તેમની પાસે તર્કબદ્ધ દલીલો હોતી નથી અને ત્યાં સુધી કે તેમની પીડા પણ તેમની પોતાની હોતી નથી. એ સાંભળેલી, અનુમાનિત કે ઉપજાવેલી (કન્સ્ટ્રક્ટેડ) પીડા હોય છે. જેમ કે; ભારતની પડતી એટલા માટે થઈ કે મ્લેચ્છો ભારતીય વિજ્ઞાન અને શાસ્ત્રો ચોરી ગયા હતા (સાંભળેલી દલીલ) અથવા આ જગતમાં જે કાંઈ જ્ઞાન છે એનું મૂળ વેદોમાં છે (અનુમાનિત) અથવા મુસલમાનોએ વધારે બાળકો પેદા કરીને આખા જગતને ઇસ્લામમય બનાવવાનું કાવતરું રચ્યું છે (ઉપજાવેલી-કન્સ્ટ્રક્ટેડ) વગેરે. તમે પણ આવી દલીલો સાંભળી હશે
પ્રૉક્ટર ઍન્ડ ગૅમ્બલના ભૂતપૂર્વ ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર, લેખક અને રાજકીય સમીક્ષક ગુરચરણ દાસે ગયા વરસે જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં કન્હૈયા કુમાર સાથેની ઘટના પછી લખ્યું હતું કે એકંદરે ઉદારમતવાદીઓ હિન્દુત્વવાદીઓ કે રૂઢિચુસ્ત સનાતનીઓ સાથે તોછડાઈથી વર્તે છે એ બરાબર નથી. ઍરગન્ટ લિબરલ્સ આર ડુઇંગ અ બિગ ડિસસર્વિસ ટુ લિબરલિઝમ ર્શીષકવાળો તેમનો લેખ ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’માં પ્રકાશિત થયો એ પછી મેં એ લેખનું કાતરણ સાચવી રાખ્યું હતું અને ખબર નહીં કંઈકેટલીયે વાર એ લેખ વાંચ્યો છે. તેમણે લખ્યું હતું કે કોઈને હસી કાઢવા કે ધુતકારી કાઢવા એ ઉદારમતવાદ નથી. ઉદારમતવાદી ઉદાર હોવો જોઈએ. એ પણ જો અનુદાર વલણ અપનાવે તો જીવન જીવવાની શરતો મૂકનારા હિન્દુત્વવાદીમાં અને તેમનામાં ફરક શું કહેવાય?
વાત તો સાચી. હું પણ મારી જાતને ઉદારમતવાદી (લિબરલ) ગણાવું છું અને મેં પોતે અનેક વાર કાલીઘેલી ભાષામાં દેશપ્રેમની, રાષ્ટ્રવાદની, મહાન હિન્દુ સંસ્કૃિતની દલીલો કરનારાઓની ઠેકડી ઉડાડી છે. તેમની ટીકા કરવાનો તો જાણે મને અધિકાર છે; પરંતુ તેમની ઠેકડી ઉડાડવાનો અને બેવકૂફ સમજીને ઉપેક્ષા કરવાનો મને કોઈ અધિકાર નથી. એક લિબરલ તરીકે મારી ફરજ બને છે કે મારે તેમને પૂરા સદ્દભાવ અને ધીરજ સાથે સાંભળવા જોઈએ. તેમની સાથે સંવાદ કરવો જોઈએ. જરૂરી નથી કે તેઓ આપણી દલીલ સ્વીકારે, પરંતુ તેમની સાથે સંવાદ-સેતુ રચવો જોઈએ. જો હું આ ન કરું તો ગુરચરણ દાસે કહ્યું એમ મારા પક્ષે એ બિગ ડિસસર્વિસ ટુ લિબરલિઝમ કહેવાય.
હવે સવાલ એ આવે કે તેમની સાથે સંવાદ-સેતુ રચવો કેવી રીતે? બીજો સવાલ એ આવે કે કોની સાથે સંવાદ કરવો? ઘણા સમયથી હું આ બાબતે પ્રામાણિકતાપૂર્વક મથામણ કરી રહ્યો છું. જેમનો કોઈ અભ્યાસ હોતો નથી, જેમને દલીલો કરતા આવડતું નથી, જેઓ સભાની મર્યાદા જાળવી શકતા નથી, જેઓ કાં તો ગાંડીઘેલી દલીલો કરે છે અને કાં ગાળાગાળી કરે છે એવાં લોકો સાથે સંવાદ કઈ રીતે શક્ય બને? મોટા ભાગના હિન્દુત્વવાદીઓ, રૂઢિચુસ્તો અને દેશપ્રેમીઓ આવા જ છે તો તેમની સાથે વાતચીત કરવી કઈ રીતે? ધુતકારી કાઢીને કે ઉપેક્ષા કરીને હું ઉદારમતવાદના મહાન આદર્શને નુકસાન પહોંચાડવા નથી માગતો તો મારે કયો માર્ગ અપનાવવો?
ગુરચરણ દાસે તેમના લેખમાં લખ્યું હતું કે કોઈને ફાંકડું અંગ્રેજી ન આવડતું હોય, દલીલ કરતા ન આવડતી હોય, સભાગૃહની મર્યાદા ન જાળવી શકતા હોય તો એ બધી મર્યાદા ક્ષમ્ય ગણવી જોઈએ અને તેમને સાંભળવા જોઈએ અને આપણે વળતી દલીલ કરીને સંવાદ સાધવો જોઈએ. મોટા ભાગના હિન્દુ રાષ્ટ્રવાદીઓનું અંગ્રેજી નબળું હોય છે અને સભ્યતામાં જરાક કાચા હોય છે. પહેલી નજરે ગુરચરણ દાસની આ દલીલ ગળે ઊતરે એવી છે, પણ એમાં એક સમસ્યા છે. અંગ્રેજી તો બહુજન સમાજના પ્રશ્નો ની વકીલાત કરનારાઓમાંથી પણ ઘણાને આવડતું નથી. દલિતો અને આદિવાસીઓ ફાંકડા અંગ્રેજીમાં દલીલો કરી શકતા નથી. શોષિત સ્ત્રીઓ, મજૂરો અને વ્યંડળો પણ અંગ્રેજીમાં દલીલ કરી શકતા નથી કે સભાગૃહનું ડેકોરમ જાળવવાની તાલીમ ધરાવતા નથી. ઉદારમતવાદીઓ આ કોઈની ઉપેક્ષા કરતા નથી કે હાંસી ઉડાવતા નથી. ઊલટું તેમની સાથે સંવાદ સાધે છે અને તેમને તેમના સંઘર્ષમાં મદદ પણ કરે છે. માત્ર હિન્દુત્વવાદીઓ સાથે જ સંવાદ મુશ્કેલ બને છે.
તો આનો અર્થ એ થયો કે ઘેલા દેશપ્રેમીઓની કે હિન્દુત્વવાદીઓની કરવામાં આવતી ઉપેક્ષા કે ઠેકડીને અંગ્રેજી ભાષા કે સભ્યતા સાથે સંબંધ નથી, દલીલ સાથે સંબંધ છે. તેમની પાસે તર્કબદ્ધ દલીલો હોતી નથી અને ત્યાં સુધી કે તેમની પીડા પણ તેમની પોતાની હોતી નથી. એ સાંભળેલી, અનુમાનિત કે ઉપજાવેલી (કન્સ્ટ્રક્ટેડ) પીડા હોય છે. જેમ કે; ભારતની પડતી એટલા માટે થઈ કે મ્લેચ્છો ભારતીય વિજ્ઞાન અને શાસ્ત્રો ચોરી ગયા હતા (સાંભળેલી દલીલ) અથવા આ જગતમાં જે કાંઈ જ્ઞાન છે એનું મૂળ વેદોમાં છે (અનુમાનિત) અથવા મુસલમાનોએ વધારે બાળકો પેદા કરીને આખા જગતને ઇસ્લામમય બનાવવાનું કાવતરું રચ્યું છે (ઉપજાવેલી-કન્સ્ટ્રક્ટેડ) વગેરે. તમે પણ આવી દલીલો સાંભળી હશે. આમ તેમની પીડા પણ સાચકલી અને પોતીકી હોતી નથી.
આની સામે વ્યંડળ જ્યારે પોતાની પીડા વ્યક્ત કરે છે ત્યારે તે તેની પોતીકી હોય છે અને એટલે દલીલો તેને સાથ આપે છે. તે પોતાની પીડા વ્યક્ત કરતી વખતે સમાનતાની દલીલ કરશે, માનવીય ગરિમાની દલીલ કરશે, ઈશ્વરની રચનાની દલીલ કરશે, સમાન તકની દલીલ કરશે, સમાજની ફરજની દલીલ કરશે, સરકારના દાયિત્વની દલીલ કરશે. આવી ગળે ઊતરે એવી દલીલ કરવા માટે નથી એને અમત્યર્ સેન જેવા ફળદ્રુપ દિમાગની જરૂર પડતી કે નથી અંગ્રેજી ભાષા પરના પ્રભુત્વની જરૂર પડતી. માનવીય ગરિમા અને સમાનતાની ઊંડી અને સાચી ચાહતને દલીલો આપોઆપ ફૉલો કરે છે. પગમાં સ્લિપર અને ગંજી પહેરેલા દલિત શોષિતને બ્રિલિયન્ટ દલીલ કરતા મેં સાંભળ્યા છે અને દલીલપૂર્વક અધિકારની માગણી કરતી સાવ ગરીબ જુઝારૂ મહિલાને સ્ટૅન્ડિંગ ઓવેશન આપતા લિબરલોને મેં જોયા છે. આ લોકો અંગ્રેજી જાણતા નથી કે સેમિનાર સર્કિટના પ્રાણી નથી અને છતાં સભાખંડમાં મેદાન મારી જાય છે, કારણ કે જીવનનું નક્કર સત્ય તેમની સાથે છે. જે લોકો પેટ ચોળીને શુળ પેદા કરે છે અને ભ્રામક પીડા લઈને જીવે છે એવા લોકો પીડાને વાચા આપી શકતા નથી.
હશે, કાલીઘેલી દલીલો કરનારાઓ સાથે સંવાદ મુશ્કેલ બનતો હોય તો વાંધો નહીં, આપણે હિન્દુત્વવાદી અને હિન્દુ રાષ્ટ્રવાદી વિચારધારા ધરાવનારા વિદ્વાનો સાથે દલીલ કરવી જોઈએ. આ દેશમાં એવા એકાદ ડઝન વિદ્વાન છે જેમને આપણે અભ્યાસી કહી શકીએ. તેઓ અંગ્રેજી જાણે છે અને સભાગૃહની મર્યાદા જાળવવા જેટલી સભ્યતા ધરાવે છે. મ્લેચ્છો આપણું જ્ઞાન ચોરી ગયા હતા એવી હસવું આવે એવી દલીલ તેઓ નથી કરતા. સીતારામ ગોયલ, રામ સ્વરૂપ, અરુણ શૌરી, કૉનરાડ એલ્સ્ટ, ડેવિડ ફ્રૉલે, શ્રીકાન્ત તલાગેરી જેવા કુલ મળીને આઠ-દસ જણ છે જેઓ હિન્દુત્વવાદી વિચારકો ગણાય છે.
વાસ્તવમાં તેમનાં લખાણોનો જો અભ્યાસ કરશો તો ધ્યાનમાં આવશે કે તેઓ હિન્દુત્વવાદી વિચારકો નથી. તેઓ હિન્દુત્વની તર્કસંગત માંડણી નથી કરતા, પરંતુ ઇસ્લામ અને ઈસાઈ ધર્મનું ખંડન કરે છે જે આસાન છે. આ જગતમાં જેટલા ધર્મો છે એ બધા જ માનવીનું સર્જન છે એટલે એમાંથી તર્કવિસંગતિ શોધવી એ આસાન છે. એમાં વળી ક્રિશ્ચિયન ચર્ચ તો વેલ ડૉક્યુમેન્ટેડ છે એટલે ચર્ચે કરેલા ગોરખધંધાનના ચર્ચના ડૉક્યુમેન્ટ્સમાં જ લેખિત પુરાવાઓ મળે છે. તેઓ જાણીબૂજીને હિન્દુ ધર્મની ચિકત્સા નથી કરતા, પણ બીજા પાશ્ચાત્ય ધર્મોની ચિકિત્સા કરીને આડકતરી રીતે હિન્દુ સર્વોપરિતા સ્થાપવામાં હિન્દુત્વવાદીઓને મદદરૂપ થાય છે. તો શું તેઓ એમ કહેવા માગે છે કે હિન્દુ ધર્મ મર્યાદા વિનાનો સંપૂર્ણ છે? જો એમ તેઓ માનતા હોય તો હિન્દુ ધર્મની સંપૂર્ણતાની તેમણે માંડણી કરવી જોઈએ. જો એમ તેઓ ન માનતા હોય તો અન્ય ધર્મોની જેમ હિન્દુ ધર્મની મર્યાદા પણ તેમણે ચીંધી બતાવવી જોઈએ, કારણ કે ધર્મ માત્ર કોઈને ને કોઈને અન્યાય કરતો હોય છે. હિન્દુ ધર્મ દલિતો અને સ્ત્રીઓને અન્યાય કરે છે.
આ વિદ્વાન મંડળી બીજા ધર્મોની મર્યાદા બતાવીને હિન્દુત્વવાદીઓને શસ્ત્રો પૂરાં પાડવાનું કામ કરે છે, પરંતુ હિંદુ ધર્મની સર્વોપરિતાની નથી માંડણી કરતી કે નથી એની મર્યાદા બતાવતી. હિન્દુ ધર્મ દલિતો અને સ્ત્રીઓને અન્યાય કરે છે એ બાબતે પણ તેમનું દિલ વલોવાતું નથી. તો આનો અર્થ એટલો જ થયો કે એ બૌદ્ધિક રીતે અપ્રામાણિક જમાત છે. લોકો હસે, ઠેકડી ઉડાડે, ભૂંડા લાગીએ એવાં કામ તેઓ દીનાનાથ બત્રાઓ માટે છોડી દે છે અને વિધર્મીઓ સામેનાં શસ્ત્રો તૈયાર કરવાનું કામ તેઓ કરે છે. જે લોકો સરાસર બૌદ્ધિક રીતે અપ્રામાણિક છે તેમની સાથે કઈ રીતે ડાયલૉગ થઈ શકે? પસંદગીના ધોરણે જે લોકો અભ્યાસ કરતા હોય અને દારૂગોળો પેદા કરતા હોય તેમની સાથે સંવાદનું ઔચિત્ય શું? તેઓ બૌદ્ધિક વિમર્શ નથી કરતા, ચોક્કસ એજન્ડા પર કામ કરે છે.
ચાલો, એ લોકોને પણ જવા દઈએ. એવા તો કોઈક હશેને જે હિન્દુ ધર્મની સર્વોપરિતા અને સંપૂર્ણતા સિદ્ધ કરવા માટે કામ કરતા હશે. પ્રામાણિકતા સાથે અને શુદ્ધ તાર્કિકતા સાથે કોઈ ધર્મનો બચાવ કરવો શક્ય નથી એટલે એમાં દીનાનાથ બત્રા કરતાં વધારે મોટો વિદ્વાન મળવો મુશ્કેલ છે. તો પછી સદ્ભાવપૂર્વક ડાયલૉગ કરવો કોની સાથે એ પ્રશ્ન તો બાકી બચે જ છે. સરેરાશ હિન્દુત્વવાદી દેશપ્રેમી કે હિન્દુ રાષ્ટ્રવાદી તિલક, તરાઝુ અને તલવાર સાથે જોવા મળશે. તમે હિન્દુ ધર્મની ટીકા કરશો કે તરત દલીલ કરશે; તમે હિન્દુિવરોધી દેશદ્રોહી સ્યુડો સેક્યુલર છો (લેબલ-તિલક). બીજી દલીલ કરશે – ઇસ્લામની ટીકા કરી બતાવો કે પછી કૉન્ગ્રેસે આવું કર્યું હતું ત્યારે તમે કેમ કાંઈ બોલ્યા નહોતા (તટસ્થતાનો તકાદો-ત્રાજવું) અને ત્રીજી દલીલ કરશે – તમારા જેવા દેશદ્રોહીઓને પાકિસ્તાન મોકલી આપવા જોઈએ (સીધી સજા-તલવાર). આ સિવાયની ચોથી દલીલ આજ સુધી મને સાંભળવા નથી મળી. તમને સાંભળવા મળી છે? જો કોઈ તાર્કિક દલીલ હાથ લાગી હોય તો ધ્યાન દોરવા વિનંતી.
સૌજન્ય : ‘નો નૉન્સેન્સ’ નામક લેખકની કોલમ, ‘સન્નડે સરતાજ’ પૂર્તિ, “ગુજરાતી મિડ-ડે”, 05 માર્ચ 2017