
રમેશ ઓઝા
બંગલાદેશમાં શેખ હસીનાના પતન પછી હિંદુઓને સતાવવામાં આવી રહ્યા છે. છેલ્લા એક અઠવાડિયામાં હિંદુઓને મારવાની, તેમનાં ઘર તેમ જ ઉદ્યોગધંધાની તોડફોડ કરવાની, આગ લગાડવાની, મંદિરોને તોડવાની કે નુકસાન પહોંચાડવાની અનેક ઘટનાઓ બની છે. આનું એક કારણ બંગલાદેશમાં એવી એક સર્વસાધારણ સમજ છે કે હિંદુઓ શેખ હસીનાના સમર્થક છે અને બીજું કારણ વહેતી ગંગામાં હાથ ધોઈ લેવાનું છે. મોકો મળ્યો છે તો હિંદુઓને ઉખેડીને ફેંકી દો, તેની સંપત્તિ લૂંટી લો અથવા ડરાવીને મફતના ભાવમાં મિલકત પડાવી લો. કોમી અથડામણો જ્યાં થતી હોય છે ત્યાં લઘુમતી કોમ સાથે આવું બનતું હોય છે. ઘણીવાર તો કોમી અથડામણો લઘુમતી કોમને આર્થિક નુકસાન પહોંચાડીને આર્થિક લાભ લેવા માટે જ કરવામાં આવે છે.
આવું માત્ર ભારતીય ઉપખંડમાં જ નથી થતું, જગત આખામાં થાય છે, આ મહિનાના પ્રારંભમાં બ્રિટનમાં પણ આવું બન્યું હતું. બ્રિટનમાં અંગ્રેજોની વાંશિક સર્વોપરિતામાં માનનારા કેટલાક બહુમતી રાષ્ટ્રવાદી અંગ્રેજોએ, ખાસ કરીને મુસલમાનો અને અન્ય વસાહતીઓ સામે ખોટી અફવા ઉડાડીને ન્યાય માટેના આંદોલનનાં નામે તેમનાં ઘર-બાર લૂંટ્યા હતાં. જ્યાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સારી હોય ત્યાં જલદી આવી પ્રવૃત્તિ રોકવામાં આવે છે અને જ્યાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કંગાળ હોય ત્યાં સ્થિતિ અંકુશમાં આવતા સમય લાગે છે. કેટલીકવાર તો શાસકો પોતે અને પોલીસ સહિતનું આખેઆખું તંત્ર જ લઘુમતી કોમના લોકોને સતાવે છે અને લૂંટે છે. પશ્ચિમના લોકશાહી દેશોમાં હજુ આવી સ્થિતિ પેદા નથી થઈ, પણ નહીં જ થાય એની કોઈ ખાતરી નથી. માર્કસવાદીઓ તો કહે છે કે કોમવાદ, વંશવાદ વગેરે પણ મૂડીવાદી શોષણનું એક સાધન છે. તેઓ પોતાના હિતમાં આર્થિક સમીકરણોની ફેરબદલી માટે અથડામણોનો લાભ લે છે. માટે સાંકડી વિચારધારા આધારિત રાજકારણ કરનારાઓ મૂડીવાદને અને મૂડીવાદીઓને પોષે છે. હકીકતમાં એકબીજાને પોષે છે.
ખેર, આપણે બંગલાદેશ પાછા ફરીએ. એમાં કોઈ શંકા નથી કે બંગલાદેશમાં હિંદુઓ શેખ મુજીબુર રહેમાનના સમયથી અવામી લીગના સમર્થક છે. લઘુમતી કોમ હંમેશાં ઉપલબ્ધ રાજકીય પક્ષોમાં જે સૌથી વધુ ઉદારમતવાદી હોય અને જેની સત્તા સુધી પહોંચવાની ક્ષમતા હોય તેને મત આપે. બ્રિટનમાં મોટાભાગના હિંદુઓ અને વસાહતીઓ મજૂર પક્ષને મત આપે છે અને અમેરિકામાં ડેમોક્રેટિક પાર્ટીને મત આપે છે એ આ જ કારણે. બંગલાદેશમાં અવામી લીગ બંગલા અસ્મિતાનું રાજકારણ કરે છે, ઇસ્લામના નામે નથી કરતી એટલે અવામી લીગને સમર્થન આપવામાં હિંદુઓને સલામતી નજરે પડે છે. બંગલાદેશના હિંદુઓ બંગાળી છે અને બંગાળી અસ્મિતાના ભાગીદાર છે. સામે પક્ષે બંગલાદેશમાં વસતા બિહારી મુસલમાનો બેગમ ખાલેદા ઝીયાના બંગલાદેશ નેશનાલિસ્ટ પાર્ટીને અને અન્ય ઇસ્લામવાદી પક્ષોને સમર્થન આપે છે કારણ કે મુસલમાન હોવાપણામાં તેઓ ભાગીદાર છે. બંગલાદેશમાં બે મુખ્ય પક્ષોમાંથી એક પક્ષ બંગલા અસ્મિતાના નામે રાજકારણ કરે છે અને બીજો પક્ષ ઇસ્લામના નામે રાજકારણ કરે છે. એક પક્ષ એ લોકોને બહાર રાખે છે જે બંગાળી નથી અથવા બંગાળી અસ્મિતાને ઇસ્લામની તુલનામાં દ્વિતીય અસ્મિતા માનનારા ઇસ્લામવાદી મુસલમાનો છે અને બીજો પક્ષ એ લોકોને બહાર રાખે છે જેઓ ઇસ્લામની તુલનામાં બંગાળી હોવાપણાને સર્વોપરી માને છે.
પણ એ પછી શું બંગલાદેશમાં હિંદુઓને, બૌદ્ધ ચકમાઓને, ભારતનાં ઇશાન રાજ્યોની સરહદે વસતા અને ખ્રિસ્તી કે બીજા ધર્મ પાળતા ગારો, ખાસી અને એના જેવી બીજી ડઝનબંધ જનજાતિઓની પ્રજાને અવામી લીગ દ્વારા ન્યાય મળ્યો છે ખરો? શું બંગલાદેશ નેશનાલિસ્ટ પાર્ટી દ્વારા બિહારી મુસલમાનો અને બર્માથી આવેલા રોહિંગ્યા શરણાર્થી મુસલમાનોને ન્યાય મળ્યો છે ખરો? ના નથી મળ્યો. બન્ને બાજુના લોકોને થોડી રાહત મળે છે એટલું જ. એટલે તો બંગલાદેશમાં બંગલાદેશની આઝાદી પછી પણ હિંદુઓની વસ્તીમાં દિવસોદિવસ ઘટાડો થઈ રહ્યો છે. ૧૯૭૧માં બંગલાદેશની સ્થાપના થઈ ત્યારે બંગલાદેશમાં હિન્દુઓની વસ્તી કુલ વસ્તીમાં ૨૦ ટકા હતી જે અત્યારે આઠ ટકા છે. શેખ હસીના પંદર વરસથી રાજ કરતાં હતાં એ છતાં. બિહારી મુસલમાનો માટે જવા માટે કોઈ માર્ગ નથી એટલે બિચારા બંગલાદેશમાં શરણાર્થીઓ માટેના કેમ્પમાં સબડે છે. ઢાકામાં આવેલ જીનીવા કેમ્પમાં પચાસ વરસથી બિહારી મુસલમાનો આઠ ફૂટ બાય આઠ ફૂટની પતરાંની રૂમમાં રહે છે. આવું જ બર્માથી આવેલા રોહિંગ્યા મુસલમાનોનું. બંગલાદેશ તેને પોતાને ત્યાં સમાવવા રાજી નથી, રોહિંગ્યાઓ મુસલમાન હોવા છતાં. ઇસ્લામમાં ઉમ્માહ (વૈશ્વિક મુસ્લિમ બંધુતા) એક રોમાંચક કલ્પના માત્ર છે.
તો ન્યાય ક્યાં મળે? કોણ આપે? નથી ભાષા અને સંસ્કૃતિના રક્ષકો ન્યાય આપતા કે નથી ધર્મના રક્ષકો ન્યાય આપતા. બન્ને પોતપોતાના સમર્થકોને અન્યાય કરે છે અથવા આંખ આડા કાન કરીને અન્યાય થવા દે છે. ન્યાય તો જ મળે જો રાજ્ય પક્ષપાતરહિત માત્ર અને માત્ર નાગરિક તરીકેની ઓળખ પર આધારિત હોય, અન્ય કોઈ પણ પ્રકારની ઓળખ આધારિત ન હોય. એ બંધારણીય હોય અને એ મુજબની રાજ્ય રચના થઈ હોય.
એ પછી પણ સામાજિક અને આર્થિક રીતે હાંસિયામાં રહેલી પ્રજાઓને ન્યાય મળતો નથી તો સાંકડી ઓળખ આધારિત રાજ્યોમાં ન્યાય મળે એ તો શક્ય જ નથી. જ્યાં પોતાના જ લોકોને રાષ્ટ્રવાદના નામે અન્યાય કરવામાં જેને સંકોચ ન થતો હોય ત્યાં “બીજાઓ”ને ન્યાય મળે એ તો શક્ય જ નથી. તેઓ વારંવાર પેદા થતી કે પેદા કરવામાં આવતી અરાજકતાનો લાભ લઈને પોતાનાં હિતમાં આર્થિક સમીકરણો બદલતા રહે છે.
પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસરંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 18 ઑગસ્ટ 2024