Opinion Magazine
Number of visits: 9449636
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

રે બરખા, ઐસી ન બરસ કિ વો આ ન સકે, અગર બરસે તો ઐસી બરસ કિ વો જા ન સકે

સુમન શાહ|Opinion - Literature|3 August 2019

વરસતા વરસાદમાં લારી પર દાળવડાં ઝાપટનારાંને પણ જીવન સરસ જ લાગતું હોય છે

વર્ષાઋતુ બેસે એટલે મન મારું ઊડું ઊડું થાય. ઘનઘોર વાદળાંની જેમ એને પણ થાય કે ક્યાં જઇને વરસું, જઇને કોના પર તૂટી પડું. પણ વાદળાં કરી શકે એ મારાથી ન થાય. સંભવિત ખરું પણ શક્ય નહીં. એમ પણ કહેવાય કે શક્ય ખરું પણ અસંભવિત. 'સર્જનાત્મક જૂઠ' ચલાવવાની મહાકવિ હોમરની ક્ષમતા વિશે વાત કરતાં ઍરિસ્ટોટલે 'પોએટિક્સ'-માં કહેલું કે સર્જકોએ 'સંભવિત અશક્યતાઓ' માટે મથામણ કરવી જોઇએ, નહીં કે 'અસંભવિત શક્યતાઓ' માટે. સર્જક કલ્પનાનો એ એક મહા સિદ્ધાન્ત છે. સિદ્ધાન્તનું દૃષ્ટાન્ત એમણે એવું આપ્યું કે 'નિદ્રિત' ઓડિસ્યસ ઈથાકા પ્હૉંચી ગયો. આમ, કવિ હોમર જ લખી શકે. ઓડિસ્યસ ભલે પ્હૉંચી ગયો બાકી મારા-તમારાથી ઊંઘતાં ઊઘતાં થોડું કંઇ અમદાવાદથી વડોદરા પ્હૉંચી જવાય? પણ સર્જકો એમ લખી શકે; કરી પણ શકે. પણ છોડો, વાતો આજે કરવી છે વરસાદની. પણ હા, વરસાદની વાતો કરવાથી વરસાદ જો આવે, તો માનવું કે સંભવિત શક્ય થયું અથવા શક્ય હતું તે સંભવ્યું.

પ્રેમ હોય તો, ના, પ્રેમ હોય તો જ વિરહ હોય. વર્ષાઋતુમાં વિરહીઓના હાલ બૂરા હોય છે. એ ભઇલો ભલે બીજાની તો બીજાની પણ આ પંક્તિ ખાસ લવલવ્યા કરવાનો : રે બરખા, ઐસી ન બરસ કિ વો આ ન સકે, અગર બરસે તો ઐસી બરસ કિ વો જા ન સકે : બધો મદાર વરસાદ પર બાંધીને રસ્તો જોતો બારીએ બેસ્યો રહે. એની પ્રેમિકાને ય ભાન રહેવું જોઇએ કે વાદળ ઘેરાયાં લાગે કે તરત પ્હૅરેલે કપડે નીકળી જવાનું હોય, તડપનમાં ઝાઝું પડ્યાં ન રહૅવાય. મારે એમ પણ કહેવું છે કે અતિ પ્રેમ હોય તો અતિ વિરહ હોય, સ્હૅવાય નહીં, અસહ્ય થઇ પડે એવો વિરહ. આ વિશે મેં કાલિદાસને પૂછ્યું. તો કહે, વર્ષાકાળે વિરહ તીવ્રથી અતિ તીવ્ર થઇ ઊઠે છે એટલે તો મેં 'મેઘદૂત' રચ્યું છે – કશ્ચિત્ કાન્તાવિરહગુરુણા … એમની વાત સાચી છે. મન્દાક્રાન્તા છન્દમાં ૧૨૨ જેટલા શ્લોકમાં વિરહ ખૂબ ઘોળાયો છે. છન્દોલય સાચવીને 'મેઘદૂત' ગાવાથી વિરહ સહ્ય થઇ જાય તો થઇ જાય. મને એવી મનોવસ્થા હોય ત્યારે રાગ મેઘ-મલ્હાર સાંભળવો ગમે છે ને ચાલુ વરસાદે તો બહુ જ. એકવાર ભીમસેન જોશીના કણ્ઠે ગવાયેલો સૂર-મલ્હાર સાંભળતો'તો, અને 'ગરજત બાદલવા' પરની એમની કણ્ઠલીલાથી હું દ્રવિત થઇ ગયેલો.

રવીન્દ્રનાથના એક અધ્યેતા રૂપે મેં નૉધ્યું છે કે એમની સૃષ્ટિમાં લોટ કે બુસ્કાંની જેમ વરસતી રજ-વર્ષાથી માંડીને ઘેરી ઘનશ્યામ વર્ષાનાં બધાં જ રૂપો આલેખાયાં છે, કવિ એક પણ રૂપ ચૂક્યા નથી. વિરહની પીડાનું નિવારણ કાવ્યગાનથી થઇ જાય તો સારી વાત છે. બાકી એવી કશી ગૅરન્ટી નથી હોતી. કેમ કે કલાઓ માત્ર સાંત્વના આપી શકે. પણ એક સાવ શક્ય ઇલાજ સાંભળો : ડોલમાં ગરમ પાણી લઇ વરસતા વરસાદમાં આંગણામાં કે બાલ્કનીમાં કે ટૅરેસમાં બેસીને ન્હાવાનું. તમારે તમારી કાયા પર ગરમને રેડતા રહેવાનું, ઉપરથી વરસાદ તો વરસતો જ હશે. હું તો નાનાપણથી એ ઊની-ભીની મજા વરસોથી લેતો આવ્યો છું. આ ઇલાજથી સંભવિત છે કે વિરહનાશ થાય અને મિલનસમ્મુખ થઇ જવાય. બને કે ટુવાલ લઇને કોઇ સ્મિતવદના તમને ઢબૂરી લેવાને આતુર ઊભી હોય. બાકી જીવનમાં સમ-વિષમ જળનું મિશ્રણ રસાનુભાવ્ય હોય છે. રવીન્દ્રનાથના શતાબ્દીવર્ષમાં, ૧૯૬૧માં, હું જુનિયર બીએમાં હતો. કૉલેજે ઉત્સવ યોજેલો. એક બેઠક રવીન્દ્રનાથનાં ગીતોનાં ગાયન માટે હતી. અમે ગાતાં'તાં. અમે જ્યારે 'બાદલ મેઘે માદલ બાજે' ગીત શરૂ કર્યું તો જોતજોતામાં બારીઓના આકાશેથી વરસાદ વરસવા લાગ્યો. આખી સભાએ તાળીઓના ગડગડાટથી આનન્દ પ્રગટ કરેલો. તાળીઓ અમને અમારા માટે લાગેલી. સભાઓમાં તાળીઓ બહુ-સૂચક હોય છે.

પહેલાં તો સાત સાત દિવસની હેલી થતી. આમ મને સારું લાગે પણ આમ ન લાગે. જીવ સૉરાય. ગૂંગળામણ થાય. મનુષ્યજીવ તરીકે આ ધરતી પર એકલા પડી ગયાની તીવ્ર લાગણી થવા માંડે. મૂંઝારાનું મારું એ આછુંપાછું સંવેદન સમર્થ આધુનિક કવિ બૉદ્લેરના Spleen કાવ્યના સમ્પર્કમાં મુકાયા પછી સાવ ખીલી ગયું. પાંચ ચતુષ્કના એ કાવ્યના ત્રીજા ચતુષ્કની પહેલી બે પંક્તિનો ભાવાર્થ અહીં મૂકી શકાય એમ છે : વર્ષાની અવિરત ધારાઓ એકધારું વરસતી હોય છે ત્યારે એ કોઇ વિરાટ જેલના સળિયા જેવી લાગે છે : પછી તો કવિ એમ પણ કહે છે કે ત્યારે થાકેલા કરોળિયા પોતાની જાળ ગૂંથવાને આપણાં મગજમાં સળવળવા લાગે છે… વગેરે. પૃથ્વીનો આ ગોળો કોઇ વિરાટ જેલ હોય ને વર્ષાની ધારાઓ જેલના સળિયા ! અદ્ભુત-રસિત છતાં વાસ્તવશીલ છે આ કલ્પન. કવિેએ ક્યારેક એમ પણ કહ્યું છે કે

'ધ સ્કાય ! બ્લૅક લિડ ઑફ ધ ગ્રેટ કિટલિ 
વ્હૅર હ્યુમેનિટી 
સીમર્સ, વાસ્ટ ઍન્ડ ઈમ્પર્સૅપ્ટિબલ :

રે આકાશ, જેમાં માનવતા ઊકળે છે એ મહા કિટલિ (પૃથ્વી)નું તું શ્યામ ઢાંકણ, વિરાટ ને અગોચર …(અનુવાદ, કામચલાઉ).

રામ્બોના Drunken Boat કાવ્યનું etching કરેલું વિખ્યાત કલાકાર કર્ટ કૅમ્પે …

Courtesy : Etching Artist : Kurt Kemp

વરસી ગયેલા વરસાદનાં પાણી ફળિયાની નાની નીકોમાં વહેતાં હોય ત્યારે કાગળની હોડીને વહેતી કરીને એકીટશે જોવાની મજા કોણે ન લીધી હોય? પણ હોડી હાલકડોલક કરતી ક્યાંક તો બેસી પડે. નસીબનો વાંક દેખાય. કેમ કે એ ઉમ્મરે 'જીવનનાવ' શબ્દ થોડો સાંભળ્યો હોય? કદાચ એટલે મને વર્ષાના દિવસોમાં ફ્રૅન્ચ કવિ આર્થર રામ્બોનું Drunken Boat કાવ્ય ખાસ યાદ આવે છે. માણસ ડ્રન્કન હોય, પીધેલ, લથડિ યાં ખાતો જતો હોય, પણ બોટ? પીધેલ બોટનું કાવ્ય કેવુંક હોય? સાંભળો : કાવ્યમાં એક એવી નાવની કથા છે જે પોતાના બધા અંકુશ ગુમાવી બેઠી છે ને દિશાહીન અફળાતી-કૂટાતી સાગર ભણી ફંગોળાતી જાય છે. નથી કોઇ નાવિક, નથી પતવાર, કે નથી લંગર. અબાધ સ્વતન્ત્રતા છે, સાગરને પામવાની ગાંડીતૂર ઘેલછા છે. માર્ગમાં પરાક્રમો અને મુકાબલાઓની કઠિનાઇઓ છે, અવનવું પામ્યાનાં સુખસંતોષ છે. પણ જીવનના એ સંમિશ્ર અનુભવથી થાકીહારીને નાવ છેલ્લે છૂટકારો ઇચ્છે છે… રામ્બોએ આ કાવ્ય ૧૬ વર્ષની ઉમ્મરે લખેલું – એવા સક્ષમ કવિઓ સમક્ષ રજૂ કરેલું જેમને એ ૧૮૭૧માં પૅરીસમાં મળવાનો હતો. ૨૫ રૂબાઈમાં વ્હૅંચાયેલી ૧૦૦ પંક્તિનું આ છન્દોબન્ધ કાવ્ય મુક્તિ ઝંખતા લબરમૂછિયા તરુણની, એટલે કે રામ્બોની ખુદની, લાગણીઓ અને વિચારોનું એક સ-રસ ભાવસંકુલ છે. રામ્બો માત્ર૩૭ વર્ષ જીવેલા. આધુનિક સાહિત્યકલાના અગ્રયાયી. ફ્રૅન્ચ પ્રતીકવાદી કવિતાનો બળુકો અવાજ. આ કાવ્યનો અનુવાદ રામ્બોથી વયમાં ૩૩ વર્ષ મોટા બૉદ્લેરે કરેલો ! નીવડેલા કવિની નવ્ય કવિને કેવી તો ભાવાંજલિ !

આમ, વરસાદ ન હોય કે હોય કે આવે; પણ સંગીત હોય, સાથમાં આવા સમર્થ શબ્દસ્વામીઓ હોય, કેટલું સરસ ! જો કે વરસતા વરસાદમાં લારી પર દાળવડાં ઝાપટનારાંને પણ જીવન સરસ જ લાગતું હોય છે. ગરમ સુખડીના સાથમાં મીઠામરચાવાળા તળેલા સિંગદાણા ખાનારાંને પણ જીવન સરસ જ લાગતું હોય છે. તું ભલા ! સરસ સરસના ભેદની ચિન્તા શીદને કરે છે… કૃષ્ણને કરવું હોય એ કરવા દે ને …

= = =

શનિવાર, તારીખ ૩/૮/૨૦૧૯-ના ‘નવગુજરાત સમય' દૈનિકમાં પ્રકાશિત લેખ અહીં સૌજન્યસહ મૂક્યો છે

Loading

3 August 2019 admin
← ફરિયાદી મહિલા કચડાય છે, આદિવાસીઓ ગોળીએ વીંધાય છે, ઉત્તર પ્રદેશમાં યોગીરાજ ચાલે છે
ભારતમાં દારૂલ ઇસ્લામનાં સપનાં જોવા મૂર્ખાઈ છે →

Search by

Opinion

  • શૂન્યનું મૂલ્ય
  • વીર નર્મદ યુનિવર્સિટીએ એક્સ્ટર્નલ અભ્યાસક્રમો ચાલુ રાખવા જોઈએ …..
  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved