ટર', ચરિત્ર, અનોખી વ્યક્તિમત્તા. આગળ લખે છે:
'એ જ વિચાર તમને મારું અભિમાન રાખવાને બસ છે એમ હું અભિમાનથી કહું છઉં ને તમે એ અભિમાન પર હસશો જ – હસો હવે…' શહેરમાં પોતે એક કૅરેક્ટર છે એનું અભિમાન નંદશંકરે રાખવાનું – અવળી પણ કેવી તો સૂચક માગણી ! જાણે છે કે એ પર નંદશંકર હસવાના. એટલે સરસ મજાક કરે છે, 'હસો હવે…' આગળ લખે છે :
'આ કાગળ બંધ કરતાં, મરતી મૈત્રી પાછી ઊઠી તેની ખુશાલીમાં હું મારાં પાનસોપારી ખાઉં છઉં ને તમે તમારી તપખીર સૂંઘજો.' 'મરતી મૈત્રી પાછી ઊઠી' પ્રયોગ કેટલો અર્થસભર છે ! પણ એની ખુશાલીની વાતે મીઠો મર્માળો કેવો ટૉણો મારી લીધો છે !
પ્રેમથી પણ સોઇઝાટકીને કહેવાની નર્મદની આ નિખાલસ નિર્ભીકતાને હું સાહિત્યકારોના મૈત્રી-સમ્બન્ધો અંગે પ્રેરણાદાયી ગણું છું. કેમ કે, અમુક મન:દુખ પછીનાં અમુક સમાધાન તો કાચાંપાકાં કે લીલાંસૂકાં હોય છે. એમાં જો પાન-સોપારીનો રસ અને તપખીરની સુગન્ધ ભળે, આઇ મીન, જો એવી સ્નેહાળ ગરજ ભળે, તો મૈત્રી સજીવન થાય અને એ સુદૃઢ મૈત્રીની રાહે સાહિત્યનાં કામો વધારે સારી રીતે કરી શકાય.
"મારી હકીકત"-માં પ્રકરણોને બદલે ૧૦ 'વિરામો' છે. એમાં, જન્મથી માંડીને કીર્તિના મધ્યાહ્નની, એટલે કે, ૩૩ વર્ષની ગતિશીલ કારકિર્દીની કથા છે. અન્ત ભાગમાં, નર્મદે પોતાની કવિતા વિશેના પોતાના વિચારો મૂક્યા છે, આત્મકથનમાં ધર્મ અને ધ્યાનનો મહિમા સમજાવ્યો છે. વડનગરા વૈદિક નાગર ગૃહસ્થ લહીઆ લાલશંકર દવે, પિતા. માતા, નવદુર્ગા. પિતાનો વ્યવસાય મુમ્બઇમાં તેથી નર્મદની બાલ્યાવસ્થા મુમ્બઇમાં. પાંચ વર્ષની ઉમ્મરે ભૂલેશ્વરની નિશાળમાં શિક્ષણનો પ્રારમ્ભ. પછી સૂરતમાં અને વળી મુમ્બઇમાં ઍલફિન્સ્ટન સ્કૂલમાં. દરમ્યાન, નાનીગૌરી સાથે લગ્ન. સ્કૂલમાં ભૂમિતિ અને ગણિતમાં સારો દેખાવ કરેલો તે શિક્ષક ગ્રેહામ ગ્રીને 'ભૂમિતિ-નિષ્ણાત'-નું સર્ટિફિકેટ આપેલું. પત્નીના અવસાન પછી સૂરતમાં નોકરી. 'યાહોમ કરીને પડો, ફતેહ છે આગે ગાનાર' 'વીર' નર્મદ નાનપણમાં ભીરુ અને અન્તર્મુખી હતો. કાળકામાનાં દર્શન કરે -કહે, 'હું ઘણો અપરાધી છઉં, ક્ષમા કરજે, ને મા, મારું સારું કરજે.' ગાલે તમાચા મારે. પ્રકૃતિ-કવિતા લખનાર નર્મદ નાનપણમાં પ્રકૃતિથી જ ડરતો'તો. એને દરિયાની બીક લાગતી. જો કે એનામાં કવિને છાજે એવાં સંવેદનો જરૂર સ્ફુરતાં. લખ્યું છે : "બંદર પરથી ઘેર જતાં ચાંદની રાતે કોટમાંનાં મોટાં મકાનો જોઇ મને નવાઇ લાગતી, ને મને મુમ્બઇથી આગબોટમાં સુરત આવતાં વલસાડ આગળથી જે હવા બદલાવા લાગતી તે હજી સાંભરે છે."
