BBC ગુજરાતીના પત્રકાર રોક્સી ગાગડેકર છારા / સાગર પટેલે 9 જાન્યુઆરી 2025ના રોજ, આરોપીના વરઘોડા બાબતે મારો ઈન્ટરવ્યૂ લીધો હતો, તેના મુખ્ય મુદ્દાઓ –
સવાલ : પોલીસ આરોપીનું સરઘસ કાઢે છે, તે કેટલું કાયદેસર છે?
જવાબ : પોલીસ આરોપીઓનો વરઘોડો કે સરઘસ કાઢે છે, તે બિલકુલ ગેરકાયદેસર છે. તે માનવ અધિકારનો ભંગ છે. આપણે જેને આરોપીનો વરઘોડો કહીએ છીએ તેને પોલીસ અધિકારી ‘ગુનાનું રિકન્સ્ટ્રક્શન’ કહે છે. પરંતુ ગુનાનું રિકન્સ્ટ્રક્શન અને આરોપીનો વરઘોડો બન્ને અલગ અલગ વસ્તુ છે. વરઘોડો / સરઘસ ગુનાવાળી જગ્યાએ ન હોય, પણ રસ્તા પર હોય છે. જ્યારે ગુનાનું રિકન્સ્ટ્રક્શન ગુનાવાળી જગ્યાએ હોય છે. સરઘસ / વરઘોડાનો હેતુ લોકોને દેખાડવાનો હોય છે, આરોપીનું માનભંગ કરવાનો હોય છે. અથવા તો કોઈને ખુશ કરવાનો હેતુ હોય છે. વરઘોડો / સરઘસ ત્યારે કહેવાય જ્યારે આરોપીને ગુનાવાળી જગ્યાથી દૂર રોડ પર ઉતારવામાં આવે / તેને ચાલતા ચાલતા લઈ જવામાં આવે ! ગુનાનું રિકન્સ્ટ્રક્શન ત્યારે કહેવાય જ્યાં ગુનો બન્યો હોય ત્યાં આરોપીને ઉતારવામાં આવે. રિકન્સ્ટ્રક્શનમાં આરોપીનું માનભંગ કરવાનો ઈરાદો નથી હોતો.
સવાલ : અમરેલીની ઘટનામાં પાયલને ચાલતા ચાલતા ગુનાવાળી જગ્યાએ પોલીસ લઈ ગઈ હતી, શું તેને ગુનાનું રિકન્સ્ટ્રક્શન કહી શકાય?
જવાબ : બિલકુલ ન કહી શકાય. અમરેલીની ઘટનામાં જે ખોટો પત્ર ઊભો કર્યો છે તે ગુનાવાળી જગ્યા ઓફિસ છે, રસ્તા પર ખોટો પત્ર ઊભો કર્યો નથી. ગુનાવાળી જગ્યા ઓફિસની અંદર છે. ત્યાં આરોપીને લઈ જાય અને તપાસ અધિકારી ગુનો કઈ રીતે બન્યો તે સમજે / તે અંગે વધારાના સાંયોગિક પુરાવાઓ એકત્ર કરે તેને ગુનાનું રિકન્સ્ટ્રક્શન કહી શકાય. ખોટો પત્ર રસ્તા પર ટાઈપ થયો ન હતો. રસ્તા પર આરોપીને ફેરવે તે આરોપીનું સરઘસ છે.
સવાલ : શું ગુનાના રિકન્સ્ટ્રક્શનને પોલીસ કોર્ટ સમક્ષ પુરાવા તરીકે મૂકી શકે છે?
જવાબ : કોઈ પણ ક્રિમિનલ કેસમાં પોલીસ રિકન્સ્ટ્રક્શન કરે છે તેને કોર્ટ પુરાવા તરીકે ગ્રાહ્ય રાખતી નથી. આ માત્ર વધારાના સાંયોગિક પુરાવા એકત્ર કરવા માટેની કાર્યરીતિ છે.
સવાલ : અમરેલીની ઘટનાને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? શું પોલીસની કોઈ ભૂલ થઈ છે?
જવાબ : બિલકુલ, પોલીસે ઉતાવળ કરી છે. એક તો કોઈ પણ મહિલાને સૂર્યાસ્ત અને સૂર્યોદય વચ્ચે અટક કરી શકાય નહીં. હા, આતંકવાદી જેવા ગંભીર ગુનામાં અટક કરી શકાય. પાયલને રાત્રે એરેસ્ટ કરેલ છે, તેથી માનવ અધિકારનો ભંગ થાય છે. બીજું, પાયલને એરેસ્ટ કર્યા બાદ તેની સાથે જે વ્યવહાર થયો તે પણ માનવ અધિકારનો ભંગ છે. પોલીસે કાચું કાપ્યું છે. પોલીસે કોઈને / સત્તાપક્ષના ધારાસભ્યને ખુશ કરવા / રાજીરાજી કરવા અને પોતાની ચેર પર વધારે સમય સુધી રહી શકાય, એવો હેતુ હોય એવું મને લાગે છે.
સવાલ : IO-ઇન્વેસ્ટિગેશન ઓફિસરે શું કરવું જોઈતું હતું?
જવાબ : IOએ એ કરવાની જરૂર હતી કે બોગસ પત્રમાં સહી કરનારને પ્રથમ એરેસ્ટ કરવો જોઈએ. પાયલ તો કર્મચારી છે. તેને પત્ર ટાઈપ કરવા તેના માલિકે કહ્યું એટલે તેણે પત્ર ટાઈપ કરી આપ્યો. પાયલનો કોઈ Mens rea ન હતો, ગુનાહિત ઈરાદો ન હતો. જેનો ગુનાહિત ઈરાદો નથી તેને એરેસ્ટ કરવાનો કોઈ અર્થ નથી. પાયલ સાક્ષી બની શકે. પાયલ સ્વતંત્ર પુરાવો આપી શકે, પોલીસે તેને અટક કરીને સ્વતંત્ર પુરાવો ગુમાવ્યો ! પોલીસની આ ભૂલ છે.
સવાલ : હમણાં ભાવનગર / સુરત / અમદાવાદ વગેરે જગ્યાએ પોલીસે જાહેરમાં આરોપીઓના વરઘોડા કાઢેલ છે. આ પ્રકારની ઘટનાઓ કેમ બની રહી છે?
જવાબ : આ બધાં સરઘસમાં એક કોમન એલિમેન્ટ જોઈ શકશો. જે આરોપીઓ છે કાં તો તે ગરીબ છે / કાં તો દલિત વર્ગનાં છે / કાં તો લઘુમતી વર્ગના છે / કાં તો આદિવાસી છે / કાં તો પછાત વર્ગના છે. એટલા માટે એમના સરઘસ કાઢવામાં આવ્યાં છે. આવી ઘટનાઓ એટલે બને છે કે લોકોને રાજી કરવા છે. પોલીસ આમાં પોતાની નિષ્ફળતાઓ / નિષ્ક્રિયતા છૂપાવે છે. લોકો તાળીઓ પાડે છે, લોકો ઉત્સાહથી વરઘોડો જૂએ છે. લોકોને એમ લાગે છે કે ‘આરોપી સાથે પોલીસે બરાબર કર્યું ! આવા વરઘોડાથી ગુનાઓ અટકે !’ પણ આ એક ભ્રમ છે. આવી રીતે ગુના અટકે નહીં. આટલાં વરઘોડા કાઢ્યાં છતાં ગુનાઓ તો બને જ છે. ક્રાઈમ વધતું જાય છે. ગુનાઓ ત્યારે જ અટકે જ્યારે કાયદાનો બરાબર અમલ થાય. કાયદાનું શાસન હોય. પરંતુ કોનું શાસન છે? સત્તાપક્ષના નેતાઓ કહે તે રીતે શાસન ચાલે છે. આજે પોલીસ પોલીસ રહી નથી, તે સત્તાપક્ષની ગુલામ બની ગઈ હોય તે રીતે કામ કરે છે. પરિણામે કાયદો-વ્યવસ્થાનું આખું તંત્ર ભાંગી પડ્યું છે. આમાં આરોપીના વરઘોડા માત્ર નાટક છે. આમાં માનવ અધિકારનો ભંગ થાય છે.
સવાલ : આપણા ગૃહરાજ્ય મંત્રીએ થોડાં સમય પહેલાં કહેલ કે ‘પોલીસે ડંડાનો છૂટથી વાપરવો જોઈએ. અસામાજિક તત્ત્વોના વરઘોડા નીકળવા જ જોઈએ અને તેમને ચાલવામાં તકલીફ પડવી જોઈએ.’ શું આ કારણે પોલીસને મોટિવેશન મળે છે?
જવાબ : બિલકુલ મળે છે. જ્યારે રાજ્યના ગૃહ મંત્રી આરોપીઓને ધોકાવાની વાત કરે, તો સ્વાભાવિક છે કે પોલીસ તે કરશે. પોલીસ એટલા માટે કરશે કે ગૃહ મંત્રી રાજી થાય. ગૃહ મંત્રી એ જાણતા નથી કે વરઘોડાની કોઈ કાર્યવાહી કરી શકાય નહીં. પોલીસ મેન્યુઅલ ના પાડે છે, કાયદો ના પાડે છે. કાયદાથી વિશેષ ગૃહ મંત્રી નથી. પોલીસને સત્તા છે. જો કોઈ તોફાનીઓ-ક્રિમિનલ આગ લગાડે / દંગા કરે તો કાયદો-વ્યવસ્થા જાળવવા લાઠીચાર્જ કરી શકાય છે, ફેક્ચર કરી શકાય છે, ગોળીબાર કરી મૃત્ય નીપજાવી શકાય છે. પરંતુ તે બનાવવાળી જગ્યાએ. આરોપીઓને પોલીસ સ્ટેશને લાવી ટપલી મારી શકાય નહીં. કાયદો ના પાડે છે. આ કાયદાની સૂઝ છે, કાયદો ઘડનાર સંસદની સૂઝ છે. આરોપીના વરઘોડા કાઢવા / પોલીસ આરોપીઓને પોલીસ સ્ટેશનમાં મારઝૂડ કરે / તેનું માનભંગ કરે, અપમાન કરે તે કાયદો વ્યવસ્થામાં આવતું નથી. આરોપીનો વરઘોડો એ બંધારણનું સરઘસ છે !
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર