Opinion Magazine
Number of visits: 9448776
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પારિજાતનો પરિસંવાદ

કુમારપાળ દેસાઈ|Profile|7 July 2013

માતૃભાષાનો મરજીવો

એકાણુમાં વર્ષે પણ રતિભાઈ ચંદરયાનો માતૃભાષા ગુજરાતી ભાષા માટેનો પ્રેમ અડગ અને અણનમ છે. બધિરતાને કારણે કાને સહેજે સાંભળી શકતા નથી. અમુક દિવસના ગાળા બાદ નિયમિત રૂપે ડાયાલિસિસ કરાવવું પડે છે. આંખે પણ પ્રમાણમાં ઓછું જોઈ શકે છે. શરીર આવું જીર્ણ બન્યું છે, પણ એમનો ઉત્સાહ તો એ જ પ્રકારે અદમ્ય છે. ગુજરાતી ભાષાનો શબ્દસાગર ખેડવાના કેટલાય મનોરથ ધરાવે છે. ગુજરાતી લેક્સિકોન માટે ધૂણી ધખાવનાર રતિભાઈ ચંદરયા એ કેટલી ય સંસ્થાઓ એકત્રિત થઈને કરી શકે એવું ભગીરથ કાર્ય એમણે એમની એકનિષ્ઠા, એકાગ્રતા અને અવિરત પુરુષાર્થને આધારે સિદ્ધ કર્યું છે.


જામનગરના હાલાર જિલ્લાના ચંદરિયા પરિવારના આ સ્વજનને કેનિયાની પ્રાથમિક શાળામાં માતૃભાષા ગુજરાતી શીખવા મળી, પરંતુ બીજું વિશ્વયુદ્ધ આવતાં પોતાના માતા-પિતા સાથે ભારત પાછા ફર્યા. અહીં આવી અભ્યાસ વધાર્યો, પરંતુ એમનો સઘળો અભ્યાસ અંગ્રેજીમાં થયો અને ત્યારબાદ વિશ્વના અનેક દેશોમાં વિસ્તરેલા ઉદ્યોગોને સંભાળવા માટે ચોવીસ વર્ષની વયે નાઈરોબીમાં પાછા ફર્યા, વ્યવસાયની જવાબદારી સંભાળી, પૂર્વ અને મધ્ય આફ્રિકાના અનેક દેશોમાં ઉદ્યોગોની સ્થાપના કરી. સમયના પ્રવાહને પારખનારા આ કુટુંબે કેનિયામાં વ્યાપારના બદલે ઉદ્યોગોમાં ઝંપલાવ્યું અને પછી આફ્રિકાના બીજા દેશોમાં પોતાના ઔદ્યોગિક ક્ષેત્રનો વિસ્તાર કર્યો.


એ પછી રતિભાઈ ચંદરયા ૪૩મા વર્ષે લંડનમાં સ્થાયી થયા, ત્યાર બાદ જિનેવા, સિંગાપોર અને બીજા કેટલાંય દેશોમાં વસવાનું બન્યું. પરંતુ આ વસવાટ દરમિયાન હૃદયમાં સતત એક ભાવના હતી અને તે પોતાની માતૃભાષાને માટે કશુંક નક્કર કાર્ય કરવાની. એમનો સ્વભાવ જ એવો કે જે કોઈ કામ હાથમાં લે, તે પૂરું કરીને જંપે. એને માટે જરૂર પડયે તો સામાન્ય માણસને સામે ચાલીને મળવા જાય. સાહિત્યકારોને મળે અને સહુને પોતાની વાત સમજાવે. આખી દુનિયામાં વિસ્તરેલા ઔદ્યોગિક ગૃહોની જવાબદારી સંભાળતા રતિભાઈના હૃદયમાં માતૃભાષા ક્ષણે ક્ષણે ધબકાર લેતી હતી.


સાઇઠમાં વર્ષે ગુજરાતી ટાઇપરાઈટર પર હાથ અજમાવ્યો, પરંતુ એમ કરવા જતાં આંગળાં દુખવાં લાગ્યાં. એવામાં ઈલેક્ટ્રિક ટાઈપરાઈટર આવ્યું અને એમણે વિચાર્યું કે ગુજરાતી ભાષામાં ઈલેક્ટ્રિક ટાઈપરાઈટર સર્જાય, તો કમાલ થઈ જાય. જર્મની અને સ્વીડનની મોટી કંપનીઓ સાથે પ્રયાસ કર્યો, પરંતુ સફળતા મળી નહીં. એ સમયે કોમ્પ્યુટર આવ્યું અને મનમાં એવો વિચાર જાગ્યો કે ગુજરાતીમાં ફોન્ટ બનાવનાર કંપની મળે, તો ગુજરાતીમાં માતૃભાષાની સેવા કરવાની ભાવના સાર્થક થાય.


એમણે શોધ આદરી. ભારતની આઈ.બી.એમ., એપલ મેકિન્ટોસ જેવી કંપનીઓનો સંપર્ક સાધ્યો, પણ આમાં સફળતા મળી નહીં. આ માટે તેઓ ભારતમાં આવ્યા. ટાટા કંપનીએ દેવનાગરી ફોન્ટ બનાવ્યા હતા. તેના નિષ્ણાતોને મળ્યા, પણ ગુજરાતી ફોન્ટ બનાવવામાં કોને રસ હોય? પરંતુ અંતે એક ફ્રેન્ચ મહિલાએ જોડાક્ષરો વિનાના ગુજરાતી ફોન્ટ બનાવી આપ્યા, પણ એ પછી ઘણી મોટી રકમની માગણી કરતાં વાત અધૂરી રહી. એવામાં અમેરિકામાં વસતા નાટયકાર અને નવલકથાકાર મધુ રાયે આવા ફોન્ટ બનાવ્યા હતા અને રતિભાઈ ચંદરયાનું પહેલું કામ પૂરું થયું. એ પછી તો ગુજરાતી સ્પેલ ચેકર માટે પ્રયાસ કર્યો અને ગુજરાતી ભાષાને લેક્સિકોન મળ્યું.


આજે આ ગુજરાતી લેક્સિકોન પર પિસ્તાલીસ લાખથી વધુ શબ્દો મળે છે. અન્ય કોઈપણ ભારતીય ભાષામાં આવો વિરાટ ડિજિટલ કોશ સર્જાયો નથી. અનેક દેશના લોકોને એ જુદા જુદા પ્રકારે ઉપયોગમાં આવે છે. એમાં ગુજરાતી સરસ સ્પેલ ચેકર છે. રોજ પાંચ થી છ હજાર વ્યક્તિઓ ગુજરાતી ભાષામાં શબ્દો મેળવવા માટે લેક્સિકોનનો ઉપયોગ કરે છે. અત્યાર સુધી બે કરોડ અને ૧૬ લાખથી વધુ વખત આનો ઉપયોગ થયો છે.


લેક્સિકોન એટલે માત્ર શબ્દકોશ નહીં, પણ અનેક વૈવિધ્યસભર કોશોને એણે આવરી લીધા છે. એટલે કે શબ્દકોશ ઉપરાંત ૪૮,૯૦૫ શબ્દો ધરાવતો ગુજરાતી-અંગ્રેજી શબ્દકોશ, ૬૫,૧૪૮ શબ્દોવાળો અંગ્રેજી-ગુજરાતી શબ્દકોશ, ૩૬, ૧૯૭ શબ્દો ધરાવતો હિંદી-ગુજરાતી શબ્દકોશ જેવાં શબ્દકોશો કોમ્પ્યુટરની એક ક્લીક પર પ્રાપ્ત થાય છે. સંસ્કૃત-ગુજરાતી, ઉર્દૂ-ગુજરાતી, મરાઠી-ગુજરાતી જેવા શબ્દકોશો મૂકાઈ રહ્યા છે, તો સાથે કાયદાકીય શબ્દકોશ અને તબીબી શાસ્ત્રનો શબ્દકોશ પણ મળશે. આજે ગ્લોબલાઇઝેશનના યુગમાં વિશ્વની ભાષાઓ શીખવાની જરૂરી બની છે અને તેથી ગ્લોબલ લેક્સિકનમાં ગુજરાતી-જાપાની અને ગુજરાતી-ચાઈનીઝ શબ્દોનો સમાવેશ કરવામાં આવ્યો છે.


ગુજરાતી-ગુજરાતી શબ્દકોશમાં ૨,૯૩,૦૦૦ કરતાં વધુ શબ્દો છે. ગુજરાતી રૂઢિપ્રયોગ, કહેવતકોશ, વિરુદ્ધાર્થી શબ્દો, પર્યાયવાચી શબ્દો, શબ્દસમૂહ માટે એક શબ્દ વગેરે મળે છે, તો પક્ષી અને વનસ્પતિ વિષયક શબ્દકોશ પણ અહીં સામેલ છે. વળી દુનિયાના કોઈપણ વિભાગમાંથી કેટલા લોકો ગુજરાતી લેક્સિકોનનો ઉપયોગ કરે છે તે પણ જાણી શકાય તેવી ટેકનોલોજી છે.


જો તમે કોઈ શબ્દ લખો અને જોડણી ખોટી હોય કે શબ્દ ખોટો લખ્યો હોય તો તે પણ જાણી શકાય છે. ઉખાણાં અને સામાન્ય જ્ઞાાનના પ્રશ્નો, ક્રોસવર્ડ અને ક્વિક ક્વીઝ મળે છે એટલે કે ગુજરાતીનો આખોય શબ્દસાગર અહીં એકઠો કરવામાં આવ્યો છે. વળી જનસમૂહમાં પ્રચલિત હોય તેવા શબ્દો પણ શોધવામાં આવ્યા અને ૯૩૦ જેટલા શબ્દોનો લોકકોશ લોકભાગીદારીથી એકઠો કરવામાં આવ્યો છે.


એક જમાનામાં ગુજરાતી શબ્દકોશને માટે ભગવદ્ગોમંડળનો મહિમા હતો. એ ભગવદ્ગોમંડળનું કાર્ય હવે ગુજરાત લેક્સિકન દ્વારા ડિજિટલ ફોર્મમાં કરવામાં આવે છે.


આજના સમયમાં ફેસબૂક, ટ્વીટર, યુટયુબ, ગૂગલ પ્લસ વગેરેનો બહોળો ઉપયોગ થાય છે. એના દ્વારા પણ ગુજરાતી લેક્સિકોન ગુજરાતી ભાષાનો અવિરત પ્રચાર કરે છે. એને વિવિધ મોબાઈલ એપ્લિકેશન આઈફોન, બ્લેકબેરી અને એન્ડ્રોઇડ પ્લેટફોર્મ ધરાવતા ફોનમાં પણ કાર્ય કરી શકશે.


એક માતૃભાષાપ્રેમી ગુજરાતીએ આધુનિક ટેકનોલોજીમાં ગુજરાતી ભાષાના એકેએક શબ્દનો સમાવેશ કર્યો છે. રતિભાઈ ચંદરયાનો ૯૦ વર્ષની વયે પણ માતૃભાષા માટે એ જ લગન, એ જ જુસ્સો અને એ જ ઉત્સાહ જોવા મળે છે. માતