
રમેશ ઓઝા
એક જમાનામાં લોકોને સંતોષીમાનાં વ્રત કરવાનાં પોસ્ટકાર્ડ આવતાં. એમાં લખ્યું હોય કે આટલા મહિના દર શુક્રવારે વ્રત કરશો તો આટલો ફાયદો થશે અને જો નહીં કરો તો તમારું આ રીતનું બુરું થશે. એમાં એવું પણ લખ્યું હોય કે તમારે આ પોસ્ટકાર્ડના લખાણની નકલ કરીને પાંચ જણાને મોકલવાની છે અને જો નહીં મોકલો તો તમારું બુરું થશે. સંતોષીમાના પ્રકોપથી બચવા વ્રત પણ રાખતા અને પાંચ લોકોને વ્રત કરવા મજબૂર પણ કરતા. પોસ્ટકાર્ડ મોકલનારનું એમાં નામ ન હોય અને આગળ પાંચ જણાને મોકલનાર પણ પોતાનું નામ ન લખે. આજે પણ હજુ આવા પત્રો કે વોટ્સેપ મેસેજ આવતા હશે તો ખબર નથી. આંગણામાં પીપળો હોય અને પીપળો કે પીપળાની ડાળો નડતી હોય તો કાપે કોણ? મોટી સમસ્યા.
પીપળો કાપવા લોકો કોઈ મુસલમાન મજૂરને ગોતે. એક જમાનમાં નવા વરસની શુભેચ્છાના કાર્ડમાં ભગવાનના ફોટા રહેતા. દર વરસે ભગવાનના ફોટાવાળા પંદર-વીસ કાર્ડ એકઠા થાય એ પછી તેનો નિકાલ કેમ કરવો તેની સમસ્યા. ફાડતા ડર લાગે, ફેંકતા ડર લાગે, પૂજા કર્યા વિના ઉપેક્ષિત અવસ્થામાં ઘરમાં પડ્યા રહે તો પણ ડર લાગે. અંતે કોઈ ભાળે નહીં એમ કોઈકના ઘરના આંગણામાં પીપળાનું ઝાડ હોય તો તેના થડ પાસે અથવા મંદિરે મૂકી આવે. અમે નાના હતા ત્યારે હોળીના મહિના પહેલાથી હોળીમાં બાળવા માટે લાકડાં, છાણાં અને બીજી જલાઉ ચીજો ચોરીને એકઠી કરતા. પણ હોળીના દિવસે હોળી પ્રગટાવતા અમને વડીલો રોકતા. કારણ એ કે જીવજંતુ મરે તેનું પાપ અમને લાગે. કોઈ ગરીબને શોધીને પૈસા આપીને તેની પાસે હોળી પ્રગટાવવામાં આવે. યજ્ઞમાં પશુબલિની જગ્યાએ પશુના પ્રતિકરૂપે કોળું કાપવાનો રીવાજ છે. પણ કોળું કાપે કોણ? આખરે જીવતા પશુનું પ્રતિક ખરુંને! ગોર મહારાજ યજમાન પાસે કોળું ન કપાવે, પણ કોઈ ગરીબને ગોતી આવે. પુણ્ય તમારું અને પાપ બીજાનું. આવું તમે પણ જોયું હશે અને ધર્મસંકટનો તમે પણ અનુભવ અનુભવ કર્યો હશે. લોકો પોતાને નામે પાપ જમા થાય અને ઈશ્વર કોપાયમાન થાય તેનાથી ડરે છે.
અહીં મનમાં એક પ્રશ્ન થાય છે. આ પાપ, પુણ્ય અને ઈશ્વરનો પ્રકોપ કોના માટે છે?
સાળંગપુરના સ્વામિનારાયણ મંદિરના સંચાલકોએ મહાબલિ હનુમાનજીને સહજાનંદસ્વામીના સેવક અને દાસ બનાવી દીધા. તેમને બજરંગ બલિના પ્રકોપનો ડર ન લાગ્યો, જ્યારે કે એ જ સાળંગપુરમાં લાખોની સંખ્યામાં લોકો હનુમાનજીને પ્રસન્ન કરીને તેમનું દુઃખ દૂર કરવા આવે છે. તેમને મન હનુમાનજી દુઃખહર્તા છે. ઊલટું હનુમાનજીને સહજાનંદસ્વામીના સેવક બનાવનારાઓએ તો માન્યું હશે કે તેઓ પુણ્યકાર્ય કરી રહ્યા છે અને તેમનું તેમને ફળ મળશે. તમે ભગવાનના ફોટાવાળું કાર્ડ ગમે ત્યાં ફગાવી દેતા ડરો અને અહીં ડર્યા વિના આખેઆખા ભગવાનનું સ્તર જ નીચે ઉતારી દીધું.
તો આ પાપ કોના માટે છે, પ્રકોપ કોના માટે છે અને ભય કોના માટે છે? ક્યારે ય વિચાર્યું છે? મંદિરોમાં ખુલ્લેઆમ ધર્મનો ધંધો થાય છે. લાઈનમાં ઊભા રહ્યા વિના દર્શન કરવા હોય તો પૈસા આપીને કરી શકાય છે. વિશેષ પૂજા, વિશેષ આરતી વગેરે વિશેષ એ લોકો માટે છે જેની પાસે વિશેષ ધન છે. તેઓ ગરીબોને ઈશ્વરની વિશેષ આરાધનાથી વંચિત રાખે છે, પણ તેમને ઈશ્વરના પ્રકોપનો કે પાપનો ડર નથી લાગતો. તો શું ઈશ્વર એને જ દંડે છે જે એને પૂજે છે અને એને નથી દંડતો જે એના નામે ધંધો કરે છે? કેટલાક કોમવાદી ધર્મગુરુઓ બીજા ધર્મને અને બીજાના ધર્મના ઈશ્વરની નિંદા કરે છે ત્યારે તેમને પણ એ બીજાના ધર્મના ઈશ્વરના પ્રકોપનો ડર નથી લાગતો. તો શું ઈશ્વરનું શાસન કે આણ તેને માનનારાઓ પૂરતી જ છે? એવું પણ જોવા મળે છે કે એક જ ધર્મના સંપ્રદાયવાદીઓ એ જ ધર્મના બીજા સંપ્રદાયના ઇષ્ટદેવની ઉપેક્ષા કરે છે અને નિંદા કરે છે તો તેમાં તેમને એ ઈશ્વરના પ્રકોપનો ડર નહીં લાગતો હોય? તો આ પ્રકોપ અને ડર છે કોના માટે?
આ દેશમાં કોમવાદીઓની અછત નથી. છાશવારે તેઓ કોમી વિખવાદ પેદા કરે છે. એમાંથી રાજકીય જરૂરત હોય તો મોટા પ્રમાણમાં કોમી હુલ્લડો પણ થાય છે. આપણે જાણીએ છીએ કે સેંકડો લોકો એમાં માર્યા જાય છે. ઈશ્વરને અને ધર્મને નામે વિખવાદ પેદા કરવાનારાઓ ઈશ્વરના પ્રકોપનો ડર નથી અનુભવતા. મારી આ પ્રવૃત્તિને કારણે નિર્દોષ લોકોએ પ્રાણ ગુમાવ્યા એમ કહીને તમે એમાંથી કોઈને વિલાપ કરતા જોયા છે? ઈશ્વર મને માફ નહીં કરે એમ કહેતા કોઈને સાંભળ્યા? રતીભાર રંજ તેમના ચહેરા પર જોવા નહીં મળે અને તબિયત જોશો તો રાતી રાયણ જેવી હશે.
સ્વામીનારાયણ મંદિરની ઘટનાને લઈને નારાજ થઈ જનારાઓએ એક નજર પુરાણો પર કરવાની જરૂર છે. સનાતન ધર્મમાં આ કોઈ નવી વાત નથી. જો તમે શિવપુરાણ વાંચશો તો એમાં જોવા મળશે કે રાક્ષસોના ત્રાસથી મુક્તિ મેળવવા દેવો અલગ અલગ ભગવાન પાસે જાય છે, પણ કોઈ ભગવાન તેમને મુક્તિ અપાવી શકતા નથી અને દરેક સલાહ આપે છે કે દેવોએ શિવજી પાસે જવું જોઈએ. માત્ર શિવ ભગવાન રાક્ષસોનો નાશ કરી શકે એમ છે. જો વિષ્ણુપુરાણ વાંચશો તો એમાં વિષ્ણુની સર્વોપરિતા જોવા મળશે. પુરાણકર્તાઓએ બીજા ભગવાન નારાજ થશે અને તેમનાં પ્રકોપનો ભોગ બનવું પડશે એની ચિંતા કરી નહોતી. જેમણે પુરાણોની કથા વાંચી હશે તેમને આની જાણ હશે.
તો વાતનો સાર એ કે ઈશ્વરનો અને ઈશ્વરના પ્રકોપનો ડર એ લોકોને લાગે છે જેઓ ઈશ્વરભીરુ છે. બાકી જે લોકો ઈશ્વરના નામે ધંધો કરે છે, જે લોકો પોતાના ધર્મની સર્વોપરિતા સ્થાપીને સમાજમાં પોતાના ધર્મ માટે જગ્યા બનાવવાની હરરીફાઈમાં ઉતર્યા છે, જેઓ ચેલા અને અનુયાયી મુંડવામાં રચ્યાપચ્યા રહે છે, જેઓ ધર્મના નામે કોમી વિખવાદ પેદા કરીને સત્તાનું રાજકારણ કરે છે, જેઓ ભગવા (કે કોઈ પણ ધર્મ કે સંપ્રદાયના ધાર્મિક વસ્ત્રો અંગીકાર કરનારા ધર્મગુરુ) વસ્ત્રો પહેરીને કુકર્મ કરે છે તેમને ઈશ્વરનો કે ઈશ્વરના પ્રકોપનો ડર લાગતો નથી. નજર કરી જુઓ આજુબાજુ.
અને વિડંબના જુઓ! ઈશ્વરભીરુ લોકો આ લોકોને પોતાના રાહબર અને તારણહાર સમજે છે. ભગવાન બુદ્ધે કહ્યું હતું; તું જ તારો દીપક બન. અંતરાત્માને અહર્નિશ સાક્ષી રાખો અને અનીતિથી ડરો.
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 10 સપ્ટેમ્બર 2023