એ જમાનામાં, સાત-આઠ વર્ષના નાનકાને પરણાવતા. પુરુષો બે-ત્રણ વાર પરણતા. પણ છોકરી નાની વયે રાંડે તો પણ એને રંડાપો વેઠવો પડતો. સાચા સુધારક નર્મદે પત્નીના અવસાન પછી વિધવા ડાહીગૌરી સાથે લગ્ન કરીને આઘાતક દાખલો બેસાડેલો. નર્મદના સાહિત્યલેખનના ઉધામા પણ સ્મરણીય છે. હરદાસનું કામ શીખવા પૂણે જઇને સંસ્કૃતનો અભ્યાસ કર્યો. પહેલી પરીક્ષા પાસ કર્યા વિના જ કૉલેજ છોડી દીધી. પિંગળ શીખવા ગોરધન કડિયા પાસે પદો ગાયાં, એને ખુશ કર્યો, ને પટારામાંથી 'છંદરત્નાવલી' તફડાવી લીધી ! વાલકેશ્વરના ભગવાનદાસના બંગલે દલપત-નર્મદ મળ્યા હતા. ત્યાં દલપતરામ સામે 'દોહરો' ને 'માલિની' છન્દનું પઠન કર્યું. કાવ્યચર્ચા કરી. 'સાગર' કહીને વખાણ્યા પણ મનમાં 'અંધ પ્રતિસ્પર્ધી' તરીકે સ્થાપી રાખ્યા ! માન્યતા બાંધેલી કે ભાંગ પીવી, પાક ખાવો અને સુધારો કરવો. કરસનદાસના બહુ પૈસા ઉડાવેલા પણ એમની સાથે રહીને 'નર્મકોશ' અને 'નર્મકવિતા'-નાં પ્રકાશન તો કર્યાં જ. જદુનાથજી મહારાજ સાથે શબ્દયુદ્ધમાં ઊતરવાની તત્પરતા દાખવી. નર્મદ હમેશાં સચ્ચાઇ અને આપસૂઝ્યા આગ્રહોથી જીવ્યો હતો. એટલે તો કહી શકેલો – 'વીર સત્ય ને રસિક ટેકીપણું અરિ પણ ગાશે દિલથી.' જીવનમાં ભય, ભાવ-ભાવના ને ભાવુકતા હતાં પણ પરિશ્રમે કરીને નર્મદ વિકસ્યો છે. 'સમયવીર' પુરવાર થયો. પળોટાઇને પાછલી વયે 'ધર્મવિચાર' લખવા પ્રેરાયો. જો કે મહેતાજીપણું છોડીને કલમને ખોળે માથું મૂકવાની ઘટનાને હું નર્મદના જીવનની શિરમોર ઘટના ગણું છું. લખે છે :
'મારું મન કવિતા તરફ લાગેલું તેથી મને સ્કૂલમાં છોકરાઓ સાથે માથું ફોડવું દુરસ્ત ન લાગ્યું.' 'સાડા દસથી પાંચ લગી કાહુ કાહુ થાય' એ કવિત નર્મદે પોતાના સ્નેહી આસિસ્ટન્ટ માસ્તરોને દર્શાવેલું તો પેલાઓએ કહેલું – 'વાત તો ખરી છે'. નર્મદ લખે છે : 'નિશાળના કામમાં દિલ ન લાગ્યાથી મેં મારા બાપને પૂછ્યા વિના જ (૧૮૫૮ના) નવેમ્બરની ૨૩-મીએ સ્કૂલની નોકરી છોડી દીધી.' સાહિત્ય માટેની નર્મદની એ ફનાગીરી એ જમાનામાં તો દુ:ખદ દુ:સાહસ ગણાય.
વર્તમાનનું કશ્શીયે ફનાગીરી વિનાનું આપણું સાહિત્યજીવન, નથી લાગતું કે સુખદ છતાં તત્ત્વત: દુ:સાહસ જ છે?
નર્મદે જણાવ્યું છે કે 'આ હકીકત અધૂરી ને ખરડો છે'. એટલે કે, કાચું કામ છે. પણ ઉમેરે છે : 'આ હકીકતમાં જે લખવાનું ઘટતું નહિ જ વિચારું તે તો હું નહિ જ લખું. પણ, આ હકીકતમાં જે જે લખીશ તે તો મારી જાણ પરમાણે સાચેસાચું જ લખીશ. પછી તે મારું સારું સારું હો કે નરસું હો, લોકોને પસંદ પડો કે ન પડો'. આજકાલ કેટલાક સમકાલિકો આત્મકથા લખવા માંડ્યા છે એ સારી વાત છે. આત્મકથા જીવનકથા ડાયરી કે પત્રલેખન ચરિત્ર-સાહિત્ય છે, લાઇફ-લિટરેચર. એ કોઇમાં ય સારું કે નરસું લખવાની છૂટ છે પણ એ બધું હકીકતોથી સાચેસાચું તો લાગવું જ જોઇએ. બીજું, આમાં 'આત્મ' કહેતાં 'સ્વ' કે 'હું' હાજરાહજૂર હોય છે. 'હું'-નો ચરિત્રલેખનમાં તો ખરો જ પણ સાહિત્ય સમગ્રમાં અપાર મહિમા છે. કેમ કે સાહિત્ય-કલાનો એ પ્રાણ છે. જો 'હું' નથી, 'સ્વ' નથી, તો સાહિત્ય કે કલા નથી. રહસ્ય એ છે કે 'સ્વ'-માં સ્થિર થયા પછી જ 'પર' લગી અને એ પછી જ 'સર્વ' લગી પ્હૉંચાય છે, બારોબાર કદી નહીં.
= = =
[પ્રગટ : ‘સાહિત્ય સાહિત્ય’ નામે લેખકની સાપ્તાહિક કટાર, “નવગુજરાત સમય”, 25 અૉગસ્ટ 2018]
સૌજન્ય : https://www.facebook.com/suman.shah.94/posts/2085828774781358?__tn__=K-R