ગયા વર્ષના અંતમાં આપણા ખેલ મંત્રી અનુરાગ ઠાકુરે નિવેદન આપ્યું કે 2036માં ભારત ઑલિમ્પિકના આયોજન માટે તૈયાર છે અને એક રાષ્ટ્ર તરીકે આપણા દેશ તરફથી ઑલિમ્પિક માટેની યજમાનીની બોલી લગાડવા અંગે ગંભીરતાથી વિચાર કરાઇ રહ્યો છે. અમદાવાદથી સ્ટેચ્યુ ઑફ યુનિટી સુધી ઑલિમ્પિક સર્કિટ બનાવવાની વાતો પણ થઇ રહી છે. ખેલ-કૂદ કોઇ પણ રાષ્ટ્ર માટે સત્તા દર્શાવવાનું એક બહુ અગત્યનું માધ્યમ છે. રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય સ્તરે કોઇ પણ રાષ્ટ્ર ખેલકૂદ ક્ષેત્રે પોતાની કેવી અને કેટલી શક્તિ, યોગદાન, આવડત દર્શાવે છે તે હંમેશાંથી અગત્યનું રહ્યું છે.
ઇતિહાસની વાત કરીએ તો જે ગ્રીસમાંથી ઑલિમ્પિક્સની શરૂઆત થઇ ત્યાં ગ્રીક શાસકો અને પ્રજા એમ માનતાં કે પોતે ખેલ-કૂદમાં આટલા આગળ પડતાં છે તે તેમને એ લોકોથી જુદાં પાડે છે જેઓ ગ્રીક્સ નથી; વળી માત્ર ગ્રીક નાગરિકોને જ આ ખેલ-કૂદમાં ભાગ લેવા દેવાતો. વળી સ્પેનિશ સંસ્કૃતિનો અનિવાર્ય ભાગ ગણાતી બુલ ફાઇટ્સ છેલ્લાં કેટલાંક વર્ષોમાં રાજકારણના રંગે પણ રંગાઇ છે કારણ કે તેને રાજકીય પ્રતીક ગણીને જમણેરી અને ડાબેરી રાજકરાણીઓએ શિંગડા અફાળ્યા છે.
કોઇ પણ રાષ્ટ્ર માટે કોઇ પણ સમાજ માટે ખેલ-કૂદ હંમેશાંથી બહુ જ અગત્યનો હિસ્સો રહ્યો છે. વિશ્વમાં ખેલાતી 8,000થી વધુ જાતની રમતોમાંથી ભારતમાં તો બહુ જ ઓછી રમતો પ્રચલિત થઇ છે. કેટલીક ભારતમાં જ શોધાઇ તો કેટલીક બીજા દેશોના પ્રભાવમાં ભારતમાં પ્રચલિત થઇ. હાલમાં તો ક્રિકેટ ભારત માટે એક ખેલ નથી બલકે ધર્મ છે એમ કહીએ તો ય ચાલે. પરંતુ ભારતમાં પણ છેલ્લાં કેટલાંક વર્ષોમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતે બીજી રમતોમાં સારું એવું કાઠું કાઢ્યું છે.
ખેલ-કૂદ કોઇ પણ રાષ્ટ્ર માટે સોફ્ટ પાવર સ્ટ્રટેજીનાં માધ્યમ તરીકેનું કામ કરે છે. છેલ્લા બે દાયકામાં ઘણી એશિયન સત્તાઓએ પોતાના અર્થતંત્ર, સંસ્કૃતિ-સમાજ વગેરેને વૈશ્વિક ફલક મુકવા માટે સોફ્ટ પાવરના માધ્યમનો ઉપયોગ કર્યો છે અને આમ કરી તેઓ પોતાના રાષ્ટ્રની શ્રેષ્ઠ શક્તિઓનું પ્રદર્શન કરી રહ્યા છે.
તમે નોંધ્યું હશે કે જાપાનિઝ માર્શલ આર્ટથી માંડીને જાપાનિઝ ખાણાંની ચર્ચા આપણે માટે સામાન્ય બની છે. શું એ અચાનક થયું છે? આમ થવા પાછળ સારી પેઠે વિચારાયેલી યોજનાઓએ કામ કર્યું છે અને જાપાને પોતાની પાંખો એ રીતે વિસ્તારી છે. જાપાને બખૂબી ખેલકૂદને પોતાના સોફ્ટ પાવરની સિદ્ધિ બનાવી છે અને એ માટે 2019માં યોજાયેલ રગ્બી વર્લ્ડ કપ, 1964 અને 2020માં ટોક્યો ઑલિમ્પિક ગેમ્સ જેવી આંતરરાષ્ટ્રીય ઇવેટ્ન્ટ્સનું પણ જાપાને આયોજન કર્યું.
હવે આપણા દેશ તરફ પાછા વળીએ તો સરકારની નીતિમાં ભારતને ખેલ પ્રેમી રાષ્ટ્ર તરીકેની ઓળખની ધાર કાઢવા પર આયોજન બદ્ધ રીતે કામ થઇ રહ્યું છે. એક સમયે હૉકીમાં ભારતનું નામ હતું જે 60ના દાયકા પછી ઝાંખું પડ્યું તો એકલ દોકલ પદક પછી લગભગ 1996 સુધી ઑલિમ્પિક્સમાં ભારતે કંઇ ખાસ નહોતું ઉકાળ્યું. ઑલિમ્પિક્સમાં ભારતના દેખાવમાં બે ભાગ હતા 1980 પહેલા ફિલ્ડ હૉકીમાં પુરુષોની ટીમનો દેખાવ હતો તો 1996 પછી ભારતીયોએ ટેનિસ, બેડમિન્ટન, શૂટિંગ, રેસલિંગ અને બૉક્સિંગમાં કાઠું કાઢ્યું વળી મહિલા ખેલાડીઓનો દબદબો પણ દેખાયો. આનું કારણ હતું કે અર્થતંત્ર બહેતર બનવાથી ખેલાડીઓને સારી સ્પોન્સરશિપ મળવા લાગી અને કેબલ ટી.વી.એ બીજા ખેલો અંગે ઉત્સુકતા પેદા કરી.
શું ભારત 2036માં ઑલિમ્પિક્સના યજમાન દેશ તરીકે તૈયાર છે ખરો? ઑલિમ્પિક્સનું આયોજન અધધધ ખર્ચાળ હોય છે, 2004ના ઑલિમ્પિક્સ પછી ગ્રીસે તો નાદારી નોંધાવવી પડી. અત્યારે એમ છે કે ઊંચી કિંમતોને કારણે ઑલિમ્પિક્સ યોજવા માગતા હોય એવા દેશો પણ ઓછા છે અને આ સંજોગોમાં ભારતને આ મોકો મળવાની શક્યતા વધી જાય છે. ભારતે વિચારવું રહ્યું કે દિલ્હીને બદલે અમદાવાદમાં આ આયોજન આર્થિક રીતે કેટલું ફાયદાકારક રહેશે કારણ કે દિલ્હીમાં એશિયન અને બાદમાં કોમનવેલ્થ ખેલ મહોત્સવ થયા છે તો ત્યાં અમુક માળખાકીય સુવિધાઓ છે જ.
ઑલિમ્પિક યોજનારા દેશોને આંતરાષ્ટ્રીય સ્તરે પદ વધશેથી માંડીને ટુરિઝમને વેગ મળશેની આશા હોય છે પણ છેલ્લા પાંચ દાયકામાં જે શહેરોમાં ઓલિમ્પિક્સ યોજાઇ છે, ત્યાં અર્થતંત્ર પર બોજ આવ્યો છે. જેમ કે 1976માં મોન્ટ્રિએલ ગેમ્સ પછી તેના દેવામાંથી બહાર આવવામાં તેને 3 દાયકા લાગ્યા. તો 2016માં સમર ગેમ્સ જે રિયો ડે જેનેરોમાં થઇ તેમાં 20 બિલિયન ડૉલર્સ ખર્ચો થયો. ઑલિમ્પક્સ યોજવાથી કોઇ દેશ કમાયો છે ખરો? 1984માં લૉસ એન્જલ્સને ટુરિઝમ અને બ્રોડકાસ્ટિંગને પગલે 500 મિલિયન ડૉલર્સ કમાણી થઇ હતી તો સાઉથ કોરિયાને 55 મિલિયન ડૉલર્સની સરપ્લસ મળી પણ મોટા ભાગના ઑલિમ્પિક્સ આયોજનથી રાષ્ટ્રોને આર્થિક તંગી જ વેઠવી પડી છે. આવામાં કોવિડ-19નો ફટકો ઘણાં રાષ્ટ્રોને યજમાન બનવાની હોડમાં જોડાતા રોકશે; એટલે ભારતને આ સ્થિતિનો લાભ મળવાની શક્યતા છે.
