વ્યાજના ઊંચા દર, જાહેર દેવું, ખાદ્ય સુરક્ષા, મોંઘવારી જેવાં અનેક પાસાઓ વિકાસશીલ દેશોના પ્રશ્નો જટિલ બનાવશે

ચિરંતના ભટ્ટ
2023નું વર્ષ ચાલુ થઇ ગયું છે અને મહાસત્તા ગણાતા યુ.એસ.એ.માં મંદીનું મોજું ફરી વળી એવા એંધાણ ચોક્કસ છે. છેલ્લા એક વર્ષથી અર્થશાસ્ત્રીઓ, રાજકારણીઓ અને ફાઇનાન્શિયલ વિશેષજ્ઞો આ મુદ્દે ચર્ચા કરી રહ્યા છે કે શું યુ.એસ.એ. મંદીની દિશામાં આગળ વધે છે કે કેમ? ‘જો’ અને ‘તો’ની લાંબી ચર્ચાઓ અગત્યની છે કારણ કે યુ.એસ.એ.માં જો મંદી આવે તો એની અસર કોઈને કોઈ રીતે વિશ્વભરના રાષ્ટ્રો પર પડે. વળી એક તરફ રશિયા-યુક્રેનના સંઘર્ષ છે તો બીજી તરફ ચીનની એની આગવી સમસ્યાઓ અને અભિગમ છે, ઇસ્લામિક દેશોમાં આર્થિક સમસ્યાઓ અને રાજકીય અસ્થિરતાના પ્રશ્નો છે. આ ઉપરાંત ભાવ વધારો, વ્યાજના ઊંચા દર અને કોરોના વાઇરસનો ઓછાયો પણ અર્થતંત્ર પર દબાણ વધારી રહ્યા છે. લેહમેન બ્રધર્સ વાળી મંદી વખતે જે રાજકીય સંજોગો હતા તેના કરતાં અત્યારના રાજકીય સંજોગો વધારે સંવેદનશીલ છે. અંગ્રેજીમાં એક શબ્દપ્રયોગ છે – ડોમિનો ઇફેક્ટ – એક પત્તું પડે એટલે પછી એની પાછળ એક પછી એક બીજા બધાં ય પડતાં જાય પ્રકારની સ્થિત વર્ણવતો આ શબ્દ યુ.એસ.એ.ની મંદીને પણ લાગુ પડે છે કારણ કે ત્યાં મંદી આવશે તો આખી દુનિયામાં ઘણી બધી ઉથલ-પાથલ થશે.
મંદી માટે અંગ્રેજીમાં રેસેશન શબ્દ છે. કોઇ પણ દેશમાં મંદી છે એવું ત્યારે કહેવાય જ્યારે બે સળંગ ફાઇનાન્શિયલ ક્વાટરમાં ગ્રોસ ડૉમેસ્ટિક પ્રોડક્ટ – જી.ડી.પી. નકારાત્કમ – એટલે નેગેટિવમાં હોય. ઇન્ટરનેશનલ મોનિટર ફંડ(IMF)ના વડાં ક્રિસ્ટાલિના જ્યોર્જિવાએ એવી ચેતવણી આપી હતી કે 2023નું વર્ષ યુ.એસ., ઇ.યુ. અને ચીનમાં આર્થિક મંદીની અસર હશે અને 2023નુ વર્ષ તેમને માટે અઘરું હશે.
વર્લ્ડ ઇકોનોમિક ફોરમના એક રિપોર્ટ અનુસાર વૈશ્વિક સ્તરે સંજોગો કંઇ બહુ ઉજળા નથી પણ છતાં પણ મુખ્ય પ્રવાહના અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે મિડલ ઇસ્ટ, ઉત્તર આફ્રિકા અને સાઉથ એશિયામાં નોંધપાત્ર વિકાસ થશે તો યુ.એસ. અને યુરોપમાં વિકાસને મામલે બહુ અપેક્ષા રાખવા જેવું નથી એમ માનવામાં આવે છે. યુ.એ.એ.માં કેવી આર્થિક કટોકટી થઇ રહી છે તેને જરા સમજવાનો પ્રયાસ કરીએ. માર્ચ મહિનામાં ધી સિલિકૉન વૅલી બૅંક (એ.સી.વી.બી.) પડી ભાંગી અને સાથે સિગ્નેચર બૅંક અને ક્રેડિટ સુઇસના પણ માઠા દિવસો બેઠા. એસ.વી.બી. યુ.એસ.ની સોળમા નંબરની સૌથી મોટી બૅંક છે અને રેઢિયાળ આર્થિક વ્યવસ્થાને કારણે તેનું પતન થયું, વળી સિગ્નેચર બૅંકના પણ એવા હાલ થયા તેની સાથે ક્રેડિટ સુઇસના શૅરના ભાવ તળિયા જઇને બેઠા – આ સંજોગોને કારણે વૈશ્વિક સ્તરે લોકોની સંપત્તિની સલામતી અંગે ચિંતા સેવાઇ રહી છે. બૅંકિગ કટોકટીએ રોકાણકારોના આત્મવિશ્વાસ હચમચાવી દીધો છે. આ બૅંક્સની નિષ્ફળતાનો વૈશ્વિક પ્રભાવ પડી રહ્યો છે. ભારતને કેન્દ્રમાં રાખીએ તો આ કટોકટીને કારણે માર્ચમાં નેશનલ સ્ટૉક એક્સચેન્જના માર્કેટ કેપિટલાઇઝેશનમાં ઘટાડો જોવા મળ્યો. વળી બૅંકિંગ સૂચકાંક પર વેચાણનું દબાણ હોવાથી રૂપિયાનું મૂલ્ય ગગડે અને આર.બી.આઇ. પોતાની નાણાંકીય નીતિ વધુ કડક કરે એવી શક્યતા છે. બૅકોના પતનની કદાચ ભારતીય અર્થતંત્ર પર બહુ ઘેરી અસર ન પડે પણ વૈશ્વિક સ્તરે નાણાંનો પ્રવાહ ઘટશે અને ભારતીય અર્થતંત્ર પર તેની નકારાત્મક અસર થવાની પૂરી શક્યતા છે.
યુરોપમાં યુદ્ધને કારણે અર્થતંત્ર પર વધુને વધુ ઘેરો પ્રભાવ પડશે અને ત્યાં વ્યાજના દરો વધુને વધુ ઊંચા થતા જશે. આ તરફ મિડલ ઇસ્ટ અને ઉત્તર આફ્રિકાનો આર્થિક દેખાવ બહેતર થઇ રહ્યો છે. આ મામલે ભારત લાભ ખાટે છે કારણ કે ચીન સાથે વ્યાપારિક વહેવારથી દૂર રહેનારા દેશો ભારત ભણી વળી રહ્યા છે. આ રીતે ચીનથી ફંટનારા રાષ્ટ્રો છે તો વિકાસ પણ મંદ છે અને ફુગાવો આસમાને છે – આવી હાલતમાં નીતિ ઘડનારાઓ પણ મૂંઝવણમાં છે. આર્થિક વિકાસ ભલે જે ગતિએ થતો હોય પણ તેને ડામ્યા વિના મોંઘવારી પર કાબૂ મેળવી શકાય એવી રીતે નાણાંકીય નીતિનું ઘડતર જરૂરી છે.
જીવન ખર્ચ એટલે કે કોસ્ટ ઑફ લીવિંગની કટોકટી ધાર્યા કરતાં વધુ મોટી છે અને તેની અસર બહુ મોટા વર્ગ પર થશે. ખાદ્ય ચીજોના ખર્ચાને લઇને ઓછી આવક ધરાવતા દેશો અને વધુ આવક ધરાવતા દેશો પર થનારી અસરમાં પણ નોંધપાત્ર તપાત રહેશે. ઓછી આવક ધરાવતા દેશો પર ખાદ્યપદાર્થોની વધતી કિંમતોની અસર અનિયમિત અને અપ્રમાણસર રહેશે જેને કારણે ફૂડ ઇન્સ્ક્યોરિટી વેઠનારા લોકોનો આંકડો પણ મોટો રહેશે. વળી અર્થતંત્ર બેઠું કરવા ઉધારી કરવા અંગે પણ રાષ્ટ્રો બે વાર વિચારશે કારણ કે તેની કિંમતો પણ ઊંચી છે. કોરોના વાઇરસને કારણે જે પછડાટ વૈશ્વિક સ્તરે અર્થતંત્રએ ખાધી તેના પડઘા હજી પણ અમુક રાષ્ટ્રના અર્થતંત્રોએ વેઠવા પડે છે. વૈશ્વિક સ્તરે માંગ ઘટવાને કારણે બિઝનેસિઝ પણ ઘોંચમાં છે. વળી ક્લીન એનર્જીને મામલે પણ રાષ્ટ્રો વચ્ચે ટ્રેડ વૉર્સ ચાલે છે. વિશ્વની સૌથી મોટી અને સૌથી મોટી અર્થવ્યવસ્થાની યાદીમાં ત્રીજા ક્રમાંકે આવતી અર્થવ્યવસ્થા મુશ્કેલીમાં છે. દેવાનું દબાણ જાપાન અને યુ.એસ.એ. પર મોટું છે.
એશિયાઇ અર્થતંત્રમાંથી નિકાસ ધીમી પડી હોવાને કારણે પણ વૈશ્વિક અર્થતંત્રની મંદીની શક્યતાઓ વધુ ઘેરી થાય છે. જાપાનના નિકાસની વૃદ્ધિ ધીમી પડી કારણ કે એન્સીલરિઝી, ચિપ મેકિંગ મશિનરીનું ચીન તરફી શિપમેન્ટ ઘટ્યું. દક્ષિણ કોરિયાની અર્થવ્યવસ્થા 2022ના ચોથા ક્વાર્ટરમાં સંકોચાઇ. દક્ષિણ એશિયામાં સૌથી નબળું અર્થતંત્ર પાકિસ્તાનનું છે અને એ મામલો તો એવો છે કે વાત શરૂ થશે તો તેનો અંત આવતા લાંબો સમય લાગશે.
જે રીતે ભૌગોલિક રાજકાણના તાણાવાણા અટવાયેલા છે તે જોતાં ઇકોનોમિક આઉટલૂક ફોર 2023ના રિપોર્ટને ગંભીરતાથી લેવો પડે જે અનુસાર વિશ્વમાં તમે ક્યાં છો તેના આધારે તમે મંદીનો માર ઓછો કે વધારે અનુભવશો.
બાય ધી વેઃ
રશિયા, ઇન્ડોનેશિયા, ભારત, યુ.કે. અને જર્મની એવા દેશોમાંના છે જે ગ્લોબલ આઉટપૂટ લોસમાં સૌથી વધુ યોગદાન આપશે. વ્યાજના વધતા દર, કરન્સીઝનું ગગડવું, જાહેર દેવાનો મોટો થઇ રહેલો પહાડ અને આ બધાને કારણે ખાદ્ય અને ઇંધણના ભાવોમાં થઇ રહેલો વધારો – આ તમામને લીધે ગ્લોબલ માર્કેટમાં અચોકસાઇ વધી રહી છે. વૈશ્વિક સ્તરે બૅંક્સ પોતાના વ્યાજના દર વધારીને મોંઘવારીને નાથવાનો પ્રયાસ કરે છે જેના લીધે મંદીનો ફટકા પર આર્થિક કટોકટીનું છોગું ઉમેરાશે. વૈશ્વિક વિકાસના ઝડપથી ધીમો પડી રહ્યો છે અને વિકાશીલ અર્થતંત્રો પર તેનો પ્રભાવ વધારે જ પડવાનો.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 16 ઍપ્રિલ 2023