Opinion Magazine
Number of visits: 9448994
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ફટ રે, ભૂંડા!

પ્રીતમ લખલાણી|Opinion - Short Stories|20 October 2023

પ્રીતમ લખલાણી

કડવીમાના ત્રીજા નંબરના દીકરાની દીકરી કંકુને દિનાનાથે ફુરસદની ઘડીએ ઘડી હશે!

ખરેખર! ગામ આખાની છોકરીઓને દેવાનું રૂપ ઈશ્વરે એકલું કંકુને આપી દીઘેલ!

હરણી જેવી તેની ચમકતી આંખો! કાળા ભમ્મર નાગણ જેવા ઘટાદાર વાળ! ગોળમટોળ ચંદ્ર જેવું મુખ જોઈ ગામના દરબારોના છોકરાઓને થતું કે જો આ કંકુ હરિજન વાસમાં ન જન્મી હોત તો!

સાત આઠ ચોપડી ભણેલ, સમજુ અને ચાલાક કંકુ, ગામના દરબારના છોકરાઓને કયાં ઓળખતી ન હતી! સવાર સાંજ જ્યારે બે ચાર સહિયર જોડે ગામની નવી વાવે પાણી ભરવા નીકળતી ત્યારે આસપાસના ખેતરની વાડમાંથી સીસોટીનો ધોધ વરસતો!

આદપર ગામના દરબારોમાં, દસ સાથીની બળુકી ખેતીવાડી વાળા દરબાર મોહનસિંહના એકના એક દીકરા ભરતસિંહની છાપ માથા ફરેલ માણસમાં થતી હતી! બિચારા! નીચલા વર્ણના લોકો તેને દૂરથી આવતો જુએ તો, શેરીની એક કોર ઊભા રહી જાય! ભરતસિંહને જો શેરીમાં કયાં ય કૂતરું કે કોઈ ઢોર નજરે ન ચડે તો તે હાથમાં રહેલા પરોણાને હરિજન બરડામાં વીંઝતો, ઘોળી સિગારેટના ઘુમાડા ઉડાડતોને બબે ફાંટ ગાળો વરસાવતો આગળ જાય!

ભરતસિંહ નામના આ વરુએ પોતાના હવસને પોષવા હરિજનવાસની કંઈક કુમળી કળીને ચીમળી નાખી હતી! પણ આ કંકુ તો કંકુ હતી! નાક પર માખીને બેસવા ન દે તે કંકુ ભરતસિંહના પંજામાં કયાંથી આવે!

ગામની નાની મોટી શેરીમાં નવરાત્રીના આગમનમાં શરણાઈના સૂરમાં ઢોલ ઢબૂકતા હતા! ગામ આખું માતાજીના નોરતાના આગમનમાં થનગનતું હોય ત્યારે આદપરનો હરિજનવાસ કેમ એકલો રહી જાય!

હર વખતની જેમ આ વખતે પણ હરિજનવાસના મુખિયા ગણપત પરમારે તેમ જ બીજા બે ચાર કાર્યકરોએ એક સાંજે નક્કી કર્યું કે માતાજીની ગરબી દશેરા લગી, રામાપીરની ડેરી સામેની પડતર જગ્યામાં પધરાવી! આ વાતની હરિજનવાસમાં જાણ થતા જ બીજા દિવસની સવારથી દસ બાર છોકરીઓ હાથમાં સૂંડલા ને સાવરણાં લઈ સાફ સફાઈ કરવા માટે લાગી ગઈ હતી!

એ વખતે ભરતસિંહ ગાડું લઈ ખેતર જવા ત્યાંથી નીકળ્યો. દરબારના ગાડાને દૂરથી જોતાં જ  બઘી છોકરીઓ હાથના સાવરણાંને સંકેલી એક કોર ભેગી થઈને ઊભી રહી ગઈ, પણ ઝાંઝરના તાલે સાવરણો લઈને ચોક વાળતી કંકુને ખ્યાલ ન રહ્યો કે દરબાર ભરતસિંહનું ગાડું રામાપીરની ડેરી તરફ આવી રહ્યું છે. બસ, એ તો એની અલ્લડ મસ્તીમાં, મનમાં માતાજીના ગરબા ગણગણતી ચારેકોર સાવરણો વીંઝતી હતી. ઉડતી ઘૂળના ગોટામાં કંકુને દેખાણું નહીં કે દરબારનું ગાડું છેક તેના સાવરણાની નજદીક આવી રહ્યું છે. પુરવાટ દોડ્યે આવતા બળદના ડોકની ઘંટડીઓ એના કાને રણકી.

