Opinion Magazine
Number of visits: 9446988
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પ્રેમળ જ્યોતિ તારો દાખવી મુજ જીવન પંથ ઉજાળ !

નંદિની ત્રિવેદી|Opinion - Opinion|3 July 2020

હૈયાને દરબાર

સવા ત્રણ મહિનાના અંતરાલ પછી ‘મુંબઈ સમાચાર'ની પૂર્તિમાં ફરીથી આપણે ‘હૈયાને દરબાર’માં મળી રહ્યાં છીએ. ત્રણ મહિનામાં જગત આખું જાણે બદલાઈ ગયું હોય એવું લાગે છે. ૨૩મી માર્ચથી અમલમાં આવેલા લોકડાઉને દુનિયા આખીની માનસિકતા બદલી નાખી છે. વૈશ્વિક મહામારીના પ્રકોપમાંથી હજુ આપણે સંપૂર્ણપણે બહાર નથી આવ્યાં. ૨૨મી માર્ચનો કર્ફ્યુ અને ૨૩મી માર્ચનું લોકડાઉન ઇતિહાસના પાને અંકાઈ જવાનાં છે. પ્રી-કોરોના યુગ અને પોસ્ટ-કોરાના કાળમાં દુનિયા વહેંચાઈ જશે હવે. નવી વાસ્તવિકતાને સ્વીકારીને આપણે સૌએ જીવવાનું છે ત્યારે સમગ્ર માનવજાતના કલ્યાણ માટેની એક પ્રાર્થનાથી જ આરંભ કરીએ ને? એશિયાનું સૌપ્રથમ અખબાર ‘મુંબઈ સમાચાર’ ૧૯૯માં વર્ષમાં પ્રવેશી ચૂક્યું છે એ નિમિત્તે પણ આ અખબારને અઢળક શુભેચ્છાઓ આપીને સર્વ કલ્યાણકારી પ્રાર્થનાથી ‘હૈયાને દરબાર’ના નવા લેખની શરૂઆત કરીએ.

શાળાજીવનમાં આપણે બધાએ ગાયેલી આ પ્રાર્થના છે, પ્રેમળ જ્યોતિ તારો દાખવી મુજ જીવન પંથ ઉજાળ. મને બરાબર યાદ છે કે મારી મા આ પ્રાર્થના ખૂબ ગાતી હતી. સ્વાતંત્ર્ય સંગ્રામમાં માતા-પિતા બન્નેએ ભાગ લીધો હતો એટલે ગાંધીજીને પ્રિય ભજનો ઘરમાં પણ ગવાતાં. લોકડાઉન દરમ્યાન જ કોઈકે વોટ્સ એપ પર શેર કરેલી આ સુંદર પ્રાર્થના સાંભળીને બચપણના એ દિવસો યાદ આવી ગયા. અમારે ઘરે ધાર્મિક વાતાવરણ બિલકુલ નહીં પરંતુ, સવારમાં પપ્પા ઈશાવાસ્યમ્ ઈદમ્ સર્વમ્ શ્લોક હંમેશાં ગાય. મમ્મી સાંજે રસોઈ કરતાં આશ્રમ ભજનાવલિની પ્રાર્થના ગાય એ બધું બહુ સંતર્પક લાગતું.

ગાંધીજી હંમેશાં કહેતા કે, પ્રાર્થના સાવરણી છે. આપણા મનના ઓરડામાં રોજ ને રોજ કચરો ભરાતો હોય છે. એને સાફ કરવા માટે નિત્ય, હર હંમેશ પ્રાર્થના કરવી જોઇએ.

કવિ સુરેશ દલાલે પ્રાર્થના વિશે એક સ્થાને સરસ લખ્યું છે, "સમાજમાં મોટા ભાગના માણસો એમ માને છે કે, પ્રાર્થના એટલે આપણને જે જોઇએ છે એ માટેની ઇશ્વરને મૌખિક અરજી. લેવડદેવડનો સંબંધ સ્થપાઇ જાય છે. મૂળ વસ્તુ ચાલી જાય છે, અને નકલી વસ્તુ રહી જાય છે. બધું વહેવારની ભૂમિકાએ ચાલે છે.

પ્રાર્થના એટલે ઇશ્વર સાથેની વાતચીત, એની સાથેનો સંવાદ, એની સાથેનો મનમેળ. આપણાં મનની એકાગ્રતા એ ઇશ્વરની પ્રાર્થના છે. સચ્ચાઇથી બોલાયેલો શબ્દ કે સચ્ચાઇથી કરાયેલું કામ ઇશ્વરની પ્રાર્થના છે. પ્રાર્થના આપમેળે થવી જોઇએ. પ્રાર્થના કરીએ એમાં આયાસ છે. પ્રાર્થનાનું પરિણામ આવતું જ હોય છે, જો આપણી નજર પરિણામ તરફ ન હોય તો. ફૂલ એ બીજની પ્રાર્થનાનું પ્રગટ સ્વરૂપ છે.

હતાશાભર્યા વાતાવરણમાં પ્રાર્થના માનસિક બળ પૂરું પાડે છે એટલે જ આજે નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયાની આ પ્રાર્થના પ્રસ્તુત કરી છે. ઘણાને ખબર નહીં હોય કે આ પ્રાર્થના મૂળ અંગ્રેજીમાં હતી જેનો નરસિંહરાવે એવો સરળ અને સુંદર અનુવાદ કર્યો છે કે એ આપણી ભાષાની હોય એમ જ લાગે.

ફ્રાન્સના જોન હેન્રી ન્યુમેને ૩૩ વર્ષની વયે Lead, Kindly Light નામે બહુ સરસ કાવ્ય લખ્યું. કોઈક જીવલેણ બીમારીમાંથી સાજા થયા બાદ દરિયાઈ સફરમાં પોતાને વતન જતી વખતે એમણે આ કાવ્ય લખ્યું હતું.

Lead, Kindly Light

31243, Hymns, Lead, Kindly Light, no. 97

1. Lead, kindly Light, amid th’en circling gloom;
Lead thou me on!
The night is dark, and I am far from home;
Lead thou me on!
Keep thou my feet; I do not ask to see
The distant scene—one step enough for me.

2. I was not ever thus, nor pray'd that thou
Shouldst lead me on.
I loved to choose and see my path; but now,
Lead thou me on!
I loved the garish day, and, spite of fears,
Pride ruled my will. Remember not past years.

3. So long thy pow'r hath blest me, sure it still
Will lead me on
O'er moor and fen, o'er crag and torrent, till
The night is gone.
And with the morn those angel faces smile,
Which I have loved long since, and lost awhile!

ન્યુમેને જીવનમાં આર્થિક, માનસિક, શારીરિક એમ ઘણી વિપદાઓ જોઈ હતી. પરંતુ બધા પડકારોનો હિંમતપૂર્વક સામનો કરીને પછીથી ઈંગ્લેન્ડના બહુ મોટા ધાર્મિક નેતા બન્યા હતા.

પ્રેમળ જ્યોતિ તારો દાખવી મુજ જીવન પંથ ઉજાળ પ્રાર્થના ન્યુમેનના અંગ્રેજી કાવ્ય Lead, Kindly Lightનો ગુજરાતી અનુવાદ છે. ગાંધીજી ન્યુમેનની આ પ્રાર્થનાથી ઘણા પ્રભાવિત થયા હતા. ગાંધીજી જ્યારે દક્ષિણ આફ્રિકામાં સામૂદાયિક જીવન જીવવાનો પ્રારંભ કર્યો ત્યારે ત્યાં રોજ સાંજે પ્રાર્થના થતી હતી. એમાં એમને ગમેલા અંગ્રેજી ભજનો પણ ગવાતાં. એમાંથી એમને જે ભજન અત્યંત પ્રિય હતું તેના ગુજરાતી અનુવાદો ભારત કાયમ માટે રહેવા આવ્યા ત્યારે ગાંધીજીએ અનેક કવિઓ પાસેથી મંગાવ્યાં. એમાં આ અનુવાદ એમને સૌથી વધારે ગમ્યો. અને ખરેખર ભાવ, ભાષા અને રાગ બધી દષ્ટિએ આ ભજન એટલું સુંદર થયું છે કે અનુવાદ જેવું તો લાગતું જ નથી.

ગાંધીજીના અનુગ્રહના કારણે નરસિંહરાવે આ અનુવાદ કર્યો હતો જે એમણે એમના કાવ્યસંગ્રહોમાં સમાવ્યો નહોતો પણ આશ્રમ ભજનાવલિમાં એ સચવાઈ રહ્યું છે.

ગુજરાતી ભાષાના સુપ્રસિદ્ધ કાવ્ય-ગીત-પ્રાર્થનાઓની યાદી તૈયાર થાય તો ‘પ્રેમળ જ્યોતિ તારો દાખવી’ અચૂક ટોપ-ટેનમાં સ્થાન પામે.

આ પ્રાર્થનાના અનુવાદક તથા સુપ્રસિદ્ધ કવિ નરસિંહરાવ ભોળાનાથ દીવેટિયાનો જન્મ ૩ સપ્ટેમ્બર ૧૮૫૯માં અમદાવાદમાં થયો હતો. તેમનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અમદાવાદમાં જ પૂર્ણ થયું. ૧૯૧૫માં પાંચમી ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ રહ્યા હતા તથા ૧૯૨૪માં રોયલ એશિયાટિક સોસાયટીની મુંબઈ શાખાના ફેલો તરીકે ચૂંટાયા. ૧૯૨૧ થી ૧૯૩૫ સુધી ઍલ્ફિન્સ્ટન કોલેજમાં ગુજરાતીના પ્રાધ્યાપક પણ રહી ચૂક્યા હતા.

તેઓ ગુજરાતી સાહિત્યકાર ભોળાનાથ દીવેટિયાના પુત્ર અને લેખિકા વિદ્યાગૌરી નીલકંઠના મામા હતા. ૧૯૩૭ની ઉત્તરાયણના દિવસે એટલે કે ૧૪ જાન્યુઆરી ૧૯૩૭ના રોજ તેમનું અવસાન થયું હતું. દક્ષિણ ભારતનાં જુદાં જુદાં સ્થળોએ નોકરી નિમિત્તે ફરવાથી ત્યાંના સાગરકિનારાએ તથા પહાડી પ્રકૃતિની શોભાએ એમના સર્જકચિત્તને ખાસું એવું પ્રભાવિત કર્યું હતું. આવી જ રીતે હૈદરાબાદ(સિંધ)ના વસવાટને કારણે તેમને બોલીઓનો ખ્યાલ આવ્યો હતો. મંગળ મંદિર ખોલો તેમની અન્ય અત્યંત જાણીતી કવિતા છે.

મૂળ અંગ્રેજી પ્રાર્થના લીડ કાઇન્ડલી લાઈટ સાથે તો કેટલાક કિસ્સાઓ પણ સંકળાયેલા છે. કહેવાય છે કે ૧૯૦૯ની સાલમાં ઈંગ્લેન્ડની કોલસાની ખાણમાં બહુ મોટો વિસ્ફોટ થયો હતો જેમાં લગભગ ૧૬૮ માણસોએ જીવ ગુમાવ્યો હતો. છતાં ભૂગર્ભમાં છુપાયેલા કેટલાક લોકો જીવિત હતા. ૩૪ જણના એક જૂથને એક નાનકડું બાકોરું દેખાયું જેમાંથી ચોખ્ખી હવા આવતી હતી. સંપૂર્ણ અંધકારની વચ્ચે એક જણે લીડ કાઇન્ડલી લાઈટ પ્રાર્થના ગણગણવાની શરૂ કરી. બીજા ખાણિયાઓ પણ એમાં જોડાયા. ૧૪ કલાકમાં જ એમને ખાણના ભૂગર્ભમાંથી બહાર કાઢવામાં આવ્યા. એમને લાગ્યું કે આ પ્રાર્થનાનો જ પ્રતાપ હતો.

રાગ માંડ પર આધારિત પ્રેમળ જ્યોતિ પ્રાર્થના દિપાલી ભટ્ટના સુંદર કંઠે રજૂ થઈ છે. દિપાલીબહેન ઘણાં વર્ષોથી સંગીત ક્ષેત્રે કાર્યરત છે. આ પ્રાર્થનાના રેકોર્ડિંગના દિવસો યાદ કરતાં દિપાલીબહેને જણાવ્યું કે, "૧૯૯૩માં ‘પ્રાર્થના પોથી’ નામે એક કેસેટ બહાર પડી હતી એમાં મેં આ ભક્તિરચના પહેલીવાર ગાઈ હતી. એના હ્રદયસ્પર્શી શબ્દો ત્યારે જ સ્પર્શી ગયા હતા. મ્યુઝિક અરેન્જમેન્ટ જાણીતા સ્વરકાર બ્રિજ જોશીએ કરી હતી. બ્રિજભાઈએ ભક્તિ સંગીતમાં ખૂબ કામ કર્યું છે. ગીત રેકોર્ડ કરતી વખતે એ નાની નાની બારીકીઓ સમજાવે. હું એ વખતે આણંદ પાસેના વલ્લભ વિદ્યાનગરમાં રહેતી હતી. ત્યાંના અદ્યતન સ્ટુડિયો ‘મ્યુઝિક સેન્ટર’માં આ પ્રાર્થનાનું રેકોર્ડિંગ થયું હતું. સેન્ટરના ભૂપેન્દ્ર પટેલ, વીરેશ પટેલ સંગીતના જાણકાર અને સરસ બાંસુરી વાદક એટલે સ્ટુડિયોમાં તેઓ લાઈવ રેકોર્ડિંગનો જ આગ્રહ રાખતા અને મને પ્રોત્સાહન આપતા હતા. એની મઝા જ અલગ હતી. સ્ટુડિયો મારે માટે મંદિર સમાન હતો. આ પ્રાર્થના આપણા સૌને માટે કલ્યાણકારી છે. પ્રેમળ જ્યોતિ ખૂબ શ્રદ્ધાપૂર્વક, સંગીતમય સ્તુતિ સ્વરૂપે મેં ગાયું છે. અત્યાર સુધી જેમણે મને સંગીતમાં માર્ગદર્શન આપ્યું છે એ સૌને હું પ્રાર્થના સમર્પિત કરું છું.

વ્યવસાયે ડોક્ટર એવાં ડો. દિપાલી ભટ્ટે આરંભિક સ્વર જ્ઞાન વિદ્યાનગરમાં જગદીશભાઈ સોની પાસે લીધું અને ૧૯૯૪માં મુંબઈ સ્થાયી થયા બાદ શાસ્ત્રીય સંગીત શંપા પકરાશી પાસે શીખી રહ્યાં છે. એમણે કલ્યાણજીભાઈ પાસે પણ સંગીતની તાલીમ લીધી છે. ગુજરાતના બંસરી વૃંદ સાથે રાસ-ગરબાના ઘણા કાર્યક્રમો કર્યા છે, ઉપરાંત વૈષ્ણવ સંપ્રદાય સહિત ભક્તિ સંગીતમાં એમની ઘણી કેસેટ બહાર પડી છે.

પ્રેમળ જ્યોતિ … પ્રાર્થનાના શબ્દો લોકોના હોઠે અને હૈયે એટલા ચઢી ગયા છે કે મોટા ભાગના કદાચ એ જ ભૂલી ગયા છે કે આ ગુજરાતી રચના ખરેખર તો અંગ્રેજી કૃતિનો અનુવાદ છે. આ ગીત કહો તો ગીત અને પ્રાર્થના કહો તો પ્રાર્થનાની દરેક પંક્તિના શબ્દે-શબ્દને સમજજો, મનમાં મમળાવજો. શક્ય હોય તો ગણગણજો અથવા મોટા અવાજે ગાજો. સમૂહ પ્રાર્થના તરીકે ઘરમાં સ્થાન આપજો. સુખ દુ:ખનું ચક્ર ચાલ્યા જ કરે. આપણા સહુના પણ સારા દિવસો આવશે જ. આ વાત નિર્વિવાદ છે. આ બાબત બાહ્ય પરિબળો પર નહીં, આપણા પર જ અવલંબે છે. એટલે પ્રાર્થનાની શક્તિને પિછાણી એક સમૂહ ચેતના સ્વરૂપે ગાઈને પ્રભુ સુધી આપણો સૂર પહોંચાડીએ જેથી અત્યારનો કપરો કાળ ઝડપથી પસાર થઈ જાય અને સમગ્ર માનવજાતનું કલ્યાણ થાય એ જ હ્રદયપૂર્વક પ્રાર્થીએ.

—————————

પ્રેમળ જ્યોતિ તારો દાખવી મુજ જીવનપંથ ઉજાળ,

દૂર પડ્યો નિજ ધામથી હું ને ઘેરે ઘન અંધાર,
માર્ગ સુઝે નવ ઘોર રજનીમાં, નિજ શિશુને સંભાળ,
મારો જીવન પંથ ઉજાળ. …પ્રેમળ જ્યોતિ…

ડગમગતો પગ રાખ તું સ્થિર મુજ, દૂર નજર છો ન જાય,
દૂર માર્ગ જોવા લોભ લગીર ન, એક ડગલું બસ થાય,
મારે એક ડગલું બસ થાય. …પ્રેમળ જ્યોતિ…

આજ લગી રહ્યો ગર્વમાં હું ને માગી મદદ ન લગાર,
આપ-બળે માર્ગ જોઇને ચાલવા હામ ધરી મૂઢ બાળ,
હવે માગું તુજ આધાર. …પ્રેમળ જ્યોતિ…

ભભકભર્યા તેજથી હું લોભાયો, ને ભય છતાં ધર્યો ગર્વ,
વીત્યાં વર્ષોને લોપ સ્મરણથી સ્ખલન થયાં જે સર્વે,
મારે આજ થકી નવું પર્વ. …પ્રેમળ જ્યોતિ…

તારા પ્રભાવે નિભાવ્યો મને પ્રભુ આજ લગી પ્રેમભર,
નિશ્ચે મન તે સ્થિર પગલેથી ચલવી પહોંચાડશે ઘેર,
દાખવી પ્રેમળ જ્યોતિની સેર. …પ્રેમળ જ્યોતિ…

કંદર્પ ભૂમિ કળણ ભરેલી ને ગિરીવર કેરી કરાડ,
ધસમસતાં જળ કેરાં પ્રવાહો સર્વ વટાવી કૃપાળ,
મને પહોંચાડશે નિજ દ્વાર. …પ્રેમળ જ્યોતિ…

રજની જશે ને પ્રભાત ઉજળશે ને સ્મિત કરશે પ્રેમાળ,
દિવ્ય ગણોના વદન મનોહર (મારે) હ્રદય વસ્યાં ચિરકાળ,
જે મેં ખોયાં હતા ક્ષણવાર. …પ્રેમળ જ્યોતિ…

કવિ : નરસિંહરાવ દિવેટિયા   •   ગાયિકા : દિપાલી ભટ્ટ

સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 02 જુલાઈ 2020

http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=631060

Loading

3 July 2020 admin
← સાહેબ, તમે એકવાર અબી અહમદને મળો અને સાંભળજો પણ ખરા !!!
ચલ મન મુંબઈ નગરી—51 →

Search by

Opinion

  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?
  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved