
ચંદુ મહેરિયા
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પ્રાકૃતિક ખેતીના પ્રેરક, સમર્થક અને હિમાયતી છે. તેમના પ્રયાસોથી ગુજરાતમાં કેટલાક ખેડૂતો અને ગાંધી સંસ્થાઓ પ્રાકૃતિક ખેતી તરફ વળ્યાં છે. જ્યારે ખેતી અને ખેડૂત બેઉ સંકટમાં છે, ત્યારે પ્રાકૃતિક ખેતી તેમનો ઉગારો છે અને રાસાયણિક ખેતીનો આશાવાદી વિકલ્પ છે.
દેશ આઝાદ થયો ત્યારે આપણે ખાધ્યાન્નની બાબતમાં સાવ જ પરાવલંબી હતા. લગભગ બધું જ અનાજ બીજા દેશોમાંથી આયાત કરવામાં આવતું હતું. હરિયાળી ક્રાંતિ અને ખેતીના યાંત્રિકીકરણે આપણે અન્નની બાબતમાં ન માત્ર સ્વાવલંબી થયા પણ વધારાનું અનાજ પણ પકવતા થયા છીએ. પરંતુ તેના કારણે અનેક સમસ્યાઓ પણ પેદા થઈ છે. રાસાયણિક ખાતરો, હાઈબ્રીડ બિયારણો અને જંતુનાશકોને કારણે ખેતીની જમીનની ફળદ્રુપતા ઘટી રહી છે. રાસાયણિક ખેતીથી કૃષિ ઉત્પાદન વધ્યું છે, પરંતુ ખર્ચ પણ વધ્યો છે અને સિંચાઈ માટે પાણીનો વપરાશ વધતાં જમીનનાં તળ ઊંડા ગયાં છે. ખાદ્યસામગ્રી જંતુનાશકોને કારણે નુકસાનકર્તા બની છે. એટલે પર્યાવરણ, જમીન અને પાણીને બચાવવા તથા રસાયણમુક્ત ખોરાકની ચીજો માટે હવે પ્રાકૃતિક ખેતીનો વિકલ્પ અપનાવાઈ રહ્યો છે.
સજીવ ખેતી, ઓર્ગેનિક ફાર્મિંગ, પ્રાકૃતિક ખેતી, જૈવિક ખેતી, વૈદિક ખેતી અને શૂન્ય બજેટ ખેતી જેવાં વિવિધ નામે ઓળખાતી કૃષિ પદ્ધતિમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ થતો નથી. પશુઓનાં છાણનું દેશી ખાતર, ગૌમુત્ર, પંચદ્રવ્ય, મશીનોને બદલે હાથથી ચલાવી શકાય તેવા કૃષિ ઓજારોના ઉપયોગથી આ ખેતી થાય છે. પ્રાકૃતિક ખેતી ફાયદાકારક છે, સરળ છે તેમ મહેનત અને સતત દેખભાળ માંગી લેતી ખેતી પદ્ધતિ છે. તેમાં સ્વદેશી સંસાધનોનો મહત્તમ ઉપયોગ કરવામાં આવે છે.
રસાયણ મુક્ત પારંપારિક એવી આ ખેતીના જનક એક જાપાની અને એક ભારતીય કિસાન હતા. માનવ, જમીન, છોડ અને પશુ આધારિત આ ખેતીના ઘણા ફાયદા છે. પ્રાકૃતિક ખેતીમાં ખર્ચ નહિવત આવે છે. નાના અને સીમાંત ખેડૂતો માટે તે આશીર્વાદરૂપ છે. કુદરત કે વરસાદ આધારિત ખેતીમાં પાક નિષ્ફળ જાય ત્યારે ખેડૂતોને રોવા વારો આવે છે, જ્યારે ઝીરો બજેટ પ્રાકૃતિક ખેતીમાં ખર્ચ ઓછો હોઈ પ્રતિકૂળ સંજોગોમાં નુકસાન પણ ઓછું થાય છે. કૃષિ ખર્ચ ઘટાડવા અને આવક વધારવા માટે આ ખેતી લાભદાયી છે. જમીનની ફળદ્રુપતા વધે છે. ખેતરોમાં ખેતી માટે ઉપકારક અળસિયા વધુ જોવા મળે છે. રસાયણો અનેક જંતુનાશકોથી મુક્ત હોઈ આરોગ્ય માટે ફાયદાકારક છે. અળસિયા જેવા જીવો જમીનમાં વધવાથી જમીન ભેજવાળી રહે છે. માટીનાં ઢેફાં બને છે, જેનાથી હવાપાણી સહેલાઈથી જમીનમાં ઉતરી શકે છે. પાણીનો વપરાશ ઓછો થાય છે.
જમીન, પાણી અને પર્યાવરણ સુધરે છે તે મોટો લાભ છે. રસાયણિક ખેતીથી થયેલા ભૂમિક્ષરણને તે અટકાવે છે. વાવાઝોડાં જેવી કુદરતી આફતોમાં રાસાયણિકની તુલનામાં પ્રાકૃતિક ખેતીના પાકો ટકી રહે છે તેવું અનુભવે જણાયું છે. દેશમાં ૧૬.૬ ટકા લોકો કુપોષિત હોય અને ૭૪.૧ ટકા લોકો જો પોષક આહારનો ખર્ચ વહન કરી શકે તેમ ન હોય તેવા ફુડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન ઓફ યુનાઈટેડ નેશન્સ(FAO)ના રિપોર્ટને સાચો માનીએ તો પ્રાકૃતિક ખેતીથી તેમને પોષક આહાર મળી શકે છે. જે ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે છે તેમને બહારથી કોઈ ચીજ ખરીદવી પડતી નથી. યોગ્ય ટેકનિકનો ઉપયોગ કરીને જમીનમાંથી જ પાકને જરૂરી પોષક્તત્ત્વો મળી રહે છે. પાણી અને વીજળીની જરૂરિયાતમાં મોટો ઘટાડો થાય છે. રાસાયણિક ખેતીથી ખેતરોમાં જે ઝેર વાવવામાં આવતું હતું તેનાથી છૂટકારો મળે છે.
ભારતમાં ખેતી પર નભતી વસ્તીનો પંચ્યાસી ટકા હિસ્સો નાના ને સીમાંત ખેડૂતોનો છે. જે બેથી ચાર એકર જમીન ધરાવે છે. તે પ્રાકૃતિક ખેતી અપનાવે અને જીવન ગુજારા માટે જ ખેતી કરતા હોય તો તેમને ખર્ચ ઓછો આવે છે અને દેવાથી બચી શકે છે. સરકાર અને સમાજના સાર્થક પ્રયાસોના લીધે નાના અને સીમાંત ખેડૂતોને સંતોષજનક આવક અને રોજી મળી શકે છે. ઘરના ગુજરાન ઉપરાંત થોડી બીજી આવક પણ થાય છે. પ્રાકૃતિક ખેતીથી ઊગાડેલાં શાકભાજી અને ફળોની બજારમાં વધુ માંગ છે, એટલે જો બજાર અને વેચાણની યોગ્ય વ્યવસ્થા થઈ શકે તો તે વરદાન સમાન છે. નાના ખેડૂતો સ્વપ્રયત્નોથી અને થોડી કૃષિ નિષ્ણાતોની મદદથી રાસાયણિક ખેતીથી બિનઉપજાઉ થયેલી જમીનને પ્રાકૃતિક ખેતીના એક બે પાકથી વધુ ઉપજાઉ બનાવી શકે છે.
