Opinion Magazine
Number of visits: 9448851
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કાકાસાહેબની સદી પૂર્વેની ચારધામ યાત્રા

ગૌરાંગ જાની|Opinion - Literature|14 August 2013

ઉત્તરાખંડમાં તા. 16 જૂન, 2013ના રોજ આવેલા વિનાશકારી પૂરે મોટા પાયે સ્થાનિક અને પર્યટકોના જીવનને તહસનહસ કર્યું. દેશભરમાંથી યાત્રિકો અને અન્ય પ્રવાસીઓ કેદારનાથ અને તેની આસપાસના મોટા વિસ્તારમાં ધાર્મિક આશયે કે સહેલગાહે હતા ત્યારે જ વરસાદ અને નદીઓનાં તાંડવે જાણે પ્રલય સર્જયો. ચારધામની યાત્રા સદીઓથી ભારતના હિંદુઓમાં આધ્યાત્મિક અને આસ્થાનું પ્રતીક છે. તેનું ઐતિહાસિક મહત્ત્વ માત્ર ધર્મસ્થાનોને કારણે જ નહીં પરંતુ ભારતીય સંસ્કૃિતની અનેક ચડતી-પડતીઓના સ્થાનક સ્વરૂપે પણ છે. ભારતમાં ધાર્મિક સ્થાનના ઇતિહાસ અંગે વિરોધાભાસી મંતવ્યો સ્વાભાવિક છે. અંધશ્રદ્ધા અને કટ્ટરવાદ પણ તેમાં મિશ્રિત છે. ઉત્તરાખંડનાં દુ:ખ અને યાતના તમામ ભારતવાસીઓએ અનેક રીતે વહેંચવાનું શરૂ કર્યું છે અને તેનાં માનવીય પરિણામો આવી રહ્યાં છે. આ કુદરતનો કહેર માત્ર છે કે તેમાં આપણા સ્વાર્થી ઉદ્દેશનો અને વર્તનનો પણ હાથ છે એ અંગેની ચર્ચા વ્યાપક બની છે. પર્યાવરણ સાથેની આપણી નકારાત્મક દરમિયાનગીરી અને પર્યટનને ધંધાકીય વાઘા પહેરાવી તેના વ્યાપારીકરણે પણ બળતામાં ઘી હોમ્યું છે તે પણ વિવાદનો મુદ્દો બન્યો છે. આ વાતાવરણમાં કાકાસાહેબ કાલેલકરનો ‘હિમાલયનો પ્રવાસ’ યાદ આવી ગયો. શાળામાં વિદ્યાર્થી તરીકે ગુજરાતીના પાઠ્યપુસ્તકમાં તેનો પ્રથમ પરિચય અને ત્યારબાદ કૉલેજકાળ દરમિયાન પુસ્તકનું વાંચન. આ પૃષ્ઠભૂમિમાં વર્તમાનમાં કાકાસાહેબના લખાણોનો સંદર્ભ કેવો છે તે તપાસી જવા પુસ્તક પુન:વાંચી કાઢયું. વાંચતા એ સમજાયું કે કુદરતી હોનારતથી ગ્રસ્ત અહીંના ઉત્તરાખંડને એક સદી પૂર્વેના હિમાલય પ્રવાસથી સમજી તો શકાય. કાકાસાહેબની દાયકાઓ પૂર્વેની આ યાત્રામાં સ્વામી આનંદ અને અનંત બુવા પણ સહપ્રવાસીઓ હતા એ આપણે જાણીએ છીએ. વર્ષ 1924માં પ્રકાશિત પ્રથમ આવૃત્તિ બાદની છેલ્લી આવૃત્તિ જુલાઈ 2012માં નવજીવને પ્રકાશિત કરી. આ આવૃત્તિના શરૂઆતનાં પૃષ્ઠોમાં ‘ઉત્તરાખંડની યાત્રા’ એ મથાળા હેઠળના નકશાને જોતાં જ વર્તમાન અને ઇતિહાસ બંને એક સાથે નજર સમક્ષ ખડાં થઈ ગયાં.

