અનેક કોરોનાની કરપીણ કરચો
ઝંઝાવાતમાં ચકારાય
પણ અદૃશ્ય
લે કોઈને ય ભીંસમાં
ના એને નાતજાતના ભેદભાવ !
એ
રાત્રિએ નિંદરમાં ઘેનમાં
મેં જોયો
અસંખ્ય પગનો રેલો
નીરવ મારગે વહેતો
ભૂખ, તાપ, તરસ, ડર ને નિસાસાને
મૂઠીમાં બાંધી વહેતો, રહેતો ..
સૂની શેરીઓને વાળતા
ચોખ્ખા કરતા, સાવરણા જોયા,
ને નમેલાં પર્ણો જેવી પાંપણ પર
થરકતો થાક જોયો
જોયા સફેદ લિબાસમાં
માસ્ક પહેરીને હરફર કરતા …
જાણે ફરિસ્તાનો ફરફરતો હાથ ને ઝભ્ભો
ના જંપ
આ લૉક ડાઉનમાં આ લોકને !
ને બારી બહાર જોઉં છું તો
અદૃશ્ય થઈ જતાં
મધમાખીઓનાં ઊડતાં ઝૂંડ જેવા
કોરોના વાઇરસ
નિંદરમાંથી ઝબકી ગયા પછી
હજુ એના ઓથારમાં આંખ
ના બિડાય
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 09 મે 2020