રોજર આઇલ્સે મુર્ડોકને સમજાવ્યું હતું કે કેન્દ્રની ડાબે રહીને કે મધ્યમાં રહીને વિવેકપૂર્વક અને જવાબદારીથી પત્રકારત્વ કરનારી ઘણી ચૅનલો છે, પરંતુ કેન્દ્રની જમણી બાજુએ જગ્યા સાવ ખાલી છે. આમ પણ સરેરાશ અમેરિકન હતાશ છે અને તેને શૌર્યના ટૉનિકની જરૂર છે. આમાં આબરૂ સિવાય કાંઈ ગુમાવવાનું નથી, બાકી લાભ જ લાભ છે : મુર્ડોકને અને આબરૂને ક્યાં લેવાદેવા હતી અને રૉજર આઇલ્સે તો બાળપણથી જ આબરૂ સાથે છેડો ફાડી નાખ્યો હતો. મુર્ડોક અને આઇલ્સની યુતિમાંથી મારો-કાપોનું દેશપ્રેમી મૉડલ વિકસ્યું છે જે અત્યારે ભારતમાં ખૂબ પ્રચલિત છે
ગયા ગુરુવારે રૉજર આઇલ્સ નામના એક અમેરિકન પત્રકારનું મૃત્યુ થયું એની નોંધ ખબર નહીં કેમ ભારતીય મીડિયાએ લીધી નથી. સાધારણપણે પત્રકાર એવી કોઈ મોટી હસ્તી નથી ગણાતી કે તેના મૃત્યુના સમાચાર જગતભરનાં અખબારોનો વિષય બને, પણ રૉજર આઇલ્સના અવસાનની નોંધ લેવી પડે એવા પત્રકાર હતા. આટલી પૂર્વભૂમિકા વાંચ્યા પછી તમારા મનમાં થતું હશે કે રૉજર આઇલ્સ કોઈ મરદનો દીકરો એવો જાંબાઝ પત્રકાર હશે જેણે જાનના જોખમે સત્ય માટે લડત આપી હશે અને સત્ય બહાર આણ્યું હશે.
જુઓ અમેરિકન મીડિયા સમીક્ષકો તેમના વિશે શું કહે છે.
રોલિંગ સ્ટોન્સની ઑફિશ્યલ વેબસાઇટ પર રૉજર વિશે કહેવામાં આવ્યું છે – રૉજર આઇલ્સ વૉઝ વન ઓફ ધ વસ્ર્ટ અમેરિકન્સ એવર. એક ટ્વીટ પર કહેવામાં આવ્યું છે – રૉજર આઇલ્સ હૅઝ ડાઇડ. વાઉ! સેન્ડિંગ ડીપ ઍન્ડ હાર્ટફેલ્ટ કૉન્ડોલન્સીઝ ટુ એવરીવન હૂ વૉઝ અબ્યુઝ્ડ, હૅરૅસ્ડ, એક્સપ્લૉઇટેડ ઍન્ડ અનજસ્ટ્લી ફાયર્ડ બાય હિમ. ‘ધ ન્યુયૉર્કર’માં સ્ટીફન મેટકાલ્ફે રૉજરના પત્રકારત્વનું મૂલ્યાંકન કરતાં લખ્યું છે – હાઉ રૉજર આઇલ્સ ડીગ્રેડેડ ધ ટોન ઑફ પબ્લિક લાઇફ ઇન અમેરિકા. આ તો થોડા નમૂના છે. આખો લેખ આવાં અવતરણો ટાંકીને પૂરો કરવો હોય તો કરી શકાય એટલા રૉજર આઇલ્સ અમેરિકાના અનોખા અને પનોતા પત્રકાર હતા. જો કે સોશ્યલ મીડિયા પર તેમનાં વખાણ કરતાં ટ્વીટ પણ જોવા મળશે, પરંતુ એ બહુ ઓછાં છે.
સુજ્ઞ વાચકને હવે કદાચ સમજાઈ ગયું હશે કે શા માટે ભારતીય મીડિયાએ રૉજર આઇલ્સના મૃત્યુના સમાચારને મહત્ત્વ નહીં આપ્યું હોય. આપણે ત્યાં જે હડકાયું પત્રકારત્વ વિકસ્યું છે એનો જનક આ રૉજર આઇલ્સ હતો. ખાનગી માલિકીની ઇલેક્ટ્રૉનિક ન્યુઝ-ચૅનલ્સ જગતમાં શરૂ થઈ એ પછી રૉજર આઇલ્સ જગતનો પહેલો હડકાયો પત્રકાર હતો. દેશપ્રેમ અને અમેરિકા ફસ્ર્ટના નામે મારો-કાપોના દેકારા બોલાવવાના, કોઈ બુદ્ધિપૂર્વકની વાત કરે તો તેની સામે ઇશારતો કરીને કે પછી લેબલિંગ કરીને ચૂપ કરી દેવાના, કોઈને બચાવના સૂરમાં ગેંગેં-ફેંફેં કરવા માટે પૈસા આપીને સ્ટુડિયોમાં હાજર કરવાનો વગેરે પ્રકારનું પત્રકારત્વ આ રૉજરે શરૂ કર્યું હતું. બધું જ સ્ટેજ મૅનેજ્ડ. રંગભૂમિ પર અભિનેતાઓ કરતા હોય એમ પટકથામાં કહેવામાં આવ્યું હોય એમ અભિનય કરવાનો. મારો-કાપોના દેકારા બોલાવનારાઓને પણ પૈસા આપવામાં આવે અને લૂલો બચાવ કરીને કૅમેરા સામે નાક કપાવનારને પણ પૈસા મળે.
આપણે હિન્દુ રાષ્ટ્રવાદ ઇટલીમાંથી આયાત કર્યો છે અને હડકાયું પત્રકારત્વ અમેરિકાના રૉજર આઇલ્સ પાસેથી આયાત કર્યું છે. કેટલીક ચૅનલો અક્ષરશ: રૉજરના સક્સેસ મૉડલને અપનાવે છે. ડિટ્ટો એટલે ડિટ્ટો. રૉજર આઇલ્સના ભારતીય અવતાર એવા એક ઍન્કર સાથે કામ કરી ચૂકેલા પત્રકારમિત્રે કહ્યું હતું કે ભારત-પાકિસ્તાન વચ્ચે ટેન્શનની સ્થિતિ હોય ત્યારે પાકિસ્તાનની બાજુ રજૂ કરવા માટે એકાદ પત્રકાર અને એકાદ નિવૃત્ત લશ્કરી અધિકારીને લાઇન પર બોલાવવામાં આવે છે. તેમનું કામ પાકિસ્તાનનો લૂલો બચાવ કરવાનું અને ગેંગેંફેંફે કરવાનું હોય છે અને એ માટે તેમને પ્રત્યેકને ૫૦૦ અમેરિકન ડૉલર આપવામાં આવે છે. દેશપ્રેમીઓને આ ખેલ જોઈને પોરસ ચડે છે. એક બાજુ ચાર શ્વાન હવામાં પૂંછડી ઘુમાવતા ભસતા હોય અને સામે બે શ્વાન બે પગ વચ્ચે પૂંછડી દબાવીને દબાયેલા અવાજમાં ઘૂરકતા હોય એ જોઈને દેશપ્રેમીઓનો પ્રાઇમ ટાઇમ સુધરી જાય છે. ઘણા દેશપ્રેમીઓ તો શ્વાનયુદ્ધ જોવામાં એવા ગુલતાન થઈ જાય છે કે જમ્યા પછી ગુટકા ખાવાનું પણ ભૂલી જાય છે.
પત્રકારત્વનું આ હડકાયું મૉડલ રૉજર આઇલ્સે વિકસાવ્યું હતું. રૉજર આઇલ્સ જમણેરી પત્રકાર હતો અને તેને મૂલ્યો સાથે બહુ ઓછો સંબંધ હતો. અમેરિકન પ્રમુખ રિચર્ડ નિક્સન, રોનાલ્ડ રેગન, જ્યૉર્જ બુશ (સિનિયર) જેવા ત્રણ રિપબ્લિકન પ્રમુખો અને બીજા રિપબ્લિકન પક્ષના પ્રમુખપદના ઉમેદવારોના ચૂંટણીપ્રચારનું કામ રૉજરે સંભાળ્યું હતું. અમેરિકન પ્રમુખ રિચર્ડ નિક્સનનું વૉટરગેટ કૌભાંડ બહાર આવ્યું ત્યારે પત્રકારોને ફોડીને નિકસનની ઊજળી બાજુ અખબારોમાં આવે એ જોવાનું કામ રૉજરે કર્યું હતું.
૧૯૯૦ના દાયકામાં સોવિયેટ સંઘ તૂટી પડ્યો, ઇરાક કુવૈતને ગળી ગયું અને ગલ્ફ વૉર થઈ, જગતમાં ત્રાસવાદે નવો ચહેરો ધારણ કર્યો, ચીને દાદાગીરી કરવાનું શરૂ કર્યું, વૈશ્વિક રાજકારણમાં અમેરિકાની આણ ઝાંખી પડવા લાગી ત્યારે; ૧૯૯૦ના દાયકાની અધવચાળે મોટા પાયે પ્રાઇવેટ ન્યુઝ-ચૅનલો આવવા લાગી. ૧૯૯૫માં રુપર્ટ મુર્ડોકે ફૉક્સ ન્યુઝ નામની ચૅનલ અમેરિકામાં શરૂ કરી ત્યારે રૉજર આઇલ્સને ચૅનલના વડા તરીકે લેવામાં આવ્યો હતો. રૉજરે મુર્ડોકને સમજાવ્યું હતું કે કેન્દ્રની ડાબે રહીને કે મધ્યમાં રહીને વિવેકપૂર્વક અને જવાબદારીથી પત્રકારત્વ કરનારી ઘણી ચૅનલો છે, પરંતુ કેન્દ્રની જમણી બાજુએ જગ્યા સાવ ખાલી છે. આમ પણ સરેરાશ અમેરિકન હતાશ છે અને તેને શૌર્યના ટૉનિકની જરૂર છે. આમાં આબરૂ સિવાય કાંઈ ગુમાવવાનું નથી, બાકી લાભ જ લાભ છે.
મુર્ડોકને અને આબરૂને ક્યાં લેવાદેવા હતી અને રૉજર આઇલ્સે તો બાળપણથી જ આબરૂ સાથે છેડો ફાડી નાખ્યો હતો.
મુર્ડોક-આઇલ્સની યુતિમાંથી મારો-કાપોનું દેશપ્રેમી મૉડલ વિકસ્યું છે જે અત્યારે ભારતમાં ખૂબ પ્રચલિત છે. WWF[વર્લ્ડ રેસલિંગ ફેડરેશન]માંની મૉક ફાઇટ અને દેકારા-પડકારા જોઈને બાળકો જેટલાં જોશમાં આવી જાય છે એટલા આપણે પ્રાઇમ ટાઇમમાં જોશમાં આવી જઈએ છીએ. વગર દારૂનો આ નશો છે. જો કે ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’ના રવિવારના અંકમાં આકાર પટેલ તેમની કૉલમમાં લખે છે કે અમેરિકામાં હમણાંથી જમણેરી શ્વાન ચૅનલોના TRP [ટેલિવિઝન રેટિંગ પૉઇન્ટ્સ] ઘટી રહ્યા છે. કદાચ અમેરિકન નાગરિકને સમજાવા લાગ્યું હશે કે તારસ્વરીય દેશપ્રેમ ડોનલ્ડ ટ્રમ્પો પેદા કરે છે અને એ ખોટનો સોદો છે.
સૌજન્ય : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 22 મે 2017