પિતૃઋણમાંથી મુક્ત થવા માટે દેશભરમાંથી યાત્રાધામોમાં લાખો શ્રદ્ધાળુઓ ઊતરતા હોય છે. એક સદી પૂર્વે કાકાસાહેબનો એક હેતુ પિતૃઋણ અંગેનો પણ હતો. તેઓ લખે છે, ‘1912ની શરૂઆતમાં મેં ઘર છોડ્યું. વડોદરા છોડી પ્રયાગનો એટલે કે અલ્હાબાદનો રસ્તો જે દિવસે મેં લીધો એ દિવસ અખાત્રીજનો હતો એવું સ્મરણ છે. પ્રયાગ, કાશી અને ગયા આ ત્રણ તીર્થોની યાત્રાને ત્રિસ્થલી યાત્રા કહે છે. એ પૂરી કરી મારે પિતૃઋણમાંથી મુક્ત થવું હતું.’

કાકાસાહેબનો પિતૃઋણ હેતુ ભલે એક સામાન્ય હિંદુનો હતો પરંતુ તેને સમાંતર યાત્રા દરમિયાનના તેઓનાં અનેકવિધ અવલોકનો ‘પિતૃઋણ’ને તો પ્રતીક સમાન બનાવી દે છે. પરંપરાવાદી હિંદુ ધર્મ, પૂજારીઓ અને પંડાઓની સ્વાર્થવૃત્તિ તેમ જ કુદરત-માનવ સંબંધો એવાં અનેક પાસાં આ પ્રવાસ વર્ણનોમાં વ્યક્ત થાય છે. જે આજે તો ભૂતકાળ કરતાં પણ વ્યાપક અને અનિવાર્ય સંદર્ભ ધરાવે છે. એક હળવી વાતથી તેઓનાં નિરીક્ષણોને સમજીએ. ‘જેમ આજકાલ દિલ્હીના રાજપુરુષો ઉનાળામાં સિમલા જાય છે તેમ શિયાળાના દિવસોમાં કેદારનાથ પ્રભુ નીચે ઊતરી ઉખીમઠ આવે છે. શિયાળામાં કેદારનાથની આખી ખીણ બરફથી ઢંકાઈ જાય છે. ઉનાળો આવે એટલે પૂજારીઓ પાવડા કોદાળીઓ લઈને ઉખીમઠથી કેદાર જાય છે અને ત્યાં બરફ તોડીને રસ્તો સાફ કરી દે છે. પૂજારીઓ કહે છે કે, શિયાળાની શરૂઆતમાં મંદિર બંધ કરતી વખતે અંદર જે દીવો તેઓ બળતો રાખી આવે છે તે જ ઉનાળા સુધી ટકે છે ! આવી આવી વાતો સાચી નહીં માનીએ તો એ કહ્યા વગર રહેવાની નથી. માણસને શું શું પ્રિય છે, એની કલ્પનાઓ ક્યાં ક્યાં દોડે છે, એ જાણવા પૂરતો જ આનો ઉપયોગ હોય છે. ઘણી વાર આવી કલ્પનાઓમાં જ આગળ જતાં થયેલી મોટી મોટી શોધોની જડ હોય છે. એટલે માણસની મુરાદ તરીકે આવી માન્યાતાઓનો લોપ ન જ થવા દેવો જોઈએ.’

લોકમાન્યતાઓ અને શોધખોળો વચ્ચેના સંબંધ સમજાવતા લેખક એ તરફ પણ સૌનું ધ્યાન દોરે છે કે કુદરત પરના માનવીય નિયંત્રણ કે દખલગીરી કેવું ભવિષ્ય ઘડશે. આજે બદ્રીનારાયણથી કેદારનાથ જવા માટે એક દિવસ પૂરતો છે કારણ કે રસ્તાઓ અને બીજી સુવિધા યાત્રીઓ માટે ઉપકારક છે. પરંતુ કાકાસાહેબની પગપાળા હિમાલય યાત્રા સહેલી ન હતી. તેઓ દર્શાવે છે, ‘કેદાર બદરી વચ્ચે કેવળ એક જ મોટો પહાડ પડેલો છે. પહાડ ઓળંગવાની સગવડ હોય તો પાંચ માઈલ જેટલું અંતર નથી. પણ એ ઊંચો પહાડ ઓળંગવો જ મુશ્કેલ છે. એ અખંડ બરફથી ઢંકાયેલો હોય છે. પરિણામે લોકોને આવેલે રસ્તે પાછા જઈ, ખોટું ચક્કર લઈ, અનેક ડુંગરા ટાળી, નવ દિનની મુસાફરી અને બદરીનારાયણ પહોંચવું પડે છે. એ ઉપરથી યાત્રીઓમાં કહેવત પડી છે, ‘નવદિન ચલે ઢાઈ કોસ.’ દંતકથા કહે છે કે પ્રાચીન કાળમાં એ પહાડ વચમાં ન હતો. આ વાત ગમે તેટલી રસિક હોય તો ય માનવા જેવી નથી. દંતકથાઓ પાછળ કોઈક વાર ઐતિહાસિક તત્ત્વ હોય છે જ્યારે કોક વાર કેવળ લોકમાનસની કાવ્યકલ્પના જ હોય છે.’

‘નવ દિન ચલે ઢાઈ કોસ’ની એ સમયની વાસ્તવિકતા સંદર્ભે લેખકને એમાંથી કેવો રસ્તો કાઢ્યો એ તરફ વિચારતા કરે છે. કુદરત સાથે સતત દોસ્તી કરતો માનવી અને તેને નાથવા મથતા આધુનિક માનવીની તુલના કરીને તેઓ ભારતના ભાવિમાં પર્યાવરણના કેવા પ્રશ્નો સર્જાશે તેની આગમચેતી કે આગાહી કરે છે : ‘આ ઢાઈ કોસની વાત સાંભળ્યા પછી મનમાં થાય છે, આધુનિક માણસને અહીં નવ દિવસનું ચક્કર રાખવાને માટે ખંડાલા ઘાટના જેવાં સુરંગ બોગદાંઓ પાડવાનું જ સૂઝે. ઇટાલી કે સ્વિટઝર્લેન્ડમાં આવાં બોગદાંઓ પાડેલાં છે એમ કહેવાય છે. બોગદાનો રસ્તો કર્યો એટલે વીજળીના દીવા આવવા જ જોઈએ. વીજળી પાછળ હોટલ પણ આવે અને એની સામે ધર્મ વિરોધી એવી અસંખ્ય વાતો આવે. કાશ્મીરનું તો એમ જ થવા બેઠું છે. એક હિમાલય પણ આપણે આધુનિકતાના હુમલામાંથી બચાવી નહીં શકીએ?’ આ છેલ્લું વિધાન અને તેની સાથે તે સમયની કાશ્મીરની વાસ્તવિકતા આગળ ધરી કાકાસાહેબ અંતે તો ગાંધીવિચાર અને આચારને વ્યકત કરે છે. હિમાલયને આધુનિકતા હુમલામાંથી બચાવવો એ ‘કાલેલકર દૃષ્ટિ’ એક સો વર્ષો સુધી ‘વિકાસ’ની વ્યાખ્યા કરનારાઓ અને વિકાસના પ્રમાણભાન વિનાના ગાણાં ગાનારાઓ સામે હિમાલય જેવું કદ રાખીને આજે અડીખમ છે. પર્યાવરણને બચાવનારાઓ અને તેનું સમર્થન કરનારાઓનાં ભારતીય રંગ પાછળ આખરે તો ગાંધીદર્શનની જ પ્રેરણા છે ને! સદીઓથી અનેક ધામોની યાત્રા કરી પવિત્રતા અને આધ્યાત્મિકતા ઓઢીને ફરતા ભારતીયો અને તેમાં પણ હિંદુઓએ યાત્રાધામોની અંધશ્રદ્ધા અને સ્વાર્થવૃત્તિ સામે ભાગ્યે જ અવાજ ઉઠાવ્યો છે. તેને પરિણામે વહેમોની પરંપરા અસ્ખલિત જનમાનસમાં રૂઢ થતી ગઈ છે. કાકાસાહેબના આ અંગેનાં નિરીક્ષણો માત્ર સદી પૂર્વેનાં નથી. પરંતુ ધર્મ કેવી રીતે જડતા સ્થાપિત કરે છે તેનાં અનેક પ્રતીકો છે. તેમના જ શબ્દોમાં, ‘ઉખીમઠમાં મોટું બજાર છે. યાદ નથી શા કારણે, અમે અહીં ચાર કે આઠ આના આપીને નાળિયેર ખરીદ્યું હતું. અહીં બજારમાં કેટલાંક નાળિયેર દુકાનમાંથી મંદિરમાં અને મંદિરમાંથી દુકાનમાં એવી અખંડ મુસાફરી કરે છે. બજારમાં નાણાંની આવી જ યાત્રા રાખવા માટે જેમ કાગળની નોટ ચલાવવામાં આવે છે તેમ અહીં મંદિરમાં પણ કાગળનાં નાળિયેરો … હોય તો ખોટું શું? નાળિયેરની પેઠે એ અંદરથી સડી તો નહીં જાય.’

યાત્રાધામોમાં તમામ પ્રકારની સગવડ મળે એ માટે હવે તો અનેક વિકલ્પો છે. પરંતુ ભૂતકાળમાં તો પંડાઓની સંસ્થા એવી વિકસી હતી કે યાત્રાળુઓને ’પેકેજ’ પૂરાં પાડે. પંડાઓનું ચિત્રણ કરતાં કાકાસાહેબ આલેખે છે, ‘વિલાયતમાં દરેક મોટા શહેરમાં હોટલો હોય છે, ‘હાઉસ-એજન્ટસ હોય છે. ટોમસ કૂક જેવી કંપનીઓ હોય છે, દરેક બંદર પર ‘શિપિંગ-એજન્ટસ’ મળે છે. આપણા આ પંડાઓ એ જ સમ આપણા જીવનને અનુરૂપ એવી ઢબે નથી કરતા? પંડાને કાગળ લખો એટલે એ તમને સ્ટેશન પર લેવા આવે. ઘેર લઈ જઈને રહેવાની સગવડ કરી આપે, જોવા જેવાં મંદિરો અને સ્થળો બતાવે, એ બધાંનું માહાત્મ્ય પણ કહે. તમારી જોડે બજારમાં પણ આવે અને એ બધાંને માટે લે શું? તમે જે આપો તે. દુનિયામાં આટલી સોંઘી અને સાદી વ્યવસ્થા બીજે ક્યાં ય નહીં હોય.’

પંડાઓની સેવાને અનિવાર્ય અને મહત્ત્વની ગણતા કાકાસાહેબ માર્મિક રીતે દર્શાવે છે : ‘ત્યારે આ પંડાઓનો આપણને ત્રાસ શા માટે વછૂટે છે? એનું કારણ એટલું જ કે, આ પંડાઓને પોતે ગોર અથવા પુરોહિત મટીને ‘હાઉસ એજન્ટ’ અથવા ‘હોટલ-કીપર’ બની ગયા છે એનું પૂરતું ભાન નથી. પંડાઓ તો સાચું જોતાં યાત્રાળુઓના ગુરુ કહેવાય. પોતાની ભલમનસાઈ અને આતિથ્યધર્મને અનુસરીને પોતાના યજમાનની રહેવા કરવાની જ સગવડ એમણે શરૂઆતમાં કરી હશે. પછી ધનવાન યાત્રાળુઓને જોઇને બ્રાહ્મણનું હૃદય લોભથી વીંધાયું હશે. બ્રાહ્મણો કહે છે કે પંડાઓનો લોભ એ સીતાજીનો શ્રાપ છે. ધન્ય છે આ બ્રાહ્મણોને કે જે પોતાના ખરાબમાં ખરાબ દોષોને માટે પણ વ્યાસ કે શૌનક ઋષિને નામે પૌરાણિક આધાર ઉપજાવી શકે છે!’

ગયાના પ્રવાસ દરમિયાન પણ કાકાસાહેબે ધાર્મિક વિધિ કરાવનારાઓની નાણાભૂખને નિહાળી અને તેનું વર્ણન કરતા તેઓ લખે છે, ‘ડગલે ને પગલે દક્ષિણા વિષે લડતા અને ગરીબ અજ્ઞાન યાત્રાળુઓ જો માગેલી દક્ષિણા ના આપે તો તેમનાં મરી ગયેલાં સગાવહાલાંને ગાળો દેતા ગયાવળોને જોઈ હિંદુ ધર્મ વિષે કોઈ નિરાશ થાય તો તેનો ઝાઝો વાંક ન કાઢી શકાય.’ ગંગામાં પ્રદૂષણના મુદ્દે તો કર્મશીલથી માંડી ત્યાંના સાધુબાબા પણ લડતે ચઢ્યા છે. પવિત્ર ગંગાને ચોખ્ખી કરવાના પ્લાન પણ સરકારે અમલમાં મૂક્યા છે એવા સમયે એ જાણીને આશ્ચર્ય નથી થતું કે દાયકાઓ પૂર્વે કાકા કાલેલકર પણ ગંગાની ગંદકી જોઈ નિરાશ થયા હતા. ‘અમરપુરી વારાણસી’ના પ્રકરણમાં તેઓ કહે છે, ‘… અને તીર્થમાં પાંચ ફૂટ પહોળો અને પચીસ ત્રીસ ફૂટ લાંબો એક ખાડો. પાણીનો રંગ અમે જોઈ શક્યા નહીં, કારણ પાણી પર આ કુંડમાં રોજ નાહનાર હજારો યાત્રાળુઓના પરસેવાનો જાડો થર જામ્યો હતો. છતાં અમારી નજર આગળ સેંકડો યાત્રાળુઓ મરણ પછીનું નરક ટાળવા માટે એમાં હોંશે હોંશે ડૂબકી મારતા હતા. મને થયું કે ઈશ્વર શરમનો માર્યો આ લોકોને નરકવાસમાંથી માફી આપતો હશે, કેમ કે આ કુંડમાં સ્નાન કરનારને સૂગ ચડે એવો કુંડ નરકમાં પણ ઈશ્વર ક્યાંથી લાવે?’

ભારતમાં જનસામાન્યને આજે પણ શૌચાલય સુવિધા ઉપલબ્ધ નથી એ તો જગજાહેર છે. શૌચાલયની સુવિધાનો મુદ્દો આજે તો અગ્રતાક્રમ માંગે છે, પરંતુ કાકસાહેબના પ્રવાસમાં પણ એ સમયે આ સુવિધાના અને તેના પ્રશ્નો અંગેની ગંભીરતા છતી થાય છે. કાકાસાહેબ લખે છે, ‘આપણાં કાવ્યોમાં, પુરાણોમાં અથવા આજકાલની નવલકથાઓમાં શૌચવિધિનો ઉલ્લેખ કોઈ ઠેકાણે આવતો જ નથી. સ્મૃિતવચનો બહાર જાણે એ વસ્તુને સ્થાન જ નથી. આ ધર્મશાળાની આસપાસ પણ એ આવશ્યક વિધિ માટે કોઈ ખાસ જગા કે સગવડ હતી નહીં. બાકીની બધી સગવડો જોઇએ તે કરતાં વધારે, પણ આ કુદરતી હાજત તો કુદરત પર જ છોડી દીધેલી! એટલે મેં મનમાં વિચાર કર્યો, હું જો સંન્યાસી થાઉં અને મારા આશીર્વાદથી જો કોઈ નિરાશ વેપારી કરોડપતિ થાય તો એને પુણ્યના માર્ગ તરીકે હું એમ જ સૂચવું કે, એક નવી ધર્મશાળા ન બાંધતો, જ્યાં જ્યાં ધર્મશાળાઓ હોય ત્યાં ત્યાં શૌચવિધિ માટે આદર્શ સ્થાનો બાંધજે. આમ કરવાથી તું તો સ્વર્ગે જઈશ જ, પણ આ દેશના લાખો યાત્રાળુઓને સવારના નરકમાંથી બચાવીશ.’

