સંસદના સત્ર દરમ્યાન કૃષિબિલના રાષ્ટ્રપતિના સંબોધન પછી, વિપક્ષે ઉઠાવેલા મુદ્દાઓનો જવાબ આપવાના બદલે કોઈ ચૂંટણીની સભાને સંબોધતા હોય એમ પ્રધાન મંત્રીએ જબરજસ્ત ભાષણ ઠપકાર્યું. એમની શબ્દરમતની શૈલીમાં હળાહળ જૂઠાણું હોય છે – એ નાનું છોકરું ય જાણતું થઈ ગયું છે, જેમ કે એમણે કિસાન આંદોલનની હવા કાઢી નાખતાં હોય એમ કહ્યું એમ.એસ.પી. હતો, છે અને રહેશે. અરે સાહેબ! હાલમાં જ તમે સુપ્રીમ કોર્ટમાં ઍફિડેવિટ કરી છે કે એમ.એસ.પી. આપી શકાય તેમ નથી! તમે કહો છો કે કૃષિકાનૂન પાછા ન ખેંચી શકાય. પણ આંદોલન થતાં સત્તર સુધારા કરવાની ફરજ કેમ પડી? એવી ઉતાવળે ધ્વનિમતથી બિલ પાસ કેમ કર્યું? તમે હંમેશાં કાચું કાપો છો, અને પછી એનું તર્કશાસ્ત્ર ઊભું કરો છો! નોટબંધી એનું સર્વોત્તમ ઉદાહરણ છે. વિપક્ષ તો ઠીક પણ પક્ષનું ય નહીં સાંભળવું અમને વિભીષણની યાદ આપે છે. હાલમાં કેટકેટલા સાંસદો, ધારાસભ્યોએ જાહેરમાં અને ખાનગીમાં તો એથી વિશેષ કૃષિબિલનો વિરોધ કર્યો છે. જે તમારા કે તમારા સાથીપક્ષના ઉમેદવારો છે.
તમે હંમેશાં ભેદભાવ કરવામાં માહિર છો. તમે કહ્યું, આ બિલ નાનાં ખેડૂતો માટે છે. બિહારમાં તમારું રાજ તપે છે. ત્યાં APMC કેમ ૨૦૦૫થી બંધ છે? ત્યાંનો કિસાન કેમ પેદાશ વેચવા પંજાબ જાય છે? ત્યાં APMC ACT કાઢી નાખ્યા પછી કિસાનોની હાલત બદથી બદતર થઈ છે. આજ સુધી તમે આ બિલ નાનાં ખેડૂતો માટે છે એ કહ્યું નથી. કૃષિબિલનો સહુથી ખતરનાક સુધારો એ છે કે હવે સંગ્રહાખોરી કાળાંબજાર કે ગુનો નહીં ગણાય! શું આ સુધારો નાના ખેડૂતો માટે છે કે મસમોટ્ટા સંગ્રહાખોરો માટે? તમે જ્યારે કાયદેસર અન્યાય કરો તો લોકો આંદોલનજીવી ન થાય તો શું થાય? તમે કહો છો કે કેટલાંક લોકો પ્રચારમાં રહેવા માટે કોઈ પણ આંદોલનમાં જોડાઈ જાય છે. સાહેબ, સહુથી વધુ પ્રચારની ઘેલછા તમને છે. પેટ્રોલપંપ હોય કે ગ્રંથનિર્માણબોર્ડની સી.ડી., તમારો ફોટો તો જોઈએ જ. તમને કેટલાક કૅમેરાજીવી પણ કહે છે. વિનાશકાળે વિપરીત બુદ્ધિની જેમ સક્રિય નાગરિક નિસબત ધરાવનારાઓને આંદોલનજીવી કહો છો? તમારી ધરપકડની ચિંતા વિના એ લોકો લખે છે. હાલમાં સહુથી મોટા ગજાના લેખકો જેલમાં સબડે છે! સૌથી તાજું ઉદાહરણ કિસાન આંદોલનને બતાવતો મનદીપસિંહ, જેને તમે કોર્ટ સામે રજૂ કર્યા વિના જેલમાં ધકેલ્યો. જેના અંગે પ્રજામત ઊભો થતાં તમારે તાત્કાલિક છોડવો પડ્યો! આ તમારી હાર છે. જેલમાં જવાનો ડર હવે લોકોમાંથી નીકળી રહ્યો છે. રામ અને લક્ષ્મણને જંગલમાં ફરનારા બે વનવાસી ગણીને માથાફરેલ રાવણે અને કૃષ્ણને કેવળ ગોવાળિયો ગણીને કંસે મોતને નોતર્યું હતું. કંસની જેલમાં જ કૃષ્ણનો જન્મ થયો હતો, એ તમારે યાદ રાખવું જોઈએ. પ્રચારની ઘેલછા આંદોલનજીવીઓને નથી, તમને છે. હમણાં જ થયેલી સંજય મહેતાની R.T.I.