અગિયારમી એપ્રિલ. આજે મતદાનનો પહેલો તબક્કો. આ લખતે લખતે ફેસબુક પોસ્ટ્સ જોઉં છું તો વિસ્તાસ્પ હોડીવાલાએ મૂકેલી ગૌરી લંકેશની છબી સામે આવે છે : તમે જ્યારે મત આપો ત્યારે મને યાદ કરશો. બહુ જ સમુચિતપણે વિસ્તાસ્પે શીર્ષપંક્તિ બાંધી છે કે ભારતની આરપારની (ફાઈનલ) પરીક્ષા આજે શરૂ થાય છે.
મતદાનની નાજુક નિર્ણાયક ક્ષણે કોને યાદ કરવા મારે, એની આ કંઈ પહેલી નસીહત તો નથી. પહેલા તબક્કા માટેની પ્રચારછૂટ પૂરી થવામાં હતી એ કલાકોમાં વડા પ્રધાને પણ આવી જ એક અપીલ ‘ને-યાદ-કરજો’ની તરજ પર આપી તો હતી. એમણે અપીલ કરી હતી, જિંદગીનું પહેલ પ્રથમ મતદાન કરનાર યુવજન જોગ કે પુલવામાના શહીદ સૈનિકો અને બાલાકોટની ઍરસ્ટ્રાઈકના સુભટોને નામ આપનો મત પડજો.
કદાચ, આ બે અપીલોની સહોપસ્થિતિ આપણને એક વૈકલ્પિક પશોપેશની પકડમાં એવી તો મૂકી આપે છે કે તે પૈકી આખરી (અને આકરી) પસંદગી સાથે આપણું પણ એક માપ આવી રહે. રાજીવ ગાંધીના કાળમાં અઢારમે મતાધિકારનો જે સિલસિલો શરૂ થયો, તે મુજબનો એક નિર્ણાયક પ્રમાણમાં હોઈ શકતો યુવા મતદાર જથ્થો ઓણ હોવાનો છે. યુ.પી.એ.-ર અને એન.ડી.એ.-રનાં આઠદસ વરસ એના કિશોર અને પૌગંડ તબક્કાનાં હશે. એને સામાન્યપણે એવી અપીલ શા વાસ્તે ન ગમે કે તું પુલવામાને અને બાલાકોટને યાદ કરીને મત આપજે. કુરબાની અને જાનફેસાની પોતે કરીને આર્ત અપીલકારી બીના નથી એમ તો કહી શકાતું નથી. અને આવી ભાવનાત્મક તાણ વખતે પુલવામા-બાલાકોટની દુહાઈ કમલના બટન પર દાબ મૂકવા સારુ છે એવા પેંતરાને સમજવાની સોઈ પણ બધાને બધો વખત નયે હોય.
પ્રશ્ન આ છે, તમે જેને સુરક્ષા કહો છો તે શું છે. આપણે ચોમેરચોફેરથી ઘેરાયેલ છીએ અને સૈનિકી સુરક્ષાને કારણે જ જીવિત છીએ, એવું વાયુમંડળ જો એક વાત છે તો સુરક્ષિત જિંદગી ઘરઆંગણે બસર કરવી તે શું એ બીજી વાત છે. દેશજનતા ચેનનો શ્વાસ લેવા જરૂર ઇચ્છે છે. પણ, જો એને પોતાની વાત કહેવા-સમજવાની આસાએશ અને ગુંજાશ-મોકળાશ ન હોય તો એ શ્વાસ એક વિચારશીલ લોકતંત્રમાં હોય તો પણ શું અને ન હોય તો પણ શું.
ગૌરી લંકેશનો ગુનો એ હતો કે તે એક ભિન્નમત ધરાવતી શખ્સિયત હતાં. અહીં ભિન્નમતનો જે વિશેષ સંદર્ભ અભિપ્રેત છે તે સમજી લેવો જોઈએ. વડી રાજ્યસત્તાને સારુ સંમાન્ય એવી પહેલા ખોળાની જે વિચારધારા, એનાથી જુદા પાડતો ભિન્નમત. આ ભિન્નમત, કેમ કે તે પ્રસ્થાપિત સત્તામતથી જુદો છે, સ્વાભાવિક જ એમાં રાજદ્રોહ (બલકે દેશદ્રોહ) સમાયેલો છે. આ સંજોગોમાં રમતના નિયમો સાફ છે. લોકમતની કેળવણી કરતી ખુલ્લી બહસ નહીં પણ આતતાયી વધ, એ આ નિયમોની બુનિયાદમાં પડેલી વાત છે.
ગૌરી લંકેશ આતતાયી હતાં, જેમ દાભોલકર અને પાનસરે પણ હતા. બેસતે સ્વરાજે ગાંધીથી આતતાયીવધનો આ સિલસિલો જારી છે. જેમણે ગૌરીને હણ્યાં એમને પોતાનું વીરકર્મ પુલવામાનો બદલો લેતા બાલાકોટ સુભટોની હેડીનું લાગે છે. સમાજમાં જુદા અને નવા વિચારોને નહીં સાંખી લેવાની આ અસહિષ્ણુ મનોવૃત્તિમાં એમને કશુંક વીરવ્રત શું અનુભવાય છે. પ્રજાસત્તાક સ્વરાજમાં આ રસ્તે અને આ રીતે જે આવે તેમાં બરકત ન હોય (બલકે તે વિપરીત-પરિણામી જ હોય) એવો એક સીધોસાદો મુદ્દો, પછી, એમને પકડાતો જ નથી.
