અમે એ સંભાવનાથી સંપૂર્ણપણે સુજ્ઞાત છીએ કે અમારી વાસરિકાના આજના પૃષ્ઠનું પઠન કર્યા પશ્ચાત્ અમારા મસ્તકે મત્સ્ય-પ્રક્ષાલન કર્તુમ્ ઉત્સુક એવા સંસ્કૃતપ્રેમીઓની સુદીર્ઘ રેષા અત્ર, તત્ર, સર્વત્ર દૃશ્યમાન થશે. (હવે તેનો ‘શુદ્ધ’ ગુજરાતી અનુવાદ : અમને એ હકીકતની ખબર છે કે અમારી ડાયરીનું આજનું લખાણ વાંચ્યા પછી અમારે માથે માછલાં ધોવાની હોંશવાળા સંસ્કૃત પ્રેમીઓની લાંબી લાઈન અહીં, તહીં, બધે, જોવા મળશે. અને હવે પછીનું બધું લખાણ બહુમતિ વાચકો ખાતર ‘શુદ્ધ’ ગુજરાતીમાં જ.)
પણ રાજા નાગો ન હોય તો ય તેનાં જૂનાં પુરાણાં કપડાં બદલવાનો સમય આવી ગયો છે એમ કોઈક પીપીંગ ટોમે તો કહેવું પડે ને? ગૂજરાત (કોઈ સાચો ગુજરાતી ‘ગૂજરાતી’ એવી જોડણી ભાગ્યે જ કરે, પણ આ વિદ્યાપીઠ તેવી જોડણી કરે છે અને એટલા જ એક માત્ર કારણથી વૈકલ્પિક જોડણી તરીકે ‘ગૂજરાત’ને સ્વીકારે છે.) વિદ્યાપીઠનો સાર્થ ગુજરાતી જોડણીકોશ ગુજરાતી શબ્દોની જોડણી માટે સર્વમાન્ય અને સર્વોપરી હોવાનું કહેવાય છે. (હકીકત તેના કરતાં જૂદી હોવાનો સંભવ છે.)
આ કોશમાં સાચી જોડણી કરવા માટેના ૩૩ નિયમો આપ્યા છે. તેમાં સૌથી પહેલો નિયમ કયો છે, ખબર છે? “સંસ્કૃત તત્સમ શબ્દોની જોડણી મૂળ પ્રમાણે કરવી.” આ કોશની પહેલી આવૃત્તિ ૧૯૨૯માં પ્રગટ થઈ હતી. તે વખતે પરિસ્થિતિ જરા જુદી હતી. આજના કરતાં શિક્ષણનું પ્રમાણ ઘણું ઓછું હતું. પણ જે લોકો મેટ્રિક સુધી પણ પહોંચે તે ભલે થોડે ઘણે અંશે, પણ સંસ્કૃત ભાષાથી અને તેના વ્યાકરણથી પરિચિત હતા. આજે સ્થિતિ સાવ જુદી છે.
પી.એચડી, એમ.બી.એ. કે એમ.ડી. થયેલા હોય છતાં સંસ્કૃતથી બિલકુલ પરિચિત ન હોય એવા લોકોની સંખ્યા ઘણી મોટી છે. કારણ સ્કૂલ-કોલેજના ભણતરમાંથી આપણે સંસ્કૃતનો એકડો જ કાઢી નાખ્યો છે. એટલે પહેલી વાત તો એ કે અમુક શબ્દ તત્સમ છે કે બીજા કોઈ પ્રકારનો, તેની ખબર આજના મજૂરથી માંડીને ચીફ મિનિસ્ટર સુધીના લોકોને કઈ રીતે પડે? ‘સૂર્ય’ ‘ચંદ્ર’ ‘નહિ’ જેવા શબ્દો તત્સમ છે જ્યારે ‘સુરજ’ ‘ચાંદો’ ‘નહીં’ જેવા શબ્દો તત્સમ નથી પણ તદ્ભવ છે એ કઈ રીતે તેઓ જાણતા હોય? છતાં, ધારો કે કોઈક રીતે એમણે એ જાણ્યું, તો ય મૂળ સંસ્કૃતમાં તેની જોડણી (‘જોડણી’ માટેનો સંસ્કૃત શબ્દ?) કઈ રીતે થાય એ તો એમને ખબર ન જ હોય.
એક અંદાજ પ્રમાણે ગુજરાતીમાં વપરાતા શબ્દોમાંથી ચાલીસ ટકા જેટલા શબ્દો તત્સમ છે. તો ઘણા મોટા ભાગના લોકોએ આ ચાલીસ ટકા શબ્દોની જોડણી તો ભગવાનને ભરોસે રહીને જ કરવાની રહે ને? પોતાની કોઈ ભૂલચૂક વિના સંસ્કૃતથી અજાણ રહેનારી બહુમતી ઉપર સંસ્કૃત જાણનારી એક બહુ જ નાનકડી લઘુમતીનો આ તો ભારે અત્યાચાર ગણાય. અમેરિકાનો રહેવાસી ભારત આવે ત્યારે તે ભારતના નિયમ પ્રમાણે નહિ, પણ પોતાના દેશના નિયમ પ્રમાણે રસ્તાની જમણી બાજુએ મોટર ચલાવશે, એવો નિયમ ભારત ક્યારેય કરે ખરું? પણ આપણે ગુજરાતીઓએ કર્યો અને કહ્યું કે સંસ્કૃત શબ્દોની જોડણી તે ભાષાના નિયમ પ્રમાણે કરવી. આ બાબતમાં મરાઠીભાષી લોકો આપણા કરતાં વધુ વ્યવહારિક બન્યા. તેમણે પહેલો નિયમ એ કર્યો કે મરાઠી ભાષામાં વપરાતો દરેક શબ્દ મરાઠી ભાષાનો છે એમ માનીને મરાઠી શુદ્ધ લેખન (આપણે જેને ‘જોડણી’ કહીએ છીએ તેને મરાઠીમાં ‘શુદ્ધ લેખન’ કહે છે)ના નિયમો પ્રમાણે તેની જોડણી થશે. શબ્દને અંતે આવતો ‘ઈ’ હંમેશા દીર્ઘ કરવો એવો નિયમ કર્યો છે એટલે મરાઠીમાં કવી, રવી એમ જ લખાય છે, સંસ્કૃતને અનુસરીને કવિ રવિ નહિ.
આપણે ગુજરાતી માટે પણ તત્સમ-તદ્ભવના ભેદ કાઢી નાખીને સમાન જોડણી વ્યવસ્થા કરવાની જરૂર છે. કારણ છેવટે તો જોડણીકોશ કોને માટે છે? બસો-પાંચ સો પંડિતો કે વિદ્વાનો માટે? તેઓ તો એટલા જ્ઞાની છે કે તેમને કોશની જરૂર ભાગ્યે જ પડવાની. કે મારા, તમારા, આપણા જેવા કરોડો ગુજરાતીભાષીઓ માટે કોશ છે? અને તો પછી સંસ્કૃત તત્સમ શબ્દોની જોડણી સંસ્કૃત વ્યાકરણ પ્રમાણે કરવાનું કહેતો આ પહેલો નિયમ વહેલામાં વહેલી તકે કોશમાંથી દૂર કરવો જોઈએ.
હવે અમે નત મસ્તક સ્થિતિમાં ઊભા છીએ. જેને જેટલું મત્સ્ય-પ્રક્ષાલન કરવું હોય તેટલું છો અમારા મસ્તક પર કરતા.
સૌજન્ય : દીપક મહેતા સંપાદિત ‘અક્ષરની અારાધના’, ડાયરી : “ગુજરાતમિત્ર”, 28 અૅપ્રિલ 2014