સુરત – ૧૯૮૫
કાળીડિબાંગ મધરાતમાં, ધગધગતા તાવમાં એ પાંચ જ મહિનાનું કૂમળું ફૂલ શેકાઈ રહ્યું હતું, બાપુએ તાવ માપ્યો – ૧૦૫ અંશ ફેરનહાઇટ. મા તો બિચારી સતત એને પાણીનાં પોતાંથી શાતા આપવામાં વ્યસ્ત હતી. બન્નેની દુઆ કામ કરી ગઈ અને સદ્દભાગ્યે બીજા દિવસે કલ્પેશનો તાવ તો ઊતરી ગયો. પણ હવે તે પગ હલાવતો બંધ થઈ ગયો હતો. બે ત્રણ દિવસ તો બા-બાપુએ રાહ જોઈ કે, તાકાત આવશે એટલે પહેલાંની જેમ કલ્પેશ કિલ્લોલતો થઈ જશે.
પણ એ આશા ઠગારી નીવડી. કલ્પેશને કાળઝાળ પોલિયો ડસી ગયો હતો. હવે જિંદગી ભર અપંગ રહેવાની જ તેની નિયતિ હતી. પણ તેને ક્યાં એવી કશી સૂઝ જ હતી? મોટો થતાં કલ્પેશને સમજ તો આવી કે, તે બીજાં બાળકો કરતાં જુદો છે. પણ સામાન્ય સ્થિતિનાં માવતરે તેને આ પંગુતા કદી સાલવા ન દીધી. પેટે પાટા બાંધીને અગિયાર વર્ષનો થયો, ત્યાં સુધી તેને ભણાવ્યો.
એના બાપુ આમ તો હીરાની લે-વેચનો ધંધો કરતા હતા, પણ એમાં એમના ઘરનો ખર્ચ માંડ નીકળતો હતો. કલ્પેશને હવે એના બાપુના ધંધામાં વધારે રસ પડવા લાગ્યો. ઘરમાં થતી વાતચીત એ ધ્યાનથી સાંભળતો. એક વખત સાંજે બાપુ ઘરાક સાથેની કોઈક નાનકડી તડાફડીની વાત કરતા હતા. કલ્પેશે કહ્યું. “પણ તેને પાંચ ટકા ઓછા કરી આપો ને.”
બાપુને તરત ખબર પડી ગઈ કે, કલ્પેશ ભણવા કરતાં ધંધામાં વધારે ઉકાળશે. બીજા દિવસે તેને પોતાની સાથે લઈ ગયા. ઘરાક સાથે થતી વાતો કલ્પેશ બરાબર ધ્યાનથી સાંભળતો રહ્યો. ઘરાક સાથે થોડીક દલીલો તેણે પણ કરી. ખરેખર તો ઘરાકને પણ આટલો નાનો છોકરો આવી સમજદાર વાતો કરતો જોઈ આશ્ચર્ય થયું. તે દિવસે બાપુનો સોદો પાર પડી ગયો.
બસ, એ દિવસથી કલ્પેશની નિશાળની બધી જફાઓનો અંત આવી ગયો. હવે બાપુ સાથે બજારમાં જવાનો તેનો નિત્યક્રમ બની ગયો. ધીમે ધીમે તેને હીરાના વેપારની આંટીઘૂંટી સમજાવા લાગી. ૧૯૯૬માં એક સંબંધીના હીરા ઘસવાના કારખાનામાં પણ મહિને એક હજાર રૂપિયાના પગારે કલ્પેશે થોડોક વખત કામ કર્યું હતું. કામમાં તેની ધગશના કારણે તેનો પગાર મહિને ૫૦૦૦ રૂપિયાનો પણ થવાનો હતો. પણ પિતાના અવસાનના કારણે તેણે એ નોકરી છોડી દીધી અને બાપુના ધંધામાં ઝુકાવી દીધું. અઢાર જ વર્ષની ઉમરે કલ્પેશે બાપુનું છત્ર કલ્પેશે ગુમાવ્યું. હવે ધંધો તેણે નિભાવવાનો હતો. તે વખતે તેના બાપુ માંડ હજાર રૂપિયા ઘેર લાવી શકતા હતા.
મુંબાઈ – ૨૦૧૬
હીરા બજારમાં આવેલી, નાનકડી પણ ઝળહળતી સજાવટ વાળી ઓફિસમાં અત્યંત આધુનિક અને બેટરીથી ચાલતી વ્હીલ ચેરમાં કલ્પેશ બેઠો છે. તેની સાથે બે મદદનીશો છે. વર્ષે દસ બાર કરોડનો વકરો તો તે સાવ સહેલાઈથી પાડી લે છે. ધંધાનાં કામ માટે તે સુરતથી ઘણી વાર અહીં આવી જાય છે. અલબત્ત તેની સુરતની ઓફિસ આના કરતાં ઘણી વધારે વિશાળ છે !
બહુ રોકાણ અને જફાઓ વાળા હીરા ઘસવાના ઉદ્યોગમાં કલ્પેશે સમજીને જ ઝુકાવ્યું નથી. હીરાની લે-વેચના ધંધામાં બે માણસોનો સ્ટાફ પૂરતો છે. પણ આ તેર વર્ષ કાંઈ તકલીફ વિના થોડાં જ પસાર થયાં છે? કેટકેટલા સંઘર્ષો વેઠીને કલ્પેશે પોતાના ધંધાનું સામ્રાજ્ય આપમેળે ખડું કર્યું છે ? અને તેની સાથે સાથી બે બહેનોને સારી રીતે પરણાવી છે. નાના ભાઈને પણ ભણી ગણીને ઠેકાણે પાડ્યો છે. વિશ્વાસ મુકી શકાય તેવા વેપારી તરીકે, સુરત અને મુંબાઈના હીરા બજારોમાં કલ્પેશનું નામ છે. તેનો મોટા ભાગનો ધંધો ફોનથી જ પાર પડે છે. પણ જરૂર પડે તો આખા દેશમાં કોઈ પણ જગ્યાએ પહોંચી જવા માટે કલ્પેશને એના પગ અટકાવતા નથી.
તેની જીવનસંગિની દીપાલીએ તેને આપેલ સાથને પણ યાદ કરવો જ પડે. તે પણ કલ્પેશની જેમ પોલિયો ગ્રસ્ત છે. એ તો વળી બી.કોમ. સુધી ભણેલી પણ છે. તેમનાં બે બાળકો શાળામાં ભણે છે.
પોતાના જેવી તકલીફો વાળા લોકોને મદદરૂપ થવા કલ્પેશ હમ્મેશ તત્પર હોય છે. વોટ્સએપ પર એ આવા બધાંનું સરસ ગ્રુપ પણ ચલાવે છે. અને એ માત્ર ઓફિસથી ઘર અને ઘરથી ઓફિસમાં જ આવ જા કરનાર બાબુ નથી. પોલિયોગ્રસ્તોની દોડવાની એક પણ રેસમાં ભાગ લેવાનું તે ચુકતો નથી. ઓગસ્ટ -૨૦૧૫માં મુંબાઈમાં યોજાયેલી મિસ્ટર વ્હીલચેર હરીફાઈમાં કલ્પેશ છેવટ સુધી પહોંચ્યો હતો. કોઈ વર્ષ એવું નથી ગયું કે જ્યારે નવરાત્રિના ગરબામાં તેણે અને દીપાલીએ ભાગ ન લીધો હોય! સમય મળ્યે સ્વીમીંગ પુલમાં પણ કલ્પેશ તરી લે છે.
ગુજરાતી સમાચારોમાં પણ કલ્પેશ અવારનવાર ઝળકે છે . આ એક ઝલક …
કોણ કહે છે કે,
પગ ન હોય તો તમે નાચી નથી શકતા?
પગ વગરનાં લોકોને દિવસે સ્વપ્નો નથી આવતાં?!
કલ્પેશના જ શબ્દોમાં …
જીવનમાં ક્યારે ય આશા ન છોડવી. મહેનત અને સંઘર્ષનો એક સુખદ અંત આવતો જ હોય છે. કલ્પેશના જ શબ્દોમાં તેમની લાગણી જાણીએ જાણીએ તો :
“I have not been handicapped by my condition. I’m physically challenged and differently able.”
સંદર્ભ –
http://www.thebetterindia.com/33245/diamond-trader-surat-disability-polio
e.mail : surpad2017@gmail.com