બળદની અડફેટમાં આવતાં તે માંડ બચી ગઈ, ઈશ્વર કૃપાથી એ બે ડગલાં પાછળ ખસી ગઈ, પણ હાથનો સાવરણો દરબારના બળદને અડી ગયો!

દરબારનો પીતો સાતમાં આસમાને ગયો! બેફામ ગાળોનો ધોધ વરસાવતો, ‘સાલી, તેં મારા બળદને અભડાવી દીધો! તેને બળદની રાસ ખેંચી! ગાડાને એક કોર ઊભું રાખી. ગાડેથી હેઠે ઉતરી તેણે હાથના બડીકા વડે કંકુના વાંસા પર ધડધડ ઝીંકવા માંડયા. ‘તમારી માના હલકીના! સાલી, તારા મનમાં સમજે છે શું! તને આંખ છે કે પછી કોડા! દેખાતું નથી કે ગાડું લઈને ખેતર જઈ રહ્યો છું.’ આમ કહીં તેને ફરી હાથના બડીકા વડે આઘુંપાછું જોયા વગર કંકુના વાંસામાં વીંઝવા માંડ્યો!

બડીકા વાંસામાં પડતાં જ માની ચીસો પાડતી કંકુ ચોક વચ્ચે ઢળી પડી! ભરતસિંહ તો જાણે કશું કંઈ બન્યું જ નથી, એમ સમજી ગાડું લઈ પોતાના ખેતર તરફ જવા બીડી ફૂંકતો નીકળી પડ્યા.

કંકુને ભરતસિંહ દીઠો નહોતો ગમતો પણ પેટ કરાવે વેઠ! રોજ સવારે કડવી માની પાછળ પાછળ ભરતસિંહના ખેતરે મૂલે જતી. ભરતસિંહ મૂવો ખેતરમાં ગૂડાણો હોય પણ કંકુ ઊંધું ઘાલીને કામ કરતી, હશે, ‘મુઓ એના પાપે મરશે.’

એક ખરે બપોરે ચંપા અને કંકુ માંડવીના ડોડા વીણતી, એકમેકની મશ્કરી કરતી, કપાળનો પસીનો લૂછતી, ઘરેથી ભાત આવવાની રાહ જોતી હતી, ત્યાં કાને ચિસો પડી.

‘દોડો…..દોડો! ભરતસિંહને એરુ આભડી ગયો!’ લાલજી પટેલના ખેતરમાંથી બે ચાર છોકરા ચારે બાજુ રાડો નાખતા હતા! આસપાસના ખેતરમાં કયાંક બપોરનું ભાત ખાવા બેઠેલા ખેડૂતો, તો ક્યાંક હજી ભાત ન આવ્યું હોવાથી કામ કરતા મૂલીઓ, હડી કાઢતા લાલજી પટેલના ખેતર તરફ દોડ્યા! કંકુ અને ચંપા, પણ ખભા પરની પછેડીનો એક કોર ખેતરમાં ઘ્રા કરી દોડતા લોકોની પછવાડે દોડ્યાં!

લાલજી પટેલના ખેતરના, ઘેઘૂર પીપળા તળે ખાટલામાં ભરતસિંહ ચત્તાપાટ પડ્યા હતા. બે ચાર માણસો પંખો નાખતા, ફાળિયાથી કપાળનો પસીનો લુછતા ભગવાનને સ્મરણ કરતા બેઠા હતા. ભરતસિંહના ડાબા પગના અંગૂઠેથી લોહી વહેતું હતું!

આંખના પલકારામાં ભરતસિંહને એરુ આભડ્યાની વાત આસપાસના ખેતર શેઢે તેમ જ ગામમાં પહોંચી ગઈ. ઘરેથી ઉઘાડા પગે હડી કાઢતાં આવી પહોંચેલ ભરતસિંહની મા, કાશીમા ખાટલા પાસે બેસી હૈયાફાટ રુદન કરતા દીકરાને જીવતદાન બક્ષવા ઈશ્વરને આજીજી કરતાં હતાં. દરબાર મોહનસિંહ દીકરાના કપાળેથી પસીનો લૂછતાં, ટોળે વળેલામાંથી કોઈ બાજુના ગામમાંથી વૈઘ કે સાપ ઉતારવા વાળાને બોલાવવા ઘોડું દોડાવવા કાલાવાલા કરતા હતા.

આસપાસના ગામમાંથી ડૉકટર કે પછી સાપ ઉતારવાવાળા આવે તે પહેલાં કદાચ ભરતસિંહ હતા ન હતા થઈ જાય તો! દરબારનો દીકરો હોવાને નાતે, ભરતસિંહનું ઠંડું પડતું શરીર જોઈ, ગામના બે ચાર નાના મોટા વૈઘો પોતાની રીતે, તો વળી કોઈ પોતાને સાપ ઉતારતા આવડે છે એવા ઢોંગ ધતીંગ કરવા, લીમડાની ડાળીઓ લઈને દરબારના પગ પાસે ધૂણતા આસન જમાવીને બેસી ગયા હતા.

ભરતસિંહનું કાળું પડતું શરીર જોતાં તો એમ જ લાગતું હતું કે હમણાં ઘડીક બે ઘડીકમાં નાના દરબારના રામ રમી જશે! આ જોઈ, દરબારના ખાટલાની થોડેક છેટે ઊભેલ ટોળામાંથી મોંઘી મા બોલ્યાં, ‘મોહન દરબાર, અમારા વાસમાંથી જો કોઈને એરૂ આભડી જાય તો અમારી કડવી માના દીકરા બાબુની દીકરી કંકુ લોહી ચૂસીને ઝેર ઊતારી નાખે છે! પણ … બાપુ! તમે દરબાર અને અમે હરિજન! જો, અમારામાંથી કોઈને સાપ ડસ્યો હોત તો આટલીવાર અમે વાટ ન જોઈ હોત, અમારી આ કંકુએ ક્યારનું લોહી ચૂસીને ઝેર ઉતારી નાખ્યું હોત!’

‘અરે! મોંઘી મા, તમે આ શું વાત કરો છો! માણસ જીવન મરણ વચ્ચે ઝોલાં ખાતો હોય ત્યારે તમે આભડછેટની કયાં વાટ કરો છો? ક્યાં છે કડવી માના દીકરા બાબુની દીકરી કંકુ! બોલાવો એને જલદી!’

ચંપાની પાછળ ઉભેલ કંકુ જરા સળવળી. કાશીમાએ ઊભા થઈ કંકુનો હાથ પકડી તેને ભરતસિંહના ખાટલા પાસે ખેંચી લાવ્યા! ‘દીકરી, મારો દીકરો મરવા પડ્યો છે અને તું સાવ અજાણી થઈને આમ એક ખૂણામાં ઊભી છો! અરે! દીકરી, તું કોની રાહ જુવે છે! જો તું મારા ભરતનું ઝેર ઉતારીને તેને ઊભો કરી દઈશ તો હું તને દીકરી, સોને મઢી દઈશ!’

ખાટલા પાસે પડેલ દાતરડાને કંકુએ પોતાની ચુંદડીના એક છેડે લૂછી મનમાં બે ત્રણ વાર રામાપીરનું રટણ કરી, હળવેકથી ભરતસિંહના ડાબા પગના અંગૂઠાને પકડી, સાપ જ્યાં કરડ્યો હતો તેની થોડેક ઉપરની જગ્યાએ એક ધારદાર કાપો મૂક્યો.

‘કાશીમાના મુખમાંથી ચીસ નીકળી ગઈ, અરે! દીકરી કંકુ, જરા ઘીરે!’ કંકુ જરા હસી! અને આંખેથી કાશીમાને ચિંતા ન કરવાનો સંકેત કરી, ભરતસિંહના અંગૂઠા ઉપર જયાં કાપો મૂક્યો હતો ત્યાંથી લોહી ચૂસવા માંડ્યું!

આ જોઈ દરબાર મોહનસિંહ બોલ્યા, ‘દીકરા, જરા ધ્યાન રાખીને ઘીરે ઘીરે લોહી ચૂસજે! મારા દીકરાને જીવતદાન દેવા જતાં તું તારી જાતને જોખમમાં ન મૂકી દેતી, ભલા જો તને કંઈ થઈ જશે તો હું ગામને મ્હોં દેખાડવા જેવો નહીં રહું!’

‘દરબાર તમે બિલકુલ બે ફિકર રહો! મારી કંકુ તો હમણાં આંખના પલકારામાં દરબાનું ઝેર ચૂસીને ખાટલેથી ઊભા કરી દેશે!’ કડવીમાએ આશ્વાસન આપતાં કહ્યું.

કંકુએ ઝેર ચુસેલ લોહીનો એક કોગળો કર્યો! લોહીનો રંગ જોઈ આસપાસનાં ઊભેલાંના મોઢામાંથી અરેરાટી નીકળી ગઈ! આમ લગાતાર  દસબાર વાર લોહી ચૂસીને તેણે કોગળા કરી નાખ્યા! જ્યારે કોગળામાં લાલચટક ચોખ્ખું લોહી નજરે પડ્યું એટલે કંકુએ લોહી ચૂસવાનું બધ કર્યું.

બે પાંચ મિનિટમાં ભરતસિંહ આળસ મરડી, આંખ ખુલતાં જ ખાટલાની આસપાસ લોકોને ટોળે વળીને ઊભેલા જોઈ તેણે રાડ પાડી,’શું અહીંયા ઊભા છો? કંઈ નાટક તમાશો છે?’

કાશીમાએ ભરતસિંહની રાડને ગણકારી નહીં. ભરતસિંહના માથે હાથ ફેરવી, ખાટલેથી હરખભેર ઊભા થઈ, દૂર ઊભેલા કડવીમાને જઈને ભેટી પડ્યાં! અને તરત જ તેમનું ધ્યાન, પીપળા તળે બેઠી શ્વાસ લેતી કંકુ પર ગયું. કાશીમાએ હરખઘેલાં બની ગળામાંથી દસ તોલાનો હાર કાઢી કંકુ પાસે જઈ તેના ગળામાં નાખી દીધો!

આ જોઈ ખાટલે પડેલ ભરતસિંહ બરાડી ઊઠ્યા, ‘અરે! એ કંકુડી જલદીથી હાર કાઢી મારે ખાટલે મૂકી દે!

આ ડોસી ડોસાને તો ક્યાં અક્કલ જ બળી છે! આમ કહી, એક કતરાતી નજરે ભરતસિંહે ઉમેર્યું, ‘બાપુ, તમે જ આ .. આ લોકોને બગાડ્યા છે! કહો બઘાને કે જલદી પાછાં, માંડવી વીણવા લાગી જાય. અને સાંજે ચોરાની ઝાલર ખેતરે ન સંભળાય ત્યાં લગી કોઈ ઘરે જવાની ઉતાવળ ન કરે નહિતર બધાનો અરધો દહાડો આજ કાપી લઈશ!’

મોહનસિંહને મોઢે તો આવી ગયું, ‘દીકરા, આ છોરીના પ્રતાપે તો તું આજ આમ રાડો પાડી રહ્યો છે.’ પણ સ્વછંદી દીકરો એમનો ઊઘડો લેશે એ બીકે કંઈ બોલ્યા નહીં.

સામેથી કંકુ હાંફળી ફાંફળી હડી કાઢતી આવી. જોઈ લ્યો જાણે મહાચંડીનું રૂપ! ભરતસિંહની સામે આવી તેણે તેની સામે તેનો હાર ફેંકી બોલી, ‘ફટ રે ભૂંડા! તને તો મરવા દેવો જોઈતો હતો. નફ્ફટ તારો હાર તું રાખજે, કો’ક દિ તારે ગળે ફાંસો ખાવા કામમાં આવશે. તને અડીને તો મારું જીવતર અભડાઈ ગયું. તે દિ’ તો તારા બળદને અડી ગઈ હતી ને તે મને ઢોર માર માર્યો હતો. આજ તારા અંગૂઠાને ચૂસીને તારું આખું શરીર અભડાવ્યું છે. ચીડ ચડી હોય તો લે આ દાતરડાથી તારો અંગૂઠો વાઢી તારા ખેતરના પેલા કૂવામાં ફેંકી દે.’

e.mail : preetam.lakhlani@gmail.com

Loading

20 October 2023 Vipool Kalyani
← ચાલો, હરારી પાસે – લેખશ્રેણીનો સમાપન-લેખ : 35 : આશા કે એક નવ્ય નર્મદ અવતરે
જીવનમ્‌ સત્ય શોધનમ્‌ →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved