પ્રાચીન યુગમાં જગત આખામાં નગરો નદીઓને કાંઠે વસ્યાં છે. એમ જુઓ તો જગતની સભ્યતાઓ નદીઓને કાંઠે વિકસી છે. કારણ કે નદીઓ ધાત્રી છે, પોષક છે અને એટલે તો કાકાસાહેબ કાલેલકરે નદીઓને લોકમાતા તરીકે ઓળખાવી છે. ક્યારેક ક્યારેક કુદરત વિફરતી અને નદીઓમાં પૂર આવતાં. પણ એ ક્યારેક જ. ક્યારેક કુદરત વિફરતી અને ભીના કે સૂકા દુકાળ પડતા. એ બધી ઘટનાઓ તવારીખમાં એક સીમાચિહ્ન ઘટના તરીકે નોંધાઈ જતી. ૧૯૭૦ની સુરતની રેલને લોકો આજે પણ યાદ કરે છે. એને કારણે પેદા થતી તારાજી વિષે સાહિત્યકૃતિ પણ લખાતી.
જો કોઈ પ્રદેશમાં કુદરતી કારણે ખૂબ વરસાદ પડતો હોય અથવા વરસોવરસ પૂર આવતાં હોય કે પછી વરસાદ નહીંવત્ પડતો હોય ત્યાં લોકો બને ત્યાં સુધી વસવાટ કરતા નહીં અને જો કરતા તો કુદરતી પ્રતિકૂળતાઓ વચ્ચે કેમ જીવવું એ તેમને આવડતું હતું. પૂર્વ ભારતના માણસને પાણી વચ્ચે જીવતા આવડતું હતું અને રાજસ્થાનની મરુભૂમિના માણસને પાણીના અભાવમાં જીવતા આવડતું હતું. માનવી કુદરતની સામે થઈને નહીં પણ તેની સાથે દોસ્તી કરીને જીવતો હતો. તેને કુદરતની શક્તિનું પણ ભાન હતું, તેના કોપનો પણ પરિચય હતો અને તેના ઉપકારનું પણ ભાન હતું.
આજે કુદરત વિફરી છે અને તેણે વારંવાર કોપ બતાવીને જાહેરાત કરી દીધી છે કે આજનો માનવી આ સૃષ્ટિમાં વસવાની લાયકાત ધરાવતો નથી. તેને કેમ જીવવું એનો ધડો શીખવવો જરૂરી છે એટલે એક કે બીજી જગ્યાએ, એક સ્વરૂપમાં કે બીજા સ્વરૂપમાં કુદરત તેની નારાજગીનો પરિચય કરાવી રહી છે. કેરળ, કર્ણાટક અને મહારાષ્ટ્રમાં પૂરનાં કારણે છેલ્લા એક સપ્તાહમાં ૧૬૯ લોકો માર્યા ગયા છે અને બીજા એટલા લોકોનો પત્તો મળતો નથી. તેઓ જીવતા હાથ લાગે એવી શક્યતા ઓછી છે, માત્ર મૃતદેહ હાથ લાગ્યા નથી એટલું જ. ગયા વરસે પણ આ જ મહિનામાં કેરળ અને કર્ણાટકમાં પૂર આવ્યાં હતા. પશ્ચિમ ઘાટનું જે રીતે શોષણ થઈ રહ્યું છે તેની સામેની આ બગાવત છે.
નદીઓમાં પૂર આવે છે એનું એક માત્ર કારણ ઉપરવાસમાં પડતો પ્રચંડ વરસાદ નથી. આ જૂની સમજ છે. હવે તો મુંબઈ જેવાં શહેરોમાં પણ પૂર આવે છે જ્યાં કોઈ મોટી નદી નથી. આનું કારણ એ છે કે માનવીની નજર જમીન ઉપર છે અને જમીન હડપવામાં તે કુદરતના હકની જમીન પણ હડપવા મથે છે. જેમ કે નદીના પાત્રની જમીન પર નદીનો હક છે. ચોમાસામાં કાંઠાવિસ્તારની જમીન પર પણ નદીનો જ હક છે. સમુદ્રમાંની જમીન પર સમુદ્રનો હક છે અને કાંઠાવિસ્તારની જમીન પર પણ સમુદ્રનો જ હક છે. જંગલજમીન પર જંગલનો હક છે. મરુભૂમિ પર રણ અને રણસૃષ્ટિનો હક છે. આ જગતમાં જળ, જમીન, જંગલ છે તો આપણા સારુ છે અને તેના ભાગની સુરક્ષિત જમીન માનવીના હિતમાં છે. કુદરતના હકની જમીન આપણે આપણા હિતમાં છોડવી જોઈએ.
પણ આજે જમીન માત્ર જણસ બની ગઈ છે પછી ભલે એ આપણી ન હોય; કુદરતની હોય અને આપણા હિતમાં તેને ફાજલ રાખવામાં આવી હોય. મુંબઈમાં ચોમાસામાં પાણી એટલા માટે ભરાય છે કે પાણીના વહેવા માટેની જગ્યા બચવા દીધી નથી. બિલ્ડરોની તેના પર નજર હતી અને એ જમીન બિલ્ડરોને આપી દેવામાં આવી છે. સમુદ્રના કિનારે આવેલા મેન્ગ્રોવને હટાવીને મકાનો બાંધ્યાં છે એટલે પાણી અવરોધાતાં નથી. જ્યાં કુદરત પાણીને રસ્તો કરી આપે છે ત્યાં માણસ પાણીનો માર્ગ અવરોધે છે અને જ્યાં કુદરત પાણીને આપણા હિતમાં અવરોધે છે ત્યાં માણસ અવરોધોને હટાવે છે. આ જોતાં તો એમ જ કહેવું જોઈએ કે આ જગતમાં જેટલાં જીવ છે તેમાં મહામૂર્ખ જીવ માનવીનો છે. લાલચ એટલી તીવ્ર છે કે લાંબા ગાળાનું હિત પણ તેના ધ્યાનમાં રહેતું નથી.
મહારાષ્ટ્રમાં પંચગંગા નદીમાં પૂર આવ્યાં અને એટલી તારાજી સર્જી કે પાણી મુંબઈ બેંગ્લોર રોડ પર ફરી વળ્યાં જે રીતે ગીરના સાવજ ગીરના જંગલમાંથી બહાર નીકળી ગયાં છે. ક્યાં નદીનું પાત્ર, ક્યાં નદીનો કાંઠાવિસ્તાર અને ક્યાં મુંબઈ-બેંગ્લોર હાઈવે. વળી પંચગંગા નદી કૃષ્ણા, ગોદાવરી કે કોયના જેવી મોટી નદી પણ નથી. માત્ર ૮૦ કિલોમીટર લાંબી એ નદી છે જે પશ્ચિમ ઘાટમાંથી નીકળે છે અને કૃષ્ણામાં મળી જાય છે. જળસંગ્રહ અને વિસ્તારની દૃષ્ટિએ ત્રીજા ક્રમની નદી હોવા છતાં પ્રચંડ પૂર આવ્યાં એનું કારણ તેના વિસ્તારમાં પેદા કરવામાં આવેલા અવરોધ છે. કોલ્હાપુર અને ઈચલકરંજી એમ બે શહેર પંચગંગાને કાંઠે વસેલ છે. આ બન્ને શહેરોમાં બિલ્ડરોએ નદીના પાત્ર સાથે ચેડાં કર્યાં છે અને તેને સંકોર્યું છે.
આજકાલ રીવર ફ્રન્ટનો યુગ છે. રીવર ફ્રન્ટ બનાવો અને બાકીની જમીન નદી પાસેથી આંચકી લો. તમે એમ નહીં સમજતા એ આ બધું સુશોભિકરણ માટે કરવામાં આવે છે. એ તો એક બહાનું છે, વાસ્તવમાં નદીને બેઉ કાંઠે બાંધીને તેના હકની જમીન આંચકી લેવા માટે કરવામાં આવે છે. આપણે ઉપરથી વાહ વાહ કરીએ છીએ. આમ કોલ્હાપુરમાં નદીના પાણીને વહેવા માટે જગ્યા રહેવા દીધી નહીં એટલે નદીનાં પાણી બહાર નીકળીને દૂર સુધી ફેલાઈ ગયાં. ત્રણ દિવસ પાણીને ઓસરતાં થયાં કારણ કે પાણીને જવા માટે કોઈ જગ્યા જ નહોતી.
ગીરના સાવજની અને નદીઓનાં પાણીની સ્થિતિ એકસરખી થશે એવું નહોતું વિચાર્યું. વડોદરામાં મગર બહાર નીકળીને શહેરમાં આવી ગઈ હતી. આમાં ઘણાં સંકેત છે જો સમજાય તો.
13 ઑગસ્ટ 2019
સૌજન્ય : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 15 ઑગસ્ટ 2019