સાંસ્કૃતિક – નૈતિક અધઃપતનથી આપણી શાળા કૉલેજો કેવી રીતે બાકાત રહી શકવાની? આ પ્રશ્ન આપણી સામે સૌથી મોટો પડકાર છે. અલબત્ત, તેની સામે આપણું ધ્યાન પણ ક્યાં છે?
મોબાઈલ, ઇન્ટરનેટ, સોશ્યલ મીડિયા વગેરે આપણા વિદ્યાર્થીઓને કોરી રહ્યા છે. પણ એ તરફ આપણે ભાગ્યે જ શિક્ષણની ભૂમિકાને સ્વીકારીએ છીએ.
મારા પરિચયમાં આવેલી અને હાલમાં એસ.વાય.બી.એ.માં અમદાવાદની એક કૉલેજમાં ભણતી સોનલ છેલ્લા કેટલાક દિવસથી ગૂમ થઈ ગઈ છે. સોનલ, ધોરણ-૯માં ભણતી હતી ત્યારથી હું એને ઓળખું છું. હું કેટલીક છોકરીઓને એક નાટક શીખવાડતી હતી, ત્યારે તેની સાથે પહેલો પરિચય થયો હતો. મૂળે ગામડાની છોકરી. અમદાવાદમાં હૉસ્ટેલમાં રહીને ભણીને તે કોલેજ સુધી પહોંચી. જ્યાં સુધી શાળામાં હોય ત્યાં સુધી થોડા ઘણા નીતિનિયમો વિદ્યાર્થીઓમાં રહેતા હોય. કોલેજમાં પ્રવેશ થાય એટલે નીતિ-નિયમોનો છેદ ઊડી જાય. કૉલેજમાં વર્ગો ચાલે નહીં. એટલે વિદ્યાર્થીઓ વિદ્યાર્થિનીઓની હાજરી કૉલેજ કરતા રિવરફ્રન્ટ પર વધુ દેખાય ! સોનલ સાથે ખરેખર શું બન્યું છે, એ તો ખબર નથી. માત્ર અંદાજ લગાવી શકાય! ગુજરાત સરકારે બધાને હાથમાં ટેબલેટ પકડાવી દીધા છે. અને JIOએ બધાને મફતમાં ઇન્ટરનેટ આપી દીધું છે. સોનલ, સીધીસાદી ગામડામાંથી આવેલી છોકરી, શહેરની ઝાકઝમાળમાં, કેળવણીના અભાવમાં કેવી રીતે ફસાઇ ગઈ હશે ?
કૉલેજોની બહાર ઘણા અસામાજિક તત્ત્વો અડ્ડો જમાવીને બેસતાં હોય છે! જેમનું કામ જ હોય છે છોકરીઓને ફસાવવાનું. અને છોકરીઓ પણ ખોટા આકર્ષણમાં ફસાઈ જાય છે. સોનલ સાથે પણ લગભગ આવું જ કંઈક બન્યું છે. ફેસબુક અને વોટ્સએપ પર જે રીતે સોનલના ‘અતિ મોડર્ન’ ફોટા, સ્ટેટસ જોવામાં આવતા હતા, તેનાથી બધું જ સમજી શકાય. એની ઉંમર માંડ ૧૮-૧૯ વર્ષ ! પ્રેમ-લાગણીની પરિપક્વતા શું હોય, કેમ કરીને સોનલ જેવી છોકરીઓને સમજાય?
‘મળેલા જીવ’ કે ‘સરસ્વતીચંદ્ર’ આપણા અભ્યાસક્રમમાં હોય તો કંઈકેય લાગણીના સંબંધો સમજી શકાય. પણ એવું તો બન્યું નથી. સોનલ જેવી અનેક વિદ્યાર્થિનીઓ આ રીતે ખોટા સંબંધોમાં ફસાઈને ભણવાનું છોડી દે છે. એમાં વધારો થઈ રહ્યો છે, મોબાઈલ ઈન્ટરનેટના વિવેકહીન ઉપયોગથી. મને કાયમ એમ થાય કે સરકારે ટેબલેટ આપવાના બદલે અભ્યાસક્રમને લગતાં પુસ્તકો આપવાનો નિર્ણય શા માટે ના લીધો ? સોનલ જેવી અનેક વિદ્યાર્થિનીઓ ‘વર્ચ્યુઅલ વર્લ્ડ’માં પોતાનું ભણતર, કારકિર્દી અને ક્યારેક જીવન પણ ગુમાવી બેસે છે. ઉપરાંત શિક્ષક-વિદ્યાર્થી વચ્ચે એક સ્વસ્થ – નિકટનો સંબંધ કેળવાય કે જ્યાં શિક્ષક વિદ્યાર્થીને જીવનના પ્રશ્નો વિષે માર્ગદર્શન આપી શકે, એવો સમય પણ સેમેસ્ટર પદ્ધતિમાં નથી મળતો. શિક્ષક-વિદ્યાર્થીનો સંબંધ પણ માત્ર પરીક્ષાનું સાહિત્ય મેળવવા પૂરતો સીમિત છે. સોનલનાં મમ્મી-પપ્પા નથી. ઘરડાં દાદી સાથે રહેતી હતી. દાદીના મન પર શું વીતતું હશે એ તો એ જ જાણે!
છેલ્લે એક વાત કહું. અમદાવાદ શહેરની એક જાણીતી કૉલેજમાં ‘સોશ્યલ મીડિયાનો ઉપયોગ અને વિદ્યાર્થિનીઓની સલામતી’ વિશે મારે વાત કરવાની હતી. મેં મને આવડે એવી રીતે, ‘હંમેશાં ચેતતા રહેવું’, એવી ભલામણ સાથે મારી વાત પૂરી કરી. ત્યાં જ એક વિદ્યાર્થિનીએ હાથ ઉપર કરીને કહ્યું કે મારે કંઈક બોલવું છે. એ વિદ્યાર્થિનીએ જાહેરમાં માઈક પર આવીને, પોતાના અધ્યાપકો અને સહાધ્યાયીઓની હાજરીમાં કહ્યું કે,“મારો પુરુષ મિત્ર ફેસબુક થકી જ બન્યો છે. અને વક્તવ્યમાં વક્તાએ, જે કોઈ સાવધાની રાખવાની વાત કરી એવી કોઈ બાબત મને મારા મિત્રમાં દેખાતી નથી”. આ સાંભળીને હું તો ખૂબ જ આઘાત પામી ગઈ હતી.
આપણે ક્યાં આવીને ઊભાં છીએ? પડતાં નૈતિક મૂલ્યોને બચાવવાની જવાબદારી શું શિક્ષણની નથી? સોનલ જેવી કેટલી વિદ્યાર્થિનીઓને આપણે ગુમાવીશું?
e.mail : vaghelarimmi@gmail.com
ઑલ ઇન્ડિયા ડી.એસ.ઓ.
સૌજન્ય : “અભિદૃષ્ટિ”, સપ્ટેમ્બર 2019; પૃ. 24