ચારધામની યાત્રાનું આકર્ષણ તો ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં વસતા હિંદુઓને અને બિનહિંદુઓને પણ છે. તેને કારણે આ તીર્થધામોમાં આખું ભારત હોય એવું પળે પળે સમજાય. તાજેતરમાં ઉત્તરાખંડની તારાજીમાં મૃત્યુ પામેલા, ખોવાઈ ગયેલા કે ઘેર પાછા ફરનારાઓમાં દેશના ખૂણેખૂણેથી આવેલાઓનો સમાવેશ થાય છે. આ ભાતીગળ સંસ્કૃિત એક સદી પૂર્વે પણ કાકાસાહેબે જોયેલી. તેઓ દર્શાવે છે, ‘મારે પ્રયાગરાજ ઉપર પિતાશ્રીનાં ફૂલ (અસ્થિ) ત્રિવેણી સંગમમાં પધરાવવા હતા. તે કામ પૂરું કરી શ્રાદ્ધ કર્યું. નદીને કિનારે મૂછ કપાયેલા લોકો ઘણા જોવામાં આવતા હોવાથી ઉત્તર હિંદુસ્તાનમાં પણ મદ્રાસીઓએ એક પાણું નાખ્યું હોય તેમ જણાતું હતું. સાધારણ રીતે આપણે સિંધીઓને જોઇએ છીએ ત્યારે અડધા અંગ્રેજ ને અડધા પારસી જેવા દેખાય છે. માત્ર તીર્થક્ષેત્રમાં અત્યંત ભાવિકતા બતાવનાર અને ભક્તિથી ગળગળા થનાર યાત્રાળુઓમાં સિંધનો નંબર પહેલો આવે. મહારાષ્ટ્રીઓ થોડા વખતમાં અને થોડે ખરચે વધારે કેટલું જોવાય અને કેટલા પુણ્યનો સંચય થાય એ તરફ જ નજર રાખનારા હોય છે. ગુજરાતીઓ હંમેશાં ખાવાપીવાની સગવડની શોધમાં ફરતા દેખાય છે અને બંગાળીઓ પોતાનો ભક્તિનો ઊભરો આખી દુનિયામાં નજરે બરાબર પડે એ વિષે વધારે ઈંતેજાર દેખાય છે. લેખકનું ભિન્ન ભિન્ન પ્રાંતના લોકોનું આ વર્ણન ઘણે અંશે આજે પણ સાચું લાગે છે, અને એવું સમજાય છે કે પેઢી દર પેઢી ભારત જેવા વિશાળ દેશમાં ભિન્ન ભિન્ન સંસ્કૃિતઓ લોકવર્તનોમાં કેવી સચવાઈ છે.

યાત્રાધામોમાં મૂર્તિઓનું કદ, દેખાવ અને રૂપ વર્ષોથી લોકમાનસમાં શ્રદ્ધા અને ભક્તિભાવ જગાડે છે. પરંતુ આ મૂર્તિ કેવી રીતે બની અને તે પણ હિમાલયના યાત્રાધામોમાં એ અંગે પણ કાકાસાહેબ નોંધે છે. ‘અમે કેદારનાથના મંદિરમાં ગયા ત્યાં શંખનાદની સેર ઊડતી સાંભળી ચિત્તવૃત્તિ એકદમ ઉત્તેજિત થઈ. બીજે દિવસે સવારે અમે જોયું કે, અહીંની મૂર્તિ તો કેવળ એક મોટો ખરબચડો પાષાણ જ છે. જમાનાઓ થયા યાત્રાળુઓની અખંડ ધારાએ પોતાના સ્નેહથી એ પાષાણને લીસો કરી મૂક્યો છે એ વાત જુદી. જે આવે તે શિવલિંગ ઉપર પોતાનો દેહ ટેકવી છાતી સરસું એને ચાંપે છે …. ભારતવર્ષના ઇતિહાસ ને પુરાણોમાં જેટલા પુરુષો પ્રખ્યાત છે એમાંથી કેટલાક આ જ સ્થાને આવી આ શિવલિંગને આલિંગન દઈ ધન્ય થયા હશે.’
અત્રે રજૂ કરેલા કાકાસાહેબના હિમાલય પ્રવાસ વર્ણનના કેટલાક અંશો એક તરફ ઉત્તરાખંડના યાત્રાધામોનો નાનકડો ઇતિહાસ છે તો બીજી તરફ કુદરત-માનવ સંબંધો અંગેના કાકાસાહેબના વિચારો અને તેનો વર્તમાન સંદર્ભ પણ સ્પષ્ટ કરે છે.    

(સદ્દભાવ : “નિરીક્ષક”, 1 અૉગસ્ટ 2013)

Loading

14 August 2013 admin
← અો હિંદ ! દેવભૂમિ !
લોકમત, લોકમત, આજે તું ક્યાં છો ? →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved