એનું નામ જ કુસુમ. નામ જેવું જ સુકુમાર વ્યક્તિત્વ. કોઈને નડવાની-કનડવાની તો વાત જ કેવી. એ અડે તો પણ ફૂલ સમી માર્દવતાથી ! ફૂલ બનીને એણે સુગંધ વહેવડાવી; તે પણ પોતાના વ્યક્તિત્વની નહીં, એણે સુગંધ વહેવડાવી એના યુગના એક એવા પ્રખર કર્મીની, જેના વિચારોએ વીતેલા યુગોનું નવનીત, વર્તમાન યુગનું ઔષધ અને ભાવિ યુગની નવી ક્ષિતિજોનો ઉઘાડ કરી આપ્યો.
કુસુમ વિનોબાની કલમ હતી. બાબાએ એમના જમાનાની ફાઉન્ટન-પેનનો અનુવાદ કર્યો હતો – ઝરની. આ કુસુમ બાબાની ઝરની હતી. બોલ બાબાના મુખેથી ઝરે ન ઝરે, ત્યાં કુસુમની આંગળીઓ ઝરની બનીને બોલાયેલા બોલને અંકિત કરી દેતી. આમ તો રિપોર્ટરો તરીકે કુંદર દિવાનથી માંડીને મુંદડા, નિર્મળા, મીરા, કાલિન્દી જેવા અનેક લહિયા આવ્યાં ને ગયાં, પણ સૌથી વધારે સમય તો આ કુસુમ જ એમનો પડછાયો બનીને એમની સાથે પદયાત્રામાં અને પાછળથી ‘વિનોબા-નિવાસ’માં પવનાર રહી. વિનોબાનું ‘અંતિમ પર્વ’ પ્રકાશિત થયું, તે કુસુમની કૃપાથી. એ જ રીતે, ભૂદાન-ક્રાંતિના પરોઢનું વર્ણન પણ કુસુમની કલમે જ, વર્ષો પહેલાં ‘ક્રાંતિ કી ઓર’ શીર્ષકથી પ્રગટ થયું, તે પણ એની જ કરણી !
એનું પૂરું નામ – કુસુમ દેશપાંડે. મૂળ અમરાવતી, મહારાષ્ટ્રની. નિર્મલા દેશપાંડે એની ચચેરી બહેન ! નિર્મલાની આંગળી પકડી એ વિનોબા પાસે પહોંચી – બિહાર યાત્રામાં. સ્નાતક તો નાગપુર યુનિવર્સિટીમાં થઈ, પરંતુ વિદ્યા અને વ્રત એમ બેઉ સ્નાતકોનું સ્નાન તો વિનોબાની હરતી-ફરતી વિદ્યાપીઠે જ કરાવ્યું. કુસુમની ડાયરીઓ દ્વારા પ્રકૃતિના વિધવિધ રંગોની રંગોળી સાથે ભૂદાનની અભિનવ ક્રાંતિના ભારતના ગામેગામ પડઘાયેલા સંદેશને પણ એણે દુનિયા સુધી પ્રસાર્યો.
હૃદય એનું કૂણાં માખણ સમું. પાંચ વર્ષો સુધી એની સાથે રાત-દિવસ વિનોબા-પદયાત્રામાં રહેવાનું થયું, પરંતુ ક્યારે ય એની ભ્રમરો તણાયેલી જોવા ન મળી. લગભગ સમવયસ્ક હોવા છતાં, મોટીબહેન બનીને એણે મને સાચવી. એને ઊંચે સાદે બોલતાં જ આવડતું નહોતું. ધીરે ધીરે પોતાના વ્યક્તિત્વને સમેટતી એ ક્યારે વિનોબાને આખેઆખી સમર્પિત થઈ ગઈ, એનું ઓસાણ જ ન રહ્યું. એનું ભાન થયું, વિનોબાની આસામ યાત્રામાં. પદયાત્રા દરમ્યાન, વિનોબાએ ભારત-ચીનની સરહદે, શિવસાગર જિલ્લાના લખીમપુર ખાતે मैत्री आश्रमની સ્થાપના કરી અને ગુણદા તથા લક્ષ્મી બાઈદેવ સાથે પોતાના પ્રતિનિધિ રૂપે કુસુમને પણ અધિષ્ઠિત કરી, ત્યારે ! બાબાની આજ્ઞા હતી એટલે મૈત્રી-આશ્રમમાં રહી. મૈત્રીનો સંદેશ ફેલાવવાનું કાર્ય સ્વીકારી તો લીધું, પરંતુ બાબાનો વિયોગ એ સહી ન શકી. ધીરે ધીરે તબિયત એટલી લથડતી ગઈ કે વિનોબાને પાછી પદયાત્રામાં, પોતાને ઘેર બોલાવી લેવી પડી.
તેર વર્ષની પદયાત્રા બાદ, વિનોબા પવનાર આશ્રમમાં સ્થિર થયા ત્યારે, વળી પાછા વાહનયાત્રામાં બિહાર ગયા ત્યારે પણ સાથે જ હતી. પવનાર-નિવાસ દરમ્યાનની કુસુમની ડાયરીઓ ‘મૈત્રી’ માસિકમાં છપાતી. એમાં રોજેરોજની નાની-મોટી તમામ હલચલ, એવી સુંદર રીતે આલેખાતી રહી કે ‘મૈત્રી’ના વાચકો સર્વપ્રથમ ‘विनोबा-निवास से’ જ વાંચતા.
ધીરે ધીરે બાબાની વાણી ઓસરતી ગઈ, વચ્ચે-વચ્ચે મૌનના ગાળા આવ્યા, ત્યારે પણ ‘બાબા-કુટિ’નો એક ખૂણો જ એની બેઠક-ઊઠકનું કેન્દ્ર બની રહ્યો, અને બાબાના શબ્દને જ નહીં, એમના મૌનને પણ એ અંગીકૃત કરતી રહી. એના નામ કુસુમની જેમ, એને ફૂલો ખૂબ ગમતાં. વિનોબા-યાત્રામાં સ્વાગતમાં મળતાં ફૂલહાર એ બાબા-કુટીની ‘ૐ’ છબી સામે ધરી દેતી. આશ્રમમાં તો સાક્ષાત્ ભરત-રામ હતા, સાથોસાથ અનેક દેવ-દેવીઓની મૂર્તિ ! થોડીક તો ખંડિત મૂર્તિઓ પણ ! રોજ વહેલે પરોઢિયે, ત્રણ વાગે ઊઠી સ્નાન કરી આશ્રમની ફૂલવાડીનાં ફૂલ એ ચૂંટતી અને એકેક મૂર્તિને શ્રદ્ધાપૂર્વક માથે ચઢાવતી. પછી તો ‘વિનોબા-સમાધિ’ પણ ઉમેરાઈ અને આ ફૂલમાલણને જાણે પ્રભુની આરતી ઉતારવાનું મંગળકાર્ય પણ મળી ગયું.
છેલ્લાં વર્ષોમાં, તો મહેમાનો-મુલાકાતીઓનું સ્વાગત કરવાનું કામ એણે ઉપાડી લીધેલું, ત્યારે એની મહેમાનગતિની જે નિષ્ઠા પ્રગટ કરી તે અદ્ભુત હતી. યાદ આવે છે, જ્યારે બાલી ટાપુનાં શ્રીમતી ઓકા મહેમાન બનીને થોડા દિવસ આશ્રમમાં રહેવા આવ્યાં, ત્યારે ખડે પગે હાજર રહીને કુસુમે જે સેવા કરી હતી, તેમાં ‘अतिथि देवो भव -’ આજ્ઞાનું શબ્દશઃ પાલન જોવા મળેલું. આ તો આશ્રમના મહેમાનોની વાત. પરંતુ રોજેરોજ મુલાકાતીઓનાં જે ટોળેટોળાં આવે, તેમને પણ આશ્રમ, આશ્રમવાસીઓ, તથા વિનોબાના વિચારોની જે વિસ્તારપૂર્વક લ્હાણી કરતી, તે પણ અદ્ભુત જ હતું. જીવનભર એને જે કામ મળ્યું, તેને શિર પર આદરપૂર્વક ચઢાવી, પોતાની શક્તિનું બુંદેબુંદ એણે ખર્ચી બતાવ્યું.
આવી આપણી કુસુમને છેલ્લાં વર્ષોમાં સ્મૃિતભ્રંશ થયો. એકની એક વાત એક જ માણસ સાથે કરતી રહે, અરુણ ત્યાં જાય તો મળતાં વેંત પૂછે मीरां कैसी है ? – વળી કલાકે મળવાનું થાય તો ફરી પૂછે – मीरां कैसी है ? – સભામાં બાબાનાં સ્મરણો કહેવાનું સોંપાય, તો એકનો એક પ્રસંગ ફરી-ફરી દોહરાવ્યા કરે ! ભૂલી જવાના આ રોગે એની તમામ સ્મૃિતઓને હરી લીધી. આવી કુસુમપ્રિયા કુસુમની અંતિમ માંદગી પણ ‘કુસુમ’ને કારણે જ થઈ ! વહેલી સવારે ફૂલ ચૂંટતાં પગ લપસ્યો, પડી. પગ ભાંગ્યો ! ફરી એક વાર પડી અને એવી પડી કે પથારીમાંથી ઊભી જ ન થઈ ! છેલ્લી માંદગી ઘણી લાંબી ચાલી. ડૉક્ટરે તો ઘણા વહેલા કહી દીધું હતું કે હવે પથારીમાંથી ઊભાં થાય તો જ નવાઈ ! પણ કોણ જાણે કેમ, એને ‘કશાક’ની રાહ હતી. ૧૧મી સપ્ટેમ્બર તો વીતી ગઈ, પણ દિવાળી આવવાની બાકી હતી !
દિવાળી પણ આવી ને ગઈ ! પંદરમી નવેમ્બર આવી ! એ દિવસે તો કીર્તન-પાઠ કરવાનાં હોય ! એ બધું પૂરું કર્યું. અને સોળમી નવેમ્બરે બપોરે અઢી વાગે અંતિમ શ્વાસ વિનોબાનાં ચરણોમાં વિસજિર્ત કરી એ ‘વિનોબા-નિવાસે’ પહોંચી ગઈ ! ૩૦ નવેમ્બર-૧૯૩૦માં એ જન્મી, ૧૬ નવેમ્બર ૧૫ની બપોરે એ વિદાય થઈ.
એક એવું ફૂલ, જેમાં સુગંધના દીવા થયા, વંદન કરો !
સૌજન્ય : “ભૂમિપુત્ર”, 01 ડિસેમ્બર 2016; પૃ. 15