ખેતીનું રાજકારણ અને વસ્તી વધારો, ક્લાઇમેટ ચેન્જથી ખડા થતા પ્રશ્નોને વધારે વિકટ બનાવે છે
આ અઠવાડિયાની શરૂઆતમાં વડાપ્રધાને યુનાઇટેડ નેશનનાં કન્વેન્શન ટુ કોમ્બેટ ડેઝર્ટીફિકેશનમાં ૧૪મી કોન્ફરન્સ ઑફ પાર્ટીઝ(સી.ઓ.પી.)માં જાહેર કર્યું કે ૨૦૩૦ સુધીમાં ૨૬ મિલિયન હેક્ટર પડતર એટલે કે ઉજ્જડ જમીનને ખેતી લાયક બનાવાશે. વૈશ્વિક સ્તરે પર્યાવરણનાં પ્રશ્નનાં ઉત્તરમાં આપણાં રાષ્ટ્રની આ જાહેરાત અગત્યની ચોક્કસ છે. ૨૦૧૫માં પૅરિસમાં થયેલી ક્લાઇમેટ ચેન્જની બેઠકમાં જે વચન અપાયું હતું તેની સરખામણીએ આ આંકડો પાંચ મિલિયન હેક્ટર વધારે છે. ઇસરોનાં ડેઝર્ટીફિકેશન (રણનું વિસ્તરણ) અને લેન્ડ ડિગ્રેડેશન (જમીનની ગુણવત્તામાં પડતી થવી, જમીન ખેતીલાયક ન રહેવી) ઍટલાસ અનુસાર ભારતની ૩૦ ટકા જમીનની ગુણવત્તાનું પતન થઈ ચૂક્યું છે.
વડાપ્રધાને જે વાત કરી એ દિશામાં જો ખરેખર કામ થાય તો માત્ર પર્યાવરણ જ નહીં પણ ખેડૂતોનાં જીવનમાં પણ નોંધપાત્ર ફેર પડી શકે છે. જો કે આ કરવા માટે સરકારે સૌથી પહેલાં તો હરિયાળા વિસ્તારોની માપણી કરવાની પદ્ધતિમાં જ ધરમૂળથી ફેરફાર કરવો પડશે. પર્યાવરણ મંત્રાલયે વૃક્ષારોપણ લક્ષી વનીકરણને બદલે વૉટરશેડ મેનેજમેન્ટ, બાયોડાવર્સિટી કન્ઝરવેશન અને જમીનનાં સ્વાસ્થ્યને બહેતર બનાવવા જેવી બાબતો પર ધ્યાન આપવું પડશે. વનીકરણની વાત કરીએ તો ફોરેસ્ટ સરવે ઑફ ઇન્ડિયા અનુસાર ભારતનાં વનવિસ્તારમાં વધારો થતો આવ્યો છે, પણ આ થવા છતાં ય જમીન પર જે બોજ છે તેમાં લગીરેક ફરક નથી પડ્યો. સેટેલાઇટ ઇમેજીઝમાં દેખાતા લીલા હિસ્સાઓ જોઈને દેશનાં જંગલોનો ક્યાસ ન કાઢી શકાય કારણ કે તેમાં જંગલો અને વૃક્ષારોપણનો ભેદ નથી કળી શકાતો, અને માટે જ પડતર જમીન અને ગ્રીન કવરનું સંતુલન સમજવામાં આપણે ભૂલ કરી બેસીએ છીએ. મોનોકલ્ચર પ્લાન્ટેશન એટલે કે એક સરખાં પ્રકારનાં વૃક્ષોનો ઉછેર પર્યાવરણ માટે જોઈતું કરવામાં મર્યાદિત સાબિત થાય છે.
માપણી તો એક પાસું છે પણ ખેતીપ્રધાન કહેવાતા આપણા દેશમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં જંગલોનાં સફાયા, વધુ પડતો પાક લેવાને કારણે, જમીન ધોવાણ અને વેટલેન્ડનાં પ્રમાણમાં ઘટાડો થવાને પગલે ઘણી જમીન પડતર બની ચૂકી છે. ફળદ્રુપ જમીનની આ ખોટને કારણે આપણો જી.ડી.પી. દર વર્ષે ૨.૫ ટકા જેટલો ઘટી રહ્યો છે અને કાયમી પાકની ઊપજ પર પણ તેનો માઠો પ્રભાવ પડ્યો છે. આપણા દેશ પર ક્લાઇમેટ ચેન્જની ઝડપી, અણધારી અને આકરી અસર થાય છે, અને માટે જ જમીનનું પતન આપણે ધારીએ તેનાં કરતાં કંઈક ગણો વધારે મુશ્કેલ મુદ્દો બને છે. પડતર જમીનમાં કાર્બન ડાયોક્સાઇડ શોષવાની ક્ષમતા નથી હોતી અને આપણે જાણીએ જ છીએ કે ગ્લોબલ વૉર્મિંગમાં કાર્બન ડાયોક્સાઇડ સૌથી મોટો અને હાનિકારક ખેલાડી છે. દુનિયાની કુલ જમીનનો ૨.૪ ટકા હિસ્સો જ આપણી પાસે છે, પણ દુનિયાની કુલ વસ્તીની ૧૮ ટકા આપણા દેશમાં છે. ક્લાઇમેટ ચેન્જને કારણે પાકની ગુણવત્તા પર, તેમાં રહેલા પોષક તત્ત્વોનાં પ્રમાણ પર, ચારો ખાનારાં પશુઓની ઉત્પાદન ક્ષમતા અને વિકાસ પર સીધી અસર પડે છે. ખેતી પ્રધાન દેશ હોવાને કારણે આ તમામ પાસાંઓ ભારતનાં અર્થતંત્ર પર સીધી અસર કરે છે.
આટલું ઓછું હોય તેમ ખેતીનું રાજકારણ અને વસ્તી વધારો, ક્લાઇમેટ ચેન્જથી ખડા થતા પ્રશ્નોને વધારે વિકટ બનાવે છે. ખેતરોનું કદ સંકોચાઈ રહ્યું છે જેને કારણે પુરવઠો મોંઘો થઈ રહ્યો છે તો બીજી તરફ સિંચાઈ માટે પાણી નથી રહ્યું. ભારતના કૃષિ ઇતિહાસ પર નજર કરીએ તો ‘હરિયાળી ક્રાંતિ’ને હંમેશાં ઉત્પાદનનાં માપદંડથી નાણવામાં આવી છે, પણ કમનસીબે ઉત્પાદન વધારવાની લ્હાયમાં પર્યાવરણને સંપૂર્ણ રીતે નિયંત્રિત કરાયું છે. જુદાં જુદાં પાક લેવાની વ્યૂહરચનાને બદલે કોઈ એક જ પાકનું વધુ ઉત્પાદન થાય તે રીતે પર્યાવરણની વિરુદ્ધ જઈને ફેરફારો કરાયા. જંતુનાશક અને ખાતરનો આડેધડ ઉપયોગ જમીનની ફળદ્રુપતા પર અસર કરતો ગયો. ઉત્પાદન વધારવાની દોડમાં ફાયદા કરતાં નુકસાન વધારે થયું. ૧૯મી સદીનાં છેલ્લાં ત્રીસ વર્ષ દરમિયાન ભારતે સૌથી ખરાબ દુકાળ જોયા. લોકો ભૂખથી મરી રહ્યા હતા પણ પાકની નિકાસ થઈ રહી હતી. છપ્પનિયા દુકાળ પછી ભારત એક એવા રાષ્ટ્ર તરીકે ઓળખાયું જે પોતાનાં જ લોકો માટે પૂરતો ખોરાક પેદા નથી કરી શકતું. હરિયાળી ક્રાંતિનો આરંભ દુકાળ કે ભૂખમરાને નાથવા કરતાં ઘઉંનાં ઉત્પાદનને વધારવાના હેતુ સર થયો હતો. બાજરા, જવાર, મકાઈ જેવા અન્ય ધાન અને ચોખા જેનો મુખ્ય ખોરાક છે તેવા દેશમાં ઘઉંના ઉત્પાદનને સૌથી વધારે મહત્ત્વ અપાયું. ઘઉં પ્રત્યેનો આ મોહ અંતે જમીનની ગુણવત્તા, ભૂગર્ભ જળ અને પશુ પાલનનાં અર્થ તંત્ર પર માઠી અસર કરનારો સાબિત થયો છે. ઉત્પાદન લક્ષી, ટૅક્નોલોજી કેન્દ્રી હરિયાળી ક્રાંતિના લોભમાં ખેડૂતોએ પાકની વિવિધતા જતી કરી છે, જેને કારણે દેશની ખોરાકની જરૂરિયાતોથી માંડીને પર્યાવરણનું સંતુલન ખાડે ગયું છે. ફળ, શાકભાજી અને મુખ્ય અનાજ સિવાયનાં પાકનાં ઉત્પાદનને મહત્ત્વ આપવું જ રહ્યું. ખેડૂતોને સાચું અને સર્વાંગી કૃષિ શિક્ષણ આપવાની પણ જરૂર છે નહીંતર દેવામાં ડૂબેલા, પાણીની તંગી અથવા અતિવૃષ્ટિને પગલે કે પછી સતત વિભાજિત થયા કરતી, ટુકડો જમીન જીવાડવામાં ખેડૂતો પોતાની જીવ આપતા રહેશે.
બાય ધી વેઃ
વૈવિધ્ય જેનું લક્ષણ છે તેવો આપણો દેશ વિરોધાભાસની વિવિધતામાં રહેંસાઈ રહ્યો છે. ખેતરો વધ્યાં છે પણ તેમનું કદ સતત સંકોચાઈ રહ્યું છે. એક તરફ સરકાર પડતર જમીનને ખેતીલાયક બનાવવાની વાત કરે છે, તો બીજી તરફ પર્યાવરણલક્ષી ઊપજ નહીં પણ નિકાસ અને નાણાં લક્ષી ઉત્પાદન થઈ રહ્યું છે. જ્યાં પાણી છે ત્યાં જેને બહુ પાણીની જરૂર નથી એવા પાક લેવાય છે તો જ્યાં ભૂગર્ભ જળનું સ્તર પણ તળિયે ગયું છે, ત્યાં ખેતરોમાં પાણી માગે લે એવા પાક થઈ રહ્યાં છે. આયાત-નિકાસમાં સરકાર પોતાનો ફાયદો જુએ છે અને જે અહીં ઊગાડી શકાય તેવા અન્ય ધાન્ય વિદેશથી આયાત કરાય છે. જમીનનાં દસ્તાવેજનાં ઠેકાણાં નથી એટલે ખેડૂતો પોતાને માટે એટલી આવક પણ નથી મેળવી શકતા કે તેમનું ગુજરાન ચાલી શકે. આપણા ખેતી પ્રધાન દેશની આ વાસ્તવિકતા છે અને ચિત્ર ત્યારે જ બદલી શકાશે જ્યારે પર્યાવરણ અને છેવાડાનાં માણસનું હિત ગણતરીમાં લઇને નીતિ ઘડાશે.
સૌજન્ય : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 15 સપ્ટેમ્બર 2019