સાદાં કપડાં પે’રવાનાં છે
પગે લાગવાનું છે
પલાંઠી વાળી ચોરે બેસવાનું છે
કો’કની એઠી બીડી પીવાની છે.
મંદિરે શ્રીફળ વધેરવાનું છે
ઇતરડી વીણવાની છે
ભેંસ નવડાવવાની છે.
ગળફાવાળાં
માખી-મચ્છરવાળાં
વાસ મારતાં ચંપાડોશીના છાપરે જવાનું છે
ખાટલે બેસવાનું છે
ગૂમડાં જોવાનાં છે
ખબર પૂછવાના છે
હસતું મોઢું રાખવાનું છે.
નાથાભાને ત્યાં બત્રીસ ભેંસો છે
કરશનભઇને ઘેર એક બકરી છે
બકરીનાં દૂધની ચા પીવાની છે
સ્ટીલની રકાબીમાં પીવાની છે.
પૂંજીડોશીનાં માટલાનું પાણી પાવાનું છે.
ગટર સાફ કરતા મનિયાને ભેટવાનું છે
મનિયાને ઘેર જમવાનું છે.
આ બધું ય પેલ્લીવાર
ન ચાહવા છતાં ય કરવાનું છે.
કેમ કે, આ વખત જીતવાનું છે.
સૌજન્ય : “નિરીક્ષક”, 01 મે 2019; પૃ. 20