ભારતને ઑલિમ્પિક્સના યજમાન થવું હોય તો તેનો ખર્ચો મેનેજ કરવો સૌથી મોટી માથકૂટ હશે. જે માળખાં છે તેની પર જ વધારાનું બાંધકામ કરવું અને નવા ખર્ચા ન કરવાની સ્ટ્રેટેજી ભારતને ફળી શકે છે અને માટે દિલ્હી કદાચ અમદાવાદ કરતાં બહેતર પસંદ સાબિત થઇ શકે.
ભારતમાં તાતાથી માંડીને રિલાયન્સ ફાઉન્ડેશન જેવી કંપનીઝે સ્થાનિક સ્તરે રમાતા ખેલોમાં રોકાણ કર્યું છે. વળી મોટા પાયાના ખેલની વાત કરીએ તો નીતા અંબાણીના પ્રયત્નોથી ઑલિમ્પિક કમિટીની આગલી બેઠક ભારતમાં મુંબઇમાં થવાની છે. યુ.એસ.એ., રશિયા અને ચીન ઉપરાંત યુરોપનાં નોંધનીય અર્થતંત્રોનું ખેલકૂદ ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન છે જે તેમની સત્તાને વ્યાખ્યાયિત કરવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. વળી એશિયાઇ દેશોમાં ભારત અન્ય દેશો કરતાં ઘણો સ્થિર છે જેમ કે અફઘાનિસ્તાન કે પાકિસ્તાનમાં ભલે સૉકર પહોંચે પણ ત્યાં સામાજિક અને આર્થિક પ્રશ્નો આડા આવે તે સ્વાભાવિક છે.
ખેલકૂદમાં રાજકારણ, બિઝનેસ અને મીડિયા ત્રણેયનો સંગમ હોય છે જે એક રીતે વૈશ્વિક સ્તરે સોફ્ટ પાવરનું માધ્યમ બનાવે છે. ભલે બધા દેશો સ્પોર્ટ્સ અવે ફ્રોમ પૉલિટિક્સ વાળી નીતિની વાત કરે પણ જે રીતે અત્યાર સુધી ઑલિમ્પિક્સ ગેમ્સ યોજાઇ છે, જે રીતે અમુક રાજકીય કારણોસર જે તે રાષ્ટ્રમાં ખેલાતા આ મહોત્સવનો બહિષ્કાર પણ થયો છે, તે જ સાબિત કરે છે કે ખેલકૂદને રાજકારણની ચોપાટથી દૂર કરી શકાય તેમ નથી.
બાય ધી વેઃ
ઑલિમ્પિક જેવો મહોત્સવ કોઇ પણ રાષ્ટ્રની સંસ્કૃતિ અને સમાજને શિસ્તબદ્ધ અને નેતૃત્વના લક્ષણ ધરાવનાર સિદ્ધ કરી શકે છે. આપણે ત્યાં હવે સંજોગો બદલાયા છે પણ છતાં પણ અન્ય દેશોમાં ખેલકૂદ અભ્યાસક્રમનો હિસ્સો હોય છે, ત્યાં સ્પોર્ટ્સ જોવી તેમના સામાન્ય કલ્ચરનો ભાગ છે. આપણાં પી.ટી.ના શિક્ષકોને ભળતી ડ્યૂટીમાં લગાડી દેવાના કિસ્સા પણ બન્યા છે. આપણે ત્યાં સ્કૂલના સ્તરે ખેલકૂદ અંગેના અભિગમની ઝલક ધવલ શુક્લની ગુજરાતી ફિલ્મ ‘મેડલ’માં બહુ સરસ રીતે મળે છે.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 08 જાન્યુઆરી 2023