Opinion Magazine
Number of visits: 9447059
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘રેન્ડિયર્સ’ – અનિલ ચાવડાની પ્રથમ નવલકથા શું કહી જાય છે ?

જયશ્રી વિનુ મરચંટ, જયશ્રી વિનુ મરચંટ|Opinion - Literature|2 March 2021

નવીનતાના શ્વાસોથી ધબકતી આ નવલકથા એક સમૃદ્ધ અને સક્ષમ કલમની નીપજ છે. આ કલમ છે શબ્દોના શિલ્પી અને ગઝલના બાદશાહ કવિ અનિલ ચાવડાની. એમની માતબર કલમ થકી અક્ષરદેહ પામેલી આ એમની પ્રથમ નવલકથા, “રેન્ડિયર્સ” કવિ અનિલ ચાવડાને ઉત્તમ કોટિના સિદ્ધહસ્ત નવલકથાકાર તરીકે પ્રતિપાદિત કરે છે. કવિ છે એટલે ભરપૂર સંવેદના અને સમભાવ એમના શબ્દોની ગળથૂથીમાં હોય જ અને એમાં પણ નવલક્થા જેવું અનંત આકાશ આ શબ્દોની કુમાશને, ભીનાશને ઉછેરવા મળે, તો પછી નવી સંભાવનાના મેઘધનુષો ન ખીલે, એવું બને જ કેમ? આ ગુજરાતી ભાષાનું સૌભાગ્ય છે કે અનિલ ચાવડાની યુવાન કલમે આવી સુંદર નવલકથા સાંપડી છે.

કિશોરાવસ્થા – મુગ્ધાવસ્થા અને યુવાની વચ્ચેનો આ ગાળો અલીબાબાની ગુફા જેવો છે. એ ગુફામાંથી કિશોરવયને યુવાન બનીને બહાર નીકળવાનું છે અને એ પણ પોતાની અંદર રહેલી શક્તિને પીછાણીને, એના સંપૂર્ણ સામર્થ્ય સાથે. વિદ્યાર્થી કાળનો કિશોરવસ્થાનો સમય તો મુગ્ધાવસ્થા અને યુવાનીના સંધિકાળનો છે. ગુજરાતી ભાષામાં મુગ્ધાવસ્થાની ઉંમરને લગતું સાહિત્ય નહિવત્‌ છે. એવામાં આ નવીન વિષય પર, ઉઘડતી સવારની તાજગીસભર આ નવલક્થા મન મોહી લે છે. એનું એક બીજું મહત્ત્વનું કારણ એ પણ છે કે આ નવલકથા વિદ્યાર્થી જીવનના એ દિવસોની યાદ તાજી કરાવી જાય છે, જેમાં સહપાઠીઓ સાથે દિલ ભરીને કરેલી મજા-મસ્તી છે, તોફાનો છે, હસીને બેવડ વળી જવાય એવું સ્થૂળ હાસ્ય પણ છે અને સંવાદોના ચાતુર્યથી નિષ્પન્ન થતું સૂક્ષ્મ હાસ્ય પણ છે. જીવન આખાને તરબતર કરી દે એવી આ ઉંમરે અનુભવાતી મૈત્રીની મીઠી મહેક પણ છે અને નાની-નાની વાત પર થયેલી લડાઈઓમાંથી જન્મેલી અસ્થાયી દુશ્મની પણ છે. શૈશવ પછીના જીવનનો આ કિશોરાવસ્થાનો તબક્કો જીવનના ઘડતરનો ગ્રાઉન્ડ ફ્લોરનો એ થાંભલો છે કે જેના પર યુવાનીની અને આવનારા જીવનની આખી ઈમારત ઊભી થવાની છે. આ થાંભલો જેટલો મજબૂત, એટલી જ જીવનની ઈમારત પણ સધ્ધર બને છે.

૧૪-૧૫ વરસના માધવ બેચરલાલ મકવાણા ઉર્ફે ‘કૂલિયો’ દસ વરસનો હતો ત્યારથી એનું નામ કૂલિયો કેવી રીતે પડ્યું એ વાતથી કથાનો ઉઘાડ થાય છે. ત્યાંથી આ કથા એક ઝીણી તિરાડમાંથી, ધીરેથી સરકીને, થોડી ગભરાતી તો થોડી મલપતી ચાલે કિશોરવયમાં કૂદકો મારીને ઝરણાં સમું સડસડાટ વહેવાનું શરૂ કરે છે અને આ વહેણ પછી તો કથાના અંત સુધી અસ્ખલિત વહે છે. આ કથાનો વ્યાપ દસમા ધોરણમાં ભણવા માટે નવા આવેલા સ્ટુડન્ટોથી શરૂ થાય છે અને એમના ફાઈનલ રિઝલ્ટ સુધીના સમય પૂરતો છે. આ એક વર્ષના સમયમાં, ૧૪-૧૫ વર્ષથી ૧૮ વર્ષના જુદા જુદા સામાજિક અને આર્થિક વર્ગમાંથી આવેલા વિદ્યાર્થીઓની વાર્તા લેખક અહીં કરે છે. દરેક સ્ટુડન્ટ પાસે પોતાની કથની છે અને એ કથા અન્ય સાથી સ્ટુડન્ટના જીવન કે કર્મના વર્તુળ સાથે, ક્યાંક પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે Intercept – છેદન થાય છે અને ત્યાં, એ છેદન પોઈન્ટ પર આ બધાં જ સ્ટુડન્ટો અકળ રીતે એકમેક સાથે જોડાઈ જાય છે, પોતપોતાની વાતો સાથે. અને આ જ આખી કથાનું સૌંદર્ય છે. આ ઉંમરમાં જ્યારે મૈત્રી બંધાય છે, ત્યારે એ દોસ્તીના ફાયદા અને ગેરફાયદાના દાખલા ગણવાની સુધ નથી હોતી. આ કાળમાં દોસ્તી કરતી વખતે “સમ શીલ વ્યસેનેષુ સખ્યમ્”માં શીલ, અને વ્યસન બેઉ વચ્ચેની રેખા ધૂંધળી હોય છે. જેની સાથે વ્યસન કે ગુણ બેમાંથી એક મળી જાય તો પણ એ કુમળા માનસમાં મૈત્રી મ્હોરી ઊઠે છે. માધવ ઉર્ફે કૂલિયો છાત્રાલયમાં રહીને ભણતો હોય છે. ત્યાં એના આ “કૂલિયો” ઉપનામને કોઈ જાણતું નથી હોતું, એટલે એને કોઈ એ નામથી અહીં ચીઢવવાવાળું કોઈ નથી, એથી એ પોતાને સુરક્ષિત માને છે. છાત્રાલયના પ્રથમ દિવસથી હિમત – ‘પડીકી’ – સાથે માધવની દોસ્તી થઈ છે. આમાં એક દિવસ, માધવના ગામનો ધર્મેન્દ્ર ઉર્ફે ધમો ધોરણ દસમામાં નવું એડમિશન લઈને માધવની શાળા અને છાત્રાલયમાં રહેવા આવે છે અને ત્યાં પહેલીવાર હિમત ‘પડીકી’, માધવનું ઉપનામ ‘કૂલિયો’ છે એ જાણી જાય છે. માધવને ત્યારે શક પડે છે કે ચેતનને પણ આ નામ સંભળાયું છે પણ એની પુષ્ટિ એ કરી ન શકવાથી માધવની અંદર એનો ધૂંધવાટ શાળા છોડીને જવાનો દિવસ આવે છે ત્યાં સુધી રહે છે, (જેનો ચોંકાવનારો ખુલાસો અંતમાં થાય છે.) માધવ, હિમત અને ધમો રૂમમેટ બને છે અને એમની રૂમમાં પછી બ્રીજેશ નામનો એક નવો અને ખૂબ મહેનતુ વિદ્યાર્થી પણ ઉમેરાય છે. ચાર જુદા જુદા, સોશ્યલ ઈકોનોમિકલ ક્લાસમાંથી આવેલા આ વિદ્યાર્થીઓ એકમેકની સાથે કઈ રીતે એકમેકની આદતો, મર્યાદાઓ, મસ્તી-મઝાના પર્યાયો, વ્યક્તિગત રીતે ભણતરની પ્રાથમિકતાના ધોરણો અને શાળાના અન્ય છાત્રો સાથેના એમના વ્યવહારોને શાળા અને છાત્રાલયના નિયમોની અંદર રહીને કઈ રીતે ને કેટલું નિભાવે છે, એની વાતો મજેદાર રીતે લેખકે આ નવલકથામાં મૂકી છે.

સોનલ, શિલ્પા, મહેશ, ચેતન અનેક પાત્રોનું પાત્રાલેખન સમાંતરે ને સહજપણે કરવું, ને પાછું એ રીતે કે નાનામાં નાના પાત્રની પણ કથામાં સંબધ્ધતા કે સુસંગતતા જળવાઈ રહે અને કોઈ પાત્ર કે એની સાથે ઘટતી ઘટના વધારે પડતી ન લાગે. સ્કૂલમાંથી માંદગીનું બહાનું કરીને થિયેટરમાં દોસ્તો સાથે પિકચર જોવા જવું, છાત્રાલયની કામની વહેંચણી થઈ હોય એમાંથી છટકી જવાની પેરવીઓ કરવી કે પોતાના ભાગે આવેલા કામની સત્તાનો ઉપયોગ પોતાના લાભ માટે કરવો, સહવિદ્યાર્થીઓ સાથે બોલાચાલી અને મારામારી કરવી અને એ માટે શિક્ષા પણ પામવી, આ બધાંની આગવી મજા અહીં મજેદાર રીતે વાચકને સેર પર લઈ જાય છે. એ સાથે ભણવાવાળા સ્ટુડન્ટોની સામે, ન ભણવાવાળા સ્ટુડન્ટોનું એ ઉંમરમાં જાતીય જિજ્ઞાસાને વશ થઈને ઉત્તેજક મેગેઝીનોનું વાંચવું, અને એ બધું જ જરા પણ અયોગ્ય ન લાગે એ રીતે પ્રમાણસર બતાવવું, એમાં લેખકની કલમના વિવેકની કસોટી છે, જેમાં ૧૦૦% માર્ક્સ મેળવીને તેઓ ઉત્તીર્ણ થયા છે. શિક્ષકોની ઠેકડી ઉડાડવી અને એમની બોલચાલની નકલ કરીને આનંદ લેવો, એ પણ આ ઉંમરનો તકાજો છે, જેને ખૂબ જ સ-રસ અને રમૂજી રીતે પણ એક ઔચિત્યથી વર્ણવે છે.

દા.ત. વિજ્ઞાનના ટીચરનું હિમત ‘પડીકી’ને પાણીની ફોર્મ્યુલા, H2O બોલવાનું કહેતા, હિમતનું H, I, J, K થી માંડી O સુધી બોલી જવું, સમાજશાસ્ત્રના ટીચર ભારતીબહેનની ભણાવવાની ઘોડાદોડ પ્રશ્નોત્તરીની પદ્ધતિથી પેદા થતી રમૂજ અને હિમતને રાજા રામમોહનરાયના નામમાં ચાર માણસોના નામ લાગવા, “મોગલોએ પાના નંબર ૮થી પાના નંબર ૩૨ સુધી રાજ્ય કર્યું” જેવા જવાબો, ગૃહપતિની મૂછોની મસ્તી વગેરે, સૂક્ષ્મ અને સુરુચિપૂર્ણ વિનોદ ઉજાગર કરે છે. તોફાની બારકસોની ટોળકી, ધમો અને હિમતની સાથે માધવનું સુખડી બનાવવા વગડામાં જવું અને ત્યાં આગ લાગવી, જેવા પ્રસંગમાં અણઘડ, મુગ્ધ કિશોર મન કેવાં ખોટાં નિર્ણયો લે છે એ પણ કોઇ જાતના ફાયદા, ગેરફાયદા કે ઉપદેશ વિના જ બતાવ્યું છે અને કદાચ આવી જ કાચી નિર્ણયશક્તિ પાયામાં હોય તો જ યુવાનીમાં એ ઘડાઈને પરિપક્વતા તરફ આગળ વધે છે. પણ, કોઈ ભૂલો જ ન કરી હોય તો ખરાખોટાં નિર્ણયની પરખ આવે જ કઈ રીતે?

આ બધાં તોફાન-મસ્તીમાં અને મોટા થવાની પ્રક્રિયામાં ઘરની પરિસ્થિતિ અને વાતાવરણ કેટલીક વાર અમીટ અસર મૂકી જાય છે. એને લગતાં લાગણીભીનાં પ્રસંગો, લાગણીવેડામાં સરી ગયા વિના આલેખવા અને એ પણ મુખ્ય કથાના પ્રવાહમાં કોઈ ક્ષતિ પણ ન પહોંચે એ રીતે આલેખવા માટે, લેખકનું મોટું ગજું જોઈએ અને એ ગજું અહીં સુપેરે દેખાય છે. ૧૮ વરસના ધમાનું મામા-મામીના ઘરે મોટા થવું, વેકેશનમાં પણ નાનીને મળવા જવું અને પોતાના જમીન માલિક, શ્રીમંત માતા-પિતાને ઘરે ન જવું, સોનલના કુટુંબનું સોસાયટી છોડીને પોતાની બિરાદરીવાળા લોકોની સોસાયટીમાં રહેવા જવું, વગેરે આવા નાની પણ સબળ અને સંવેદનશીલ ઘટનાઓ વચ્ચે જે હ્રદય ભીંજવી જાય છે તે છે માધવના અભણ, ગરીબ, ખેતમજૂર પિતાની છે. એમના એકના એક દીકરાને એક પેન્સિલની ચોરી કરવા બદલ, સ્વયંને તમાચા મારીને દંડિત કરવાવાળી, ‘ગાંધીગીરી’વાળી સત્યપ્રિયતા અંતરના ખૂણાને સ્પર્શી જાય છે, એટલું જ નહીં એમાં વસી પણ જાય છે! એ પ્રસંગને વાંચીને માણવો રહ્યો. આ વાંચતા એમ પ્રતીત થાય છે કે ગાંધી આજે આવા સાદા સીધા માણસોના જમીર અને ખમીરમાં જીવે છે. આ પ્રસંગની ઘેરી છાપ માધવને એની લક્ષ્મણ રેખામાં સ્વેચ્છાથી રહેવા માટે, થોડુંક આગળપાછળ થઈ જાય તોયે, સતત પ્રેરતી રહે છે. બે – ચાર ચોટદાર વાક્યોથી માધવ અને એના જેવા બીજા ગરીબ વિદ્યાર્થીઓની ગરીબીની વાત અહીં ખૂબ જ ઝીણી મર્મજ્ઞતાથી કરવામાં આવી છે. દિવાળીના વેકેશન પહેલાં એક વાક્ય લેખક મૂકે છે માધવના મનમાં “દિવાળીમાં હેપ્પી કેટલું છે?” આ એક વાક્ય જ વેદના અને વ્યથાના કોઠાર ખોલવા માટે પૂરતું છે. “ઘરે જઈશું તો ખેતરમાં કે ઘરમાં મજૂરી કરવી પડશે અને ખાવામાં એ જ, રોટલા શાક કે ડુંગળી-રોટલા. છાત્રાલયમાં બે ટાઈમ દાળ, ભાત, શાક, રોટલી તો પેટ ભરીને મળે છે.” આ વાક્યો આંખમાં પાણી લાવી દે છે! ૨૧મી સદીમાં પણ ભૂખની સમસ્યાથી ઝૂઝી રહ્યાં છે અને એ પણ કોણ, દેશનું ભવિષ્ય, આજના આપણાં બાળકો! દિલ એકદમ અવાચક અને સ્તબ્ધ થઈ જાય છે. કલ્પનો અને રૂપકોના વાઘા પહેરાવી લેખક કડવી અને વરવી સચ્ચાઈને સામે મૂકવાનું કામ કરે છે અને એનો ચૂકાદો વાચકો પર છોડી દે છે.

કિશોર વયના છોકરા-છોકરીઓ વચ્ચે અનુભવાતા આકર્ષણની વાત પણ લેખક જાણે રોજિંદી ઘટના હોય એટલા સંયમથી કરે છે. ૧૮ વર્ષના ધમાનું જાતીયતાને લગતા પુસ્તકોને ભણવાના પુસ્તકમાં મૂકીને વાંચવું, સોનલ પ્રત્યે આકર્ષિત થવું, હિમતનું પણ આ જાતીયતાને લગતા પુસ્તકને વાંચવા તલપાપડ થવું, માધવનું શિલ્પા માટેનું ખેંચાણ અને શિલ્પાનું ઉપલા વર્ગની હોવા છતાં નિમ્ન જાતિના સોનલ, માધવ અને હિમત સાથેની દોસ્તી રાખવી અને એ કહેતા રહેવું કે પોતે જાતિવાદમાં નથી માનતી, એ બધાં જ પ્રસંગો એક સમતોલપણું રાખીને વર્ણવાયાં છે. હિમત, માધવ, સોનલ સહુ પોતપોતાને નીચી જાતિના હોવાથી થયેલા અન્યાયની વાતો પણ કોઈ કડવાશ વિના, સહજ હળવાશથી કરે છે ત્યારે જાગરૂક વાચકને સમાજની ચિંતા આપોઆપ થાય છે. શિલ્પા જેવા કેટલાંયે કિશોર કિશોરીઓ હશે કે જેઓ શાળા-કોલેજમાંથી બહાર આવે ત્યાં સુધી જાતિભેદમાં નથી માનતાં, તો પછી જ્યારે જગતના વહેણમાં ફેંકાય છે તો એવું તો ‘કશુંક’ બની જાય છે કે આ જ કિશોર-કિશોરીઓ યુવાનીમાં ધીરેધીરે સમાજની ઘરડી ઘરેડ બદલવા ને બદલે એમાં જ સેટ થઈ જાય છે. આ ‘કશુંક’ શું છે એનો જવાબ શોધવામાં લેખક પડતા નથી પણ સમાજના એકમ સમા દરેક વાચક પર મૂકી દે છે, ભણેલાઓનો જાતિવાદ અને વડીલોની અસહિષ્ણુતા સમાજમાં અસમાનતાની ખાઈ પેદા કરે છે, જેની સામે લેખક ચૂપચાપ લાલબત્તી તો ધરે જ છે. આનું એક સરસ ઉદાહરણ છે જ્યારે માધવ એના અભણ, મજૂર બાપાને પૂછે છે કે, “બાપા, જાતિ એટલે શું?” તો એના આ બાપા સાવ સલૂકાઈથી જવાબ આપે છે કે, “જે ક્યારે ય જાતી નથી એ જાતિ…!” આ એક વાક્ય પછી જાણે પુસ્તકમાં જ “પીન ડ્રોપ સાયલેંસ” પડી જાય છે!

આ ઉંમરમાં આસપાસના અને ઘરના વાતાવરણની સુષુપ્ત અસર એટલી અસરકારક હોય છે જેને ન તો ઘરનાં સમજે છે કે ન તો શિક્ષકગણ પણ સમજે છે. સોનલ અને શિલ્પાના ઘરની સોસાયટીમાં એસ.ટી. અને એસ.સી. – નિમ્ન જાતિના – underprivileged – સુધરેલા સમાજના હક કે સુખ-સગવડો વિનાનું, જીવન જીવતાં કુટુંબો વચ્ચેના ખુલ્લે આમ ચર્ચામાં રહેલા છાના વિગ્રહની વાત પણ શાળામાં આ સ્ટુડન્ટોના માનસ પર એમની વિચારશક્તિ અને સંવેદના પ્રમાણે ઘેરી અસર છોડે છે. કશો ય ઉપદેશ આપ્યા વિના, લેખક ઘટનાઓને અને પાત્રોને પોતાની રીતે ઉછેરવા દે છે. કથા સહજપણે અને એક પ્રવાહમાં કહેવાય છે. ક્યાં ય પણ જજમેન્ટલ થયા વિના અને કોઇ જાતના કથિત નિતિમત્તાના – મોરાલિટીના ભાર રાખ્યા વિના વાર્તા આગળ વહે છે. છેલ્લે, વાત આવે છે, સહુ પરીક્ષાર્થીઓની, કે જેને ગૃહપતિ રેન્ડિયર્સ કહીને એમના છેલ્લા ઉદ્દબોધનમાં સંબોધે છે. ગૃહપતિનું પાત્ર કઠોર, શિસ્તના આગ્રહી અને સખ્તી વર્તનારા તરીકે તો ઉભરે છે પણ એમના છેલ્લા ભાષણ પછી અને વિદ્યાર્થીઓનું રિઝલ્ટ આવી જતાં, ધમા સાથે મારેલી ચેલેન્જને પૂરી કરવામાં તેઓ નિખાલસતા દર્શાવે છે. ચેતન જેવા અનેક સ્ટુડન્ટોને કાબૂમાં રાખીને છાત્રાલય અને નિશાળમાં પોતાની ધાક કાયમ કરનારા આ ગૃહપતિ પોતે ખરેખર કોણ હતા? વિદ્યાર્થી નામના રેન્ડિયર્સને જીવનની ગાડીમાં જોતરનાર અને હાંકનાર સાન્તાક્લોઝ કે પછી રેન્ડિયર્સની ટીમના કેપ્ટન કે પછી એક વિલન? એ જાણવા આ અનોખી અને ગુજરાતી સાહિત્યમાં આજ સુધી કદીયે ન લખાઈ હોય એવી, અનિલ ચાવડાની નવલકથા, “રેન્ડિયર્સ” અંત સુધી વાંચવી રહી. આ નવલકથા આપણા સહુની એ કિશોર અને મુગ્ધવયની દોસ્તીને નામ છે, જે આખી જિંદગી ભૂલી શકાતી નથી.

આ નવલકથા વાંચતાં, કિશોરાવસ્થા અને યુવાનીના સંધિકાળની ઉંમરમાં તોફાન, ધમાલ, મસ્તી, બારકસોની ટોળી સાથેની ધમાચકડી સાથે બીજું પણ કેટકેટલું અનુભવાય છે? અને શેની શેની સાથે કિશોરમાનસે સુષુપ્તપણે ઝૂઝવાનું છે એની પણ વાત લેખક સૂક્ષ્મપણે કરે છે. આમ ઝઝૂમવામાંથી ઉપજતી અસલામતિ, આકર્ષણ, મૈત્રી, આરત, અનેક સ્તરે આવતાં અવરોધો, અપમાન, ક્રોધ, અસહાયતા, અનિશ્વિતતા, સામાજિક અસમાનતા અને અવગણના જેવી લાગણીઓનું સંવેદનાપૂર્ણ વર્ણન, સંતુલિતતાથી લેખક કરે છે, ક્યાં ય પણ લાગણીવેડામાં સરી પડવા સિવાય. એક કિશોર કે કિશોરી યુવાન બને ત્યાં સુધીમાં એનું મનોજગત શૈક્ષણિક, સામાજિક અને કૌટુંબિક પરિસ્થિતિના નાનામોટાં કેટકેટલા ધક્કા સહે છે એની વાત સાવ સરળતા, સહજતા, સાદગીથી અને સૂક્ષ્મ રમૂજ સહિત અહીં કરવામાં આવી છે. લેખકે એમનાં દરેક પાત્રને ખૂબ લાડ લડાવીને ઉછેર્યાં છે એ આ નવલકથા વાંચતા પ્રતીત થાય છે, પણ એ સમજવાનું તેઓ વાચકોના ભાવવિશ્વ પર છોડી દે છે. વાચકને માધવ, ધમો, હિમત પડીકી, શિલ્પા, સોનલ, ગૃહપતિ, શિક્ષકોના પાત્રો સાથે કથા વાંચતા એક ઘરોબો કેળવાય છે. કારણ, ક્યાં ય પણ કૃત્રિમતા નથી, બસ, સચ્ચાઈ શબ્દેશબ્દમાં નીતરે છે. સ્વાભાવિકતા અને સહજતાથી વાતોના બખિયાં, સંજોગો દ્વારા ઉધેડાતાં જાય છે અને કથાનું પોત સલુકાઈથી ઉઘડતું જાય છે.  આ જ તો આ કથાની યુ.એસ.પી. છે. નવી ઊંચાઈ અને નવા મોડ પર લઈ જતી આ નવલકથા અંતમાં અત્યંત રસપ્રદ રીતે નવા આયામોના આભ ઉઘાડે છે.

આવી નવલકથાઓ આપણી ભાષામાં લખાઈ નથી. અનિલ ચાવડાને હ્રદયપૂર્વકના અભિનંદન. મને ખાતરી છે કે આ નવલકથા ઇતિહાસ સર્જશે જ. એમની સશક્ત અને ધરખમ, યુવાન કલમ ઉત્તમ સાહિત્ય સતત સર્જતી રહે અને ગુજરાતીભાષાને વિશ્વ સાહિત્યના ફલક પર મૂકી દે એવું મબલખ લખતી રહે એ જ શુભેચ્છા.

e.mail : jayumerchant@gmail.com

Loading

2 March 2021 admin
← સુભાષબાબુનું પુણ્યસ્મરણ
કવિતા બોલો ભાઈ કવિતા … →

Search by

Opinion

  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?
  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved