Opinion Magazine
Number of visits: 9447906
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

રાહુલ ગાંધીની યાત્રા : એક સંજીવનીનું વાવેતર –

રોહિત શુક્લ|Opinion - Opinion|25 January 2023

રોહિત શુક્લ

છેલ્લાં કેટલાંક વરસોથી સમગ્ર દેશમાં નફરત, વેર, નાની મોટી મારાકાપી, ઘૃણા-તિરસ્કાર, હિંસા, ગુનાખોરી, ભ્રષ્ટાચાર અને લોકશાહીને જરા ય ન શોભે તેવા આધિપત્યનો માહોલ સર્જાયો છે. પૈસા-સંપત્તિ અને સત્તાનું આવું મેળાપીપણું ભાગ્યે જ નોંધાયું હશે. આ તમસ બધાને ઘેરી વળ્યું છે – અને કોઈ રસ્તો પણ ભાગ્યે જ નજરે ચઢે છે. ‘મહાત્મા’ નામે ઓળખાયેલા મો.ક. ગાંધીને પણ ૧૯૧૫થી ૧૯૪૨ દરમિયાન આવા જ કોઈક વાતાવરણનો પરિચય થયો. અંગ્રેજોએ દેશને ૫૦ વરસ સુધી લૂંટે રાખ્યો. દેશના ભલભલા મોવડીઓ અંગ્રેજિયતને આત્મસાત્ કરી ચૂક્યા હતા. ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં ખ્યાતિ મેળવ્યા બાદ ૧૯૧૫માં મુંબઈમાં પ્રવેશ્યા ત્યારે તેમના સ્વાગત માટે ઊભેલા સમૂહમાંનાં એક પારસી મહિલા અંગ્રેજિયતમાં એવાં ઓતપ્રોત થઈ ગયેલાં કે ગાંધીજીમાં તેમને ‘ધન્ના દરજી’ ભળાયેલા ! આ સ્વત્વ ગુમાવી બેઠેલા કરોડો ભારતવાસીઓમાં ૧૯૪૨ સુધીમાં પ્રચંડ જુવાળ આવ્યો. સ્વના રાજ માટે સ્વની ઓળખ જરૂરી હતી અને ૧૯૩૦ની દાંડીકૂચ તથા ૧૯૪૨નું ‘હિંદ છોડો’ આંદોલન ભારતની ભૂગોળમાં વસનારા ગરીબ અને અશિક્ષિત, માંદલા અને તેજહીન માનવ-સમૂહોને સ્વ માટે ગૌરવ અને સન્માન બક્ષી ગયાં. રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાની વેર-વિખેર ચાવીઓ આ ‘સ્વ’ની ઓળખ, શોધ અને તેમાંથી સંભવનારા આત્મગૌરવમાં શોધવી રહી.

રાહુલ ગાંધી અને કૉંગ્રેસને નામશેષ કરી દેવાય તો ય શું ? ભારતમાં અને સમગ્ર દુનિયામાં અનેક પક્ષો અને રાજનેતાઓ આવ્યા અને ગયા. રાજા-મહારાજા, નવાબ-શહેનશાહ કેટલા ય આવ્યા અને ગયા. તો પછી કૉંગ્રેસ પક્ષનું કાંઈ વિશેષ ખરું ? ૧૩૮માં વર્ષમાં પ્રવેશેલો પક્ષ કંઈ અમરપટો લખાવીને આવ્યો છે ?

હા, કૉંગ્રેસનો અમરપટો તેના રાજકારણી રૂપમાં નથી; દેશના કરોડો લોકોના જીવન સાથે તે તાણા-વાણાની જેમ ગૂંથાઈ ગયો છે. કોઈક ધર્મ જેમ ‘વે ઑફ લાઈફ’ (જીવનશૈલી) હોય તેમ કૉંગ્રેસ પણ ‘વે ઑફ લાઈફ’ છે. વિશ્વણા કારોબારમાં પોતાનું સ્થાન ઊભું કરવા મથતા; ગરીબી, માંદગી, અંધશ્રદ્ધા, પછાતપણું વગેરેમાં ઊંડે ઊંડે ખૂંપી ગયેલા જીવનને થોડુંક અજવાળવા, પગભર થવા અને ભવિષ્યની આશા ફેફસાંમાં ભરવાનો પ્રાણવાયુ માત્ર કૉંગ્રેસ જ આપી શકે. જે કૉંગ્રેસી નેતા આ ન કરી શકે તેને રાજીખુશીથી  કરોડોમાં વેચાતા કરવાની છૂટ હોય જ.

પોતડીવાળા ‘નંગા ફકીર’ એવા એક ગાંધીથી ટી-શર્ટ-પાટલુનવાળા આ બીજા ગાંધીની યાત્રા અનિવાર્ય પણ હતી અને આવશ્યક પણ હતી જ. સૌને નડતા મોંઘવારી-બેકારી-ગરીબી-પાયમાલીના વિષચક્રની વાત પણ ન થાય, એવા માહોલમાં આર્થિક અસમાનતા વધતી જાય છે અને અન્ય આર્થિક સમસ્યાઓ વિકટ છે તે મતલબનાં વિધાનો હોઝબોલે કે નીતિન ગડકરી કરે પણ તે તો તળાવના પાણીમાં નંખાયેલી કાંકરીથી વિશેષ મહત્ત્વનું નહીં ! સત્તાને મર્યાદિત હાથોમાં કેન્દ્રિત કરવી અને શાશ્વત બનાવવી એ ઉદ્દેશ માટે સમાજનું વિભાજન જરૂરી હતું અને છે. આ કુલ પરિસ્થિતિમાં સમાજનો ખાસો મોટો વર્ગ વ્યાકુળ હતો.

દેશની સમક્ષ ઊભા થયેલા દુર્દૈવની એક લાંબી ફેહરિસ્ત છે. પાનસરે, દાભોલકર, કાલબુર્ગી, ગૌરી લંકેશથી માંડી અખલાખ, રોહિત વેમુલા વગેરે અનેકોના વ્યક્તિગત બનાવો માટે કયાં કારણો હતાં ? તે નિવારી ન શકાયાં હોત ? અને કોરોનાની તાળાબંધી કે કિસાનોના વ્યાપક વિરોધ આંદોલનો સત્તાપક્ષનો અભિગમ માનવીય સંવેદનશીલતાની ઊણપ દર્શાવે છે. કાંઈક રીતે પરોક્ષ સ્વરૂપના નીતિગત કે ઢાંચાગત પ્રવાહો પણ જન-માનસને શાતા આપે તેવા નથી. અત્યંત મોઘું શિક્ષણ, સ્વાસ્થ્યની સેવાઓની દુષ્કરતા, કૃષિવીમા કે કૃષિભાવ જેવી સમસ્યાઓમાં જવાબદેહીતાની સમસ્યા, પેયજળથી માંડી શહેરીકરણ અને સુવિધાના પ્રશ્નો વગેરેમાં નાગરિક જીવન વધુ ને વધુ ફસાતું જાય છે.

વૈચારિક દૃષ્ટિએ રાહુલ ગાંધીની આ લાંબી પદયાત્રાના અનેક સૂચિતાર્થો નીકળે છે. અલબત્ત સ્વાભાવિક રીતે જ વધારે ધ્યાન નવા ઊભરતાં રાજકીય સમીકરણો તરફ ખેંચાય છે. કમનસીબે ભારતમાં રાજકારણ એટલું હાવી થઈ ગયું છે કે સામાજિક અને આર્થિક પરિપ્રેક્ષ્યોની તટસ્થ અને ગુણાત્મક ચર્ચા જ અસંભવ બની ગઈ છે. આથી વૈચારિક સૂચિતાર્થોને બીજા ક્રમે ઉતારીને પ્રથમ રાજકીય અને રાજકારણી લાક્ષ્યાગૃહની તલાશી કરીએ. આ યાત્રા શરૂ થતાંની સાથે આ દિશાના કેટલાક સવાલો ઘૂમરાતા થયા છે.

૧.       હવે કૉંગ્રેસ વધુ મજબૂત બનશે ?

૨.       રાહુલ ગાંધીની પ્રતિભા વધુ પ્રભાવક નીવડશે ?

આ પ્રભાવકતા કૉંગ્રેસ પક્ષની અંદર તેમ જ ચૂંટણીના રાજકારણમાં વધુ અસરો પેદા કરી શકશે ?

૩.       આ યાત્રાના ફળસ્વરૂપે વિપક્ષોની એકતા વધશે ?

૪.       દેશમાંથી વિલુપ્ત થતી જતી લોકશાહી સજીવન થશે ?

૫.       રાજ્યનો વહીવટ ‘હમારે દો’ને બદલે લોકાભિમુખ કે ગરીબ તરફી બનશે ?

૬.       ધાર્મિક ઉન્માદ અને સ્ત્રીઓ સામેની ગુનાખોરી ઘટશે ?

૭.       દેશમાં તમામ ધર્મો તથા જીવન-પદ્ધતિઓ તરફ રાજ્ય નિષ્પક્ષ ભાવે વર્તશે ?

૮.       મતોનું રાજકારણ એક સ્વસ્થ સમાજજીવનને પાંગરવા દેશે ?

આ પ્રશ્નોના કેટલાક વૈચારિક ક્ષેત્રના ફલિતાર્થો પણ છે – પરંતુ તેને રાજકીય પરિસીમામાં કેન્દ્રિત કરીને આ યાત્રાની પ્રભાવકતા તોળી જોવી જોઈએ. સૌ પ્રથમ તો આ લગભગ ૧૫૦ દિવસની અને સાડા ત્રણ હજાર કિલોમીટરની પદયાત્રા કરનાર રાહુલ ગાંધી તરફ લોકાકર્ષણ પણ ખાસ્સું વધ્યું છે. ‘પપ્પુ’ ગણાવવા કરોડો રૂપિયાનું પ્રચારતંત્ર ગોઠવનારા સૌનાં મોઢાં હવે બંધ થઈ ગયાં છે. ‘ફેંકુ’ કે ‘પપ્પુ’ જેવા લેબલ ઊંચી માનસિકતા ધરાવતા નથી તે સ્પષ્ટ થયું છે. રાહુલ ગાંધીની પ્રતિભા અકલ્પ્ય એવી ઊંચાઈએ પહોંચી છે. તુષાર ગાંધી, અરુણા રોય, કમલ હાસન, આદિત્ય ઠાકરે, વગેરે જેવા અનેક નેતાઓ, અનેક રમતવીરો તથા ફિલ્મી કલાકારો અને પ્રશાંત ભૂષણ જેવી સામાજિક સન્માનપ્રાપ્ત વ્યક્તિઓ રાહુલ ગાંધી સાથે કદમતાલ કરી ચૂકી છે.

આ યાત્રાના ફલસ્વરૂપે વિપક્ષો એકજૂથ બનશે કે પછી કોઈક એક પક્ષ હારશે તેવું ધારી લેવું ઠીક નથી જણાતું. ભારતની ચૂંટણીઓ ઉપર પ્રભાવ પાડનારાં અનેક પરિબળો છે; પૈસાની વહેંચણી, નાત-જાતની જૂથબંધી, પ્રદેશવાદ, વગેરેના ભૂગર્ભમાં ચાલતા પ્રવાહો વધુ મજબૂત અને અસરકારક હોય છે. તેમાં અચાનક લોકો લોકશાહી, માનવતા, એકતા વગેરે જેવાં માનવમૂલ્યોને આગળ કરીને મતદાન કરશે તેમ માનવું ઉચિત નથી. ચૂંટણીઓ પાછળનું ગણિત જુદું છે – તેમાં સત્તા અને પૈસા મહત્ત્વનાં બને છે. લોકશાહી, અભિવ્યક્તિનું સ્વાતંત્ર્ય, માનવતા, સર્વધર્મ-સમભાવ, વગેરે જેવાં બંધારણીય મૂલ્યોનાં પાલનમા કૉંગ્રેસ મોખરે હોવા છતાં – આ મહત્ત્વનાં પરિબળોને ઉવેખીને સત્તાલક્ષિતા વ્યાપક રીતે પ્રવર્તે છે. કૉંગ્રેસમાંથી અન્ય પક્ષમાં ગતિ કરી જનારાના અને સરકારો ઊથલાવી પાડનારાના દાખલા ઓછા નથી. 

રાજકારણ પોતે જ એક કારકિર્દી અને વ્યવસાય બની રહ્યું હોય ત્યારે બંધારણીય મૂલ્યનિષ્ઠામાં ઉછાળ આવે તેવી આશા રાખી ન શકાય. છતાં ગુલામ નબી આઝાદ જેવાને – કદાચ અન્યત્ર પૂરતા લાભની આશા ન હોવાથી પાછા ફરવાનું વિચારી રહ્યા છે. સચિન પાયલટ અને શશી થરૂર થોડીક વધુ શિસ્ત ધરાવતા થયા છે; વરુણ અને મેનકા ગાંધી પોતાના હાલના પક્ષમાં મહત્ત્વ ગુમાવી રહ્યાં છે અને કદાચ હવે કૉંગ્રેસમાં જમાવટ કરવા ઇચ્છે છે. આ બધાામાં શરદ પવાર બિલકુલ સ્પષ્ટ છે. કૉંગ્રેસના નેજા હેઠળ વિપક્ષી એકતાના તે હિમાયતી રહ્યા છે. બીજી બાજુ નીતિશકુમાર કે મમતા બેનર્જી પોતે જ નેતૃત્વના દાવેદાર છે. ૨૦૨૩માં આવનારી લગભગ નવ રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણીઓ પછી ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીઓમાં અગાઉ નોંધાયેલાં ભૂગર્ભ પરિબળો ઢીલાં પડે તેમ માનવા માટે પૂરતાં કારણ નથી. આ સમય સુધીમાં ચીન કે પાકિસ્તાનના સીમાવિવાદો વકરે તો વળી લોકમાનસ કઈ દિશામાં કરવટ લેશે તે કળવું વધારે મુશ્કેલ બને તેમ છે.

રાહુલ ગાંધીની સિદ્ધિ ચૂંટણીઓના ગણિત કરતાં વધારે મૂળગામી છે. આ મૂળ કયાં છે ? તેમની યાત્રા કરોડો લોકોને – દેશની સીમામાં તેમ જ દેશની સીમાની બહાર, આટલી બધી કેમ સ્પર્શે છે ? આમ તો આનો ઉત્તર સરળ છે પણ સરળ ઉત્તરની મંઝિલે પહોંચવામાં અપાર આડખીલીઓ ઊભી કરાઈ છે. સૌ પ્રથમ પંડિત નહેરુના સાયન્ટિફિક થિંકીંગનો – વૈજ્ઞાનિક અભિગમનો મુદ્દો છે. આ અભિગમ વગર દેશનો ‘વિકાસ’ શક્ય જ નથી. વાસ્તવિક પરિસ્થિતિને સાવ ઊલટાવી નાંખવામાં આવી છે. કોરોનાકાળમાં વોટ્સએપ તથા અન્ય પ્લેટફોર્મ ઉપર ફરતા થયેલા અને ખુદ વડા પ્રધાનશ્રી દ્વારા પુરસ્કૃત મુદ્દાઓ યાદ કરીએ :

૧.       ‘સવારે જીભને બને તેટલી બહાર કાઢો અને ડાબી-જમણી બાજુ ફેરવો.’ આ એક હાસ્યાસ્પદ બાબત છે. તેને કોઈ વૈજ્ઞાનિક આધાર નથી; છતાં શહેરમાં વસતાં, ઉચ્ચ વર્ગ અને વર્ણનાં લાખો લોકોએ દિવસો સુધી આ ભ્રમ પોષ્યે રાખ્યો !

૨.       તાળી, થાળી, શંખનાદ, વીજળીબંધ જેવી બાબતોને કોરોના કે તેમાં કામ કરનારા – ફ્રન્ટ લાઈન વર્કર્સ – સાથે કોઈ જ સંબંધ-સગપણના સગડ મળે તેમ નથી. છતાં શહેરોએ આ મોજ(!) માણી.

દેશના અંત:સ્તરને વહેંચી, અંધભક્ત અને નક્ષલવાદી બનાવવાની વ્યવસ્થિત પેરવીની સામે રાહુલ ગાંધીની આ યાત્રા એક પડકાર સમાન છે. તે દર્શાવે છે તેમ, સરકાર બોલે છે તેનો આંશિક પણ અમલ કરાતો નથી. દાખલા લઈએ :

૧       ૨૦૨૨ સુધીમાં ભારતનું અર્થતંત્ર પાંચ ટ્રિલિયન ડોલરનું થશે.

૨       ૨૦૨૨ સુધીમાં બધાને માથે છત થશે.

૩       ૨૦૨૨ સુધીમાં બુલેટ ટ્રેન દોડતી થઈ જશે.

૪       દર વરસે બે કરોડ નવી નોકરીઓ / રોજગાર પેદા થશે.

૫       રૂ. ૧૩,૦૦૦ કરોડ ખર્ચાયા છતાં હજુ ગંગા-સફાઈ થઈ નથી.

૬       ૨૦૧૬ની નોટબંધી વખતે કહેવાયેલી એક પણ અસર-કાળાંનાણાંની નાબૂદી, આતંકવાદ, ડુપ્લિકેટ નોટ, વગેરે પર પડી શકી નથી. પચાસ દિવસની મહોલત પૂરી થયે સાત વર્ષ વીતી ગયાં છે અને ‘ચોરાહે પર’ની સજાને કોઈ યાદ પણ કરતું નથી.

૭       જી.એસ.ટી.ના વહીવટમાં ઘોર નિષ્ફળતા સાંપડી છે.

૮       ગુજરાતમાં તો ‘સી-પ્લેન’ કે રો-રો-ફેરી સર્વિસનાં બાળ મરણ થઈ ગયાં !

૯       બેકારી અને મોંઘવારીના મેળાપીપણામાં ગરીબીની રેખા હેઠળની જનસંખ્યા એકવીસ કરોડથી ય વધુ થઈ ગઈ !

રાહુલ ગાંધીએ પહેલી જાન્યુઆરી, ૨૦૨૩ સુધીમાં કરેલી નવેક પત્રકાર પરિષદોમાં આ મુદ્દા ઉઠાવ્યા અને દરેક પગલે લાખો લોકોએ તેમની સાથે કદમતાલ કરી આ મુદ્દા ઉઠાવવા બદલ આભાર વ્યક્ત કર્યો.

સવાલ ચિંતન અને વિચારને વધુ ગહન અને વ્યાપક બનાવવાનો છે. લગભગ એંશી-નેવું વરસના ફાસલામાં ચાલેલી યાત્રામાં આ બે ગાંધીઓ વચ્ચે ‘સહિયારાપણું’ શું છે ? આ સહિયારાપણાને – ‘એકો સત્યમ્ વિપ્રા: બહુધા વદન્તિ’ની જેમ અનેક ખૂણેથી અને દૃષ્ટિ બિંદુઓથી વર્ણવી શકાય. વિનોબાએ લગભગ સિત્તેર વરસની અવધિ ‘દિલોં કો જોડના’ માટે આપી. મો.ક. ગાંધીએ ‘અનટુ ધીસ લાસ્ટ’ વાંચી અને ધીખતી પ્રેક્ટિસ રાતોરાત છોડી દીધી. ભારતભ્રમણમાં અપૂરતાં વસ્ત્રોવાળા નારીદેહને જોઈ પોતે ‘નંગા ફકીર’ બની રહ્યા.

આવું બધું ચમત્કારી હતું ? તેનાં મૂળ ક્યાં હશે ? મો.ક. ગાંધી અને વિનોબાના આચારમાં ધર્મ જ હતો. એ જ વેદ-ઉપનિષદ-પુરાણ-સંતોના જીવના કવન, વર્તન અને ઉપદેશ ! આદિશંકર પણ ખરા અને કબીર અને રૈદાસ પણ ખરા જ ! અમીર ખુસરો અને ગરીબ નવાઝની સાથે તુલસી અને નાનકદેવ પણ ખરા. આ દેશની ગરિમા અત્યંત લાઘવ-પૂર્ણ છે અને તેથી જ તે સર્વસમાવેશી એકતારૂપે જ પ્રગટી શકે છે. આ દેશની ગરીમા અને સર્વસમાવેશિતા, પ્રેમ અને ભાઈચારો, અહિંસા અને સત્ય-બધું જ પારસ્પરિક છે. અહીં ‘દાન’ આપવાનું હોતું નથી; સામેવાળાને તેનો ‘ભાગ’ આપવાનો હોય છે. વિનોબાની ભૂદાનયાત્રામાં લગભગ સુડતાળીસ લાખ એકર જમીન ‘દાન’માં મળી અને વિનોબા કહેતા – દાનં સંવિભાગઃ. રાહુલ ગાંધીની યાત્રામાં પણ આ જ વૈચારિક ઘટક તત્ત્વો પ્રગટતાં થયાં છે. રાહુલ ગાંધી કહે છે : આ યાત્રા તો એક નદી છે ! (ક્યાંક સાગરપુત્રોને સજીવન કરનારી ભાગીરથી તો તેમના જહનમાં પ્રગટ્યાં નહીં હોય ! આમે ય તે કન્યાકુમારીથી કાશ્મીર – ‘આસેતુ હિમાલય !’ની આ દોઢસો દિવસની યાત્રા ‘ભગીરથ કાર્ય’ તો છે જ !) રાહુલ ગાંધીની આ યાત્રાનાં સામાજિક પરિણામો આગળ રાજકીય ઉદ્દેશો વામણા સાબિત થઈ ગયા છે. અને આર્થિક મોરચે તો ‘રેવડી વહેંચવાની બાબત’ની જ રેવડી દાણાદાણ થઈ રહી છે.

ભારત જોડો યાત્રાનો ઊઘડીને આવતો મુદ્દો નફરતના બજારમાં પ્રેમની હાટડી ખોલવાનો છે. રાહુલ ગાંધીની તા. ૩ જાન્યુઆરી ૨૦૨૩ સુધીની નવ પ્રેસ કોન્ફરન્સમાં આ મુદ્દો મુખર બનતો આવ્યો છે. પરંતુ એકંદર ભારતીયની નજરે જે નથી ચડ્યો તે મુદ્દો ભારતને વિશ્વ સંગાથે જોડવાનો છે. નર્યા કપટ, ઇવેન્ટ મેનેજમેન્ટ અને ટૂંકા પરિપ્રેક્ષ્યમાં સરતી જતી નીતિઓની સામે એક નવા જ ભારતનો ઉદય વિશ્વકક્ષાએ પણ થઈ રહ્યો છે. ભારત આઝાદ થયું ત્યારે પશ્ચિમી જગત સામે રોષ અને સામ્યવાદી જગત સાથેની સંલગ્નતા વધારી શક્યું હોત. પણ પંડિત નહેરુની દૂરદર્શી અને મૂલ્યનિષ્ઠ વિદેશ નીતિના કારણે બિન-જોડાણ અને કોમનવેલ્થના ખ્યાલો વિકસ્યા. આ જ પરિપાટી પુન:ર્જીવિત થતી જાય છે.

તો આ દોઢસો દિવસ અને સાડા ત્રણ હજાર કિલોમી.નીટર પેન્ટ-ટી-શર્ટની યાત્રાની ફલશ્રુતિ કઈ ?

૧       ૧૯૩૦ (દાંડીકૂચ), ૧૯૪૨ (ભારત છોડો) અને ૧૯૫૭ (ભૂદાન) જેવી ક્રાંતિઓની હરોળમાં આ યાત્રા પણ સ્મૃતિપટમાં અંકાઈ જશે.

૨       આ યાત્રા ધર્મના મર્મને પણ સજીવન કરે છે. ધર્મ એટલે માત્ર બાહ્ય ઉપચાર પદ્ધતિ નથી; તેનાં મૂળ સમગ્ર સૃષ્ટિ તરફના પ્રેમ અને આત્મીયતાના ભાવમાં વસે છે તે સ્પષ્ટ થાય છે. જે ઇન્કિલાબી માહોલમાં અહિંસક ક્રાંતિ દ્વારા આઝાદી મળી અને સમગ્ર જગતના તમામ ધર્મોના અનુયાયીઓએ સમાનતાના ધોરણે આ દેશમાં સાથે પાંગરવા માંડ્યું છે તે પણ ઇતિહાસની એક અમૂલ્ય વિરાસત છે. ૧૯૩૩થી ધર્માંધતાના મુદ્દે શરૂ થયેલી નાઝી-ફાસી વિચારધારાઓની સામે ભારતે એક નવી જ શરૂઆત કરી. બુદ્ધે કહ્યું હતું – વેરથી વેર શમતું નથી. ક્રાઇસ્ટની જેમ ગાંધીજી પણ કહેતા – આંખની સામે આંખ કાઢી લેવાથી જગત આંધળું બની જશે !

૩       આજે સત્તા-પૈસા અને કાવાદાવામાં સમાઈ જતી રાજનીતિઓને કદાચ પચાસ વરસ સુધી જગતે વેઠવી પણ પડે; પણ પછી શું ? નાદીર શાહ કે ચંગીસખાન, તૈમુર કે ઝાર, હિટલર કે મુસોલિની કોઈના ય માટે પ્રેરક કે પ્રીતિપ્રાપ્ત ખરા ? વિશ્વની લહેરાતી મોલો ઉપર કાંઈ કેટલાં ય વાવાઝોડાં ત્રાટક્યાં પણ લોકો ગુરુ નાનકદેવ, ગરીબ નવાઝ કે તુલસી-કબીર-મીરાંને યાદ કરે છે, તેનો કરોડમો ભાગ પણ પેલા ત્રાસદાયકો માટે યાદ કરતા નથી.

ખરેખર તો રાહુલ ગાંધીની પદયાત્રા કયા અને કેવા સંજોગોમાં નીકળી તે યાદ કરાશે. હાલની વ્યવસ્થા (કે અવ્યવસ્થા ?) એક પશ્ચાદ્ભૂમિ બની રહેશે. મંદિરમાં ઈશ્વરનાં સ્વરૂપોની પાછળની પિછવાઈ કોઈક ઘાટા રંગની હોય છે. આ પિછવાઈ જેટલી અંધકારમય હોય તેટલું ઈશ્વરનું સ્વરૂપ વધુ નિખરતું હોય છે. બેકારી, ભૂખમરો, ગરીબી, મોંઘવારી, બીમારી, જોહુકમી, અસત્યભર્યા પ્રયાસ, ખોટાં વચનોની ભરમાર, વગેરે તમામે તમામ આ પિછવાઈ રૂપે છે.

૪       રાહુલ ગાંધીને મળતું કરોડો લોકોનું જનસમર્થન પણ સમજવા જેવું છે. આ સમર્થનમાં માત્ર ‘ભીડ’ નથી; તે કોઈ ‘ચહેરા વગરનું ટોળું’ નથી. તેમાં યુવાનો છે, વિદ્યાર્થીઓ છે, બુરખાધારી અને બુરખા વગરની – બાળકીઓથી માંડી વૃદ્ધાઓનો હુજુમ હોય છે. તેમાં ભગવાધારી અને સ્કૂલ-કેપધારી પણ સાથે સાથે ચાલે છે. કહ્યું છે ને – ‘સપ્ત પવ મૈત્રમ’ સાત પગલાં સાથે ચાલીએ તો મિત્ર બની જવાય.

૫       આ યાત્રામાં રાહુલ ગાંધી પોતે પણ વિકસ્યા છે. આ વિકાસને શાસ્ત્રોનો આધાર છે, કહ્યું છે – ચરૈવેતિ ચરૈવેતિ. માત્ર શરીરથી જ નહીં; મન, ચૈતન્ય, સમાજ વિકાસ બધું જ ગતિમય બને ત્યારે તેજસ્વી પણ બને છે. રાહુલ ગાંધીને ‘પપ્પુ’ સાબિત કરવા ખર્ચાયેલા હજારો કરોડ પાણીમાં ગયા. હજુ લોકહૃદયમાં કોઈને ઉતારી પાડવાનો ભાવ નથી. તેથી ‘ફેંકુ’ બહુ પ્રચલિત બન્યું નથી.

આ સમગ્ર યાત્રાની ફલશ્રુતિઓ અનેકવિધ સ્વરૂપે નિખરતી જશે. રાજકારણ, વિપક્ષોનું જોડાણ (કે સત્તાનો ફેરબદલો બને તો પણ) આ યાત્રાએ ઘૂંટી આપેલો સંજીવની મંત્ર દૂર દૂર સુધી ગુંજ્યા જ કરશે. રાહુલ ગાંધીની જે છબી નિખરી ઊઠી છે તેનાં ત્રણેય પાસાં આવનારા ભારત માટે આશા જન્માવે છે. આ ત્રણ પાસાં કયાં ?

૧       રાહુલ બુદ્ધિથી વિચારનારા-બૌદ્ધિક-સેરેબલ માણસ છે.

૨       તેમની પાસે દેશ અને દુનિયાના પ્રવાહોનું આકલન કરીને યોગ્ય નિર્ણય કરવાની તરોતાજા શક્તિ છે.

૩       તેમની પાસે માનવતાથી સભર દિલ છે અને સત્તા કે ધન-લાલસા કે મોજશોખમાં તે ફસાયા નથી. દિલ્હીમાં પાંચ ડિગ્રી તાપમાન હોવા છતાં સાદા ટી-શર્ટમાં વહેલી સવારે ચાલીને તે ‘સદૈવ અટલ’ પહોંચી શકે છે. આખી યાત્રા માત્ર ચાર જોડી કપડાંમાં પૂરી કરવાના છે. આની સામે કલાકે-કલાકે વસ્ત્રો બદલનારાનો અહંકાર આપોઆપ ધૂળમાં મળી જાય છે.

e.mail : shuklaswayam345@gmail.com 
પ્રગટ : “ભૂમિપુત્ર”; 16 જાન્યુઆરી 2023

Loading

25 January 2023 Vipool Kalyani
← વસંત ક્યાં છે?
સ્નેહ સ્મરણાંજલિ : ડૉ. શિલીન નંદુભાઈ શુકલ →

Search by

Opinion

  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved