Opinion Magazine
Number of visits: 9449500
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઋષિતુલ્ય ડૉ. વિષ્ણુપ્રસાદ ત્રિવેદી

કશ્યપ મહેતા, કશ્યપ મહેતા|Opinion - Opinion|1 December 2020

ત્રિવેદીસાહેબ અમારે માટે વિષ્ણુકાકા હતા. નાનાં હતાં ત્યારે વાર-તહેવારે અચૂક એમના ઘરે જવાનું. ગમે એટલા વ્યસ્ત હોય પણ તરત જ આવકારે. નાનાને પણ એ તમેથી બોલાવતા. એમની એક ખાસિયત હતી કે એ ઉંમરમાં નાની વ્યક્તિને પણ તુંકારે બોલાવતા નહિ. એમના મોઢામાંથી તું શબ્દ ક્યારે ય સાંભળ્યો હોય એવું યાદ નથી. સેવક ભાઈઓ(પટાવાળા)ને પણ માનવાચક તમેથી જ સંબોધતા. એમનું ઘર આમ તો આદર્શ સોસાયટીમાંનો બંગલો, પરંતુ પ્રવેશો એટલે તમને આશ્રમમાં પ્રવેશતા હોય એવા વાતાવરણની અનુભૂતિ થાય. આશ્રમ જેવું શાંત, સાદગીભર્યું સ્વસ્થ વાતાવરણ. સૌ મૃદુ અવાજે જ બોલે. એક જાતની અદબ જાળવે. ત્રિવેદી સાહેબ શ્વેત ધોતી, સફેદ લાંબુ શર્ટ, લાંબી બાંઇનું, ગળાનું બટન પણ બીડેલું હોય, એમના ઉત્તરાભિમુખ પલંગ ઉપર બેઠા હોય, જમણા હાથ ઉપર એમનો હાથ પહોંચે એ રીતે ગોઠવેલું એક મેજ અને મેજ ઉપર તાજેતરમાં આવેલાં પુસ્તકોની થપ્પી. એ એમના હાથમાં અથવા પલંગ ઉપર જે વાંચતાં હોય એ પુસ્તક પડ્યું હોય. પરંતુ બધું જ એકદમ વ્યવસ્થિત.

સુરત આવતા મહાનુભાવો માટે ત્રિવેદીસાહેબનું ઘર એક તીર્થસ્થાનથી જરાયે ઊતરતું નહોતું, ઉમાશંકર, સુન્દરમ્‌, બળવંતરાય, સ્નેહરશ્મિ, યશવંતભાઈ શુક્લ, જયંત પાઠક, ઉશનસ્‌ જેવી લબ્ધ-પ્રતિષ્ઠિત વ્યક્તિઓ એમને મળ્યા વગર જતી નહિ. કલાકો ગોષ્ઠી ચાલતી, ઉમાશંકરને ત્રિવેદી-સાહેબે યુગપુરુષ કહ્યા હતા, કહેતા, “૧૯૫૦ પછીના ગુજરાતી સાહિત્યયુગને હું ઉમાશંકરયુગ કહું છું.”

એમના અનેકાનેક વિદ્યાર્થીઓ, જેમાંનાં કેટલાંકે બીજી પેઢીના સાહિત્યકારો, લેખકો તરીકે નામના મેળવી હતી, સ્નેહીજનો, દીકરા/દીકરીનું કે નવા આવાસનું નામ શોધવા, એવા અનેક લોકો એમને ત્યાં આવતા અને આવકાર પામતા. રસ્તે પસાર થતો લારીવાળો પણ એમના દર્શને આશીર્વાદ લેવા આવી ચડતો. બેસતા વર્ષે તો એમને ત્યાં રીતસરની ભીડ જામતી અને એ તમામને નામથી બોલાવતા અને આશીર્વચન સંભળાવતા. પુસ્તકપ્રેમીઓ પણ પુષ્કળ આવતા. પોતાના લખેલ લેખ કે પુસ્તક વિષે અભિપ્રાય લેવા, માર્ગદર્શન લેવા તો વળી નવા વાંચવા લઈ જવાવાળા પણ આવતા. જે કોઈ પુસ્તક કે સામયિક કોઈને વાંચવા આપે તો એની નોંધ જાતે રાખતા એટલે એમનાં પુસ્તકો ક્યારે ય ખોવાતાં નહિ. એમને ત્યાં આવનારાઓનો એક વિવિધરંગી પ્રવાહ હતો. એમને ત્યાં જામતી મંડળીમાં અજબગજબની ચર્ચાઓ થતી. ભાર કે દેખાડા વગરનું મોકળાશભર્યું, વિદ્વત્તાસભર, ચર્ચાઓનું વાતાવરણ સર્જાતું, જેના કેન્દ્રસ્થાને ત્રિવેદીસાહેબ જ હોય એ સ્વાભાવિક છે. ઘણી વાર એકદમ અજાણ્યા માણસો પણ એમના દર્શને આવી ચડતા, સ્વપરિચય આપતા અને નમન કરી કૃતાર્થ થયાની લાગણી અનુભવતા, દક્ષિણ ગુજરાતના કુલપતિ તરીકે ડૉ, ઉપેન્દ્ર બક્ષીની વરણી થઈ. ડૉ. બક્ષીને ત્રિવેદીસાહેબ સાથે કોઈ પરિચય નહોતો, પરંતુ સુરત આવીને અચાનક એક દિવસ ત્રિવેદીસાહેબના દર્શને આવી ચડ્યા. આવી હતી વિદ્વત્તા-પાંડિત્યસભર વ્યક્ત્વિની સુવાસ ત્રિવેદીસાહેબની.

ક્યારેક રમૂજભરી ઘટનાઓ પણ બનતી, એક વાર એક અપરિચિત સજ્જન આવી ચડ્યા, પહેલા ત્રિવેદીસાહેબને નમન કર્યા, પછી આજુબાજુ દીવાલ પર લટકાવેલ તસવીરોમાંથી એક તસ્વીરની નજીક જઈ હાથ જોડ્યા. ત્રિવેદીસાહેબને નવાઈ લાગી એટલે એમણે પૂછ્યું કે ભાઈ તમે આ તસવીરને કેમ નમન કર્યાં? પેલા સજ્જને એકદમ નિર્દોષતાથી ઉત્તર આપ્યો, આપના બાપુજી છેને એટલે. ત્રિવેદીસાહેબે માંડ હાસ્ય ખાળ્યું અને કહ્યું, ભલા માણસ, આ તસવીર તો ગોવર્ધનરામ ત્રિપાઠીની છે – સરસ્વતીચંદ્રના લેખક. ત્યારે પેલા સજ્જનને થયું આ તો ભારે ભૂલ થઈ ગઈ.

ત્રિવેદીસાહેબ એટલે પ્રજ્ઞાપુરુષ, ઋષિતુલ્ય, ગુજરાતી સાહિત્યનું પ્રથમ હરોળનું નામ. એમ.ટી.બી. કૉલેજના રળિયામણા કૅમ્પસનું શ્રેય એમને જાય છે, કૉલેજના પ્રાંગણમાં એકએક ફૂલછોડ, વૃક્ષ એમણે પસંદ કરી રોપાવેલાં. એમ.ટી.બી. કૉલેજમાં કૅમ્પસ ઉપર જ રહેતા. કૉલેજથી માંડ પાંચસો ડગલાં દૂર એમનો બંગલો, ત્રિવેદીસાહેબ કાયમ છત્રી એમની સાથે રાખતા. શ્વેત ધોતી, ઉપર શ્વેત લાંબુ ખમીસ, ઉપર લાંબો ડગલો (બંધ ગળાનો કોટ), પગમાં કાળા જોડા (સ્લીપઑન) ભૂખરા રંગનાં મોજાં પર પહેરેલા હોય, હાથમાં છત્રી અને માથે ફેંટો. એકવડિયો બાંધો પણ ખાસ્સું ઊંચું કદ એટલે અત્યંત પ્રભાવશાળી વ્યક્તિત્વના એ સ્વામી હતા. એમને હંમેશાં અમે તબિયતે નાજુક જોયા છે, એમના કમરાની બારી એ હંમેશા બંધ રાખતા. એમના કમરામાં ચાવીવાળું ભીંતઘડિયાળ હતું, જેમાં ટકોરાની ચાવી એ ક્યારે ય આપવા દેતા નહીં, જેથી રાત્રે એમને ખલેલ ન પહોંચે, સામાન્ય રીતે એ પોતાના કમરામાં જ રહેતા, ક્યારે ય બહાર નીકળ્યા હોય એવું ધ્યાન નથી, એમનાં પત્ની શાંતાબહેન બિમાર પડ્યાં ત્યારે એમને નડિયાદ વૈદને બતાવવા જવાનું થયું, ત્યારે હું એમને મોટરરસ્તે લઈ ગયેલો, એના સિવાય મને એઓ ઘરની બહાર નીકળ્યા હોય એવું ધ્યાન નથી.

પ્રકૃતિપ્રેમી ત્રિવેદીસાહેબ એમના બંગલેથી નીકળે ત્યારે દરેક વૃક્ષને નિહાળે, જાણે પ્રકૃતિ સાથે વાર્તાલાપ ના કરતા હોય, કૉલેજ પહોંચતા એમને વીસપચ્ચીસ મિનિટ થાય. માળીને સૂચના આપતા જાય. કૅમ્પસના એકએક વૃક્ષની એમને ઓળખ. દરેક વૃક્ષ પર એમણે નામની તખતી લગાવડાવેલી. વિનોબા ભાવે સુરત આવ્યા ત્યારે ત્રિવેદીસાહેબે એમના હસ્તે કૅમ્પસ પર બોરસલીનું વૃક્ષારોપણ કરાવડાવેલું. ત્રિવેદીસાહેબ પક્ષીઓને અવાજ પરથી ઓળખી શકતા, પક્ષીઓની ઋતુચર્યાની અત્યંત બારીક ખાસિયતો વિષે એમની પાસે અખૂટ માહિતી હતી, વિદ્વત્તા એમની રગેરગમાં હતી, આમ છતાં એવું કહેતા કે હું સાહિત્યકાર હોઉં કે ન હોઉં પણ હું અધ્યાપક છું જ અને મને અધ્યાપક હોવાનું સતત ગૌરવ રહ્યું છે. ગુજરાત યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના આરંભ ટાણે ઉમાશંકર જાતે ત્રિવેદીસાહેબને અધ્યક્ષપદ માટે સમજાવવા આવેલા, પરંતુ ત્રિવેદીસાહેબે સવિનય અસ્વીકાર કર્યો. એમ.ટી.બી. કોલેજનું સદ્‌ભાગ્ય કે ત્રિવેદીસાહેબ જેવી અનેક વિભૂતિઓએ. એમ.ટી.બી.ને જ પોતાની કર્મભૂમિ બનાવી જીવનના અંતિમ શ્વાસ સુધી. એમ.ટી.બી.ની ગૌરવગાથાનાં સુવર્ણપૃષ્ઠો આવી વિરલ વ્યક્તિઓનાં નામથી આભૂષિત છે, ત્રિવેદીસાહેબે જીવનના છેલ્લા દાયકા દરમિયાન ભાષા વિશેની સમાજની ઉદાસીનતા, ટી.વી.નું આક્રમણ, ઘટતાં જતાં સામાજિક મૂલ્યો, બદલાતી રહેણીકરણી, પીડાદાયી લાગતી છતાં પોતાનાં બાળકો, પૌત્રીઓને ટકોર્યાં હશે પણ સખતાઈ નથી કરી.

અમારા કુટુંબ સાથે અત્યંત ગાઢ સંબંધ, મારા પિતાશ્રી(કુંજવિહારી મહેતા)ને ત્રિવેદીસાહેબ  પુત્ર સમાન જ ગણતા, અવારનવાર મારા પિતાશ્રીને પુસ્તકો ભેટ મોકલતા, પુસ્તકના ફ્લાયલીફ ઉપર એમના હસ્તાક્ષરોમાં કંઈક લખ્યું હોય. આવાં અનેક પુસ્તકો અમારી મહામૂલી મૂડી છે. ત્રિવેદીસાહેબે પોતાની નિવૃત્તિને દિવસે એક પુસ્તક મોકલ્યું હતું, જેમાં એમના હસ્તાક્ષરોમાં એમણે આ કાવ્યપંક્તિ લખી હતીઃ

“હવે મારી નજર સુભગ ભૂતકાળે ઠરે,
ભવિષ્ય નહિ સ્પષ્ટ, ડગ ધરતા દ્વિધા શી નડે?”