૧૯૭પ-૭૭ જેમ એક જળથાળ સમયગાળો હતો, કટોકટીવાદને મુદ્દે; તેમ આ પણ એક જળથાળ કાળ છે, અને તે ખાસો લાંબો અને લંબાતો હોવાનો છે. વ્યક્તિગત સત્તાના એકાધિકારનો વિરોધ જો લાજિમ હતો તો એકાધિકાર ઉપર વિચારધારાકીય વળ અને આમળા ચઢાવતી સત્તાધારાનો વિરોધ એથીયે કંઈકેટલો વધુ લાજિમ છે.
વિચારધારાકીય આમળાથી માંડીને અફીણ લગીની જે સગવડ હાલની સત્તામંડળી કને છે એ હમણાં ભા.જ.પ.ના સંકલ્પપત્રમાં ખાસું ઊહાપોહભેર કહેવાયું તેમ ‘નૅશન ફર્સ્ટ’ છે. અહીં અભિપ્રેત વિગત, રાષ્ટ્ર એ પક્ષથી ઉપર છે એટલી સરળસપાટ નથી. રાષ્ટ્ર એ સર્વોચ્ચ બલકે એકમાત્ર, કહો કે ધ મૂલ્ય છે. ઈશ્વરની અનેક વિભૂતિઓ પૈકી રાષ્ટ્ર પણ એક હોઈ શકે એમ નહીં, એકમાત્ર – ધ વિભૂતિ તે ધ વિભૂતિ. અને એમાં પણ, આ તો ‘ખાસ’ અર્થમાં.
લોકશાહી જો મનુષ્યજાતિની એક મુક્તિયાત્રા હોય તો રાષ્ટ્રની આવી સર્વોપરિતા, આવી એકમાત્રતા અને અફીણી અપીલ એ આ યાત્રામાં અવરોધક છે. સહજ દેશપ્રેમ એક વાત છે અને દેશભક્તિનો સંપ્રદાય તે બીજી વાત છે. ગૌરી લંકેશની શહાદતને વશ વર્તતી અપીલ પહેલા ખાનામાં પડે છે જ્યારે નમોની પ્રથમ મતદાનવાળી અપીલ બીજા ખાનામાં પડે છે.
જલિયાંવાલાને સોએ વરસે બ્રિટનના વડા પ્રધાન એને ‘અ શેઈમફુલ સ્કાર’ તરીકે વર્ણવે છે ત્યારે હાઉસ ઑફ કૉમન્સમાં સાંસદોના ખાસા હિસ્સાને એમ લાગે છે કે ધોરણસરની ક્ષમાપ્રાર્થનામાં હજુ કાંક કશુંક ખૂટે છે. શું આ હિસ્સાને આપણે ઇંગ્લંડના સંદર્ભમાં દેશદ્રોહી/રાજદ્રોહી કહીશું કે અંતરાત્માના રખેવાળ તરીકે જોઈશું? પોતાનો દોષ અને મર્યાદા જોઈ શકવાં એ એક એવી દેશવત્સલ માનવતા છે જે નવી ને ન્યાયી દુનિયાનું ધરુવાડિયું બની શકે. મતદાનની નાજુકનિર્ણાયક પળે જો હું ગૌરી લંકેશને સ્મરી શકું તો એ આ ધરુવાડિયા ભણી લઈ જતી, ભલે સેતુબંધની ખીસકોલી શી ચેષ્ટા હશે. એક વાર આ ફલક પર જોઈએ તો મતદાન બેત્રણપાંચ પક્ષો વચ્ચેની પસંદગીની સાંકડી સમજને ક્યાં ય ઓળાંડી જઈ નવી દુનિયા અને પ્રતિગામી વલણો વચ્ચેની પસંદગી બની રહે છે. આ નવી દુનિયાની, દેશવત્સલ માનવતાની જે ખોજ તે સ્વાતંત્ર્યસંગ્રામમાં ઊભરેલાં મૂલ્યોની ધારામાં છે.
અહીં લાંબી ચર્ચામાં નહીં જતાં એટલું જ કહીશું કે આ પૂર્વે કદી નહીં એ હદે એક વૈકલ્પિક વિમર્શ સત્તાનશીન થયો છે. હમણાં ‘નૅશન ફર્સ્ટ’ની જે જિકર કરી તે આ વિમર્શને સમજવા વાસ્તે હિમદુર્ગનું ટોચકું માત્ર છે.
નહીં કે ભાજપ સિવાયનાં બળોને આ બધી સમજ છે અને આપણને એવી પતીજ છે. બીજાં બળોને ઠમઠોરતાં રહેવાની પ્રજાની જવાબદારી અલબત્ત હતી, છે અને રહેશે. પણ પસંદગી સાફ છે : તમારે નવી દુનિયા તરફ જવું છે, કે પ્રતિગામી વલણો તરફ.
આ અંકમાંની સામગ્રી નાગરિક સમાજને નાતે સહિયારી નિસબત અને સહચિંતનને ધોરણે યથાસંભવ બની આવે તે માટેની કોશિશનો આટલો સંદર્ભ : દિલ્હીને અલ્વિદા કહેતાં દિલી અલ્વિદાનો જે સવાલ ઉમાશંકરે ઉપસ્થિત કર્યો છે, રાજધાનીઓ ને અગ્રવર્ગો શ્રમિક-કૃષક પર ચડી વાગે છે (આ સિલસિલાને કથિત સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ ઓર ન્યાય્ય પણ ઠરાવી શકે) એ તરફ ધ્યાન દોરી વિરમું છું.
સૌજન્ય : “નિરીક્ષક”, 16 ઍપ્રિલ 2019; પૃ. 02 અને 20