Opinion Magazine
Number of visits: 9485010
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

રેસ્ટ ઈન પીસ, રોહિત

અંકિત દેસાઈ, અંકિત દેસાઈ|Opinion - Opinion|21 January 2016

હૈદરાબાદ, દિલ્હી અને દેશના મહત્ત્વના શહેરોના પ્રદર્શન શોખીનોને પ્રદર્શનો કે મીણબત્તી માર્ચ કાઢવાનું એક્સક્લુઝિવ કારણ મળી ગયું છે, જેનો ભરપૂર લાભ લઈને પ્રદર્શન શોખીનો ચોરેને ચોટે ક્રિએટીવ બેનર્સ-પોસ્ટર્સ લઈને નીકળી પડ્યાં છે. તો સંસદના વિપક્ષોના મોંમાં પણ બગાસું ખાતા પતાસું પડ્યું છે, જ્યાં આ સુનેહરી તકનો લાભ લઈને અરવિંદ કેજરીવાલ અને રાહુલ ગાંધી જેવાઓ રાજનૈતિક રોટલા શેકવામાં વ્યસ્ત થઈ ગયા છે. અઠવાડિયું-દસ દિવસ ચાલવાની છે આ રાજકીય નૌટંકી અને પ્રદર્શનબાજી. દર વખતની જેમ આ વખતે પણ કશું નક્કર થવાનું નથી, બસ આમ જ રેલીઓ નીકળતી રહેશે, તપાસ સમિતિઓ બનતી રહેશે, હેડલાઈન્સ બનતી રહેશે અને અખબારોનાં અગ્રલેખોમાં ધોળા વાળ ધરાવતા બૌદ્ધિકો એમની સો કોલ્ડ વૈચારિક ઊલટીઓ કરતા રહેશે. પણ મૂળિયાં સુધી કોઈ પહોંચવાનું નથી, આનાં મૂળિયાં રાજકારણમાં નહીં, સમાજમાં પડેલાં છે. આખરે સમાજ અને સમાજની માનસિકતાનો પડઘો જ ધર્મ અને રાજકારણ જેવી બાબતોમાં પડતો હોય છે. જો સમાજ સજાગ થાય તો ધર્મ કે રાજકારણની મજાલ નથી કે, એ સમાજને તોડી શકે. પણ આપણી કમનસીબી છે કે, આપણે સમાજ તરીકે ક્યારે ય સશક્ત થઈ શક્યા નથી, એક રહી શક્યા નથી. સમાજમાં આપણે વર્ણવ્યવસ્થાને પ્રાધાન્ય આપ્યું અને વર્ણવ્યવસ્થામાં ય આપણે વાડાઓ રચ્યાં. જે દુખતી નસને કારણે જ રાજકારણ આપણને પીડતું રહ્યું છે અને ધર્મ આપણને તોડતો રહ્યો છે.

હૈદરાબાદના રોહિત વેમુલાની આત્મ(હત્યા)ના કારણોની ગહેરાઈઓમાં નથી ઉતરવું. કોણે કોને પત્ર લખ્યો અને કયા મંત્રાલયે હૈદરાબાદ સેન્ટ્રલ યુનિવર્સિટીને પગલાં લેવાનું કહ્યું અને યુનિવર્સિટીની કમિટીઓ જે પાંચ દલિત વિદ્યાર્થીઓને ક્લિન ચીટ આપી ચૂકી હતી એ જ પાંચ વિદ્યાર્થીઓને કયા દબાણમાં ફરી દોષિત ઠેરવાયા અને એમને હોસ્ટેલમાંથી બરતરફ કરી એમને રસ્તા પર રહેવાની ફરજ પાડવામાં આવી એ બધી વાતો હવે નકામી છે. ગૌણ બની ગઈ છે આ વાતો. કારણ કે હવે રોહિત નથી. વાસ્તવિકતા માત્ર એક જ છે. અને એ વાસ્તવિકતા છે ફાંસીના ફંદે લટકી ગયેલો રોહિત, જેને જીવવામાં રસ હતો, જેને વિજ્ઞાનમાં રસ હતો અને પ્રકૃતિને ભરપૂર માણવામાં રસ હતો. હવે જે કંઈ બચ્યું છે એ તો રાજકારણ છે. રોહિત જીવતો હતો ત્યારે પણ રાજકારણ જ રમાયેલું, રોહિત નથી ત્યારે પણ રાજકારણ રમાઈ રહ્યું છે. એમાં નવાઈ શેની છે?

આ લખાઈ રહ્યું છે ત્યારે એક ન્યૂઝ રિપોર્ટ વાંચવા મળ્યો, જેમાં લખાયેલું કે, આત્મહત્યા કરનાર રોહિત માનસિક રોગનો દરદી હતો! હજુ આવા તો અનેક વર્ઝન આવતા રહેશે. રોહિત જીવતો હતો ત્યારે પણ કેન્દ્રીય રાજ્ય મંત્રી બંડારુ દત્તાત્રયે રોહિત સહિતના વિદ્યાર્થીઓને દેશવિરોધી અને અંતિમવાદી તરીકે ઓળખાવેલા. જો કે રોહિતની સ્યુસાઈડ નોટમાંથી પસાર થઈશું તો ખ્યાલ આવશે કે, મૃત્યુની થોડી ક્ષણો પહેલાં એણે લખેલા એ પત્રમાં ન તો ક્યાં ય એનું અંતિમવાદી કે દેશદ્રોહી વલણ નજરે ચઢતું હતું કે, ન તો એમાં એની કોઈ માનસિક રુગ્ણતા દેખાતી હતી.

એ પત્રમાં જે કંઈ દેખાઈ રહ્યું એ હતી હાર. એક યુવાનની દેશની રાજકીય વ્યવસ્થા અને સમાજ વ્યવસ્થા સામેની હાર! બાકી, રોહિત તો જીવનથી છલોછલ હતો, એની આંખોમાં એણે અનેક સપનાં આંજેલાં હતા. એણે તો લેખક બનવું હતું, એણે તો વિજ્ઞાન વિશે લખવું હતું. પણ કમ્બખ્ત સિસ્ટમ એને ભરખી ગઈ અને એ જ રુગ્ણ સિસ્ટમે એને પાગલ પણ ઠેરવ્યો!

રોહિતની આસપાસના લોકો, એની સાથે જીવી ચૂકેલા લોકો કહી રહ્યા છે કે, દલિત હોવાને નાતે રોહિતે ઘણું વેઠ્યું હતું. આ સામાજિક ભેદભાવે જ એને આત્મહત્યા કરવા પણ મજબૂર કર્યો હતો એવું કહેવાઈ રહ્યું છે. એ વાતમાં દમ તો છે જ. બાકી, ચાળીસ હજારના દેવાને ખાતર કોઈ બૌદ્ધિક વ્યક્તિ ફાંસીને ફંદે થોડી ચડી જાય? જોકે તો ય રોહિતે એના આખરી પત્રમાં એ બધી બાબતોનો ક્યાં ય ઉલ્લેખ નથી કર્યો. બાકી જો એ અંતિમવાદી હોત તો જતાં જતાં ય ઉબકા આવે એવી આપણી સમાજ વ્યવસ્થાને ગાળો ભાંડીને ન ગયો હોત?

દલિત તરીકે એણે વેઠવું પડ્યું હોય કે ન વેઠવું પડ્યું હોય. પરંતુ માણસ તરીકે એણે માણસોને ખૂબ ચાહ્યા હતા. સામે વળતરમાં એ જ ચાહતની એણે અપેક્ષા રાખી હતી. પણ અફસોસ, મોત સિવાય એને કોઈ વળતર નહીં મળ્યું. એની સ્કોલરશીપના 1 લાખ 75 હજાર રૂપિયા પણ એ ગરીબ જીવને મળી નહીં શક્યા!

એની સ્યૂસાઈડ નોટ કોઈ સાહિત્યિક કૃતિથી કમ નથી. મરવાની ક્ષણે પણ રોહિતે પત્રમાં વિચારપ્રેરક વાતો ઠાલવી છે. પત્રમાંનું સંવેદન આપણે અનુભવીએ તો મગજ સુન્ન મારી જાય એમ છે. પણ હા, રોહિત કહે છે એમ આપણી પાસે એ સંવેદન અનુભવવા પણ સંવેદન હોવું જરૂરી છે.

એક જગ્યાએ રોહિત કહે છે કે, ‘માણસની જાત પ્રકૃતિ નામની બાબત સાથે છૂટાછેડા લઈ ચૂકી છે. આપણી ભાવનાઓ ઊતરતી પાયરીની છે અને આપણો પ્રેમ બનાવટી છે અને આપણી માન્યતાઓ જૂઠી છે. આજે માણસની કિંમત એની હાલની પદવી કે નજીકના ભવિષ્યમાં એ માણસના કદની શક્યતાઓને હિસાબે આંકવામાં આવે છે. આજે માણસને એની બૌદ્ધિકતાને હિસાબે આંકવામાં નથી આવતો, આજનો માણસ એક વસ્તુ માત્ર બનીને રહી ગયો છે.’

આમાં ક્યાં દોષાર્પણ છે? આ તો આપણું સત્ય છે. આપણી સહિયારી વાસ્તવિકતા છે, જેને આપણે જાણ્યે-અજાણ્યે સ્વીકારી લીધેલી છે. જો કે પત્રમાં પાછળથી કેટલીક ઈશારત કરાયેલી છે, પરંતુ એ બાબતોને રોહિતના મોતનું કારણ ગણી શકાય નહીં. રોહિત પત્રમાં લખે છે કે, ‘મારો જન્મ જ એક ભયંકર દુર્ઘટના હતી, હું મારા બાળપણની એકલતામાંથી ક્યારે ય બહાર નહીં આવી શક્યો. મને બાળપણમાં કોઈનો પ્રેમ મળ્યો જ નથી!’ પ્રેમ એટલે કોનો માતા-પિતાનો? ના નહીં. અહીં રોહિત સમાજના પ્રેમની વાત કરે છે. વર્ણોમાં વહેંચાયેલો સમાજ જ્યારે દલિતોને સ્વીકારવા તૈયાર નથી ત્યાં પ્રેમ જેવાં તત્ત્વની તો વાત જ શું કરવી?

આત્મહત્યા જેવું અંતિમ પગલું ભરનારી વ્યક્તિની અંતિમ ક્ષણની મનોવ્યથા શું હોતી હશે? એના અંતરમાં એવી તે શી ઊથલપાથલ મચતી હશે અને મરવાનો નિશ્ચય કરી ચૂકેલો માણસ જીવનની અંતિમ ઘડીઓમાં જીવનને કઈ રીતે જોતો હશે, મુલવતો હશે? રોહિત તો એના પત્રમાં એમ લખે છે કે, ‘આ ક્ષણે હું જરા ય ગભરાયેલો નથી, કે નથી તો આ ક્ષણે મને દુ:ખની કોઈ લાગણી અનુભવાતી. હું તો માત્ર ખાલિપો અનુભવી રહ્યો છું. આ દયાજનક બાબત છે. પણ મારા ખાલિપાને કારણે જ હું આ અંતિમ પગલું ભરી રહ્યો છું.’

… અને બસ પછી, રોહિત સમાજ અને રાજકારણે તૈયાર કરેલા ફાંસીને ફંદે ચઢી ગયો. થોડી જ ક્ષણો બાદ આખેઆખું આયખુ હવામાં ઝૂલતું થઈ ગયું. રોહિતે આત્મહત્યા કેમ કરી? એની પાછળનાં કારણો શું? કારણો પણ શોધાશે અને તારણો પણ કઢાશે, પણ અફર વાસ્તકિતા એક જ છે. હવે રોહિત યુનિવર્સિટી કેમ્પસમાં રખડતો નથી દેખાવાનો, રોહિતને પીએચ.ડીની ડિગ્રી ક્યારે ય એનાયત નહીં થાય, રોહિત ક્યારે ય વિજ્ઞાન કથાઓ નહીં લખી શકે. વાર્તાઓ લખાય એ પહેલાં જ કથાનાયકના જીવન પર પૂર્ણવિરામ મૂકાઈ ગયું છે.

નેતાઓએ યુનિવર્સિટીને સંસદ બનાવવાની જરૂર નહોતી, આપણો જાતિવાદ અને જાતિ પ્રત્યેની કટ્ટરતાથી આપણે કેમ્પસની ડિસન્સી અભડાવવાની જરૂર ન હતી. મને ખબર હતી ત્યાં સુધી વિદ્યાર્થી સંઘો વિદ્યાર્થીઓની સરળતા અને એમના લાભ માટે હોય છે. પરંતુ જો આ સંઘો કોઈ નાદાનના ગળાનો ગાળિયો બનતા હોય તો એવા સંઘોની પણ જરૂર નથી. જો કે મારા ગરમમિજાજી પત્રકાર દોસ્ત તુષાર દવેને તો આત્મહત્યા સામે જ ભયંકર વાંધો છે અને એમની દલીલ એમ છે કે, રોહિતે લડી લેવું જોઈતું હતું. એમનો દૃષ્ટિકોણ પણ સાચો છે, પણ મરવા તૈયાર થનારની મનઃસ્થિતિ તો કોણ જાણી શક્યું છે? આ ઘટનામાંથી આપણે ધડો લેવો જ રહ્યો. નહીંતર આ જ ચાલું રહ્યું તો ભદ્દી સમાજ વ્યવસ્થા અને રાજકારણની ભડભડતી આગમાં આપણે આવા અનેક રોહિતોની આહુતિ આપવી પડશે. આપણે યાદ રાખવું પડશે કે, કૉલેજ-યુનિવર્સિટીના કેમ્પસો યુવાનીનો બગીચો છે, એ કોઈ યજ્ઞકુંડ નથી.

રેસ્ટ ઈન પીસ રોહિત.

http://www.khabarchhe.com/magazine/magazine-vishesh/52038-rest-in-peace

Loading

21 January 2016 admin
← બે ગતિ વચ્ચેની એક લીટી — વિષુવવૃત્તીય રેખા
ગાંધીજી આજે પ્રસ્તુત છે? →

Search by

Opinion

  • સામાજિક ભેદભાવની સ્વીકૃતિનાં ઊંડાં મૂળ 
  • સત્તાનું કોકટેલ : સમાજ પર કોણ અડ્ડો જમાવીને બેઠું છે? 
  • ખાદ્ય પદાર્થોની તપાસમાં તંત્રો નપાસ?
  • શબ્દો થકી
  • દર્શક ને ઉમાશંકર જેવા કેમ વારે વારે સાંભરે છે

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ
  • आइए, गांधी से मिलते हैं !  
  • પહેલવહેલું ગાંધીકાવ્ય : મનમોહન ગાંધીજીને
  • સપ્ટેમ્બર 1932થી સપ્ટેમ્બર 1947… અને ગાંધી
  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 

Poetry

  • પાંચ ગીત
  • હાજર છે દરેક સ્થળે એક ગાઝા, એક નેતન્યાહુ?
  • ચાર ગઝલ
  • નટવર ગાંધીને (જન્મદિને )
  • પુસ્તકની વેદના

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved