ચડ્ડીને ત્યજવાનું કારણ અગવડતા છે, એને કોઈ વૈચારિક વિકાસ સાથે સંબંધ નથી. પાટલૂન આખું હોય કે અડધું હોય, ખાખી હોય કે ભૂરું હોય – એને વિચાર સાથે શો સંબંધ છે? આજકાલ મેદસ્વિતા જાગતિક સમસ્યા બની રહી છે જેમાં નીતિન ગડકરી જેવા નેતાઓ હાફ પૅન્ટમાં ભૂંડા લાગે છે. ઘણાં વર્ષોથી આ વિશે ધ્યાન ખેંચવામાં આવતું હતું અને ૨૦૧૦થી ચડ્ડીને આખી કરવાની દરખાસ્ત વિચારણા હેઠળ હતી
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે ખાખી ચડ્ડીને તિલાંજલિ આપી છે અને હવે એની જગ્યાએ સંઘનો સ્વયંસેવક ભૂરા રંગનું આખું પૅન્ટ પહેરશે. સારી વાત છે. કેવો ગણવેશ પહેરવો કે બદલવો એ જે-તે સંગઠનનો વિષય છે. ૯૦ વર્ષે સંઘે ચડ્ડીથી પૅન્ટ સુધીનો વિકાસ સાધ્યો એને મુદ્દો બનાવીને વિરોધીઓ ઠઠ્ઠા પણ કરશે. મજાક ઉડાવવા માટે પાછો સંઘના જનરલ સેક્રેટરી સુરેશ જોશી ઉર્ફે ભય્યાજી જોશીએ મોકો પણ આપ્યો છે. તેમણે કહ્યું છે કે સંઘ પરંપરાપરસ્ત નથી, પરંતુ ખુલ્લું દિમાગ ધરાવનાર પરિવર્તનશીલ છે એનું આ ઉદાહરણ છે. વિકાસ અને પરિવર્તન ગણવેશમાં છુપાયેલાં છે એની આજ સુધી જાણ નહોતી.
વસ્ત્રપરિધાનને વિચાર અને વિકાસ સાથે જોડવાની કમાલની હથરોટી ગાંધીજીમાં હતી. તેમણે પોતાની જિંદગીમાં આઠ વખત કપડાંની શૈલી બદલી હતી. બાળપણમાં તેઓ કાઠિયાવાડી વાણિયા પહેરે એવાં કપડાં પહેરતા હતા. લંડન ભણવા ગયા પછી (અને આમ તો તૈયારીના ભાગરૂપે એ પહેલાં જ) તેમણે પાશ્ચત્ય વસ્ત્રો અપનાવ્યાં હતાં. આમાં પશ્ચિમના સ્વીકારનું એક સ્ટેટમેન્ટ હતું. જીવનની આબાદી પશ્ચિમના રસ્તે આવે છે એનો સ્વીકાર હતો. સાઉથ આફ્રિકામાં તેમણે જ્યારે સત્યાગ્રહ શરૂ કર્યો ત્યારે લુંગી પહેરવાનું શરૂ કર્યું હતું, કારણ કે સાઉથ આફ્રિકાના ગિરમીટિયાઓમાં મદ્રાસીઓ વધુ હતા. ગાંધીજીએ તામિલ ભાષા પણ શીખી હતી. આમાં પ્રજા સાથે એકાકાર થવાનું રાજકીય સ્ટેટમેન્ટ હતું.
ગાંધીજી ભારત આવ્યા ત્યારે ધોતી, કેડિયું અને ફેંટો એવાં કાઠિયાવાડી કપડાં પહેરીને સ્ટીમરમાંથી ઊતર્યા હતા અને પછી કેટલોક સમય એ જ તેમની વસ્ત્રશૈલી હતી. આમાં પશ્ચિમના અસ્વીકારનું અને પોતીકી પરંપરાને શરમાયા વિના અપનાવવાનું સ્ટેટમેન્ટ હતું. એ પછી તેમણે ધોતી, ખમીસ અને ટોપી પહેરવાનું શરૂ કર્યું હતું. આ દ્વારા તેમણે માત્ર સાદગીનું જ નહીં, સામાજિક સમાનતાનું અને એક સરખી રાષ્ટ્રીય ઓળખનું સ્ટેટમેન્ટ આપ્યું હતું. વાચકને જાણ હશે કે પહેલાંના યુગમાં લોકો અલગ-અલગ પ્રકારની પાઘડી પહેરતા હતા અને પાઘડીની શૈલી દ્વારા તે કયા પ્રદેશનો અને કઈ જાતનો છે એની ઓળખ વગર પૂછ્યે થઈ જતી. મહારાષ્ટ્રમાં અઠરા પગડ જાતિ કહેવત પ્રચલિત છે જે એમ સૂચવે છે કે ગામમાં ૧૮ પ્રકારની પાઘડી બાંધનારા ૧૮ જાતિના લોકો રહે છે. ગાંધીજીએ અંતે ખમીસ અને ટોપી પણ ત્યજી દીધાં હતાં અને એ દ્વારા તેમણે અંતિમ માણસ સાથેના એકત્વનું, ઓગળી જવાનું, લીન થઈ જવાનું સ્ટેટમેન્ટ આપ્યું હતું. ગાંધીજી વિશે વિશ્વભરના વિદ્વાનોમાં એટલી કુતૂહલતા છે કે ગાંધીજીના વસ્ત્રપરિધાન વિશે જ આખું એક પુસ્તક અંગ્રેજીમાં લખાયું છે.
ખેર, ગાંધીજીની વાત નિરાળી હતી; પરંતુ ગાંધીજીએ પાંચમી વાર વસ્ત્રશૈલી બદલી, પાઘડીની જગ્યાએ ગાંધીટોપી દાખલ કરી અને એ સાથે અઢાર પગડ ઓળખ ખતમ કરવાનો સંકલ્પ કર્યો ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો જન્મ થયો હતો. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ગાંધીજીથી ઊલટું ચોક્કસ ઓળખ બચાવી લેવા માગતો હતો અને ચોક્કસ ઓળખ મિટાવી દેવા માગતો હતો. આને માટે સ્વયંસેવકોની કૅડરની જરૂર હતી અને કૅડરનો સભ્ય નજરે પડતાં જ ઓળખાઈ જવો જોઈએ. તે શિસ્તબદ્ધ હોવો જોઈએ, આજ્ઞાનું સિપાઈની માફક પાલન કરનારો હોવો જોઈએ, વિચારોને સમર્પિત હોવો જોઈએ અને શંકા કરનારો કે પ્રશ્ન પૂછનારો તો મુદ્દલ ન હોવો જોઈએ. અંગ્રેજીમાં આને માટે રેજિમેન્ટેશન શબ્દ છે. લશ્કરની રેજિમેન્ટમાં જેમ સિપાઈ હોય એમ સ્વયંસેવક હોવો જોઈએ. બિલકુલ ગાંધીજીથી ઊલટી દિશા. ગાંધીજી અઢાર પગડની ઓળખ મિટાવીને એક ભારતીય ઓળખ વિકસાવવા માગતા હતા તો સંઘ અઢાર પગડ ઓળખ મિટાવીને એકમેવ હિન્દુ ઓળખ વિકસાવવા માગતો હતો. ટૂંકમાં, ગણવેશને રેજિમેન્ટેશન સાથે સંબંધ છે, વૈચારિક વિકાસ સાથે નથી. સૈનિકને વિચારવાની, શંકા કરવાની, પ્રશ્નો પૂછવાની અને પોતાની જાતે નિર્ણય લેવાની આઝાદી નથી.
૧૯૨૫માં સંઘની સ્થાપના થઈ ત્યારથી લઈને ૧૯૪૦ સુધી સંઘના સભ્ય માટે ખાખી ચડ્ડી અને ખાખી શર્ટનો ગણવેશ હતો. આ ઉપરાંત સંઘના સ્વયંસેવક હાથમાં લાઠી પણ રાખતા હતા અને લાઠી ચલાવવાની તાલીમ લેતા હતા. બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન લોકોના મનમાં સ્વયંસેવક અને સુરક્ષાકર્મી વચ્ચે ઓળખનો ગૂંચવાડો ન થાય એ માટે સરકારે ખાનગી નાગરિક ખાખી શર્ટ અને ખાખી પાટલૂન પહેરે એની સામે વાંધો લીધો હતો એટલે ૧૯૪૦થી ખાખી શર્ટની જગ્યાએ સફેદ શર્ટ અપનાવવામાં આવ્યું હતું. કાળી ટોપી ૧૯૨૫થી આજ સુધી બચેલી છે અને એમ લાગે છે કે આવનારાં વર્ષોમાં પણ એ બચતી રહેવાની. ખાખી ટોપી ઇટલીના ફાસીવાદી શાસક મુસોલિની પાસેથી અપનાવવામાં આવી છે. કમર પરના ચામડાના પટ્ટાને અને ચામડાના બૂટને એક જૈન સાધુના કહેવાથી હટાવવામાં આવ્યાં હતાં. ચામડું વાપરવામાં પ્રાણીની હત્યા થાય છે એટલે અહિંસાથી પ્રેરાઈને ચામડાની ચીજો વાપરવાનું બંધ કર્યું હતું. જો કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અહિંસામાં માને છે એવી સત્તાવાર જાહેરાત આજ સુધી કરવામાં આવી નથી. ગાંધીજીની હત્યા પછી સંઘના સ્વયંસેવકોને અર્ધલશ્કરી તાલીમ આપવામાં નહીં આવે એવી સરદાર વલ્લભભાઈ પટેલની શરત સંઘે સ્વીકારી લીધી હતી એટલે લાઠી દશેરાની રૅલીની એક શોભા માત્ર રહી છે. આમ ૧૯૨૫થી અત્યાર સુધી બચી છે કાળી ટોપી અને ખાખી ચડ્ડી જેમાંથી ખાખી ચડ્ડી હવે વિદાય લઈ રહી છે.
ચડ્ડીને ત્યજવાનું કારણ અગવડતા છે, એને કોઈ વૈચારિક વિકાસ સાથે સંબંધ નથી. પાટલૂન આખું હોય કે અડધું હોય, ખાખી હોય કે ભૂરું હોય એને વિચાર સાથે શો સંબંધ છે? આજકાલ મેદસ્વિતા જાગતિક સમસ્યા બની રહી છે જેમાં નીતિન ગડકરી જેવા નેતાઓ હાફ પૅન્ટમાં ભૂંડા લાગે છે. ઘણાં વર્ષોથી આ વિશે ધ્યાન ખેંચવામાં આવતું હતું અને ૨૦૧૦થી ચડ્ડીને આખી કરવાની દરખાસ્ત વિચારણા હેઠળ હતી.
હા, એક પરિવર્તનનું સ્વાગત કરવું જોઈએ. સંઘે કહ્યું છે કે તમામ હિન્દુ દેવસ્થાનો સ્ત્રીઓ માટે ખુલ્લા હોવાં જોઈએ. આને માટે અભિનંદન.
સૌજન્ય : ‘કારણ-તારણ’, “ગુજરાતી મિડ-ડે”, 15 માર્ચ 2016
http://www.gujaratimidday.com/features/columns/know-why-rss-dumped-khaki-shorts-chose-brown-trousers-as-new-uniform
![]()

