પૉપ્યુલિસ્ટ રાજકારણ વાડાબંધી અને જૂથવાદ જ વધારે છે. સમાજમાં વૈમનસ્ય અને આર્થિક અવ્યવસ્થાએ આ પ્રકારનાં લોકભોગ્ય રાજકારણનું પરિણામ છે.
આજકાલ માફીની સિઝન ચાલી છે. ના અહીં ક્ષમાનાં સંદર્ભે માફીની વાત નથી ચાલી રહી બલકે દેવાં અને બિલ માફીની વાત થઇ રહી છે. રાજકારણમાં પાસાં પલટાયા અને કૉન્ગ્રેસે જે – તે રાજ્યમાં સત્તા હાથમાં આવતાં તરત જ ખેડૂતોનાં દેવાં માફ કરવાની જાહેરાત કરી. આ થયું અને ભા.જ.પ. શાસિત રાજ્યોને કોઇએ ભર શિયાળે મ્હોંએ પાણી છાંટી ઉઠાડ્યા હોય એવી હાલત થઇ, અને ગુજરાત, આસામ વગેરે રાજ્યોમાં વ્યાજ-કર-બિલ વગેરે જેમાં પણ માફી અપાય એમ હતું એ બધું જાહેર થઇ ગયું. ૨૦૧૮ની સાલમાં ખેડૂતોની રેલીઓ ચર્ચામાં રહી. આ દરમિયાન ઘણાં એવાં પ્રસંગો આવ્યા જ્યાં એક કરતાં વધુ વિરોધ પક્ષો ખેડૂતોને ટેકો આપતા જાહેર કાર્યક્રમોમાં એક જ મંચ પર દેખાયા. જે બે પક્ષો વચ્ચે સ્નાન સૂતકનો પણ સંબંધ ન હોય તેવાં પક્ષો આ એક મુદ્દે એક થઇ ગયા. ચૂંટણીની આ મોસમનું અવલોકન કરીએ તો ખ્યાલ આવે કે મોટાં ભાગનાં નેતાઓ અને વિરોધ પક્ષો માટે ખેડૂતોની પડખે ઊભા રહેવું એક બિનસાંપ્રદાયિક, વાડાબંધી વગરની તટસ્થ પસંદગી હતી. આપણે ખેડૂતોના પ્રશ્નોની ફિકર નથી કરવાની પણ ભારતીય રાજકારણમાં વર્ષોથી પગપેસારો કરીને પોતાનાં મૂળિયાં ઊંડા ઉતારી ચૂકેલા પૉપ્યુલિસ્ટ અભિગમની વાત કરવાની છે.
પૉપ્યુલિસ્ટ એટલે કે દેખીતી રીતે ‘જનતા’-લક્ષી, લોકોનાં મોટા વર્ગનાં હિતને ધ્યાનમાં રાખીને ઘડાતી રાજનીતિ કે લોકભોગ્ય નિર્ણયો, વાતો અને વહેવાર હોવાં. પૉપ્ચુલર એટલે કે લોકપ્રિય શબ્દ પરથી બનેલા પૉપ્યુલિસ્ટ તથા પૉપ્યુલિઝમ શબ્દનાં અર્થમાં ઘણું અંતર છે. પૉપ્યુલર હોવું અને પૉપ્યુલિસ્ટ હોવું એ બંન્ને અલગ બાબત છે. રાજનીતિશાસ્ત્ર અનુસાર પૉપ્યુલિઝમ એવો વિચાર છે જેમાં સમાજમાં બે સ્પષ્ટ ભાગ પડે છે – એક શુદ્ધ લોકોનો અને બીજો ભ્રષ્ટ શ્રેષ્ઠી કે ભદ્ર લોકોનો! ખેડૂતોનાં દેવાં કે ગ્રામીણ વિસ્તારોનાં વીજ બિલ માફ કરવા એ રાજનૈતિક પૉપ્યુલિસ્ટ પૉલિટિક્સની વ્યૂહરચના છે. પૉપ્યુલિસ્ટ કે લોકભોગ્ય અભિગમ લોકશાહી જેટલી જ જૂની બાબત છે. ભારતનાં સંદર્ભે આવું લોકભોગ્ય રાજકારણ બે વડાપ્રધાનો સાથે હંમેશાં જોડવામાં આવ્યું છે – એક ઇંદિરા ગાંધી અને બીજા નરેન્દ્ર મોદી – બંન્નેનાં પક્ષ અલગ – ઇંદિરા ગાંધીને ડાબેરી પૉપ્યુલિઝમ સાથે સંકળાયેલા હોવાનું કહેવાયું છે, તો નરેન્દ્ર મોદીની સફળતા પાછળ જમણેરી પૉપ્યુલિઝમ જોડાયેલું છે. પૉપ્યુલિઝમનો ઉપયોગ કોઇપણ વિચારધારાનાં રાજકારણીઓ કરી શકે છે કારણ કે અંતે તો આ એક વ્યૂહરચના છે જે સાધારણ જનતા અને શ્રેષ્ઠીઓ વચ્ચેની ખાઇને વધારે ઊંડી કરતી નીતિઓ વચ્ચેની લડાઇ છે. મજાની વાત એ પણ છે કે પૉપ્યુલિઝમમાં રાજકીય નેતૃત્વ અને મહત્ત્વના આર્થિક ટેકેદારો (ઉદ્યોગપતિ) વચ્ચે મજબૂત કડી હોય છે.
પૉપ્યુલિઝમ અલગ વર્ગને અલગ વસ્તુઓ ઑફર કરતું હોય છે. શ્રેષ્ઠી નગરની વાત કરીએ તો તેમને ચૂંટણી દરમિયાન નજીકનાં શહેરમાં જવા માટેના નવા સડસડાટ કાર દોડાવી શકાય એવા રસ્તાની અને નવી સ્કૂલનાં બિલ્ડીંગની ઑફર થાય તો સામાન્ય (ગરીબ અથવા નિમ્ન સ્તરનાં) નાગરિકોને સેલફોન કે ટેલિવિઝન સેટ ઑફર થાય. આમ જોવા જઇએ તો નિમ્ન સ્તરનાં નાગરિકને સેલફોન કે ટી.વી.ની ઉત્કંઠા હોવા છતાં ય પોતાની દીકરી માટેની સ્કૂલ કે પોતાનાં ઉત્પાદનોની હેરફેર કરવા માટેના રસ્તામાં વધારે રસ પડે પણ છતાં ય રાજકારણનાં ચોપડે શ્રેષ્ઠીઓ માટેની નીતિઓ સાધારણ માણસને ‘ઑફર’ કરાય એ રીતે નથી ઘડાતી. આમ ચાલતું આવ્યું હોવાનું સીધું કારણ આપણી રાજકીય પરંપરા છે, જેનું નિશાન વ્યક્તિગત મતદાર હોય છે, ચોક્કસ જૂથ નહીં. જાત ભાતનાં લાભનાં વચન આપનારા રાજકીય પક્ષોની આપણને જરા ય નવાઇ નથી; જેમ કે બે રૂપિયે કિલો ચોખા, લોન માફી, ઘરનું ઘર, મફક વીજળી, કલ્યાણકારી પેન્શન યોજનાઓ વગેરે વગેરે. ગરીબોના મત મેળવવા માટે એક સમયે અપાતા દારુ અને પૈસાથી આજે આવાં વચનો તરફ આપણાં રાજકીય પક્ષોની પ્રગતિ થઇ છે. મતદાર રાજકારણીઓ માટે એક રાજકીય બજારની ‘કમોડિટી’ – વેપારની જણસથી વધારે કંઇ જ નથી હોતો. પૉપ્યુલિઝમ એટલે કે પોતાને અથવા તો પોતાની નીતિઓને લોકભોગ્ય સાબિત કરવાની સ્પર્ધા વધારે તંગ થવા માંડી અને આપણાં રાજકીય વ્યવસ્થાતંત્રનો પાયો સાવ પોકળ બનતો ગયો છે. વળી આની સીધી અસર અર્થતંત્ર પર પણ પડે છે. જેમ કે જે દેવાં કે બીલો માફ કરાયાં છે તેને કારણે રાષ્ટ્રીય તિજોરીની ગોઠવણ જ હચમચી જવાની છે. અર્થશાસ્ત્રીઓ અને રાજકીય વિચારકોને મતે પૉપ્યુલિઝમની સ્પર્ધા દેશને એક કરતાં વધુ રીતે માઠી અસર કરે છે, પણ જે રીતે આપણે ત્યાં ચાલતું આવ્યું છે તે જોતાં લોકભોગ્ય રાજકારણનો અંત આવે એવી શક્યતાઓ બહુ ઓછી છે.
પૉપ્યુલિસ્ટ રાજકારણીઓનાં ચોક્કસ લક્ષણ હોય છે. જેમ કે તેઓ સંસદના બહુમતને યોગ્યતાની અનોખી મહોર અને સ્રોત માને છે. પૉપ્યુલિસ્ટ રાજકારણી કોઇપણ મુદ્દાની જટિલતાને સરળ કરી રજૂઆત કરે છે તથા ‘લોકો’ની ઇચ્છા હશે તો બધા પડકારને પહોંચી વળાશે એમ માનતા હોય છે. મતદારોનો બહુમત પૉપ્યુલિસ્ટ માટે ‘જનતા’ હોય છે અને બાકીનાઓને તે અવગણે છે. સંસ્થાકીય માળખાંઓ કે કાયદા પૉપ્યુલિસ્ટ્સ માટે અવરોધરૂપ સાબિત થાય છે અને તેમના મતે ‘જનતાનાં હિત’માં આડે આવતા હોય તો તેને હટાવી દેવા જોઇએ. સત્તાકીય જ્ઞાન કે અનુભવને ગણતરીમાં લેવાનું પૉપ્યુલિસ્ટ્સને માફક નથી આવતું. પૉપ્યુલિઝમ અંતે તો ખાતરી કે નિશ્ચિતતાનાં મજબૂત આદર્શો પણ જવાબદારીનાં નબળાં આદર્શોમાં પરિણમે છે. વળી આ રીતે ‘જનતા’નો મોટાભાગનો હિસ્સો અસંતુષ્ટ જ રહે છે.
પૉપ્યુલિઝમ માત્ર ભારતમાં છે એમ નથી. બ્રેક્ઝિટમાં પૉપ્યુલિઝમનાં કડવાં ફળ દેખીતાં છે તો ટ્રમ્પ પ્રકારનું રાજકારણ પણ પૉપ્યુલિઝમ આધારિત છે. ટર્કીમાં એર્ડોગાનની તો હંગેરીમાં વિક્ટર ઓર્બાનની આ જ વ્યૂહરચના છે, તો બ્રાઝીલમાં પૉપ્યુલિઝમને પગલે સત્તા જમણેરી પૂર્વગ્રહ ધરાવનારાઓના હાથમાં ગઇ છે. પૉપ્યુલિઝમમાં એક અનોખી વાત છે કે જ્યારે પણ એ નિષ્ફળ જાય છે ત્યારે આ નિષ્ફળઓના દોષનો ટોપલો પહેલાંની સરકારોની નકારાત્મક બાબતો પર અથવા તો કોઇ અજાણ્યા કળી ન શકાય એવા સ્રોત પર ઢોળી દેવાય છે. આપણા સાહેબે નહેરુ અને કૉન્ગ્રેસ સામેનાં ફરિયાદી ચોપડાં લખવાનું સતત ચાલુ રાખ્યું છે, તો ઇંદિરા ગાંધી અવારનવારા ‘વિદેશી તાકત’ના હાથનો વાંક કાઢતાં. મોદી અને ટ્રમ્પની સરખામણી પણ કરવી રહી. બંન્ને જણા પૉપ્યુલર વિચારો કે સંવેદનાઓનો ઉપયોગ અને ઝૂકાવ પોતાનાં પક્ષે સારી પેઠે મેનેજ કરી શકે છે. ટ્રમ્પ ‘વ્હાઇટ’ વર્કિંગ ક્લાસની ચિંતાઓ પર દાવ રમે છે, તો મોદી માટે ગરીબ અને સાધારણ વર્ગનો રોજિંદા ભ્રષ્ટાચાર પ્રત્યેનો કંટાળો ચેનલાઇઝ કરવાનો રહે છે. બિઝનેસ અને ઉદ્યોગ ક્ષેત્રનો બંન્ને જણને સારો એવો ટેકો છે. ટ્રમ્પ મેક્સીકન્સ અને આફ્રિકન્સને વરવાં ચિતરે છે તો મોદી પાસે મુસલમાનોનો વિકલ્પ છે જેને પગલે તે હિદુત્વનું કાર્ડ પણ સારી પેઠે રમી જાણે છે. ટ્રમ્પનાં ટેરીફ્સ અને મોદીનાં ડિમોનેટાઇઝેશનની વાહવાહી કરનારાં ઓછાં નથી જે બતાડે છે કે બંન્ને વડાઓએ સારી પેઠે આ પૉપ્યુલિસ્ટ પૉલિસીઝને લોકોને ગળે ઉતારી છે, પછી ભલેને તેનાથી નુકસાન જ કેમ ન થયું હોય. બન્ને વડાઓ આબાદ રીતે ભદ્ર વર્ગને વખોડે છે, ટ્રમ્પ વૉલ સ્ટ્રીટને તો મોદી પણ સ્થાપિત ભદ્ર વર્ગ એમાં ય ખાસ કરીને નેહરુ-ગાંધી પરિવારનાં સભ્યોનું બુરું બોલતા અટકતા નથી. ભક્તો ચોક્કસ એમ કહેશે કે યુ.પી.એ. સરકાર દરમિયાન જે બેફામ ભ્રષ્ટાચાર હતો એ કાબૂમાં આવ્યો છે. હા, એની ના નહીં પણ તેની સામે ઉદ્યોગપતિઓને પૉલિસી તથા કાયદાને માર્ગે અઢળક ફેવર્સ મળી રહી છે. ભારતનાં બિલ્યોનર્સની નેટ વર્થ છેલ્લાં ચાર વર્ષમાં કૂદકે ને ભૂસકે વધી છે.
પૉપ્યુલિઝમ મોટે ભાગે રાષ્ટ્રવાદનાં મ્હોરા પાછળ છુપાઇને ઘુસણખોરી કરતું હોય છે. રાષ્ટ્રવાદનું મૂળ સ્વરૂપ એકતા આધારિત લોકશાહીની સ્થાપના કરે છે, જેમાં આંતરિક અને બાહ્ય બન્ને સ્તરે ઐક્ય જળવાય છે, તેમાં સમાન હક, મૂલ્યો અને મહત્ત્વાકાંક્ષાઓ વણાયેલાં હોય છે. પરંતુ પૉપ્યુલિઝમને કારણે રાષ્ટ્રવાદની આ મૂળ સમજણ પાંખી અને સાંકડી થઇ રહી છે. આ પ્રકારની સ્થિતિ લોકશાહી માટે પણ જોખમી છે. વળી આને કારણે બે જૂદા દેશ વચ્ચેના સંબંધમાં સ્થાનિક સંજોગોને હાથો બનાવાય છે વિદેશ નીતિને વધારે પેચીદી બનાવી દે છે. જેમ કે પાકિસ્તાનની વાત આવે ત્યારે આપણે ત્યાં વિરોધપક્ષ કે શત્રુ પક્ષને પ્રો-પાકિસ્તાનીનું બિરુદ વારંવાર આપવામાં આવે છે. આ સ્થિતિમાં વિરોધપક્ષનું જે થવાનું હોય એ થશે પણ પાકિસ્તાન કોઇપણ સંજોગોમાં શત્રુ દેશ જ રહેશે અને આમ વિદેશ નીતિનાં વાટાઘાટ વધારે કપરાં બનતા જશે. વૈશ્વિકરણ વધ્યું છે ત્યારે આર્થિક અસમાનતાઓ પણ વધી રહી છે, રાષ્ટ્રોની વચ્ચે હાર-જીતનો ખેલ ચાલ્યા કરતો હોય ત્યારે પરસ્પર આધાર રાખી શકાય એવી નીતિઓની જરૂર પડે છે. પરંતુ જ્યારે દેશમાં આંતરિક સ્તરે ધ્રુવીકરણ, વાડાબંધી, હુંસાતુંસી ચાલતી હોય ત્યારે રાષ્ટ્રીય પ્રશ્નો જ ન ઉકેલાતાં હોય તો પછી આંતરરાષ્ટ્રીય સ્તરનાં પડકારો કેવી રીતે ઉકેલાઇ શકે.
પૉપ્યુલિસ્ટ રાજકારણનું પરિણામ એટલે જૂથવાદ અને વાડાબંધી. કહેવાતા ગૌ રક્ષકો બુલંદેશ્વરમાં એક પોલીસ અધિકારીને રહેંસી નાખે એ આક્રમક જૂથવાદની ફળશ્રુતિ છે. આપણે ત્યાં આવી ઘટનાઓ છેલ્લાં કેટલાંક વર્ષોમાં વધી છે. જો આ જ સ્થિતિ રહી તો આંતરિક વિખવાદો ભારતનો વૈશ્વિક મેઇક-અપ વિખેરી નાખશે.
બાય ધી વેઃ
ખેડૂત તરીકે એક સાથે રેલી કાઢનારાઓ જ્યારે વોટ આપવા જશે ત્યારે જાતિ, જ્ઞાતિ અને ધર્મને ધ્યાનમાં રાખીને જ વોટ આપવાના છે, એ નેતાઓએ યાદ રાખવું રહ્યું. પૉપ્યુલિસ્ટ લિડર હંમેશાં પોતાને જનતાનો માણસ ગણાવે છે અને આપણે ‘પાંચ કરોડ ગુજરાતીઓ’થી માંડીને ‘મિત્રો’ સુધીનાં સંબોધનોમાં તેની ઝલક જોઇ છે. પૉપ્યુલિસ્ટ્સનો અભિગમ પોતાની લીટી લાંબી કરવાને બદલે બીજાંની લીટી ભુંસવાનો હોય છે. આ પ્રકારનું રાજકારણ એકચક્રીય સત્તા તરફ લઇ જાય છે. પૉપ્યુલિસ્ટ જાહેરમાં સ્વતંત્રતા અને લોકશાહીની વાતો કરે છે પણ તેની ગાદી પર બેસે કે તરત આ વિચારો સંકોચાઇને કોકડું વળી જાય છે. ચૂંટણી પંચ ચાહે તો તે વ્યક્તિગત લાભ આપવાની વાતો કરતા સ્પર્ધાત્મક પૉપ્યુલિઝમ પર પ્રતિબંધ મૂકી શકે છે. સમાજ અને અર્થતંત્રને લાંબા ગાળે લાભ આપનારી બાબતો રાજકારણનો ભાગ હોઇ શકે બાકી હાલમાં તો રાજકારણીઓ ‘જનતા’ની પીડાને અનુભવવાનો ડોળ કરી પોતાની રોટલી શેકવામાં પાવરધા થઇ ચૂક્યા છે.
04 ડિસેમ્બર 2018
e.mail : chirantana@gmail.com
(‘ગુજરાતમિત્ર’)