ગ્લોબલ સાઉથમાં ભારતની ભૂમિકા વિસ્તરે તો તે ચીનની આગેકૂચને પડકારનારી સાબિત થાય. આ તરફી ચીન બેલ્ટ એન્ડ રોડ ઇનિશ્યેટિવ દ્વારા કરજ આધારિત ડિપ્લોમસી પર ભાર મૂકે છે. ભારત સસ્ટેનેબલ પાર્ટનરશીપ, ડિજિટલ કનેક્ટિવિટી અને કેપેસિટી બિલ્ડીંગ પર ભાર મૂકે છે.

ચિરંતના ભટ્ટ
પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ હમણાં જ પાંચ દેશોનો પ્રવાસ પૂરો કર્યો છે—ઘાનાથી ગયાના સુધી, ત્રિનિદાદ અને ટોબેગો, આર્જેન્ટીના, નામિબિયા અને છેલ્લે રિયોમાં બ્રિક્સ સમિટમાં તેમણે હાજરી આપી—જેમાં ભારતે ગ્લોબલ સાઉથ (વિકાસશીલ દેશો) સાથેના સંપર્કને સફળતાપૂર્વક વિસ્તાર્યો છે. આ પ્રવાસ એક કૂટનીતિક પગલું છે, જે ભારતને ઉભરતી શક્તિ તરીકે નહીં, પરંતુ વિકાસશીલ વિશ્વના અગ્રણી સ્વર તરીકે સ્થાપિત કરવાની દિશામાં છે. પરંતુ શું આ વ્યૂહરચનામાં કશું નક્કર છે ખરું, તેનો કંઇ સાર નીકળશે કે પછી તે માત્ર પ્રતીકાત્મક છે? આ પ્રવાસ પાછળની તકો, પડકારો અને વ્યૂહાત્મક ગણતરીને સમજીએ.
સૌથી પહેલાં તો આ પ્રવાસથી દક્ષિણી દેશો વચ્ચે સહયોગ મજબૂત બને તે વડા પ્રધાનનો અગ્રિમતા ભર્યો ઉદ્દેશ છે. 2 જુલાઈથી 9 જુલાઈ દરમિયાન મોદીએ જે દેશોની મુલાકાત લીધી તેમાં એક સ્પષ્ટ અને સુઆયોજિત વિચારનું બીજ છે કે ભારત એવા દેશો સાથે છે જે વિકાશીલ હોવા છતાં પણ ઉપેક્ષિત છે – ખાસ કરીને વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં – ભારત પોતે આ દેશો સાથે એક સમાન ભાગીદારી દર્શાવવવા માગે છે. ભારત પોતે એક મજબૂત દેશ છે અને અન્ય વિકાસશીલ દેશો પાછળ ન રહી જાય એ માટે તેમની સાથે હાથ મેળવી તેમના અર્થતંત્રને પણ ગતિ આપવા ધારે છે, તેવું આ પ્રવાસ દરમિયાનના ઘણાં નિર્ણયો પરથી સ્પષ્ટ થયું. ઘાનામાં, ભારતે વેપારને ૩ અબજ ડોલરથી વધારીને ૬ અબજ ડોલર કરવાનું વચન આપ્યું, સંરક્ષણ, ડિજિટલ આરોગ્ય, આયુર્વેદ અને ધોરણો જેવા ક્ષેત્રોમાં એમ.ઓ.યુ. પર હસ્તાક્ષર કર્યા, અને વડા પ્રધાન મોદીને ઘાનાના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. નામિબિયામાં, હાઇડ્રોકાર્બન, ક્રિટિકલ મિનરલ્સ, ડિજિટલ હેલ્થ અને સંરક્ષણ જેવા મુદ્દાઓ પર ચર્ચા થઈ, જે ઊંડાં આર્થિક અને વ્યૂહાત્મક જોડાણ માટે અનિવાર્ય આધાર બને તેવી બાબતો છે. આ તમામ વિકાસને લગતી બાબતો દક્ષિણના દેશોના સાથે આવવાના અભગિમનું સ્પષ્ટ ચિત્ર ખડું કરે છે – અહીં લેવડ-દેવડ સમાન સ્તરે થઇ રહી છે. ટૂંકમાં બન્ને દેશોની રેખાઓ સાથે લાંબી કરવાની હેતુ સાફ છે, બીજા દેશને ઓછો કે ઊણો દર્શાવીને સહયોગ આપવાનું વલણ નથી વર્તાતું.
રિયોમાં યોજાયેલી બ્રિક્સ સમિટમાં પ્રધાન મંત્રીએ ભારતની ભૂમિકાને મજબૂત બનાવી અને ભારત સક્રિય રહેશે તો સાઉથ બ્લોકમાં તેનું નેતૃત્વ મજબૂત બનશે. સંસ્થાગત સુધારણાઓને મામલે ભારત પર આધાર રાખવાની વિશ્વસનીયતા બ્રિક્સે વધારવી જોઇએ તેમ કહી તેમણે મલ્ટિપોલરાઇઝ્ડ એટલે કે બહુધ્રુવીય વિશ્વના દૃષ્ટિકોણને અપનાવવા અને અમલમાં મુકવા પર ભાર મૂક્યો. બ્રાઝીલનો બ્રિક્સ મલ્ટીલેટરલ ગેરંટી ફંડનો પ્રસ્તાવ અન્ય સભ્ય દેશોમાં નિવેશના જોખમ ઘટાડીને આર્થિક વિકાસને વેગ આપશે અને આ અને આવા પરિવર્તનોમાં ભારતનું વલણ તેના નેતૃત્વને વધુ મજબૂત બનાવશે. આપણે એક રાષ્ટ્ર તરીકે વસુધૈવ કુટુંબકમના વિચારને અનુસરીએ છીએ એ બાબત અહીં વધુ ઘાટી થશે.
ભારત ક્લાઇમેટ જસ્ટિસ એટલે કે પર્યાવરણીય ન્યાયની બાબત પર ભાર મૂકી રહ્યો છે જેમાં ધનિક રાષ્ટ્રોને તેમનાથી ગરીબ દેશોનો પર્યાવરણીય બાબતોમાં સંઘર્ષ ઓછો થાય તે માટે આર્થિક મદદ કરવાની વાત કરાઇ છે. નરેન્દ્ર મોદીને સંદેશો સ્પષ્ટ છે કે પર્યાવરણ – આબોહવા અને વ્યાપારમા ધનિક દેશોએ સમાન ધિરાણ કરવું જોઇએ, પુરવઠાની જે કડી હોય તેમાં વૈવિધ્ય લાવવનુ જોઇએ અને નાણાકીય નવીનતા પણ લાવવી જોઇએ જેમ કે બ્રિક્સ ગેરંટી ફંડ – આ અભિગમ એ વાતનો પુરાવો છે કે ગ્લોબલ સાઉથના હિતોને ધ્યાનમાં રાખીને સંસ્થાકીય સ્તરે નવી પહેલને ભારતનું પૂરું સમર્થન છે. 2025માં રિયોના સમિટનું વિસ્તરણ ઇજિપ્ત, ઇથોપિયા, ઇરાન, યુ.એ.ઇ. સહિત અન્ય નવ રાષ્ટ્રો સુધી થયું છે પરંતુ છ અગ્રણી દેશો એ આ સમિટમાં હાજરી ન આપી – તેમાં ચીનના શી ઝિનપિંગની ગેરહાજરી તો વર્તાઇ જ પણ યુક્રેન અને ગાઝા જેવા રાષ્ટ્રો જે પોતે હાલમાં સંઘર્ષમાંથી પસાર થઇ રહ્યા છે તે મામલે ગ્લોબલ સાઉથના બધા રાષ્ટ્રો એક વિચારધારા નથી ધરાવતા તે બ્રિક્સની વિવિધતાની નાજુક પરિસ્થિતિ દર્શાવે છે. નરેન્દ્ર મોદીનું નેતૃત્વ વિચારના આયામ અને વિરોધાભાસી પ્રાથમિકતાઓને કારણે પાંખું પડે તેવું જોખમ આવા સંજોગોમાં સ્વાભાવિક રીતે ખડું થાય. ગ્લોબલ સાઉથમાં ભારતની ભૂમિકા વિસ્તરે તો તે ચીનની આગેકૂચને પડકારનારી સાબિત થાય. આ તરફી ચીન બેલ્ટ એન્ડ રોડ ઇનિશ્યેટિવ દ્વારા ડેટ એટલે કે કરજ આધારિત ડિપ્લોમસી પર ભાર મૂકે છે. ભારત સસ્ટેનેબલ પાર્ટનરશી, ડિજિટલ કનેક્ટિવિટી અને કેપેસિટી બિલ્ડીંગ પર ભાર મુકે છે. ચીન અન્ય દેશોને પરાવલંબી બનાવવા માગે છે જ્યારે ભારત તેમનો હાથ ઝાલી તેમને બેઠા કરવા માગે છે, તેમનામાં બળ પુરવા માગે છે. આફ્રિકામાં, જ્યારે ચીન 2000 થી $160 અબડનું નિવેશ કર્યું છે, ત્યારે ભારતનો અભિગમ સોફ્ટ લોન, ટ્રેનિંગ પ્રોગ્રામ્સ અને આરોગ્ય સેવાઓ જેવા “લો-કોસ્ટ, હાઇ-ઇમ્પેક્ટ” મોડલ પર આધારિત છે. કેરિબિયનમાં, ભારતે ગયાના અને ત્રિનિદાદ સાથે ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રિન્યુએબલ એનર્જી કરારો પર હસ્તાક્ષર કર્યા, જ્યારે ચીનનું પ્રભુત્વ પોર્ટ્સ અને માઇનિંગ પર છે. પરિણામે ભારતની “ડેવલપમેન્ટ વિથ ડિગ્નિટી”ની ફિલસૂફી ગ્લોબલ સાઉથમાં વધુ આકર્ષક વિકલ્પ તરીકે ઉભરી રહી છે.
યુ.એસ.એ.ના પ્રેસિડન્ટ ટ્રમ્પ બ્રિક્સ સાથે જોડાયેલા રાષ્ટ્રોને દંડાત્મક ટેરિફની ધમકીઓ આપતા રહ્યા છે, જે આખા બ્લોકમાં ભારતની ગતિ અને પ્રગતિ માટે અવરોધ સાબિત થાય તેવી શક્યતા છે. ભારત પશ્ચિમ સાથે વેપારમાં વધારો કરવા ઇચ્છે ત્યારે આવી ખુન્નસભરી કાર્યવાહી થાય તો ન ગમે એવા નીતિગત સમાયોજનો કરવાની નોબત આવી શકે છે. આફ્રિકા ને લેટિન અમિરકામાં ભારતની હાજરી વધી રહી છે પણ સામે ચીન પણ પોતાનો પ્રસાર કરી રહ્યો છે. તાન્ઝાનિયા સાથે ભારતે નૌકા દળનાં તોતિંગ ડ્રિલ્સ કર્યા છે જેમાં આઠ આફ્રિકી દેશો પણ છે – એક રીતે તે ચીનના દરિયાઇ પ્રસારની સીધો જવાબ છે. આખી બાબતમાં ભારતનો વ્યૂહાત્કમ દૃષ્ટિકોણ મજબૂત અને ગહેરો હોવા છતાં આફ્રિકા સાથે ભારતનો વેપાર 83 અબજ ડોલરનો છે, જે ચીનની પકડની વિસ્તારના અડધાથી પણ ઓછો છે. દ્વિપક્ષીય મુલાકાતો એ ક્ષણને ગતિ તો આપી દે છે પણ ત્યારે લેવાયેલા નિર્ણયો લાંબા ટકે એ માટે પહોંચ, ઝડપ અને ટાઇમલાઇન પણ જરૂરી છે.
ભારત માટે સ્વાભાવિક રીતે જ આ પ્રવાસનું જિઓ-પૉલિટીકલ એટલે કે ભૌગોલિક રાજકીય મહત્ત્વ છે. ભારત પોતાનું સ્થાન સાવચેતીથી બનાવી રહ્યું છે – G7, G20 અને WTO સાથેના સંબંધો આપણે જાળવ્યા છે. મોદીએ બેવડાં ધોરણોની ટીકા કરી સાબિત કર્યું કે ભારત પશ્ચિમ નિયંત્રિત મંચને આંતરિક રીતે પ્રભાવિત કરવા માગે છે. G20 પ્રમુખપદે ભારત-મધ્યપૂર્વ-યુરોપ કોરિડોર(IMEC)ની સફળતા ચીન-નિયંત્રિત સપ્લાય નેટવર્ક્સને વિકલ્પ આપવાની ભારતની મહત્ત્વાકાંક્ષા દર્શાવે છે. આફ્રિકન નૌકાદળની ડ્રિલ્સથી માંડીને મિનરલ સિક્યોરીટી માટે થયેલા સંવાદ ભારતની આર્થિક કૂટનીતિમાં રહેલા લશ્કરી દૃષ્ટિકોણની ઝલક પણ આપે છે. આ બહુપરિમાણીય અભિગમ એ સૂચવે છે કે ભારત સાઉથ-સાઉથ કૂટનીતિને ઉપરછલ્લી કે પ્રતીકાત્મક રીતે નહીં પણ એક સંકલિત ભૌગોલિક વ્યૂહરચના તરીકે જુએ છે. જલવાયુ ન્યાય (BRICS હેઠળ) અને ડિજિટલ સહયોગ (UPI/ડિજિટલ હેલ્થ) દ્વારા ટકાઉ વિકાસમાં નેતૃત્વ ભજવતા ભારતને આ વ્યૂહરચનાને સાંગોપાંગ પાર પાડવા માટે વેપાર કરારો, સંસ્થાગત સુધારા (WTO/UNSC) તો જોઇશે જ પણ સાથે ભારતમાં આંતરિક સ્તરે પણ ખર્ચ અને રાજકીય મૂડીને ન્યાયી ઠેરવવાના પ્રયાસ પણ કરવા પડશે.
બાય ધી વેઃ
વિષ્લેશકો એવી ચેતવણી પણ આપી રહ્યા છે કે આ પ્રવાસમાં જે મજબૂતાઇ કે પ્રભાવ દેખાય છે ત્યારે તે પરિણામોમાં નહીં દેખાય તો ભારે પડશે. વડા પ્રધાને જે રીતે આ રાજકીય પ્રવાસમાં શક્તિ પ્રદર્શન કર્યું છે તેના વાસ્તિવક પરિણામો જ ખરી કસોટી સાબિત થશે. ખરો લિટમસ ટેસ્ટ હશે સંસ્થાકીય મજબૂતાઇ એટલે કે વ્યાપારને લગતા કરાર, સંશોધનમાં સહયોગ અને જાહેર-ખાનગી ભાગીદારી – યોજનાઓ અને ટાસ્ક ફોર્સ આ પ્રવાસમાં વર્તાયેલા પ્રવાહને ટકાવી રાખે એ માટે અનિવાર્ય પગલાં છે. ભારતની લોકશાહી, આર્થિક વૃદ્ધિ, પ્રવાસને કારણે બનતાં નેટવર્ક્, અને તકનીકી કુશળતાઓ આ જોખમો ઘટાડશે પણ અમલીકરણનું નક્કર માળખું નહીં હોય તો ભારતના ગ્લોબલ સાઉથના પ્રયાસ અને પ્રવાસ બન્ને માત્ર ડિપ્લોમેટિક શો બનીને રહી જશે.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 13 જુલાઈ 2025