ડેલ્ટા વેરિયન્ટ પરનો લેખ લખ્યા પછી એવી આશા હતી કે હવે આવા કંટાળાજનક લેખ વધુ નહીં લખવા પડે, અને ‘કાવ્યશાસ્ત્ર વિનોદેન’ સમય પસાર કરી શકાશે. પણ માણસજાત ખરેખર બુદ્ધિહીન, હાસ્યાસ્પદ અને દયાજનક બની ગઈ છે. પહેલાં માઇક્રોસ્કોપમાં જોઈને ડરવાનું શીખી અને હવે જીન સિક્વન્સ કરીકરીને છળી મરે છે.
મીડિયાએ ત્રીજી (ઓમિક્રોનની) લહેર જાહેર કરી દીધી છે. જ્યારે ઓમિક્રોનની વાતો શરૂ થઈ ત્યારથી એ ડેલ્ટા કરતાં ત્રણ ચાર ગણો વધુ ચેપી છે એ વાતને બિહામણી રીતે રજૂ કરવામાં આવી. જેટલા પ્રમાણમાં ચેપી હશે તેટલા પ્રમાણમાં જ હળવો પણ હશે, એ મૂળભૂત વાત કોઈ કરતું જ નથી.
મારા ડેલ્ટા પરના લેખમાં લખ્યું હતું :
‘વધારે CFR વાયરસના ફેલાવાની તકો ઓછી કરતો હોવાથી તેની reproductive fitness અને તેથી survival probability ઘટાડે છે. ટૂંકમાં, CFR અને Rnumber એકબીજાથી વ્યસ્ત પ્રમાણમાં જ ચાલી શકે. આમાં અપવાદ શક્ય નથી. હળવો રોગ પેદા કરનાર વેરિયન્ટ જ વધુ ફેલાઈ શકે. અથવા, વેરિયન્ટ જેટલો ઘાતક તેટલો ઓછો ફેલાય.’
આ વાતનું થોડું વધુ પૃથક્કરણ કરી શકાય. વાઇરસનું ચેપીપણું અને ઘાતકતા એ બે પાસાં લઈએ તો ચાર શક્યતા બને. એક – વધુ ચેપી, વધુ ઘાતક (ઊંચો Rnumber અને ઊંચો CFR); બે – વધુ ચેપી, ઓછો ઘાતક (ઊંચો Rnumber અને નીચો CFR); ત્રણ – ઓછો ચેપી, વધુ ઘાતક (નીચો Rnumber અને ઊંચો CFR); અને ચાર –ઓછો ચેપી, ઓછો ઘાતક (નીચો Rnumber અને નીચો CFR).
ગયા લેખમાં દર્શાવ્યું હતું કે ઉપરમાંથી પહેલો વિકલ્પ – વધુ ચેપી, વધુ ઘાતક (ઊંચો Rnumber અને ઊંચો CFR) શક્ય નથી, પણ બાકીના ત્રણેય શક્ય છે. અવતરણમાંની એ વાત કે ‘CFR અને Rnumber એકબીજાથી વ્યસ્ત પ્રમાણમાં જ ચાલી શકે’ સંપૂર્ણપણે સાચી નથી. વિકલ્પ ચાર – ઓછો ચેપી, ઓછો ઘાતક (નીચો Rnumber અને નીચો CFR) વાઇરસ ચોક્કસ હોઈ શકે, પણ એ સામે આપણને કોઈ વાંધો ન હોય.
ટૂંકમાં, વધુ ઘાતકતા, ઓછા ચેપીપણા અને વધુ ચેપીપણું ઓછી ઘાતકતા સાથે જ શક્ય છે. જો epidemiologyના ગ્રંથોમાં ન આપ્યો હોય, તો તેના એક મૂળભૂત ‘જાગૃતભાઈના સિદ્ધાંત’ તરીકે ઉમેરવો જરૂરી છે. બિલકુલ ટેક્નિકલ અને સાદા ગણિત પર આધારિત છે.
ઓમિક્રોન ડેલ્ટા કરતાં ચાર ગણો વધુ ચેપી છે, એમ વાત આવી ત્યારે મારી સ્વાભાવિક પ્રતિક્રિયા એ જ હતી – સરસ ! પણ લોકોને એમાં પરપીડનવૃત્તિનો ભાસ થાય છે. એમાં શું સારું છે ? વળી, મીડિયાવાળા શોધી લાવ્યા કે ડેલ્ટામાં બે મ્યુટેશન હતાં, જ્યારે આમાં તો ત્રીસ બાઁબ છે! કેટલો ખતરનાક! જાણે કોઈ આતંકવાદી પાસે બે ને બદલે ત્રીસ હોય! સમજાવતાં અઘરું પડે કે મ્યુટેશનની સંખ્યા અને ખતરનાકપણાને કોઈ સંબંધ નથી. પછી એમ કહ્યું, ‘વધારે ડિગ્રીવાળો વધુ હોશિયાર હોય એમ જરૂરી ખરું ?’ એમાં બધાનો મત સ્પષ્ટ હતો – બિલકુલ નહીં. ઊલટાનું વધુ ડિગ્રીવાળાની હોશિયારી પર શંકા ઊપજે. બસ,ઓમિક્રોનનું એમ જ સમજો.
વાઇરસનો કોઈ વેરિયન્ટ વધુ ચેપીપણા સાથે ઓછી ઘાતકતાથી ફેલાય એ સાચી દિશાનું હકારાત્મક અનુકૂલન (positive adaptation) છે. રોગચાળો હળવો થવાની દિશામાં જઈ રહ્યો છે. અત્યારે મોટા ભાગના કોવિડ કેસ ઓમિક્રોનના જ છે. ઓમિક્રોન કેસની જે સંખ્યા જાહેર થાય છે, તે ધ્યાનમાં લેવાની જરૂર નથી, કારણ કે ખૂબ ઓછા કેસ જીન સિક્વન્સિંગ માટે જાય છે, પણ જે જાય છે, એમાંના મોટા ભાગના ઓમિક્રોન જ નીકળે છે.
ટેક્નિકલી કહીએ તો ‘Omicron has overtaken Delta in the population’. મોટા ભાગનાં રિસોર્ટ, ગેસ્ટહાઉસ અને ખાલી ઘરોની ચાવી મેળવીને ઘૂસી ગયો છે, એ આનંદના સમાચાર છે. ઓમિક્રોનનો રોગ ડેલ્ટા કરતાં ચાર ગણાંથી પણ વધુ હળવો છે. શ્વસનતંત્રના ઉપરના ભાગમાં (upper respiratory tract) જ એ મુખ્યત્વે નવી પેઢીઓ પેદા કરે છે અને ફેફસાં સુધી લાંબો થતો નથી. ગંભીર ન્યૂમોનિયા કે ઑક્સિજનની જરૂરિયાત ખાસ પેદા થતી નથી. જોખમ ઘણું ઓછું છે – શૂન્ય નથી.
આ બધામાં રસીકરણની જે ઝુંબેશ ચાલે છે તેની અસર શું? મધ્યમગાળે પણ – આવતાં વીસપચ્ચીસ વર્ષોમાં – જોખમી પરિણામો હવે દેખાય છે. વધુ ટેક્નીકલ મુદ્દાઓ સાથે એક ઓર બોરિંગ લેખ એ માટે લખવો પડશે!
કેસની સંખ્યા ખૂબ ઝડપથી ઉપર જશે અને તે જ રીતે નીચે પણ આવશે. પણ આ સંજોગોમાં ‘કોવિડ કેસ’ કોને કહેવો તેની વ્યાખ્યા સુધારવાની ખાસ જરૂર છે. બધા પૉઝિટિવ RT PCRવાળાને ‘કેસ’ ગણવા એ હવે બિનજરૂરી છે. શરીરમાં વાઇરસ હોવો અને કોવિડ હોવો બે અલગ વસ્તુ છે. Epidemiologist ગિરધર આર. બાબુ (ટાઇમ્સ ઑફ ઇન્ડિયા, ૮/૧/૨૨) એ જ સૂચન કરી રહ્યા છે. ૧૯૮૦ના દાયકામાં દરેક HIV પૉઝિટિવને એઈડ્સનો કેસ ગણવામાં આવતો હતો. સમય જતાં ખબર પડી કે ઘણા બધા HIV પોઝિટિવ લોકોને full-blown એઈડ્સ થતો જ નથી. એ પ્રમાણે વ્યાખ્યાને વખતોવખત સુધારવામાં આવી છે.
આ વખતે એ સારું છે કે ટી.વી. પર દેખાતા મોટા ભાગના ડૉક્ટરો એ વાત ખાસ જણાવી રહ્યા છે કે ઓમિક્રોનથી થતો રોગ ક્લિનિકલી ઘણો હળવો દેખાય છે. અને મેં આગળ લેખોમાં (‘પેરસીટમોલ’ વગેરે …) લખ્યા મુજબ જો આ હળવાં એક્યુટ લક્ષણો સાથે બિનજરૂરી છેડછાડ ન કરવામાં આવે, તો હોસ્પિટલો ઉભરાઈ જાય, ઑક્સિજન માટે લોકો દોડાદોડ કરતા હોય કે રાતદિવસ સ્મશાનગૃહ કામ કરતાં હોય એવી કોઈ પરિસ્થિતિ ઊભી થાય એમ નથી.
ટૂંકમાં, ઓમિક્રોન આ રોગચાળામાંથી નીકળવાનો ઓછા જોખમવાળો ઍક્ઝિટ માર્ગ છે. છોડિયાફાડ કવિતા લખવાનો ચાન્સ મળે એમ લાગતું નથી. મીસમૅનેજમેન્ટ અને બિનજરૂરી સારવાર અને રસીકરણને લીધે જે થોડીઘણી સમસ્યા પેદા થાય એમાં એકાદ હાઇકુ જરૂર લખી શકાશે. લાવો હું જ હાથ અજમાવું!
આ ઓમિક્રોન!
આવ્યા ભીડભંજન
કે વિધ્નહર્તા?
e.mail : jagrut.gadit@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 16 જાન્યુઆરી 2022; પૃ. 03