મારા પિતાશ્રી એમ.ટી.બી. કૉલેજના આચાર્યપદેથી નિવૃત્ત થયા એ દિવસે જે પુસ્તક ભેટ મોકલ્યું હતું એ પુસ્તક પર લખ્યું હતું, “આજના આ સોહામણા ટાણે, શુભેચ્છાસહ ..”

મૃત્યુની અગમજાણ એમને એકાદ મહિના પહેલાં થઈ ગયેલી. દસમી નવેમ્બરે એમનું અવસાન થયું તેના એકાદ મહિના પહેલાં તેમણે એમની ડાયરીમાં નોંધ લખી હતી, “મૃત્યુનો દિન પવિત્ર છે, કશો ય શોક કરવો નહિ, ક્રિયાકર્મ પણ કરાવવાં નહિ,”

ભાષાવિદ્દ, મૂર્ધન્ય સાહિત્યકાર, બહુમુખી પ્રતિભાસંપન્ન, સહૃદયી, સાચા અર્થમાં પંડિત, અને સંતપુરુષે ગુજરાતને ગૌરવ અપાવ્યું છે. સુરતને કર્મભૂમિ બનાવીને અહીં જ વસ્યાં એ સુરતનું સદ્‌ભાગ્ય છે, પરંતુ આવી વિદ્વત્તા અને પાંડિત્યસભર વ્યક્તિની કદર કરવાનું આપણે ચૂક્યા છીએ. વાસ્તવિકતા તો એ છે કે આપણે ઇતિહાસ, ઐતિહાસિક ઇમારતો ખંડેર બનાવી દીધાં પછી શોધવા નીકળીએ છીએ, પરંતુ દંતકથારૂપ વ્યક્તિ વિશેષોની અવગણના કરતા આવ્યા  છીએ. સમસ્ત ગુજરાતમાં ત્રિવેદીસાહેબ જેવી વ્યક્તિઓ જૂજ પાકે છે, જે-તે સમયમાં આવાં પ્રસારણ માધ્યમોના અભાવે એમની પ્રતિષ્ઠા છેવાડા સુધી પહોંચી નહિ એ વિડંબના છે, આજની પેઢીની એ જવાબદારી બને છે કે આવી દંતકથારૂપ વ્યક્તિઓની જીવનકથાનો વારસો આવનારી પેઢી સુધી સુપરત કરે તો જ ઇતિહાસ સાહિત્યકારો લખશે, નહિ તો હવે પછીની પેઢી રાજકારણીઓએ લખેલા ઇતિહાસ ભણશે અને એ સમયે સાચુંખોટું ભેદ તારવવાનું શક્તિસામર્થ્ય એમની પાસે નહિ હોય.

સ્મરણોની કેડીએ આંગળી પકડી એક પછી એક પ્રસંગો, સ્મરણપટ પર ઊપસતા જાય છે, અને સન્મુખ છે પૂજ્યશ્રીનો મરકતો, ગૌરવર્ણો તેજસ્વી ચહેરો, એમના નિવાસસ્થાન “મૈત્રી” સામેથી પસાર થતાં ચિત્ત, ત્રણચાર દાયકા રિવાઇન્ડ થઈ જાય છે અને વાસ્તવિકતાનાં શૂળ ભોંકાય છે પરંતુ   સ્મરણો એ જ મોટી મૂડી એમ માની મનને મનાવવું રહ્યું.

સત્યગરવો, રમણીયતાનો ઉપાસક, પ્રકૃતિપ્રેમી, નિઃસ્પૃહતા જેમના આચાર અને વિચારમાં વસતી, ગુજરાતી સાહિત્યના વાંગ્મય અવતાર સમો એમનો પુરુષાર્થ ચિરંજીવ છે અને સાચા સાહિત્ય ઉપાસકોમાં એ અજસ્ર ધબકતો રહેશે, આ મહાપુરુષને એમની પુણ્યતિથિએ ભાવસભર શ્રદ્ધાંજલિ! ……

(દસમી નવેમ્બરે વિષ્ણુપ્રસાદ ત્રિવેદીની વિદાયને ૩૦ વર્ષ થયાં)

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ડિસેમ્બર 2020; પૃ. 09-10

Loading

1 December 2020 admin
← — અને જેનેટ કૂકે પુલિત્ઝર-પુરસ્કાર પાછો આપ્યો …
બિહાર ચૂંટણીમાં ડાબેરી ઉભાર →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved