Opinion Magazine
Number of visits: 9483344
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ફરિયાદી મહિલા કચડાય છે, આદિવાસીઓ ગોળીએ વીંધાય છે, ઉત્તર પ્રદેશમાં યોગીરાજ ચાલે છે

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|2 August 2019

ઉન્નાવમાં ધારાસભ્ય વિરુદ્ધ લડત આપનાર રેઇપ સર્વાઇવરને કચડી નાખવાના અને સોનભદ્રમાં આદિવાસીઓના હત્યાકાંડના બનાવો માત્ર ભા.જ.પ.ની યોગી સરકાર જ નહીં, કેન્દ્રની મોદી સરકાર માટે પણ વધુ એક લાંછન છે

સર્વોચ્ચ અદાલતે ગઈ કાલે, ઉત્તર પ્રદેશના ઉન્નાવ જિલ્લાના નાનાં ગામની બળાત્કાર પીડિતાને ઝડપી ન્યાય મળે તે માટે, રાજય સરકાર અને સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન(સી.બી.આઈ.)ને કડક નિર્દેશો આપ્યા છે. અત્યારે ઓગણીસ વર્ષની યુવતીએ ભારતીય જનતા પક્ષ(ભા.જ.પ.)ના બળિયા ધારાસભ્ય કુલદીપ સેંગરની સામે 20 જૂન 2017ના દિવસે બળાત્કારની ફરિયાદ કરી. ત્યારથી લઈને અત્યાર સુધી અસાધારણ હિમ્મતવાળી આ છોકરી રાજ્યનાં અમાનુષ (અ)વ્યવસ્થાતંત્રનો  સામનો તો કરતી જ રહી હતી.

પણ અત્યારે તે વેન્ટિલેટર થકી મોતનો સામનો કરી રહી છે – આરોપીએ રચેલાં હોવાનું કહેવાતાં કાર-ટ્રક  અકસ્માતનાં કથિત કાવતરામાં તે 28 જૂનના રવિવારે ગંભીર રીતે ઘવાઈ છે. આ યુવતી રેઇપ વિક્ટિમ એટલે કે બળાત્કાર પીડિતા હોવાની સાથે રેઇપ સર્વાઇવર એટલે કે બળાત્કારનો ભોગ બન્યા પછી પણ ટકી રહેનાર અને લડનાર નાગરિક છે. તે એવી સર્વાઇવર્સની હરોળમાં છે કે જે વીરાંગનાઓ આસારામ, રામ રહિમ જેવા કે મુંબઈનાં શક્તિ મિલ કમ્પાઉન્ડમાં કે રાજસ્થાનનાં ગામડામાં બળાત્કાર આચરનારા નરાધમોની સામે લડી હોય. ઉત્તર પ્રદેશનુ તંત્ર જાણે એક ધારાસભ્યની સામે પડનાર ગરીબ ઘરની છોકરીને ખતમ કરીને પોતાની ઇજ્જત બચાવવામાં ગયાં દોઢેક વર્ષથી પડ્યું છે. આ કન્યા, કે જેને પોલીસ રક્ષણ પૂરું પાડવાનો પોલીસને આદેશ છે, તેની કારને રવિવારે બપોરે એક ભીષણ અકસ્માત થયો. તેમાં તેના બે કાકી મોતને ભેટ્યાં. તેના વકીલ પણ ગંભીર રીતે ઘાયલ થઈને વેન્ટિલેટર પર છે. તેના કાકા જે તેના પરિવાર વતી લડી રહ્યા હતા તે તાજેતરમાં જ દસ વર્ષની સજા સાથે રાયબરેલીની જેલમાં ધકેલાયા છે. છોકરીનાં માતા, ત્રણ બહેનો અને એક ભાઈ સરાઇ થોક માખી ગામમાં તેમનાં ઇંટ-માટીનાં જર્જરિત મકાનમાં, ગામજનોના બહિષ્કાર વચ્ચે દિવસો ખેંચી રહ્યાં છે. બે ટંક ખાવાનાં સાંસા છે, ભણતર તો અટકી જ ગયું છે. ગામમાં સેંગરના ‘ચેલાઓ’નો ખૌફ છે અને લોકો દબાતા અવાજે ‘સાજીશ’ની વાત કરે છે.

ઉન્નાવની છોકરીએ, સેંગરની સામે પોતે કરેલી ફરિયાદ છતાં કોઈ પગલાં ન લેવાતાં, 8 એપ્રિલ 1918ના દિવસે લખનૌમાં આદિત્યનાથના ઘરની સામે આત્મવિલોપનની કોશિશ કરી. તેનાં બીજા જ દિવસે તેના પિતાને એક કેસમાં આર્મ્સ ઍક્ટ હેઠળ કસ્ટડીમાં પૂરી દેવામાં આવ્યા, અને જ્યુડિશિયલ કસ્ટડીમાં તેમનું મોત થયું. સરકારે કેસ સી.બી.આઇ.ને સોંપ્યો. પણ પાટલી બદલુ અને ચાર વખતથી ધારાસભ્ય એવા સેંગરની ધરપકડ તો 13 એપ્રિલ 2018 અલ્હાબાદની વડી અદાલતે આદેશ આપ્યા બાદ જ થઈ. જો કે સર્વાઇવર અને તેના પરિવારને આરોપીના માણસો ડરાવતા રહ્યા અને પોલીસ પણ તેમને કનડતી જ રહી. અનેક રજૂઆતોને અંતે હમણાં 12 જુલાઈએ છોકરીએ દેશના સર્વોચ્ચ ન્યાયાધીશને પત્ર લખ્યો. તેના થોડા દિવસ અગાઉ સેંગરની સામેની લડતમાં છોકરીની સાથે રહેનાર તેના કાકાને 2000ની સાલના એક હત્યાના કેસમાં દસ વર્ષની સજા મળી. એમને મળવા જઈ રહેલી છોકરીને ઉપર્યુક્ત અકસ્માત નડ્યો. તેની ગાડીને ઠોકર મારનાર ટ્રકની નંબર પ્લેટ પર કાળો રંગ લગાવેલો હતો. આ અકસ્માતને પગલે સેંગર સામે ખૂન અને ખૂનની કોશિશના આરોપ દાખલ કરવામાં આવ્યા. ભા.જ.પે. તેને સસ્પેન્ડ કર્યો કે કેમ એ અંગે પક્ષના મોવડીઓમાં જ મતભેદ છે. જો કે દોઢ મહિના પહેલાં 5 જૂને ભા.જ.પ.ના ઉન્નાઓના સાંસદ સાક્ષી મહારાજે જેલની મુલાકાત લઈને ચૂંટણીમાં સહકાર બદલ સેંગરનો આભાર માન્યો હતો. વડી અદાલતે સેંગરની બાબતમાં નોંધ્યું હતું : ‘કાયદો અને વ્યવસ્થાનું તંત્ર સીધું જ [સેંગરની] સાંઠગાંઠમાં અને તેના પ્રભાવમાં હતું’.

 

courtesy : "The Hindu", 02 August 2019

કાયદો અને વ્યવસ્થાના અંધેરનો ઉત્તર પ્રદેશનો તાજેતરનો બીજો એક ભયંકર દાખલો સોનભદ્ર જિલ્લાના ઉંભા ગામના આદિવાસીઓના હત્યાકાંડનો છે. તેનો હેતુ, ગામથી ત્રણેક કિલોમીટર દૂર આવેલી, મૂળભૂત ગ્રામસભાની માલિકીની જમીન પર, સાઠેક વર્ષથી ખેતી કરતા ગોંડ જાતિના આદિવાસીઓને જમીન પરથી ખદેડીને જમીન પચાવી પાડવાનો છે. આ હત્યાકાંડ 17 જુલાઈની સવારે અગિયાર વાગ્યાના સુમારે થયો. તેમાં બાજુના મૂર્તિયા ગામના સરપંચ (પ્રધાન) યજ્ઞ દત્તએ વિવાદાસ્પદ જમીન પર એકઠાં થયેલા ગોંડ આદિવાસીઓમાંથી ત્રણ સ્ત્રીઓ સહિત દસ વ્યક્તિઓને ગોળીબાર કરીને મારી નાખ્યા અને બાવીસને ઘાયલ કર્યા. સરપંચ દસેક ટ્રૅક્ટરોમાં દસ-બાર બંદૂકો સહિતના સો સાગરિતોને લઈને આવ્યો હતો. ગોંડ ભારતમાં અત્યારે પણ એક સહુથી પછાત ગણાતી આદિજાતિ છે, સોનભદ્ર પંથકમાં તે અનુસૂચિત જાતિ કે દલિત વર્ગમાં આવે છે. હુમલો કરનાર યજ્ઞ દત્ત ઓ.બી.સી. ગણાતી શક્તિશાળી જમીનદાર ગુજ્જર કોમનો છે. બિહાર, મધ્યપ્રદેશ, ઝારખંડ અને છત્તીસગઢ રાજ્યોની સરહદો જેને અડે છે તે સોનભદ્ર જિલ્લાની જમીન ખનીજોથી ભરપૂર છે. વારાણસીથી 80 અને પાટનગર લખનૌથી 370 કિલોમીટરના અંતરે ઉત્તર પ્રદેશના પૂર્વ હિસ્સામાં આવેલો આ જિલ્લો રાજ્યનો એક પછાત અને દુર્ગમ વિસ્તાર ગણાય છે. જે જમીન માટે હત્યાકાંડ થયો તે ખેડનારા ભૂમિહીન આદિવાસીઓ ગરીબ છે, કાચાં ઝૂંપડાંમાં રહે છે અને પરંપરાગત ઢબે ખેતી કરે છે. સરકારી યોજનાઓ અને કથિત વિકાસનાં ફળ હજુ અહીં ભાગ્યે જ પહોંચ્યાં છે.

ઉંભા ગામની જે 90 વીઘા જેટલી જમીન આદિવાસીઓ ખેડી રહ્યા છે તે વિવાદાસ્પદ બની રહી છે. ઉત્તર પ્રદેશના 1950ના જમીનદારી નાબૂદી અને જમીન સુધાર ધારા હેઠળ આ વિસ્તારની 600 વીઘા બિનઉપજાઉ જમીનને ગ્રામસભાની માલિકીની જાહેર કરવામાં આવી અને તેની ઉપર ગોંડ લોકો ખેતી કરવા લાગ્યા. 1953માં એક તહેસિલદારે તેમાંથી 463 એકર જમીન ‘આદર્શ કૃષિ સહકારી સમિતિ’ને નામે કરી. આ સમિતિ બિહાર કૅડરના એક આઇ.એ.એસ. ઑફિસરના સસરાના પ્રમુખપદે ચાલતી હતી. આદિવાસીઓ આ જમીનનું ભાડું સમિતિને ચૂકવતા હતા. પ્રમુખના મૃત્યુ બાદ 1984માં એક સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટે તેમાંથી 145 વીઘા જમીન ઑફિસરની પત્ની અને દીકરીના નામે કરી. તેમની પાસેથી તે હિસ્સો  યજ્ઞ દત્ત ને બીજા દસ જણે અંદાજે બે કરોડ રૂપિયામાં 2017માં ખરીદ્યો. આ પ્રકારનું ખરીદ-વેચાણ વાંધાજનક હોવા છતાં આદિવાસીઓ મજબૂરીથી તેમની આવકના એકમાત્ર સાધન એવી આ જમીન માટે તેના નવા માલિક દત્તને પણ ભાડું ચૂકવવા તૈયાર હતા, પણ તેને જમીન જ જોઈતી હતી.

વાટાઘાટો નિષ્ફ્ળ નીવડતા અંતે આદિવાસીઓએ દત્તની સામે કેસ કર્યો. તેણે આદિવાસીઓની સામે ત્રણ ક્રિમિનલ કેસેસ કર્યા. તદુપરાંત તેમને ખદેડવા માટે દબાણ તો કરતો જ રહ્યો. આદિવાસીઓએ સંભવિત જોખમની સામે રજૂઆતો પણ કરી હતી. ગ્રામસભાની જમીનને લગતાં આખા ય વ્યવહારની ન્યાયપૂર્ણતા તપાસવાની વર્ષો લગી તસદી ન લેવાઈ. પોલીસ અને પ્રશાસન નિષ્કિય રહ્યાં. આખરે આદિવાસીઓનો ભોગ લેવાયો. ધરપકડો થઈ, વિરોધ પક્ષોએ નિશાન તાક્યું, પ્રિયાંકા વાદ્રાને પીડિતોની મુલાકાત લેતાં રોકવામાં આવ્યાં. આદિત્યનાથે જાતમુલાકાત લઈને વળતર અને તપાસની જાહેરાત કરી.

ઍન્ટિ-રોમિયો સ્ક્વાડ, ખાનગી સેનાઓ, એન્કાઉન્ટર પોલીસ અને  લિન્ચ મૉબ્સથી ખદબદતાં દીનદૂબળાં અને લઘુમતીઓ માટે સતત જોખમકારક એવા યોગીરાજમાં સોનભદ્રના આદિવાસીઓને કેવો અને ક્યારે ન્યાય મળે છે તે જોવાનું રહે. 

*****

01 ઑગસ્ટ 2019

સૌજન્ય : ‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “નવગુજરાત સમય”, 02 ઑગસ્ટ 2019

 

Loading

2 August 2019 admin
← આપી આપીને તમે પીંછું આપો સજન! પાંખો આપો તો અમે આવીએ
રે બરખા, ઐસી ન બરસ કિ વો આ ન સકે, અગર બરસે તો ઐસી બરસ કિ વો જા ન સકે →

Search by

Opinion

  • શબ્દો થકી
  • દર્શક ને ઉમાશંકર જેવા કેમ વારે વારે સાંભરે છે
  • જૂનું ઘર 
  • મનુભાઈ પંચોળી ‘દર્શક’ : કટોકટીની તારીખે સ્વરાજનો નાશ!
  • વિદ્યા વધે તેવી આશે વાચન સંસ્કૃતિ વિકસે

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ
  • आइए, गांधी से मिलते हैं !  
  • પહેલવહેલું ગાંધીકાવ્ય : મનમોહન ગાંધીજીને
  • સપ્ટેમ્બર 1932થી સપ્ટેમ્બર 1947… અને ગાંધી
  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 

Poetry

  • પાંચ ગીત
  • હાજર છે દરેક સ્થળે એક ગાઝા, એક નેતન્યાહુ?
  • ચાર ગઝલ
  • નટવર ગાંધીને (જન્મદિને )
  • પુસ્તકની વેદના

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved