સંવેદનાની સફરમાં
મિ. વિવેક મિસ્ત્રી, તમારા પાલડી પરના આલીશાન ફ્લેટમાંથી તમે તમારી factory છત્રાલ જવા તમારી લકઝુરિયશ ઓડી ગાડીમાં દરરોજ માફક આજે પણ નીકળ્યા છો. આશ્રમ રોડ પર ધંધાકીય મુલાકાતો હોવાથી તમારા ડ્રાયવરને સૂચના આપો છો કે આશ્રમ રોડ પર Sales India પાસે ગાડી રોકજે, ત્યાં આપણે કોઇને મળવાનું છે
વિક્રમ ચેમ્બરમાં એડવોકેટ હરેશ માંડલિયાની તમારે કોઇ કાયદાકીય સલાહ લેવાની હોય છે અને દરરોજ માફક છાપામાં માથું નાખી Times of India વાંચો છો ત્યાં જ V.S. Hospital પાસેના રસ્તો પસાર થતાં તમે દરરોજ માફક, આજે પણ, બેબાકળા બની હોશમાં ન રહેતા ગભરાટ સાથે તમારા ડ્રાયવરને મોટે મોટેથી બૂમ પાડી કહો છો, જલદી ચલાવ ગાડી, રફીક, તું કેમ સમજતો નથી. આજ રસ્તે ગાડી કેમ ચલાવે છે ? રફીક જવાબ આપે છે, સાહેબ, આશ્રમ રોડ જવા માટે બીજે કયા રસ્તે લઉં. સવારના ટ્રાફીક સિગ્નલ પાસે તો મારે ઊભા રહેવું પડે ને, શેઠ ? તમારી અકલ્પનીય સ્થિતિમાં તમારા ગભરાટમા ને ગભરાટમાં તમારી સ્થિતિ બેબાકળી હોવાથી તમારી જાતને તમે તમારી પાછલી સીટ પર ફેંકી દઇ માથા પર હાથ મૂકી તીણી નજરે વી.એસ. હોસ્પિટલ રોડ અને એમ.જે. લાયબ્રેરી પસાર થઇ કે નહીં તે જોતાં જોતાં એચ.કે. આર્ટસ કોલેજ પરના રોડ આવી જાવો છો. ત્યારે સ્વસ્થ થતા થતા વિચારોના વમળમાં અટવાઇ જઇ, સેલ્સ ઇન્ડિયા અને વિક્રમ ચેમ્બર પરથી પસાર થઇ જાવ છો, જેનો તમોને ખ્યાલ રહેતો નથી.
મિ. વિવેક મિસ્ત્રી, તમારો ડ્રાયવર મિ. રફીક, તમારી અસમતોલ સ્થિતિના વિચારે ચડી જતાં વિદ્યાપીઠ ક્રોસ કરી, પસાર કરી ગાંધી આશ્રમ તરફ પસાર થઇ સાબરમતી ટોરન્ટ પાવર હાઉસ તરફ પ્રયાણ કરો છો. મિ. વિવેક મિસ્ત્રી, તમારી અને તમારા ખાસ આજ્ઞાંકિત ડ્રાઇવર મિ. રફીક બન્નેની સ્થિતિ વિમાસણવાળી હોય છે. તમારો ડ્રાયવર સાબરમતી પાવર હાઉસ આવતાં પૂલ પર પસાર થતી તમારી ગાડીમાં તમારી અકલ્પનીય સ્થિતિ જોઇને કહે છે કે શેઠ કયાંક ચા-પાણી પીવા માટે ઊભા રહીએ ? મિ. વિવેક મિસ્ત્રી, તમે શાંતિથી જવાબ આપતાં કહો છો કે હા, ભાઇ રફીક જરા કોઇ સારી રેસ્ટોરન્ટ હોય તો ચા પીએ. ગાડી રોકજે. સાબરમતી ટોરેન્ટ પાવર હાઉસથી થોડીક આગળ જતાં એક સરસ રેસ્ટોરન્ટમાં રફીક ગાડી રોકે છે અને તમે બન્ને રેસ્ટોરન્ટમાં પ્રવેશો છો. રફીકને દરરોજની માફક તમારી બિલકુલ સામે બેસાડી રફીકને મન ગમતી ચા – નાસ્તાનો ઓર્ડર આપવાનું સૂચન કરી, વેઇટરને ફુલ એ.સી ચાલુ કરવાનું કહો છો.
મિ. વિવેક મિસ્ત્રી તમારી બિલકુલ સામે બેઠેલો તમારો રફીક ખૂબ જ હિમ્મત એકઠી કરી તમને પૂછે છે કે શેઠ, માફ કરજો પણ મારે તમારી સાથે થોડી વાત કરવી છે અને પૂછવું છે વી.એસ. હોસ્પિટલ આવતા હર વખતની જેમ આજે પણ બન્યું એમ તમે બેબાકળા અને ગભરાટવાળી સ્થિતિમાં કેમ મૂકાઇ જાવ છો. અને તમારી સ્થિતિ લગભગ અસ્વસ્થ અને ચિતાંતુર કેમ બની જાય છે?
મિ. વિવેક મિસ્ત્રી, તમારો ખૂબ જ આજ્ઞાંકિત ડ્રાઇવર રફીકના, અણછાજતા, અણધાર્યા આ પ્રશ્ને લગભગ તમને રડમશ હાલતમાં મૂકી દીધા છે. અને તમારા આવેલ ડૂસકાને ગળી જઇ ધ્રુસ્કે ધુસ્કે રડી પડો છો. અને તમારી આ અસ્વસ્થ સ્થિતિ જોઇને ડ્રાઇવર તમને વોશરૂમમાં લઇ જઇ તમને મોઢું ધોવામાં મદદ કરે છે. અને તમે ધીરે ધીરે સ્વસ્થતા અનુભવતા ખૂબ જ સહજભાવે તમારા ૪૦ વર્ષ પહેલાંના ભૂતકાળમાં સરી પડો છો. ભાઇ રફીકને તમારો આપ્તજન ગણીને તમારી વાત શરૂ કરો છો અને કહો છો કે ભાઇ રફીક, વી.એસ. હોસ્પિટલ સાથે મારો કલંકિત ભૂતકાળ સમાયેલો છે. જે આજ સુધી હું ભૂલી શક્યો નથી. કોઇ વાર રાત્રે પણ એ બની ગયેલો બનાવ પણ મારી સામે આવે છે તો આખી આખી રાત હું સૂઇ શકતો નથી. એ બનાવ મારી હૃદયને કોરી ખાય છે. તો ભાઇ રફીક, ચાલ સાંભળ મારા ભૂતકાળની વાત તને કહું છું.
અને મિ. વિવેક મિસ્ત્રી તમે રફીકને કહો છો કે ભાઇ રફીક, મારું મૂળ નામ વિનુ છે અને તમે કહો છો કે વીસ વર્ષની યુવાનવયે તમે એચ.કે. આર્ટસ કોલેજની બી.એ.ની ડિગ્રી પાસ કરી તમારા હાથમાં માર્કશીટ સાથે આનંદમાં ગરકાવ થઇ, તમારા ઘરે જઇ તમારા માતુશ્રીનાં ચરણસ્પર્શ કરો છો. અને કહો છેા કે મા, આજે મેં ગુજરાત યુનિવર્સિટીની ડિગ્રી પાસ કરી અને એક આશાસ્પદ યુવાનોની યાદીમાં ગોઠવાઇ ગયો છું. મને કોઇપણ સરકારી કે પ્રાઇવેટ નોકરી મળી જશે એટલે મા, તારે હવે પારકાં કામ કરવા નહીં પડે. અને તારો આ વિનુ નોકરી કરતાં કરતાં આગળ ભણવાનું પણ ચાલુ રાખશે. ખૂબ જ તેજસ્વી કારકીર્દી બનાવી એક મોટો પ્રોફેસર બનશે અને અનેક વિદ્યાર્થીઓને શિક્ષા આપવાના ભગીરથ કાર્યમાં જોડાઇ જશે. પછી, મા, આપણા ઘરે સુખના દહાડા ઊગશે અને આપણે મા, એક સરસ મજાનો સંપૂર્ણ સુવિધાવાળો એક નાનકડો ફ્લેટ લઇશું. એક સરસ મજાનો એક નવું પેટીપેક સ્કૂટર લઇ તેના પર બેસાડી દરરોજ મંદિરે દર્શન કરવા લઇ જઇશ. મા, દુઃખના ડુંગરનો કાયમ માટે અંત આવશે, એમ કહી, મિ. વિવેક મિસ્ત્રી, તમે તમારી માને બિલકુલ બાજુમાં આવેલા શંકર ભગવાનના મંદિરે લઇ જઇ તમારી માના હાથે સરસ મજાના પૂજાપાઠ કરાવો છો.
પણ મિ. વિવેક મિસ્ત્રી, તમારો આનંદ, તમારી ધગશ, તમારો ઉત્સાહ બધાનો એક સાથે ભસ્મિભૂત થઇ જઇ, દુઃખના દિવસોમાં પાછા પ્રવેશો છો. એક બેકાર યુવાનોની યાદીમાં ગોઠવાઇ જઇ મેલાં ઘેલાં કપડાં, વધારેલી દાઢી અને તમારી અકલ્પ્ય હાલત અને તમારી મા એ જ પારકાં કામ કરવાની રફતાર તમને ચેનથી સૂવા દેતી નથી. લાગ લગાટ એક વર્ષ સુધી તમને કોઇ સરકારી નોકરી કે પ્રાયવેટ નોકરી ન મળતાં, અને પટાવાળાની નોકરી પણ ન મળતા મિ. વિનુ ઉર્ફે વિવેક મિસ્ત્રી, તમે નિઃસહાય સ્થિતિમાં બેકારીના ખપ્પરમાં હોમાઇ જાવો છો. તમે કઇ પણ સૂધ બૂધ સ્વસ્થતતા કદી પ્રાપ્ત ન થતાં, એ જ મેલાંઘેલાં કપડાંમાં એક દાઢીધારી બેકાર યુવાનની હાજરી સાથે તમારી પથારીમાં રાત દિવસ પડ્યા રહો છો, હા, પડ્યા રહો છો … બસ… શૂન્યમનસ્ક સ્થિતિમાં.
આવી શૂન્યમનસ્ક સ્થિતિમાં મિ. વિવેક મિસ્ત્રી, હા … શૂન્યમનસ્ક સ્થિતિમાં દિવસોના દિવસો બેકારીની હાલતમાં વિતાવો છો ! કે જેણે પોતાના બાપનું પણ મોઢું નથી જોયું એવા મિ. વિવેક મિસ્ત્રી, તમે એક નાસીપાસ યુવાનની યાદીમાં આવી મરવાના વાંકે જીવવાની સ્થિતિમાં બસ … સમય પસાર કરી દુઃખના ડુંગરમાં આળોટો છો. હા .. વિવેક મિસ્ત્રી, દુઃખના ડુંગરમાં આળોટો છો તમે. તમારી આ મૃતઃપાય સ્થિતિમાં તમે દિવસો પસાર કરો છો ત્યાં જ તમારા માતુશ્રી સવિતાબહેન ભયંકર બીમારીમાં સપડાય છે. શ્વાસ લેવાની પણ તકલીફ સાથે ખૂબ જ અશક્ત સ્થિતિમાં પથારીમાં પડ્યા પડ્યા ભયંકર બીમારીમાં પટકાય છે. આ જ સ્થિતિમાં તમે તાબડતોબ વી.એસ. હોસ્પિટલ લઇ જાવ છો અને ઇમરજન્સી વોર્ડમાં લાવો છો. તમારા ખિસ્સામાં એક પણ પૈસાની ગેરહાજરી સાથે, પણ તમારા મજબૂત વીલ પાવર સાથે તમારી માને બચાવવાના ર્ડોકટરોને હાથ જોડી વિનંતી કરો છો. ર્ડોકટરો તાત્કાલિક ઇમરજન્સી વોર્ડના ફરજ પરના ર્ડોકટરો તમારી માની સેવામાં લાગી જાય છે. અને તપાસ કરી જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાતી તમારી માને સ્ત્રીઓના સામાન્ય વોર્ડમાં દાખલ કરી દે છે. એ સાથે જ સેવાધારી ર્ડોકટરોએ તમારી માને બચાવવાના અથાગ પરિશ્રમ સાથે દવાઓનું લાંબું પ્રિસ્ક્રીપ્શન તમને હાથમાં પકડાવી દે છે. કહે છે કે દોસ્ત, આ દવા જલદી લઇ આવ. તારી માને બચાવવી હોય તો, જલદી કર. આ દવાથી તારી મા બચી જશે. તમે વી.એસ. હોસ્પિટલની બાજુમાં આવેલી દવાની દુકાન પર દોડીને પહોંચો છો, તમારા ખિસ્સામાં એક પણ પાઇની ગેરહાજરી સાથે.
મિ.વિનુ ઉર્ફે વિવેક મિસ્ત્રી, તમે દવાની દુકાનમાં અનેક ગ્રાહકોની હાજરી વચ્ચે જલદી જલદી દવાની ચિઠ્ઠી આપી, બધી દવા એકઠી કરાવો છો અને દવાવાળો તમને કોથળીમાં દવા પેક કરી આપી, બીજા ગ્રાહકની દવા અંદર શોધવા જાય છે, અને મિ. વિવેક મિસ્ત્રી, તમે દુકાનદારની નજર ચૂકવી તમારી પેક કરેલ દવાનું બંડલ લઇ તાબડતોબ દોડીને તમારી મા ને બીછાને આવો છો. ર્ડોકટરને કહો છો કે લો સાહેબ, આ બધી દવાઓ લાવ્યો છું, મારી મા ને જલદી બેઠી કરો, સાહેબ, અને મારી માને પહેલાં જેવું જોમ લાવી દો, સાહેબ. ર્ડોકટરોના અથાગ પ્રયત્નો અને એકધારી સેવાથી તમારી મા બચી જાય છે, જીવી જાય છે. ધીરે ધીરે તબીયત સારી થતાં હોસ્પિટલમાંથી પાંચ-છ દિવસ પછી રજા આપતાં, તમારી માને લઇને તમારા તૂટેલા-ફૂટેલા ઘરમાં પ્રવેશ કરો છો. તબીયત સારી થતાં તમારી મા સ્વસ્થ થાય છે અને તમને તમારી માને બચાવવાનો આનંદ સમાતો નથી અને તમે આનંદથી ઝૂમી ઊઠો છો.
મિ. વિનુ ઉર્ફે વિવેક મિસ્ત્રી, તમે આવનારા સમયની ઘટનાઓની ઘટમાળમાં નવા જીવન તરફ પ્રયાણ કરો છો. બેકાર હાલત સાથે પણ તમારા હૃદયની અંદરના જોમ સાથે તમે પાછા એ જ નોકરીની શોધમાં છાપાઓ વાંચવા હંમેશની માફક એમ.જે. લાયબ્રેરીમાં પહોંચો છો. છાપાં વાંચતાં-વાંચતાં, ‘ગુજરાત સમાચાર’માં તમારી નજર પડતાં જાહેરાતમાં માણસો જોઇએ છે-વાળી કોલમમાં તમે વાંચો છો. બિલીમોરિયા એન્ડ સન્સ, નામવાળી કાળુપુર રેલવે સ્ટેશનવાળી દુકાનમાં તમે ઇન્ટરવ્યુ માટે પહોંચો છો. અને તમારા રિઝયુમ લાયકાત વગેરેના કવર સાથે ૮૦ વર્ષના એક પારસી સદ્દગૃહસ્થ તમારો ઇન્ટરવ્યુ લે છે. તેના તરફથી માત્ર બે જ પ્રશ્નોના ઉત્તરમાં જવાબ આપવામાં તમે સફળ થતા તમારી ઉત્કંઠા જોતાં તમારા જવાબમાં નિખાલસતા અને પારદર્શકતા જોતા તમને નોકરી મળી જાય છે. એ મુજબ તમે રૂ. ર૦૦૦/- પગારદાર સાથે નોકરી સહર્ષ સ્વીકારી કાળુપુર સ્ટેશનેથી ચાલતા પહોંચી શકાય એવી રીતે બિલીમોરિયા એન્ડ સન્સની દુકાને જવાનું શરૂ કરો છો. ૮૦ વર્ષના એ સદ્દગૃહસ્થ તમારા આપેલા એ જવાબથી ખુશ થયા હતા કે દોસ્ત, તું શું કામ કરી શકે ? ત્યારે તમે જવાબ આપેલો કે શેઠ તમે કોઇ પણ કામ આપશો એ માટે તૈયાર છું. કારણ કે મારી માને, બહારના પારકાં કામ ઠામ-વાસણ, કપડાં ધોવાનાં કામથી બહાર કાઢવી છે. વાત વાતમાં તમે બોલી ગયેલા કે શેઠ, હું મારી માનો એકનો એક પુત્ર છું, જેણે એના બાપનું મોઢું જોયું નથી. મારા જન્મ પહેલાં શેઠ, મારા બાપા ગુજરી ગયા છે.
મિ. વિવેક મિસ્ત્રી તમારી પરિસ્થિતિનો સચોટ નિર્દેશક કરતાં એ સદ્દગૃહસ્થે તમને તરત જ નોકરીમાં રાખી લીધા. અને નિયમીત સમયસર બિલીમોરિયા એન્ડ સન્સમાં કામ કરતાં આજ્ઞાંકિત નોકરિયાતોની યાદીમાં આવી ગયા. શરૂઆતમાં તમને કોઇ કામ આપવામાં ન આવ્યું. તમને સતત બે-ત્રણ દિવસ સુધી બેસાડી રાખવામાં આવ્યા અને તમે ત્રીજે દિવસે જેવાં દુકાનમાં આવ્યા એવા શેઠને મળી અને કહો છો કે શેઠ આ રીતે સતત બેસી રહેવું મને ન ગમે. હું કામ વગર અણહક્કનો પગાર નહીં લઉ. ત્યારે શેઠે જવાબ આપ્યો કે છોકરા, વિનુ, આજે તું મારી પરીક્ષામાંથી ૧૦૦ ટકા માર્ક લઇને ઉર્તીણ થઇ ગયો હવે કાલથી તને કામ ચિંધીશ. બિલીમોરિયા શેઠે બે-ત્રણ દિવસ સુધી ભાઇ વિનુ તને કામ નહીં આપીને, તારી પરીક્ષા લઇ રહ્યા હતા કે છોકરો ખરેખર તરવળાટવાળો છે કે બેઠાડું છે.
મિ. વિનુ ઉર્ફે વિવેક મિસ્ત્રી, તમારી કામ કરવાની ધગશ, ઉત્કંઠા અને વફાદારી પર શેઠ ખુશ થઇ જતા, લાગલગાટ છ મહિના સુધી સતત કામ કરવાની તમારી સક્ષમતા અને જવાબદારીની સભાનતાથી બિલીમોરિયા શેઠે એક દિવસ બાજુમાં બેસાડીને કહ્યું કે ભાઇ, … વિનુ, તારે હવે આવતી કાલથી આપણી છત્રાલની ફેકટરી પર જવાનું છે. ત્યાં ઉત્પન્ન થતી મશીનરીના ડિસ્પેચમાં તારે ધ્યાન આપી દરરોજના કામની વિગત મને જણાવવાની છે. જોતજોતાંમાં તમારી છ મહિનાની છત્રાલની ફેકટરી પરની તમારી કામગીરીની ક્ષમતા કામગીરીમાં જવાબદારી નિભાવવાની, ઉત્કંઠા, નિયમિતતા અને ચોક્કસપણું વગેરેથી ભારે સંતોષ અનુભવી બિલીમોરિયા શેઠે એક દિવસ આખી ફેકટરીનું સંચાલન તમને સોંપી દીધું. અને કહ્યું કે બેટા વિનુ, અઠવાડિયામાં એક જ દિવસ ફેકટરીમાં આવીશ. બધો જ કારોબાર તને સોંપતા હું આનંદ અનુભવું છું.
જોતજોતાંમાં સમય પસાર થતો ગયો, અને તમે બિલીમોરિયાની અત્યંત વિશ્વાસુ માણસની યાદીમાં આવી ગયા. એટલું જ નહીં પણ તમારી કામ કરવાની ઉત્કંઠા અને જવાબદારી નિભાવવાની ક્ષમતા, ઓછું બોલી ચોખ્ખુંચટ પરફેક્ટ કામ કરવાની તમારી આવડતથી અંજાઇ જઇ બિલીમોરિયા શેઠે તમને એક દિવસ બાજુમાં બેસાડીને કહ્યું કે, ભાઇ વિનુ, તું મારો આખા જગતમાં માત્ર ને માત્ર એક વિશ્વાસુ માણસ છો. અને મારે કોઇ સગાં-વહાલાં કે કોઇ સંબંધી છે જ નહીં. તેથી આ ફેકટરીના કામકાજના સંતોષ સાથે દિન-પ્રતિ દિન મારી ઉંમર વધતી હોવાના સાથે હું એવા નિર્ણય પર આવ્યો છું, આ ફેકટરીનો સંપૂર્ણ સંચાલન તને સોપું છું. આજથી મેનેજીંગ ડિરેકટરની પોષ્ટ તારા હવાલે કરી, આ ફેકટરીનો ભાગીદાર બનાવી, તને આખી ફેકટરીનો કારોબાર સોંપી હું નિવૃત્ત થાઉં છું.
મિ. વિનુ ઉર્ફે વિવેક મિસ્ત્રી, બિલીમોરિયા શેઠના આ નિર્ણયથી મનોમન તમે ઝુમી ઊઠો છો અને તમારામાં આનંદનો કોઇ પાર નથી. જોતજોતાંમાં તમારા સફળ સંચાલનને તમારે ત્યાં બનતી મશીનરી એક્સપોર્ટ કરવામાં તમે આખા ગુજરાતમાં બેસ્ટ એક્ષપોર્ટરનો ખિતાબ મેળવો છો. લગભગ આ ફેકટરીના માલિક તમે સર્વેસર્વા બની જઇ, દરરોજ તમે ઘરે જતાં પહેલાં બિલીમોરિયા શેઠને ફેકટરીનો રિપોર્ટ આપી, તમારા ઘરે પહોંચવાનો નિત્યક્રમ જાળવી રાખો છો.
આ બાજુ બિલીમોરિયા શેઠની તબીયત એક બાજુ દિન-પ્રતિદિન લથડતી જાય છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડતા મિ. વિનુ ઉર્ફે વિવેક મિસ્ત્રી, તમે તેના એકના એક પુત્ર હોય તેવી રીતે શ્રવણના રૂપમાં જવાબદારી નિભાવો છો. બિલીમોરિયા શેઠનું કોઇ જ નજીકનું સગુંવહાલું ન હોઇ ને તેની પત્ની શિરીનની સલાહ લઇ, આખી ફેકટરી તેમ જ કાળુપુર સ્ટેશ્ન પાસેની દુકાન બધી જ સંપત્તિ તમારા નામે કરી નાખી બધાં જ ડોક્યુમેન્ટો તમને સોંપી છેલ્લા શ્વાસ છોડતા પહેલાં શિરીનનો હાથ તમારા હાથમાં સોંપી, કહે છે, ભાઇ વિનુ આજથી આ તારી મા છે. તેના છેલ્લા શ્વાસ સુધી તેનું ધ્યાન રાખી, બેટા, એક દીકરા તરીકેની ફરજ ચૂકતો નહીં. એમ કહી બિલીમોરિયા શેઠ છેલ્લો શ્વાસ છોડે છે અને હંમેશ માટે વિદાય લઇ પરલોક સિધાવે છે.
મિ. વિનુ ઉર્ફે વિવેક મિસ્ત્રી, તમે બિલીમોરિયા શેઠની અંતિમ વિધિ, દાનધર્મ વગેરે કરી, બિલીમોરિયા શેઠની ઇચ્છા મુજબ તમારી બીજી મા શિરીનને તમારી પોતાની મા સવિતાબહેનની જેટલી જ કાળજી લઇ, નવી જીવન યાત્રા તરફ પ્રયાણ કરો છો. સમય પૂરપાટ ઝડપે પસાર થતો જાય છે. એક વખત તમારી બીજી માતા શિરીન ગંભીર માંદગીમાં પટકાય છે. તમે હોસ્પિટલમાં દાખલ કરી તેને જીવાડવાના અથાત પ્રયોગ તો કરો છો. છતાં કામયાબ થતા નથી. અને છેલ્લા શ્વાસ છોડતાં છોડતાં શિરીન તમારા હાથમાં હાથ મૂકી કહે છે કે બેટા, તું ખૂબ ખૂબ સુખી થાજે અને તારા શેઠ બિલીમોરિયા શેઠનું નામ ઉજાળજે. તમારી બીજી મા શિરીન છેલ્લો શ્વાસ છોડી પરલોક સિધાવે છે, અને તમે તેની અંતિમ વિધિ કરી તેનું રુણ ચૂકવો છો. અને પછી તમે નવી આવનારી ઘટનાઓની ઘટમાળમાં ગોઠવાઇ જાવ છો.
મિ. વિનુ ઉર્ફે વિવેક મિસ્ત્રી, તમે હવે ગુજરાતની અગ્રગણ્ય યાદીમાં આવી જાવ છો. આશરે ર૦૦ મજૂરોને રોજી આપતી તમારી ફેકટરીનું સંચાલન અને કાળુપુર પરની દુકાનનો સંચાલન સાથે અનેક નવયુવાનોને તેમની લાયકાત મુજબ એક નવો ટીમ સ્પિરીટ ઊભો કરી, એક પ્રાઇવેટ લિમિટેડવાળી કંપની બનાવી, બધા જ અગ્રગણ્ય સાથીદારોને કંપનીના શેર હોલ્ડર બનાવી, તમે એક ઉદ્યોગપતિ હોવાં છતાં, સમાજવાદી વિચાર સાથે સદ્દભાવ અને સમરસતાના ક્યારા ઊગાડી, દરેક સાથીદારને સરખા હિસ્સાના ભાગીદાર બનાવો છો. અને તે રીતે તમારી ફેકટરીનું સફળ સંચાલન કરતાં કરતાં અમદાવાદના તમારા રૂટિન કામ પતાવી, તમે તમારી ફેકટરી પર છત્રાલ તરફ જવાનો સિલસિલો ચાલુ રાખો છો.
એ જ રીતે આજે, તમે અમદાવાદથી છત્રાલ તરફ જતા ડ્રાઇવર રફીકને તમારો ભૂતકાળનો રોમાંચક ઇતિહાસ એ જ રેસ્ટોરન્ટમાં બેસીને તેને સંપૂર્ણપણે વાકેફ કરી થોડા હળવા થાવ છો. તમારો ડ્રાઇવર રફીક તમારી વાતથી પ્રભાવિત થઇ રોમાંચ અનુભવતા એક આપ્તજન હોવાના નાતે, તમારા જૂનાં સંસ્મરણો અને તમારી જીવનયાત્રાથી ખુશ થાય છે. અને તમને નમ્ર વિનંતી સાથે એક અપીલ કરે છે કે શેઠ, આ બધી વાત સાંભળી, હું ખરેખર રોમાંચ અનુભવું છું. પણ ૪૦ વર્ષ પહેલાં જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાતી મા સારુ વી.એસ. હોસ્પિટલના સામે આવેલા સ્ટોર પર આપેલી દવાનું બીલ નહીં ચૂકવીને, તમારા કલંકિત ભૂતકાળને લઇને તમે સંજોગોના ગુલામ હતા, તે વાતથી તમે રાતોના રાતો સૂઇ શક્તા નહોતા, તે વાતને આપણે હંમેશને માટે કેમ ભૂંસાડી ન શકીએ, શેઠ ?
અને વિવેક મિસ્ત્રી તમે ડ્રાઇવરની વાતથી અંજાઇને તમારા ડ્રાઇવર રફીકને પૂછો છો કે ભાઇ .. રફીક, આપણે આ કલંકિત ઇતિહાસને ભૂંસાડવા શું કરવું જોઇએ ? રફીક તેને સલાહ આપે છે કે શેઠ, આપણે ફેકટરી પર જવાનું ભલે મોડું થતું, પણ આપણે અત્યારે જ વી.એસ. હોસ્પિટલ તરફ પાછા જઇ, એ જ મેડિકલ સ્ટોર્સમાં, જે ૪૦ વર્ષ પહેલાંના બાકી પૈસા જેટલા હોય એટલા રોકડા આપી, અને તમારા જેવાં અનેક જરૂરિયાતવાળા સંજોગોના ગુલામ કદી ન બને એવા અસંખ્ય લોકોને, શેઠ, તમારા તરફથી મફત દવા મળે તેવું લાંબાગાળાનું આયોજન કેમ ન કરી શકીએ, શેઠ? ડ્રાઇવરની આ વાતથી પ્રભાવિત થઇ સાબરમતીથી આશ્રમ રોડ તરફ, તમારી ઓડી ગાડીમાં બેસી તમે વી.એસ. હોસ્પિટલ તરફ પહોંચો છો. અને ૪૦ વર્ષ પહેલાંના કલંકિત ભૂતકાળને ભૂંસવા માટે એક હાથમાં રૂપિયા ૧,૫૦૦/-ની નોટ રાખી મેડિકલ સ્ટોર્સમાં પહોંચો છો. અને મેડિકલ સ્ટોર્સમાં ૪૦ વર્ષ પહેલાંનો તમારી માના દવાના બીલના પૈસા ન ચૂકવવવાની વાત, ત્યાં હાજર રહેલા મેડિકલ સ્ટોર્સના માલિક સાથે વાત કરો છો, અને ધ્રુસકે ધ્રુસકે રડો છો. મેડિકલ સ્ટોર્સ પરના બધા જ લોકોને આ બીનાથી અચરજ થાય છે. ૪૦ વર્ષ પહેલાંનું કોઇ જ માણસ હાજર નથી, અને બધા જ નવા માલિકો છે. બધા નવા માણસો છે. અને આવા અસંખ્ય જરૂરિયાતવાળાને મફત દવા મળે તેનું આયોજન કરી, તેમનો સહકાર માંગી તમારા બિલીમોરિયા શેઠના નામે નવો મેડિકલ સ્ટોર્સ ઊભો કરી, મફત દવા આપવાનું આયોજન કરી, એક દવાનું પરબ શરૂ કરવાનો આયોજન કરી તેમના હાથમાં એક કરોડના ચેક મૂકી, તેમનો સહકાર માંગવાની અપીલ કરો છો.
અને એક સહૃદયી મિટિંગ કરી અડધી કલાક બેસી દવાનું પરબ કરવાનો આયોજનના મંડાણ કરો છો. મેડિકલ સ્ટોર્સના માલિકોએ આ અંગે સંપૂર્ણ સહકારની ખાતરી આપતાં તમે ધન્ય ધન્ય અનુભવો છો. માનવતાના આ મહાયજ્ઞમાં તમે અમદાવાદના આંગણે એક નવું વાતાવરણ સર્જી અને દવાની પરબ સ્થાપવાનો વિક્રમ સ્થાપો છો. અને તમારી ફેકટરી પર છત્રાલ જતાં મેડિકલ સ્ટોર્સના માલિકને હજુ પણ કોઇ બીજા પૈસાની જરૂર હોય, તો વિના સંકોચે મારી પાસે માંગજો, હું ગમે તેટલા પૈસા આપવા તૈયાર છું, એમ કહી તમે તમારી ફેકટરીનું વિઝિટીંગ કાર્ડ, ટેલિફોન નંબર વગેરે મેડિકલ સ્ટોર્સના માલિકને સુપત્ર કરી, ફરી પાછા તમારા ડ્રાઇવર રફીક સાથે તમારી લકઝુરિયસ ઓડી ગાડીમાં છત્રાલ તરફ પ્રયાણ કરો છો.
જોતજોતામાં, વી.એસ. હોસ્પિટલની બાજુમાં આવેલા ખુલ્લા પ્લોટમાં એક સરસ મજાનો મેડિકલ સ્ટોર્સ થાય છે, વીસ માણસોના સ્ટાફ સાથે દવાના પૂરા સ્ટોક સાથે સંપૂર્ણ સુવિધાવાળો મેડિકલ સ્ટોર્સ થાય છે જેના પર બિલીમોરિયા શેઠનું દવાનું પરબના લાગેલા બોર્ડ સાથે એની ઉદ્દઘાટન વિધિ થાય છે. વિવેક મિસ્ત્રી, મેડિકલ સ્ટોર્સના માલિકોના સહકાર સાથે તમારા ઉમદા દાન સાથે, એક દિવસ તમારે હાથેથી રીબન કાપી તેનું ઉદ્દઘાટન થાય છે.
અસંખ્ય જરૂરિયાતવાળા અમદાવાદના વસાહતીઓને મફત દવા મળવાનું માનવતાનો મહાયજ્ઞ શરૂ થાય છે. અને તે સાથે અમદાવાદના તમામ દૈનિક સમાચારોએ મોટા મથાળા સાથે અમદાવાદમાં માનવતાનો મહાયજ્ઞ બિલીમોરિયા શેઠના દવાનું પર બની હેડ લાઇન સાથે નોંધ લેવાય છે. અનેક જરૂરિયાવાળાને, અસંખ્ય જરૂરિયાતવાળાને મફત દવા મળવાનું પ્રારંભ થાય છે અને તમે મિ. વિવેક મિસ્ત્રી, આ દવાનું પરબ ચલાવવા જેટલા પૈસાની જરૂર હોય તેટલા પૈસાની ઓફર આ દવાનું પરબ ચલાવતા સંચાલકોને આપો છો. અમદાવાદના આંગણે મફત દવા મળવાના દવાના પરબ સ્થાપવાના કાર્યમાં યશભાગી બનો છો. તમને આ આયોજન પાછળનું સોનેરી સલાહ આપનાર ભાઇ રફીકને તમારી બિલકુલ બાજુમાં સંપૂર્ણ સુવિધાવાળો ફ્લેટ અપાવી ભાઇચારાનો એક નવો મિસાલ સ્થાપો છો. તમે તમારા આપ્તજન સમા રફીક સાથે દરરોજ તમારી એક ઓડી ગાડીમાં છત્રાલ ફેકટરી પર પહોંચવાનો નિત્યક્રમ ચાલુ રાખો છો. અને સાથેસાથે કાળુપુર સ્ટેશન પર ચાલતી દુકાન બિલીમોરિયા એન્ડ સન્સની પેઢીમાં ત્યાં કામ કરતાં બધા જ વફાદાર સાથીદારોને એ દુકાનનો વહીવટ સોંપી, કાયદેસર રીતે તેમાંથી તમારી જાતને અળગી કરી, આ દુકાનનો વહીવટ એ લોકોને હવાલે કરો છો. અને તમે એવી સૂચના આપીને તમે ત્યાંથી વિદાય લો છો કે દોસ્તો, આપણા બિલીમોરિયા શેઠનું નામ ઉજાળજો અને સફળ સંચાલન કરી બધા જ મિત્રો સરખા હિસ્સે નફો વેચવાનું ચાલુ રાખશો.
આજે આ દુકાનનો વહીવટ તમને સોંપી હું સંપૂર્ણપણે નિવૃત્ત થાઉં છું અને ક્યારે ય પણ મારી સલાહ સૂચનાની જરૂર હોય તો મને જરૂર મળજો, એવી શુભેચ્છાઓ આપી, તમે ઘર તરફ પ્રયાણ કરો છો. અમદાવાદને આંગણે થયેલા માનવતાના આ યજ્ઞમાં અમદાવાદની જીવનયાત્રામાં દવાનું પરબ કરી તમે એક નવું યશકલગીનું છોગું ઊગાડો છો. આ વિક્રમ સજર્ક બનાવતી, આખા અમદાવાદામાં એક માનવતાનો યજ્ઞનો સંચાર થતાં અમદાવાદમાં એક ઉષ્માભર્યા અજવાળાનો ઉદય થાય છે. મિ. વિવેક મિસ્ત્રી, તમારા કલંકિત ભૂતકાળને હંમેશને માટે મીટાવી દઇ, અસંખ્ય વિનુઓ સંજોગોવસાત દવાના વાંકે કલંકિત કારકિર્દી ન બનાવે, તેની વ્યવસ્થા કરી, એક ઉમદા કૃત્ય કરી ઊંચેરું સ્થાન મેળવી જાવ છો, મિ. વિવેક મિસ્ત્રી.
આ સાથે અમદાવાદની જીવનયાત્રામાં અગાઉ પાણી પરનાં પરબો અને પુસ્તકનાં પરબો અસંખ્ય હોવાના દાખલા સાથે આજે અમદાવાદમાં દવાના પરબની સ્થાપ્ના તમારા યોગદાનથી શરૂ થતાં અમદાવાદની જીવનયાત્રામાં એક અનેરા માનવતાના સફરનો સંચાર થાય છે.
મિ. વિવેક મિસ્ત્રી, સલામ …… તમારી પશ્ચાતાપરૂપે સર્જનાત્મક યોગદાન આપી માનવતાના યજ્ઞને દવાના પરબ થકી સ્થાપવા માટે, સલામ ….. મિ. વિવેક મિસ્ત્રી …. તમને સલામ…. અને મિ. વિવેક મિસ્ત્રી, સલામ તમારા પેલા આજ્ઞાંકિત આપ્તજન સમા ડ્રાઇવર રફીકને પણ સલામ. અને મિ. વિવેક મિસ્ત્રી, સલામ તમારી ત્યાગવૃતિ, નિખાલસતા અને પારદર્શકતાને સલામ. મિ. વિવેક મિસ્ત્રી, કાળુપુરની બિલીમોરિયા એન્ડ સન્સની પેઢીને, ત્યાં કામ કરતાં સાથીદારોને સોંપીને તમારી ત્યાગ ભાવનાને સલામ .. તમારી સમાજવાદી વિચારધારાને સલામ. મિ. વિવેક મિસ્ત્રી, તમારી જીવનયાત્રાને સલામ ..
હા ! પસ્તાવો વિપુલ ઝરણું, સ્વર્ગથી ઊતર્યું છે,
પાપી તેમાં ડૂબકી દઇને પુણ્યશાળી બને છે.
e.mail : koza7024@gmail.com