અભિજિત વ્યાસે ‘વિનિપાત’ (નિ. ૧૬/૧) એ સંવેદનનોંધમાં એક વરિષ્ઠ ગુજરાતી સાહિત્યકારનાં પૌત્રીએ પોતાના દાદાનું પોતે કશું જ નહીં વાંચ્યાનો એકરાર નોંધ્યો હતો. પૌત્રીની કેફિયત એ હતી કે પોતે અંગ્રેજી માધ્યમમાં ભણી હોઈ ગુજરાતી વાંચતાં આવડતું જ નથી. આ નોંધ વાંચીને મળેલ પ્રતિભાવો પૈકી એક મુંબઈ સ્થિત જશવંત મહેતાનો પણ હતો. તેઓ મુંબઈની શાળાઓમાં ગુજરાતી (અને ગુજરાતીમાં) ભણાવાય તે માટેની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે. તરતમાં એક ઓર માતૃભાષા દિવસ (ફેબ્રુઆરી ૨૧) આવશે એ જોગાનુજોગના ઉલ્લેખ સાથે આ લખાણ પ્રગટ કરતી વખતે ગુજરાતના સંદર્ભમાં એ એક વિગતની નોંધ આનંદ (અને અપેક્ષા) સાથે લેવી જોઈએ કે લાંબી હિલચાલ પછી ૨૦૧૮-૧૯થી રાજ્ય સરકારે પહેલી-બીજીમાં ગુજરાતનો વિષય અનિવાર્ય લેખ્યો છે અને ધોરણ ૩ થી ૮માં પણ તે રીતે તબક્કાવાર આગળ વધવાની સત્તાવાર જાહેરાત કરી છે. ગુજરાતી સિવાયનાં માધ્યમમાં ભણનાર હર કોઈ માટે, પછી તે સેન્ટ્રલ બોર્ડ ઑફ સેકન્ડરી એજ્યુકેશન હોય કે ઈન્ડિયન સર્ટિફિકેટ ઑફ સેકન્ડરી એજ્યુકેશન અગર તો ઈન્ટરનૅશનલ જનરલ સર્ટિફિકેટ ઑફ સેકન્ડરી એજ્યુકેશન હોય, આ લાગુ પડે છે. જો કે, ગુજરાતી માધ્યમ વાસ્તે પ્રજાસૂય પ્રતિબદ્ધતા અને રાજકીય સંકલ્પશક્તિની દૃષ્ટિએ હજુ ઘણું બધું કરવું રહે છે.
— તંત્રી, “નિરીક્ષક”
હાલમાં નવી શિક્ષણનીતિમાં સ્કૂલશિક્ષણમાં મોટા પાયે ફેરફારોની જાહેરાત કેન્દ્ર સરકાર દ્વારા થઈ છે અને સ્કૂલ શિક્ષણના નવા માળખા પ્રમાણે પાંચમા ધોરણ સુધી માતૃભાષા કે સ્થાનિક ભાષામાં ભણાવવામાં આવશે. આ ફેરફાર ખૂબ જરૂરી અને આવકારદાયક છે અને કેન્દ્ર સરકાર અભિનંદનને પાત્ર છે. માતૃભાષાની બદલે અંગ્રેજીમાં ભણાવવાનું પહેલા ધોરણથી એસ.એસ.સી. સુધી તો સામાન્ય થઈ ગયું હતું પરંતુ ધીરેધીરે કરતાં નર્સરી અને છેલ્લે હવે તો પ્લે ગ્રૂપનાં ભૂલકાંઓને પણ અંગ્રેજીમાં જ બોલવાનું ફરજિયાત થઈ ગયું હતું અને આ પરિસ્થિતિમાં સમય જતાં આખા ભારતભરમાં માતૃભાષા લુપ્ત થઈ જવાની પૂરેપુરી શક્યતા ઊભી થઈ છે.
બાળકોને શરૂઆતનાં વર્ષોમાં માતૃભાષાથી જ લખવાવાંચવા અને તેના ફાયદા વિષે વૈશ્વિક અભ્યાસો જણાવે છે કે “બાળકોએ સૌથી પહેલું માતૃભાષામાં જ લખતાં વાંચતાં શીખવું જોઈએ. એક વાર તેઓ એક મિનિટમાં ૪૫-૬૦ શબ્દો ઝડપથી વાંચતા થઈ જાય ત્યારે જ તેઓ જે વાંચતાં હોય એનો અર્થ સમજી શકે છે. આટલી ઝડપે પહોંચવું માતૃભાષામાં જ બહુ સહેલું છે. એટલી ઝડપ એક વાર આવી જાય, પછી ભાષા શીખવી બહુ સરળ બની જાય છે. એ પહેલાં અંગ્રેજી કે બીજી કોઈ ભાષા શીખવવામાં આવે, તો બાળકને માટે પોતાની માતૃભાષામાં ઝડપથી વાંચવું બહુ અઘરું બની જાય છે.”
એક સમયે (૧૯૬૫-’૭૦ પૂર્વે) ગુજરાતી માધ્યમની અગ્રગણ્ય ગણાતી શાળાઓમાં અંગ્રેજી શીખવવા માટે વિશેષ ધ્યાન આપવામાં આવતું હતું. બાઈ કબીબાઈ હાઇસ્કૂલ (મુંબઈ) કે જ્યાં મેં અભ્યાસ કર્યો હતો, ત્યાં અમારા સમયે (૧૯૫૭માં S.S.C.E. પરીક્ષા પાસ કરી હતી). અંગ્રેજી ૭મા ધોરણથી ભણાવવાની શરૂઆત થતી હતી તે વખતે મેટ્રિક(S.S.C.E.)ની પરીક્ષા ૧૧મા ધોરણ પછી લેવાતી હતી પણ તે સમયે અમારી સ્કૂલમાં અંગ્રેજી ભાષાના શિક્ષણ અને વ્યાકરણ પર ખૂબ જ ધ્યાન આપવામાં આવતું હતું. WREN & MARTINનું વ્યાકરણનું પુસ્તક અને પાઠમાળા અંગ્રેજી શીખવા માટે ઘણાં ઉપયોગી હતાં અને અમે જ્યારે કૉલેજમાં પ્રવેશ કર્યો, ત્યારે કૉલેજમાં અંગેજી માધ્યમ હોવા છતાં અમે કોઈ મુશ્કેલી નહોતી અનુભવી. ધીરે-ધીરે આ બધી શાળાઓમાં અંગ્રેજીનું ધોરણ કથળતું ગયું અને કૉલેજોમાં અંગ્રેજી માધ્યમ હોવાથી ગુજરાતી વાલીઓ પોતાનાં સંતાનોને અંગ્રેજી માધ્યમની શાળાઓમાં મોકલતાં થયાં અને વખત જતાં આ ગુજરાતી માધ્યમની અગ્રગણ્ય ગણાતી શાળાઓનું અંગ્રેજી માધ્યમમાં પરિવર્તન થઈ ગયું. એ તો નિઃશંક છે કે માતૃભાષામાં સ્કૂલ કક્ષાએ શિક્ષણ લેવું વિદ્યાર્થી માટે ઉત્તમ છે. આજે એસ.એસ.સી.નો અભ્યાસક્રમ ૧૦ વર્ષનો હોવાથી જો, અંગ્રેજી ૫માં ધોરણથી શીખવવામાં આવે અને ૬ કે ૭ વર્ષ અંગ્રેજીનું શિક્ષણ વ્યવસ્થિત રીતે આપવામાં આવે, તો કૉલેજમાં અંગ્રેજી માધ્યમમાં વિદ્યાર્થીને શીખતી વખતે તકલીફ ન પડે, તેવું મારું માનવું છે.
ગુજરાતી મા-બાપ કહેતાં હોય છે : "રું બાળક ગુજરાતી તો બોલે જ છે, પછી સ્કૂલમાં પણ એ શીખવવાની શી જરૂર છે? એને બદલે અંગ્રેજી ના શીખવીએ !” આ તર્ક આમ તો અકાટ્ય લાગે, પણ એ ભૂલભરેલો છે. એને બદલે એક વાર બાળક ગુજરાતી સારું શીખી જાય પછી અંગ્રેજી પર પ્રભુત્વ મેળવવું પણ એને માટે એકદમ સહેલું થઈ જાય છે. એટલે પ્રશ્ન ગુજરાતી વિરુદ્ધ અંગ્રેજીનો નથી. ઊલટું, સારું ગુજરાતી એ સારા અંગ્રેજી માટેનો મજબૂત પાયો બનાવે છે. આ સત્ય ગુજરાતી ભાષાની જેમ દેશની દરેક સ્થાનિક ભાષા – જેમ કે હિન્દી, મરાઠી, બંગાળી વગેરેને લાગુ પડે છે. વિશ્વભરમાં કદાચ ભારત એક જ એવો દેશ હશે કે જ્યાં સ્થાનિક ભાષાઓ પૂર્ણ રીતે વિકસેલી અને સમૃદ્ધ હોવા છતાં પણ બાળકોને તેમના પાયાના શિક્ષણની શરૂઆત અન્ય દેશની પરદેશી ભાષા દ્વારા ફરજિયાત બની ગઈ છે.
આપણી માતૃભાષામાં જે સંવેદનશીલતા કે મીઠાશ છે અને જે શબ્દોની સમૃદ્ધિ છે, તે અંગ્રેજી કરતાં નિઃશંક ખૂબ જ ચડિયાતી છે. અંગ્રેજીમાં કાકા-કાકી કે મામા-મામી કે માસા-માસી બધાં માટે ફક્ત Uncle અને Auntie છે, તેવી રીતે દાદા-દાદી કે નાનાં-નાની માટે Grand Father અને Grand Mother છે. આપણે આપણા નામકરણથી જ આપણા સંબંધોને આગવીકરણ આપ્યું છે. આપણી સંસ્કૃતિ છોડશું, તો આપણે ઘણું ગુમાવશું.
કમનસીબે આજે એવો સમય આવ્યો છે કે બૃહદ્ મુંબઈમાં ગુજરાતી માધ્યમની એક સમયે અગ્રગણ્ય ગણાતી શાળાઓમાં, મોટા ભાગની શાળાઓમાં ગુજરાતી એક ભાષા તરીકે કે સેકન્ડ લૅગ્વેજ તરીકે પણ હવે શીખવવામાં આવતી નથી. ગુજરાતી સમાજ દ્વારા સંચાલિત અને જ્યાં મોટા ભાગના વિદ્યાર્થીઓની માતૃભાષા પણ ગુજરાતી છે, ત્યાં આપણા વિદ્યાર્થીઓ માતૃભાષાના જ્ઞાનથી સંપૂર્ણપણે વંચિત રહે તે આપણા સમાજની કમનસીબી (કે નાલેશી !) છે. આ બધી અંગ્રેજી માધ્યમની શાળાઓમાં અંગ્રેજી ઉપરાંત હિન્દી, મરાઠી અને એક સેકન્ડ લૅંગ્વેજ તરીકે ફ્રૅન્ચ પણ આપણા વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે છે, પણ તેઓ માતૃભાષાનો કક્કો પણ શીખવા પામતા નથી.
આ સંદર્ભમાં કેન્દ્ર સરકારે જાહેર કરેલી પૉલિસી માટે સૌએ એક થઈને આ નિર્ણયને સમર્થન આપવાની જરૂર છે.
બી-૧૪૫/૧૪૬, મિત્તલ ટાવર, નરીમન પૉઇન્ટ, મુંબઈ – ૪૦૦ ૦૨૧
Email: jashwant@theemerald.com
સૌજન્ય : “નિરીક્ષક”, 16 ફેબ્રુઆરી 2021; પૃ. 12