માં ૨૬/૫/૨૦૧૪ થી ૯/૧૦/૨૦૧૯નો તમારો પ્રચારખર્ચ બહાર આવ્યો છે. જે આંકડા છે, ૫૫,૧૪,૨૫,૧૨,૪૯૦/- રૂપિયા! ૧૦/૧૦/૨૦૧૯થી ૧૦/૦૨/૨૦૨૧નો તો બાકી! સાહેબ આંદોલનકારીઓને કાળી ટીલી લગાવતાં પહેલાં તમારી આંગળી કાળી થાય છે. આને પ્રચારજીવી પ્રધાન મંત્રી ન કહેવાય તો શું કહેવાય? ગાંધીજી હોય કે જ્યપ્રકાશ નારાયણ આંદોલનજીવી જ હતા. કોઈ પણ લોકતંત્રમાં આંદોલન જરૂરી હોય છે. દા.ત., લોકપાલબિલ અને કૉંગ્રેસકાળની મોંઘવારી સામે થયેલું અન્ના હજારેનું આંદોલન હતું ત્યારે અન્ના, કેજરીવાલ, કિરણ બેદીની સાથે લાખો આંદોલનકારીઓ હતાં જ! લોકપાલની માંગણી બાજુ પર મૂકી કિરણ બેદી રાજ્યપાલ બની ગયાં! પેટ્રોલના ભાવની રાડો પાડનાર રામદેવ બાબાને ઉત્તરાખંડમાં પાણીના ભાવે એકરની એકર જમીન આપી તમે ધંધો કર્યો. અન્ના પણ ચૂપ! પણ એ લાખો આંદોલનકારીઓ નથી થાક્યા એટલે કોઈ પણ પક્ષ હોય એ પ્રતિરોધ કરશે જ.
વળી, તમે એ ભેદ પાડ્યો કે તમે રાષ્ટ્રનીતિમાં માનો છો કે રાજનીતિમાં એ નક્કી કરો! સાહેબ, મને આશ્ચર્ય થાય છે કે તમે ખરેખર પોલિટિકલ સાયન્સ ભણ્યા છો ખરા? રાજનીતિથી જ રાષ્ટ્રનીતિ નક્કી થાય છે. તમને પસંદ કરવાની રાજનીતિમાં લોકો થાપ ખાઈ ગયાં, એટલે આજે પ્રજાએ લોકવિરોધી રાષ્ટ્રનીતિનો બોજ ઉઠાવવો પડે છે.
૭૭ મિનિટના તમારા ભાષણમાં તમે એક સેકન્ડ પણ ત્યાં મરી ગયેલા, આત્મહત્યા કરેલા ૧૭૦ ખેડૂતોને અંજલિ આપવામાં વેડફી નથી! આ શું તમારી માનવીયતા છે! આ અમાનવીયતા બતાવે છે કે તમારી પાસે દિલ જેવું કંઈ નથી. મારા જેવાને હતું કે તમારી પાસે દિમાગ જ નથી, પણ દિલ પણ નથી! તમે કેવળ પક્ષના નહીં ભારતના પ્રધાન મંત્રી છો. આ આંદોલનજીવી કે આંદોલનમાં મરનારાં ભારતના નાગરિકો છે. એને વિરોધ કરવાનો હક છે. એમની ઠેકડી ઉડાડવી તમારી ગરિમાને હાનિ પહોંચાડનાર છે. એ બરોબર છે કે તમે કોઈ આંદોલન નથી કર્યું, એટલે આંદોલનકારીની પ્રતિબદ્ધતા શું હોય એ તમને નહીં સમજાય. કુરબાની પર કોણ હસી શકે? આવી ક્રૂરતા તો કોઈ તાનાશાહની યાદ આપે. તમારાં વક્તવ્યો પર પડતી તાળીઓ પીડાદાયક છે. આંદોલનમાં બેઠેલાં વૃદ્ધો, બાળકો, સ્ત્રીઓને સલામ મારવાના બદલે તમે ઠેકડી ઉડાવી? ખરેખર જ તમને રસ હોય, તો કૃષિબિલના ફાયદા પર તમે કે રાષ્ટ્રપતિ વ્યાખ્યાન આપોને ! જે તમે આજ સુધી બતાવી શક્યા નથી. ભારતના બુદ્ધિજીવીઓ આંદોલનો સાથે આજથી નહીં અંગ્રેજોના સમયથી જોડાયેલા છે. ગાંધી વકીલ હતા, છતાં ચંપારણના કિસાનો માટે પહોંચી ગયા હતા. તેલંગણામાં બુદ્ધિજીવીઓ નહેરુ સામે લડ્યા હતા અને જમીનદારી સામે કાયદો લાવેલાં. નંદિગ્રામમાં માક્ર્સને ટાટા કરનાર અને ટાટા માટે લાલ જાજમ પાથરનાર સામ્યવાદીઓ સામે કિસાનો લડ્યા, ત્યારે પણ બુદ્ધિજીવીઓ કિસાનો સાથે હતા!
તમે M.S.P.ની માફક સુપ્રીમ કોર્ટમાં અને સંસદમાં જુદું-જુદું બોલો છો! તમારાં બેવડાં ધોરણો છે. એક બાજુ કહો છો કે કાયદો રદ્દ નહીં થાય, બીજી બાજુ કહો છો કે હમણાં બે વર્ષ સ્થગિત છે! કાયદો સ્થગિત કેમ છે? આંદોલન વિના તમે સ્થગિત કરત? ગામડે-ગામડે ચાલતું આંદોલન પાટનગરના પ્રાંગણમાં પહોંચ્યું, ત્યારે તમે સુધારાઓ કરવા માંડ્યા! બાકી, તમારા દોસ્તાર અદાણીએ તો હરિયાણામાં ઠેરઠેર ગોડાઉનો બનાવી દીધાં હતા! હજુ કાયદો આવ્યો પણ નથી, ત્યાં આ અદાણીનાં ગોડાઉનો શાનો પુરાવો છે? એ અદ્યતન ગોડાઉનો વિગતે બતાવનાર પત્રકાર ઉપ્પલ પર જીવલેણ હુમલો થયો છે. ઉપ્પલનો વીડિયો તમારી ઉદ્યોગપતિ સાથેની મિલીભગત પર્દાફાશ કરે છે. તમે એક વાત કરી કે કિસાન ક્રૅડિટ યોજના, ફસલ વીમાયોજના અમે લાવ્યા છીએ. અરે ભાઈ! આ જૂની યોજના છે, જેમાં ભ્રષ્ટાચાર સારી પેઠે ચાલે છે. આજે ૧૨ કરોડ નાના ખેડૂતો છે, ૪૦ કરોડ ભૂમિહીન ખેડૂતો છે એ માટેની કોઈ નવી નીતિ લાવોને? બિહાર, ગુજરાત, યુ.પી. કેટલાં રાજ્યો છે તમારી પાસે, એ રાજ્યોમાં આટલાં વર્ષોમાં તમે કંઈ કર્યું છે? તેલંગાણામાં હજારો ખેડૂતોએ બલિદાન આપ્યું, ત્યારે જમીનદારીનો કાયદો રદ્દ થયો. તેથી નાના ખેડૂતોની વાત કરીને જૂઠું ન બોલો. મેં ગુજરાતમાં તમને એમને માટે કંઈ કરતાં જોયા નથી. ગરીબ ખેડૂત માટે શું થઈ શકે એ શીખવા ચીનના સરકારી માણસો કેરળમાં કેમ આવ્યા કરે છે? ગુજરાતમાં કેમ નહીં? ખેતી છોડીને ભૂમિહીન ખેડૂતો શહેરોમાં આવેલા ત્યારે તમારા એકાએક ઝિંકાયેલા લોકડાઉને દોઢસો મોત ! તમે કયા ગામડામાં એ લોકો માટે નવાં હેલ્થસેન્ટર કે શાળાઓ ખોલી? તમે નાના ખેડૂતોની વાત કરો છો, તો આ જવાબ આપો.
કિસાન-આંદોલન માટે દુનિયાભરમાંથી મોટાં રાજનેતાઓનાં બયાન આવે છે, ત્યારે આપ એની ગંભીરતા સમજવાના બદલે ગર્જના કરો છો કે આપણે લોકતંત્ર દુનિયા પાસેથી શીખવાની જરૂર નથી! ગોળવલકરની ચોપડીઓ છોડીને બીજું વાંચો. ફ્રાંસની ક્રાંતિ વિના લોકતંત્ર દુનિયામાં આવ્યાં જ ન હોત! તમે પ્રોપેગેંડાની રાજનીતિ છોડો તો જ લોકતંત્રનો વિકાસ થાય. એ બેઉ એક સાથે નહીં ચાલે. તમારા આ શાનદાર ભાષણનો છેડો ભા.જ.પ.ના આઈ.ટી.સેલ.ના અમિત માલવિયા સાથે જોડાય છે. પક્ષીય પ્રોપેગેંડાનું વ્યાખ્યાન પ્રધાન મંત્રીએ ન અપાય. માધ્યમોમાં મુખ્યધારાના પત્રકારો, કૉર્પોરેટ સંચાલિત માધ્યમો, ટ્રેલસેના પ્રોપેગેંડા કર્યા જ કરે છે. તમે હજુ ધરાયા નથી કે સંસદમાં પણ પ્રોપેગૅંડા જ કરો છો! કૃષિ મંત્રી પણ તમારા જેવું જ બોલે છે. શ્રી નરેન્દ્ર તોમરે કહ્યું કે આ કાયદાને કાળો કહેવાય છે, એમાં કાળું શું છે? સૌથી પહેલાં તો બંધારણીય ભંગ થયો. કૃષિસુધારા રાજ્યની સ્વાયત્તતા છે એમાં કેન્દ્રની દખલગીરી એ જ બતાવે છે કે તમને કોઈ વિશેષ રસ છે. તમારી ચતુરાઈ તો કાબિલેદાદ છે. બચાવમાં તમે કૉંગ્રેસને પણ સાથે લઈ લો છો. કૃષિસુધારણાની વાત કૉંગ્રેસના મૅનિફેસ્ટોમાં પણ હતી, એ દર્શાવી તમે શું સાબિત કરવા ઇચ્છો છો? કદાચ એટલે જ કિસાનોએ કૉંગ્રેસને મત નહોતા આપ્યા. તમારાં મૅનિફેસ્ટોમાં કૃષિબિલ ન હતું. તમે સત્તાપ્રાપ્તિ પછી દગાબાજી કરી ગણાય. સુધારો તો એ ગણાય કે સંપત્તિશાળીને વધુ ટૅક્સ લગાવી ખેડૂતોને સહાય અપાય. અત્યારે જે પૈસા આપો છો ૨૦૦૦ રૂપિયા એ ૧૧ કાર્યરત યોજનામાંથી પૈસા કાપીને આપો છો. વળી, એમાં ૪૦ કરોડ ભૂમિહીન ખેડૂતો તો આવતા જ નથી! કૃષિ-સુધારામાં ખરેખર રસ હોત, તો આ ૪૦ કરોડ માટે કંઈક કરવામાં આવ્યું હોત. પડ્યા પર પાટુ મારતા હોય એમ તમે કહ્યું કે રેશનકાર્ડ પર મળતું અનાજ મળશે જ! સાહેબ, આ તો વરસોથી ગરીબોને મળે જ છે. હકીકતે સાંભળ્યું છે કે એ પણ હવે ખાનગી લોકો દ્વારા વેચાવાનું છે. રેશનકાર્ડની દુકાનો બંધ કરી આઉટસૉર્સિંગ દ્વારા સીધું ઘર મળશે!
ટૂંકમાં, સરવાળે પ્રધાન મંત્રીનું સંસદમાં અપાયેલું શાનદાર ભાષણ ફેસબુક કે વૉટ્સએપ પર ફરતાં સંદેશાનું જ એક રૂપ હતું. પ્રધાન મંત્રીનું ભાષણ એની કૉપીપેસ્ટ હોઈ શકે નહીં. F.D.I.નું આવું નામ! ફૉરેન ડિસ્ટ્રીક્ટિવ આઇડિયોલૉજી. ઇન્ટરનેટ ક્યાંથી આવ્યું? ટી.વી. ક્યાંથી આવ્યું? આધુનિકકાળની ઘણી સિદ્ધિઓ વિદેશથી જ મળેલી છે. તમે જે સેટેલાઇટથી વાત કરો છો એ વિદેશથી આયાત કરાયેલ છે. F.D.….નું નવું નામકરણ નરી છોકરમત લાગે છે. સાહેબ, મિ. મુંજે ઇટાલીમાં કોને મળેલા એ તમને યાદ જ હશે! આશા રાખું છું કે મારા પ્રધાન મંત્રી આવી છોકરમતમાંથી વેળાસર બહાર નીકળે.
સૌજન્ય : “નિરીક્ષક”, 16 ફેબ્રુઆરી 2021; પૃ. 03-04