 કૅમ્બ્રિજ યુનિવર્સિટીમાં ભણતા ચૌધરી રહેમત અલી નામના વિદ્યાર્થીએ ૨૮મી જાન્યુઆરી ૧૯૩૪ના રોજ ‘Now or Never : Are we to live or perish forever?’ એવા શીર્ષકવાળું અંગ્રેજીમાં એક ચોપાનિયું બહાર પાડ્યું હતું, જેમાં પહેલી વાર ‘પાકિસ્તાન’ એવું નામ જોવા મળ્યું હતું. પાકિસ્તાનનું નામકરણ રેહમત અલીએ P = પંજાબ, A = અફઘાન (એટલે કે વાયવ્ય સરહદ પ્રાંત), K = કાશ્મીર, S = સિંધ અને બલુચિસ્તાનમાંથી STAN લઈને કર્યું હતું જેમાં બંગાળનો B જોવા મળતો નથી. આનું એક કારણ તો કોઈ એક દેશ ત્રણ હજાર કિલોમીટરના અંતરે બે ભાગમાં હોઈ શકે એવી તેણે કલ્પના નહીં કરી હોય, અને બીજું એનાથી મોટું કારણ એ હતું કે પૂર્વ બંગાળના મુસલમાનો સાથે ભારતના પશ્ચિમ પ્રાંતોમાં વસતા મુસલમાનોનો ભાવનાત્મક સંબંધ નહોતો. તેમને પૂર્વ બંગાળના મુસલમાનો પાકિસ્તાન માટે ખાસ ખપના નહોતા લાગ્યા. એમાં પણ રહેમત અલી પંજાબી હતો અને પંજાબીઓ પોતાને પાકિસ્તાનના આર્કિટેક્ટ સમજતા હતા અને આજે પણ સમજે છે.
કૅમ્બ્રિજ યુનિવર્સિટીમાં ભણતા ચૌધરી રહેમત અલી નામના વિદ્યાર્થીએ ૨૮મી જાન્યુઆરી ૧૯૩૪ના રોજ ‘Now or Never : Are we to live or perish forever?’ એવા શીર્ષકવાળું અંગ્રેજીમાં એક ચોપાનિયું બહાર પાડ્યું હતું, જેમાં પહેલી વાર ‘પાકિસ્તાન’ એવું નામ જોવા મળ્યું હતું. પાકિસ્તાનનું નામકરણ રેહમત અલીએ P = પંજાબ, A = અફઘાન (એટલે કે વાયવ્ય સરહદ પ્રાંત), K = કાશ્મીર, S = સિંધ અને બલુચિસ્તાનમાંથી STAN લઈને કર્યું હતું જેમાં બંગાળનો B જોવા મળતો નથી. આનું એક કારણ તો કોઈ એક દેશ ત્રણ હજાર કિલોમીટરના અંતરે બે ભાગમાં હોઈ શકે એવી તેણે કલ્પના નહીં કરી હોય, અને બીજું એનાથી મોટું કારણ એ હતું કે પૂર્વ બંગાળના મુસલમાનો સાથે ભારતના પશ્ચિમ પ્રાંતોમાં વસતા મુસલમાનોનો ભાવનાત્મક સંબંધ નહોતો. તેમને પૂર્વ બંગાળના મુસલમાનો પાકિસ્તાન માટે ખાસ ખપના નહોતા લાગ્યા. એમાં પણ રહેમત અલી પંજાબી હતો અને પંજાબીઓ પોતાને પાકિસ્તાનના આર્કિટેક્ટ સમજતા હતા અને આજે પણ સમજે છે.
પાકિસ્તાનની સ્થાપના થઈ ત્યારે દરેકનાં પોતપોતાની કલ્પનાનાં પાકિસ્તાન હતાં અને દરેક પોતપોતાની કલ્પનાનાં પાકિસ્તાનને સાકર કરવાના કામે લાગી ગયા. મહમદઅલી ઝીણાની કલ્પનાનું પાકિસ્તાન ખાસ મુસલમાનો માટેનું પણ સેક્યુલર લોકતાંત્રિક હતું. દેવબંદ સ્કૂલના મૌલાનાઓ માટે પાકિસ્તાન સુન્ની ઇસ્લામિક હતું. પાકિસ્તાનના આંદોલનમાં જેમણે સક્રિય હિસ્સો લીધો હતો અને જેઓ આંદોલનમાં પહેલી હરોળમાં હતા એવા ઉત્તર ભારતના હિંદુ બહુમતી પ્રાંતોના મુસલમાનો માટે પાકિસ્તાન તેમનું રચેલું પહેલા ખોળાનું ખાસ હતું અને પાકિસ્તાન ઉપર પહેલો હક તેમનો હોવો જોઈએ એવો તેમનો દાવો હતો. અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી અને બીજી યુનિવર્સિટીઓમાં ભણેલા ઉચ્ચ શિક્ષિત યુવાનો વિભાજન પછી ખાસ પાકિસ્તાન ગયા હતા, કારણ કે તેમને એમ લાગતું હતું કે પાકિસ્તાનનું સુકાન તેમને જ સંભાળવા મળશે કારણ કે જ્યાં પાકિસ્તાન બન્યું છે ત્યાંની પ્રજા તો ઝાહીલ છે. પાકિસ્તાનના લશ્કરમાં પંજાબીઓ મોટી સંખ્યામાં હોવાને કારણે અને તાજા જન્મેલા પાકિસ્તાનને ભારત નામના દુશ્મનથી બચાવવું જરૂરી હોવાને કારણે પંજાબીઓને એમ લાગતું હતું કે પાકિસ્તાન ઉપર પહેલો હક તેમનો છે. આમ દરેકની પાકિસ્તાન વિશેની પોતપોતાની કલ્પના હતી અને દરેક પાકિસ્તાનનું સુકાન સંભાળી લઈને પાકિસ્તાનનો ચહેરો કંડારવા આતુર હતા.
આમાં રહેમત અલી પણ પાછળ નહોતો. તે પોતાને પાકિસ્તાની રાષ્ટ્રવાદનો પિતા સમજતો હતો અને મહમદઅલી ઝીણાની સમકક્ષ નહીં તો બીજા ક્રમે પોતાને માનતો હતો. તેની પણ પાકિસ્તાન વિશેની પોતાની કલ્પના હતી અને તે પણ તેને સાકર કરવા પાકિસ્તાન ગયો હતો. તેને એવો વહેમ હતો કે પાકિસ્તાનમાં તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે અને ઝીણા પછી પાકિસ્તાનના મહાનાયક તરીકેનું સ્થાન પામશે. ૧૯૪૮ના એપ્રિલ મહિનામાં પાકિસ્તાન જઇને તેણે તેની કલ્પનાના પાકિસ્તાનને સાકાર કરવા માટે પાકિસ્તાનના શાસકોનું માથું ખાવાનું શરૂ કર્યું. ગમે એવા દુરાગ્રહો કરે અને અખબારો સમક્ષ ગમે તે બોલે. એક સમયે તેને જેલમાં પુરવો પડ્યો અને ઝીણાના અવસાન પછી લિયાકતઅલી ખાને તેને માનસિક રીતે અસ્વસ્થ જાહેર કરીને પાકિસ્તાનમાંથી દેશવટો આપીને લંડન રવાના કરી દીધો. ૧૯૫૧માં તેનું હતાશાની અવસ્થામાં મૃત્યુ થયું હતું. તેનો મૃતદેહ આઠ દિવસ સુધી રેઢો પડ્યો રહ્યો હતો. તેને દફનાવવા પણ કોઈ આગળ નહોતું આવ્યું, એટલે તેના ખ્રિસ્તી પ્રાધ્યાપકે તેની દફનવિધિ કરી હતી. પાકિસ્તાન સરકારે બે વરસે અને એ પણ પુષ્કળ પત્રવ્યવહાર કર્યા પછી એ પ્રાધ્યાપકને ખરચો પરત કર્યો હતો.
પાકિસ્તાન નામનો પદાર્થ રાંધવા પુષ્કળ રસોઈયાઓ હતા અને દરેકની પોતપોતાની રેસિપી હતી. કોઈ કોઈને ગણકારતું નહોતું અને પૂર્વ પાકિસ્તાનના બંગાળી મુસલમાનોને તો કોઈ પૂછતું પણ નહોતું કે તેમને શું જોઈએ છે? તેમને થોડા વખતમાં જ સમજાઈ ગયું કે પાકિસ્તાન એટલે માત્ર અને માત્ર પશ્ચિમ પાકિસ્તાન અને એમાં પણ પંજાબી મુસલમાનો અને બાકીનાં બધા પંજાબનાં સંસ્થાનો છે અને એમાં પણ પૂર્વ પાકિસ્તાન તો સાવ ઉપેક્ષિત અને શોષિત સંસ્થાન. પશ્ચિમ પાકિસ્તાનમાં પણ જેઓ પોતાને પાકિસ્તાનના જનક સમજતા હતા અને પાકિસ્તાનનું ઘડતર કરવા ભારત છોડીને કે રેહમત અલી જેવાઓ વિદેશમાં પ્રાધ્યાપકની નોકરી છોડીને ખાસ પાકિસ્તાન ગયા હતા, તેમને બે-ત્રણ વરસમાં જ સમજાઈ ગયું કે ત્યાં તેમનો કોઈ ભાવ પૂછતું નહોતું. ‘એ ખરું કે પાકિસ્તાનની કલ્પના તમારી પણ પાકિસ્તાન જ્યાં બન્યું છે એ જમીન તો અમારી ને!’ ધીરે ધીરે બન્યું એવું કે અલ્લાહના ઠેકેદાર મૌલાનાઓએ મુસ્લિમ સમાજ ઉપર પકડ જમાવવા માંડી, અને અમેરિકા અને આર્મીના ઠેકેદારોએ શાસન ઉપર પકડ જમાવવા માંડી. ગયા અઠવાડિયે કહ્યું હતું એમ પાકિસ્તાનના તારણહાર ત્રણ હતા : અલ્લાહ, આર્મી અને અમેરિકા.
મૌલાનાઓ, શાસકો અને પંજાબી જનરલો જેમ જેમ આક્રમક થતા ગયા એમ એમ પ્રજામાં અસંતોષ વધતો ગયો અથવા પ્રજામાં જેમ જેમ અસંતોષ વધતો ગયો એમ એમ મૌલાનાઓ, શાસકો અને જનરલો આક્રમક થતા ગયા. મુસ્લિમ બહુમતી રાષ્ટ્ર પાકિસ્તાન બન્યા પછી પણ ઇસ્લામ તો ખતરામાં જ રહ્યો અને હિંદુઓનો ડર પણ કાયમ રહ્યો. આપણે ત્યાં પણ તમે અનુભવ કરતા હશો કે હિંદુ બહુમતી રાષ્ટ્રવાદ તેની ચરમસીમાએ હોવા છતાં અને શક્તિશાળી હિંદુ શાસકો રાજ કરતા હોવા છતાં, બાપડો હિંદુ તેના ધર્મ સહિત ખતરામાં છે અને મુસલમાનોથી ભયભીત છે. જો ડર કાયમ રહેવાનો હોય અને તેનો કોઈ ઉપાય જ ન હોય તો અલગ થવાનો અર્થ શું છે? એના કરતાં તો એ મજિયારા દિવસો સારા હતા જ્યારે કોઈ ડર નહોતો અને ડર હતો તો પણ કોઈ ડરાવનારું નહોતું. અહીં તો ડરાવનારાઓની એક મોટી જમાત પેદા થઈ છે જે ચોવીસે કલાક બહુમતી ધરાવતી પ્રજાના દેશમાં બહુમતી પ્રજાને ડરાવે છે! પાકિસ્તાનને ટકાવી રાખવાના નામે પોતાની વગ ટકાવી રાખવા માગતા મૌલાનાઓએ, શાસકોએ અને લશ્કરી જવાનોએ આમ પાકિસ્તાની મુસલમાનને ડરાવવાની એક યંત્રણા વિકસાવી હતી. આવી યંત્રણા આજે ભારતમાં પણ વિકસતી જોવા મળી રહી છે.
આમાં પૂર્વ પાકિસ્તાનનો બંગાળી મુસલમાન તો સાવ છેવાડે હતો. સંયુક્ત પાકિસ્તાનમાં બહુમતીમાં હોવા છતાં ઉપેક્ષિતોમાં પણ ઉપેક્ષિત. ડરાવનારાઓને એ ભાન ન રહ્યું કે બંગાળી અસ્મિતા પાકિસ્તાનની બીજી કોઈ પણ પ્રજાકીય અસ્મિતા કરતાં અનેક ગણી પ્રબળ છે. બે દાયકા સુધી ઇસ્લામ અને હિંદુને નામે ડરાવી ડરાવીને સિતમ ગુજાર્યા પછી એક દિવસ એ પ્રબળ અસ્મિતા જાગૃત થઈ!
પાકિસ્તાનના કમનસીબે એ સમયે ઇન્દિરા ગાંધી ભારતનાં વડાં પ્રધાન હતાં.
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 24 જાન્યુઆરી 2021
 