કેન્દ્ર અને કેટલીક રાજ્ય સરકારો પ્રાકૃતિક ખેતી માટે ખાસ સવલતો આપે છે. ડિસેમ્બર ૨૦૨૪થી ભારત સરકારે નેશનલ મિશન ફોર નેચરલ ફાર્મિંગ( NMNF)નો આરંભ કર્યો છે. આગામી બે વરસોમાં તેનું લક્ષ્યાંક છે કે પંદર હજાર સમૂહોને અને એક કરોડ ખેડૂતોને આવરી લઈને ૭.૫ લાખ હેકટર જમીનમાં પ્રાકૃતિક ખેતી કરવી. આ માટે એક હજાર બાયો રિસર્ચ સેન્ટર શરૂ કરવામાં આવશે. રાસયણિક ખેતી માટે સરકારને વરસે પાંચ કરોડ ટન ખાતરની આયાત કરવી પડે છે. વળી ખાતર પર સરકાર ખેડૂતોને રૂપિયા એક લાખ કરોડની સબસિડી ચૂકવે છે. જો છાણિયા ખાતરનો ઉપયોગ વધે તો મોંઘું વિદેશી હુંડિયામણ બચે, આયાત ઘટે અનેક ખાતર સબસિડી પણ ઓછી થાય.
પ્રાકૃતિક ખેતીની સૌથી મોટી મર્યાદા કે ખામી તેમાં ખેત ઉત્પાદન રાસાયણિક ખેતીને મુકાબલે ઓછું હોય છે તે છે. અલબત્ત તેની સામે બીજા અનેક ફાયદા છે જ. પણ જ્યારે સમગ્ર ખેતી બજાર આધારિત હોય ત્યારે ઓછું ઉત્પાદન ખેડૂતોને તેના તરફ આકર્ષતા રોકે છે. કૃષિ નિષ્ણાત દેવિંદર શર્માના મતે રાસાયણિક પદ્ધતિથી પકવેલા અનાજના આહારમાં કિલોએ પર્યાવરણને ત્રણ ગણું નુકસાન થાય છે તે પ્રાકૃતિક ખેતીથી અટકે છે. એટલે આ બાબતે ખેડૂતોમાં જાગ્રતિ જરૂરી છે.
દુનિયાની માત્ર ૦.૯ ટકા ખેતીની જમીનની પર જ પ્રાકૃતિક ખેતી થાય છે. ભારતમાં ગુજરાત, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, કેરળ, પંજાબ અને હિમાચલ પ્રદેશમાં જ પ્રાકૃતિક ખેતી થાય છે. ભારત સરકારના મિશન હેઠળ પણ બહુ ઓછી કૃષિ ભૂમિને પ્રાકૃતિક ખેતી તળે લાવી શકાઈ છે. જેમ ઉત્પાદન ઓછું તેમ પ્રાકૃતિક ખેતીનાં શાકભાજી, ફળો અને અનાજ મોંઘાં છે તે પણ મોટી મર્યાદા છે. એટલે પ્રાકૃતિક ખેતીથી તૈયાર થયેલા અનાજના ન્યૂનતમ સમર્થન મૂલ્ય (એમ. એસ.પી.) અલગથી જાહેર કરવાની ખેડૂતોની માંગ છે. જો મધ્યાન્હ ભોજન યોજના અને આંગણવાડીઓને ભોજન અને નાસ્તામાં માત્ર પ્રાકૃતિક ખેતીથી પકવેલી ચીજો જ વાપરવાનો નિયમ થઈ શકે તો આ ખેતીને ટકવાનું બળ મળી રહે.
દેશની ૬૦ થી ૭૫ ટકા વસ્તી ખેતી પર આધારિત છે અને જી.ડી.પી.માં કૃષિનું યોગદાન ૧૩.૬ ટકા છે ત્યારે આપણી અંદાજપત્રની જોગવાઈઓ તેને અનુરૂપ છે ખરી? ભારત સરકારના ગત ૨૦૨૪-૨૫ના બજેટમાં ખેતી માટે ૧.૫૨ લાખ કરોડની જોગવાઈ હતી જે કુલ બજેટન માંડ ૩ ટકા હતી. જ્યારે નીતિનિર્માતાઓ માટે કૃષિ ક્ષેત્રની આવી ઉપેક્ષા હોય ત્યારે પ્રાકૃતિક ખેતીની પ્રગતિ બહુ ધીમી રહેવાની તે નક્કી.
e.mail : maheriyachandu@gmail.com