(૧) આપણા લોક–પ્રતિનિધિઓ

અશ્વિનકુમાર કારિયા
એ જાણીતી વાત છે કે ભારત આઝાદ થયા પૂર્વે દેશમાં રાજાશાહીનો અમલ હતો. દરેક રાજ્ય-શાસનનો વહીવટ અને કાનૂનો અલગ અલગ હતા. કેટલાંક રજવાડાંઓમાં ‘રાજાનો શબ્દ એ જ કાયદો’નું ચલણ હતું. પરંતુ આઝાદીની ઉષા સાથે થોડા સમયમાં જ બંધારણના અમલ સાથે પ્રજાના કોઈ વર્ગ સાથે એકતરફી ભેદભાવ નાબૂદ થવા સાથે પ્રજાના તમામ વર્ગોને સ્પર્શતા સમાન કાયદાઓ ઘડાયા. બંધારણ સર્વોચ્ચ કાનૂન તરીકે સ્થાપિત થયું. ૨૦૧૪ સામાન્ય ચૂંટણીઓમાં ભા.જ.પ.નો વિજય થતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદ ગૃહને નમન કરી જાહેર કર્યું કે “આપણે લોકશાહીના મંદિરમાં છીએ. દેશના બાંધવો માટે આપણે ખુલ્લા મન સાથે કામ કરીશું. કાર્ય અને જવાબદારી એક જ સિક્કાની બે બાજુ છે.” પરંતુ લોકસભાના છેલ્લા સત્રમાં સંસદમાં થયેલ ધમાલનાં દૃશ્યો ચિંતાજનક છે. આ દૃશ્યો આપણા લોક-પ્રતિનિધિઓની લોકશાહી તરફની પ્રતિબદ્ધતા વિશે શંકા જન્માવે છે.
બંધારણના શરૂઆતના શબ્દો સૂચવે છે કે બંધારણ લોકો દ્વારા ઘડાયેલ છે. બંધારણ સભાની આ ચર્ચા દરમ્યાન પુરુષોત્તમદાસ ટંડને કહેલું, “લોકો એટલે તમામ લોકો.” મીનૂ મસાણીએ ગાંધીજીને ટાંકી કહ્યું છે કે “રાજ્ય લોકો માટે છે અને રાજ્ય લોકકલ્યાણ માટેનું સાધન છે. લોકો ચડિયાતા છે અને રાજ્ય ગૌણ છે.” આપણા સાંસદો બંધારણ સભાનો આ સંદેશ વિસરી ગયા છે. શ્યામાપ્રસાદ મુખરજીએ પણ લોક-અપેક્ષા વ્યક્ત કરતાં કહ્યું છે કે, “અનેક અવરોધો છતાં ભારતને મહાન બનાવવા આપણે કાર્યરત રહીશું. આપણે મજબૂત અને સંગઠિત રહીશું. આ માતૃભૂમિ આ કે તે સમૂહ, કે વર્ગની નહીં પરંતુ દરેક સ્ત્રી, પુરુષ અને બાળકની છે અને તેમાં કોઈ જાતિ કે જ્ઞાતિને સ્થાન નથી.” બંધારણસભાના અધ્યક્ષ ડૉ. રાજેન્દ્ર પ્રસાદે આ સંદેશને વાચા આપતાં કહ્યું, “જો આપણે સંનિષ્ઠ રહીએ, જો આપણે એકબીજાના અભિપ્રાયનું સન્માન કરીએ, તો આપણે કોઈ પણ પ્રશ્નના મૂલ સુધી પહોંચીશું અને એકબીજાની વાસ્તવિક તકલીફો સમજીશું. કોઈને એમ વિચારવાની તક રહેશે નહીં કે તેનો અભિપ્રાય સન્માનવામાં આવેલ નથી.”
આંબેડકરના મતે પ્રમુખશાહી કરતાં સંસદીય લોકશાહી સરકાર વધુ ઇચ્છનીય એટલા માટે હતી કે કારોબારી પર પ્રસ્તાવો, ચર્ચા, પ્રશ્નોત્તરી, વગેરેના માધ્યમથી સંસદનો અંકુશ રહે છે. પરંતુ આજકાલ સંસદમાં ચર્ચા કે પ્રસ્તાવોને સ્થાન નથી. ગણતરીની મિનિટોમાં ખરડાઓ સંસદમાં પસાર થઈ જાય છે. દેશના અતિ મહત્ત્વના પ્રશ્નો પર ચર્ચા કરવાની મંજૂરી આપવામાં નથી આવતી. પરિણામે વિરોધ પક્ષોના વિરોધના કારણે હોબાળો અને ધમાલ થાય છે. અનેક વખત સંસદનાં બંને ગૃહો મોકૂફ રાખવાની ફરજ પડે છે. અનેક સાંસદોને સસ્પેન્ડ કરી તેમને ચર્ચામાં ભાગ લેતા અટકાવવામાં આવે છે. સંસદમાં ચર્ચા અને પ્રશ્નોત્તરી તેનો પ્રાણ છે. પરંતુ તેના પર લીંપણ થયેલ હોવાનો ઘાટ છે.
જવાહરલાલ નહેરુએ બંધારણ સભામાં કહેલ, “ભારતની પ્રગતિનો માર્ગ મૈત્રી, સહકાર અને શુભેચ્છાથી શરૂ થાય છે.” કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહે ડૉ. આંબેડકર વિશે કરેલ કેટલાંક ઉચ્ચારણોને લઈને પણ સંસદમાં હોહા સર્જાઈ હતી. ડૉ. આંબેડકરે બંધારણ સભામાં કહેલ, “આપણે મોટા સમૂહને સાથે લઈ ચાલવાનું છે અને તમામ સમૂહો માટે સમાન નિર્ણય લઈ સહકારથી એવા રસ્તા પર કૂચ કરવાની છે કે જે આપણને એકતા તરફ દોરી જાય. તેથી આપણે સૂત્રોને બાજુ પર મૂકીએ, ડરામણા શબ્દો ન પ્રયોજીએ, વિરોધીઓ તરફ પૂર્વગ્રહ ન રાખીએ કે જેથી તેઓ વિકાસકૂચમાં સાથે રહી શકે.” શું આપણે એવી આશા ન રાખી શકીએ કે અપમાનજનક શબ્દો પાછા ખેંચી લેવામાં આવે અને રેકર્ડ પરથી તે શબ્દો દૂર કરવામાં આવે ? દરેકે અન્ય સાથે સંવાદ કરવો જોઈએ અને બીજાની વાત ધીરજથી સાંભળવી જોઈએ.
દેશમાં ગરીબી, નિરક્ષરતા, બેરોજગારી, પ્રદૂષણ, વસ્તી વધારો, આર્થિક તેમ જ સામાજિક અસમાનતા જેવા અનેક પ્રાણપ્રશ્નો છે. સાંસદોએ તેની વિચારણા કરી તેનો ઉકેલ લાવવાનો છે. બંધારણ લોક કલ્યાણને વરેલું છે. સંસદમાં લોકહિતની વાત થવી જોઈએ, સત્તા કેન્દ્રિકરણ બંધારણ એજન્ડામાં નથી. લોકશાહીને મજબૂત બનાવવાની જરૂર છે. સંસદમાં થતા બૂમ-બરાડાથી ખર્ચ અને સમયની બરબાદી થશે. તેનાથી લોકશાહી મજબૂત બનવાના બદલે પાંગળી થશે. બંધારણ ઘડવૈયાઓનું શું આ અપમાન નથી ?
(માહિતી સૌજન્ય : દુષ્યંત દવેનો ડિસેમ્બર 24, 2024 ‘ધ ઇન્ડિયન એક્સપ્રેસ’માં પ્રગટ થયેલ લેખ)
•••
(૨) કાચા કામના કેદીઓની વહારે સર્વોચ્ચ અદાલત
દેશમાં ન્યાયતંત્ર અદાલતોમાં આશરે ૫ કરોડ કરતાં વધારે કેસોના ભરાવાનો પ્રશ્ન તાકીદે ઉકેલ માગે છે. તેની સાથે જ ન્યાયતંત્ર સાથે સંબંધિત જેલોમાં કેદીઓનો ભરાવો, કેસની સુનાવણી થયા વિના કેદમાં સબડતાં સ્ત્રીઓ અને બાળકો સાથે હજારો કેદીઓની દયનીય હાલતનો પ્રશ્ન પણ તાત્કાલિક સમાધાન માગે છે. પરંતુ આ કેદીઓની વ્હારે હવે સર્વોચ્ચ અદાલતે કદમ ઉઠાવેલ છે અને ચોક્કસ વર્ગીકરણની મર્યાદામાં સમાવિષ્ટ થતા કેદીઓને જેલમાંથી મુક્તિની આશા જાગી છે.
એ જાણીતું છે કે ગત જુલાઈથી ત્રણ મહત્ત્વના જૂના કાયદાઓ રદ્દ કરી તેના સ્થાને નવા કાનૂનો અમલમાં લાવવામાં આવેલ છે. તે પૈકીના જૂના ફોજદારી કાર્યવાહી સંહિતા, ૧૯૭૩, ક. ૪૩૯ – એની જોગવાઈ નવા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩, ક.૪૭૯માં યથાવત્ જાળવી રખાયેલ છે. જૂના કાયદાની જોગવાઈ (ક.૪૩૬એ) મુજબ જે ગુનેગારે કાયદાથી નિયત કરાયેલ ગુરુત્તમ (મેક્સીમમ) સજાની અર્ધી સજા (સમય) જેલમાં ગુજારેલ હોય તેને જામીન પર મુક્ત કરવાની જોગવાઈ હતી. પરંતુ નવા કાયદાની ક.૪૭૯માં જામીન અંગેની આ જોગવાઈ વધુ ઉદાર બનાવાયેલ છે. આ કલમની જોગવાઈ મુજબ સજાના અર્ધા સમયને ઘટાડીને ૧/૩ સમય નિયત કરાયેલ છે. એટલે કે જે ગુનેગાર (આરોપી) કાયદાએ નિયત કરેલ ગુરુત્તમ સજાનો ૧/૩ સમય પણ જેલમાં ગુજારેલ હોય તો તેને જામીન પર મુક્ત કરવામાં આવશે. આ નવા કાયદામાં આરોપીને મુક્ત કરવાની જોગવાઈ હજુ વધારે હળવી દાખલ કરાયેલ છે. આ જોગવાઈ મુજબ જે પ્રથમ વખત કોઈ ગુનાનો આરોપી હોય (એટલે કે તેને અગાઉ ક્યારે ય કોઈ ગુના બદલ સજા થયેલ ન હોય) તે વ્યક્તિ જો ૧/૩ સજા જેલમાં ભોગવે તો તેને અદાલત તરફથી ખત (બોન્ડ) પર મુક્ત કરવામાં આવશે.
તંત્ર સામે આપણી એ કાયમી ફરિયાદ રહી છે કે કાયદાના અસરકારક અમલનો અભાવ છે. ગુનેગારને આ સંજોગોમાં તેમને લાભકારક જોગવાઈનો અમલ થતો ન હતો. આથી લાખો કાચા કામના કેદીઓ તેમની સામેના ગુનાની સુનાવણી ન થવાથી જેલની દોઝખ દશામાં સબડી રહ્યા હતા. દેશના તત્કાલીન મુખ્ય ન્યાયાધીશે (જસ્ટીસ આર.સી. લાહોટી) જેલોમાં કેદીઓનો ભરાવો, હવાલાત મૃત્યુ (કસ્ટોડીયલ ડેથ), તાલીમ પામેલા જેલ કર્મચારીઓની અછત, વગેરે મુદ્દાઓ તરફ પત્ર લખી સર્વોચ્ચ અદાલતનું ધ્યાન દોર્યું. જાહેર હિતની આ અરજીની સુનાવણીમાં અદાલત મિત્ર (amicus curial) ગૌરવ અગ્રવાલે રજૂઆત કરી કે. ક.૪૭૯નો વહેલામાં વહેલી તકે અમલ કરી, કાચા કામના કેદીઓને જામીન પર મુક્ત કરવાની જરૂર છે અને તેનાથી જેલોમાં ભીડનો પ્રશ્ન પણ હલ થશે.
સર્વોચ્ચ અદાલતે ગત ૨૩ ઑગસ્ટના રોજ હુકમ કરી ક.૪૭૯નો લાભ નવા કાયદા પૂર્વે જૂના કાયદા હેઠળ જેલમાં રહેલ પ્રથમ વખતના ગુનેગારોને પણ મળવા ઠરાવેલ છે. અદાલતે તમામ રાજ્યો અને સંઘ પ્રદેશોને તેમને ત્યાં જેલોમાં રહેલા કાચા-કામના કેદીઓની કુલ સંખ્યા, આવા કેદીઓની જામીન પર મુક્ત થવા થયેલ અરજીઓ, અને મુક્ત કરાયેલ આવા કેદીઓની સંખ્યા સાથે બે માસમાં સોગંદનામું રજૂ કરવા હુકમ કર્યો. ખરેખર તો આ કલમથી આવા કેદીઓને સજાનો ૧/૩ સમય પૂરો થયે, મુક્ત કરવાની જેલ સુપ્રિન્ટેન્ડન્ટની ફરજ છે. પરંતુ તેમાં નિષ્કાળજી છે. સર્વોચ્ચ અદાલતે નોંધ્યું કે કુલ ૩૬ રાજ્યો તેમ જ સંઘ પ્રદેશોમાંથી માત્ર ૧૯ સોગંદનામાં રજૂ કરેલ છે.
કાચા કામના કેદીઓના ચોંકાવનારા આંકડાઓ
નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોની ડિસેમ્બર ૨૦૨૩માં પ્રગટ થયેલ વિગત પ્રમાણે દેશમાં કેદીઓની કુલ સંખ્યા ૫,૭૩,૨૨૦ છે. અને તેમાંથી કાચા કામના કેદીઓની સંખ્યા ૪,૩૪,૩૦૨ છે. એટલે કે કુલ કેદીઓની સંખ્યાના ૭૫.૮ ટકા કેદીઓ કાચા કામના કેદીઓ છે. જેલોમાં રહેલ કુલ કેદીઓમાં ૨૩,૭૭૨ મહિલાઓની સંખ્યા છે. અને તેમાં ૧૮,૧૪૬ કાચા કામના કેદીઓ (મહિલાઓ) છે. આ સંખ્યા ૭૬.૩૩% છે. ડિસેમ્બર ૩૧, ૨૦૨૨ના રોજ ત્રણ વર્ષથી વધુ સમય જેલમાં રહેલ કાચા કામના કેદીઓની સંખ્યા ૮.૬ ટકા છે.
•••
(૩) રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘ – ભા.જ.પ. અને ડૉ. આંબેડકર
સંસદની છેલ્લી બેઠકમાં ગૃહપ્રધાન અમિત શાહે ડૉ. આંબેડકર વિશે કરેલ કેટલાંક ઉચ્ચારણો વિરોધ પક્ષોને અપમાનજનક લાગતાં, મોટો હોબાળો થયો, સામસામાં વિરોધ પ્રદર્શનો થયાં અને સંસદના ગૃહોમાં માંડ ૫૦ ટકા જેટલું કામકાજ હાથ ધરી શકાયું.
રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘ – ભા.જ.પ.ને ડૉ. આંબેડકર સાથે શરૂઆતમાં અણગમતો નાતો હતો અને રાજકીય સમીકરણો ૧૯૭૭થી બદલાવા લાગતાં, હવે તેમના તરફ માન અને પ્રેમ દર્શાવાઈ રહ્યાં છે. તા. ૧૩ ઑક્ટોબર ૧૯૩૫માં કચડાયેલ વર્ગોની પરિષદ મુંબઈમાં યોજાઈ હતી અને તેમાં ડૉ. આંબેડકરે જાહેર કરેલ કે પોતાનો જન્મ ભલે હિંદુ તરીકે થયો, પરંતુ તેઓ હિંદુ તરીકે મૃત્યુ પામવા ઇચ્છતા નથી. આ પરિષદ પછીના તરત બીજા વર્ષે મુંબઈમાં મળેલ દલિત સમાજની સભામાં તેમણે આ વાતનું પુનરુચ્ચારણ કરી હિંદુ ધર્મ ત્યાગવાનો પોતાનો નિર્ણય જાહેર કરેલ હતો. જાણીતા ઇતિહાસકાર કીથ જણાવે છે કે ડૉ. આંબેડકરની આ જાહેરાતે હિંદુ રાષ્ટ્રવાદીઓનાં મનમાં ચિંતા જન્માવી હતી. તેના પગલે સાવરકરના નાના ભાઈએ આંબેડકર અને હિંદુ ધર્મના પ્રચારક મસુરકર મહારાજ વચ્ચે એક બેઠકનું આયોજન કરેલ.
૧૯૩૫નાં શરૂઆતનાં વર્ષોમાં લાહોર સ્થિત અને આર્યસમાજ તેમ જ હિંદુ મહાસભા સાથે સંલગ્ન જાતપાત તોડક મંડળ સંગઠને ‘જાતિની નાબૂદી’ વિષય પર ડૉ. આંબેડકરનું પ્રવચન રદ કરેલ હતું. હિંદુ મહાસભાએ આ મુદ્દે ડૉ. આંબેડકર સાથે ચર્ચા કરવા તેના પૂર્વપ્રમુખ બી. એસ. મુનજીને નીમ્યા હતા. સાવરકરના નાના ભાઈ વી.ડી. સાવરકર આંબેડકરના પ્રશંસક હતા અને તેમની સાથે સહકાર સાધવાની તેમની ઇચ્છા હતી, જે પૂરી થઈ શકી ન હતી. વી.ડી. સાવરકરે આંબેડકરના મહાડ અને નાસિક સત્યાગ્રહને બિરદાવેલ હતા. આંબેડકરની અસ્પૃશ્યતા વિરોધી ઝુંબેશને તેમણે હિંદુ સંસ્કાર અને માનવતા વિરુદ્ધની થિયરીને વી.ડી. સાવરકરે ટેકો આપેલ હતો.
આંબેડકરે સાવરકરને રત્નાગીરી જિલ્લામાં થયેલ કામગીરી બદલ અભિનંદન પાઠવ્યા હતા. આમ છતાં આંબેડકરનું હિંદુ મહાસભા કે રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘ સાથે રાજકીય જોડાણ શક્ય બન્યું ન હતું. આંબેડકરે અનુસૂચિત જાતિ મહાસંઘના ૧૯૫૧માં જાહેર કરાયેલ ચૂંટણી ઢંઢેરામાં સ્પષ્ટ જણાવ્યું કે હિંદુ મહાસભા અને રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘ જેવાં પ્રત્યાઘાતી પરિબળો સાથે પોતે જોડાણ કરશે નહીં.
આઝાદી બાદ પણ હિંદુ રાષ્ટ્રવાદીઓને આંબેડકર સાથે મનમેળ થયો નહીં. કાયદા પ્રધાન તરીકે આંબેડકરે હિંદુ કાયદામાં સુધારા સૂચવતો ‘હિંદુ કોડ બિલ’ રજૂ કર્યો ત્યારે રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘે તેનો જોરદાર વિરોધ કર્યો. ભારતીય જનસંઘના સ્થાપક શ્યામાપ્રસાદ મુખરજીએ આ ખરડાને હિંદુ સંસ્કૃતિ પર આક્રમણ તરીકે વર્ણવેલ. સામયિક ‘ઓર્ગેનાઈઝર’માં ૧૯૪૯માં પ્રગટ થયેલ એક લેખમાં આ ખરડાને અનૈતિક, હિંદુ ધર્મ વિરોધી અને ક્રૂર ગણવામાં આવેલ. હિંદુ રાષ્ટ્રવાદીઓ તેમ જ કેટલાક કૉંગ્રેસી રૂઢિચુસ્તોના વિરોધના પરિણામે આ ખરડો પડતો મુકાવાથી નારાજ આંબેડકરે પ્રધાન-મંડળમાંથી રાજીનામું આપેલ.
રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘના અભિગમમાં બદલાવ
આંબેડકરે ૧૯૫૬માં આશરે ૫ લાખ દલિતો સાથે બૌદ્ધધર્મમાં કરેલ ધર્માંતરથી હિંદુ રાષ્ટ્રવાદીઓને આંચકો લાગ્યો. રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘે અહીંથી પોતાની રણનીતિ બદલી. રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘે આંબેડકરની પ્રશંસા કરવાનું શરૂ કર્યું અને તે માધ્યમથી દલિતો સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો. અધૂરામાં પૂરું કેટલાક નીચલા વર્ણના હિંદુઓએ તામિલનાડુના તિરૂનેવલી જિલ્લામાં ૧૯૮૧માં મુસ્લિમ ધર્મ સ્વીકાર્યો. રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘની ટોચની સંસ્થા અખિલ ભારતીય પ્રતિનિધિ સભાએ અનામત જોગવાઈનું સમર્થન કર્યું. સંઘે ૧૪ એપ્રિલ, ૧૯૮૩માં આંબેડકર અને હેડગેવર, બંનેના જન્મ દિવસની મહારાષ્ટ્રમાં ઉજવણી કરી. સંઘે ૧૯૯૦માં આંબેડકર તેમ જ જ્યોતિબા ફુલેનું જન્મ શતાબ્દી વર્ષ પણ ઊજવ્યું. વી.પી. સિંગ રાજીવ ગાંધી સામે બળવો કરી ભા.જ.પ.ના ટેકાથી વડા પ્રધાન પદે આરૂઢ થયા. તેમની સરકારે આંબેડકર પ્રતિ આદર પ્રગટ કરવા અને તેમનો વારસો જાળવવા શ્રેણીબદ્ધ પગલાંઓ લીધાં. આંબેડકરને મરણોત્તર ‘ભારતરત્ન’ ખિતાબ અર્પણ કરાયો. તેમનું તૈલચિત્ર સંસદના મધ્યસ્થ ખંડમાં મુકાયું અને અનુસૂચિત જાતિ-જનજાતિ વિરુદ્ધ અત્યાચાર નિવારણ કાનૂન પસાર કરાયો. આ બધાની પાછળ આશય દલિત મતબેંક પર કબજો જમાવવાનો હતો.
૨૦૧૪માં કેન્દ્રમાં ભા.જ.પે. સત્તા સુકાન સંભાળ્યા બાદ વડા પ્રધાન મોદીએ પોતાનાં જાહેર ભાષણોમાં ડૉ. આંબેડકરના પ્રદાનની અનેક વાર પ્રશંસા કરી છે. કેન્દ્રિય મંત્રી કિરણ રિજ્જૂએ તા. ૧૪-૧૨-૨૦૨૪ના રોજ લોકસભામાં જાહેરાત કરી કે મોદી સરકારે આંબેડકર સાથે સંબંધિત પાંચ તીર્થ સ્થાનો વિકસાવવા નિર્ણય લીધો છે. તેમાં આંબેડકરનું મધ્ય પ્રદેશમાં આવેલું જન્મ સ્થળ, લંડનમાંનું તેમનું ઘર સમાવિષ્ટ છે. ઉપરાંત બાબા સાહેબ આંબેડકર ઇન્ટરનેશનલ મેમોરીઅલની સ્થાપના કરાયેલ છે. મુંબઈના ‘ચૈતન્ય-ભૂમિ’નો વિકાસ વિચારણા હેઠળ છે. આંબેડકરની ૪૩૦ ફૂટ ઊંચી પ્રતિમા મુંબઈમાં સ્થાપવામાં આવનાર છે. સંઘ સંચાલક મોહન ભાગવતે બિહાર ચૂંટણી સભામાં ૨૦૧૫માં અનામત જોગવાઈની સમીક્ષા કરવાનું સૂચન કરેલ. ભા.જ.પ.ને તેનાથી નુકસાન થવાની ભીતિ જણાઈ. મોહન ભાગવતે તરત જ પોતાની ભૂલ સુધારી અને વિજયાદશમીના રોજ મળેલ સભામાં આંબેડકરની પ્રશંસા કરી હતી. ગત ૬ સપ્ટેમ્બરના રોજ મોહન ભાગવતે નાગપુરમાં જાહેરાત કરી હતી કે સમાજમાં જ્યાં સુધી ભેદભાવ છે ત્યાં સુધી અનામત જોગવાઈ ચાલુ રહેવી જોઈએ.
(માહિતી સૌજન્ય : ‘ધ ઇન્ડિયન એક્સપ્રેસ’ તા. ૨૧-૧૨-૨૦૨૪ના અંકમાં વિકાસ પાઠકનો પ્રગટ લેખ)
સૌજન્ય : “ભૂમિપુત્ર”; 16 ફેબ્રુઆરી 2025; પૃ. 15-16 તેમ જ 18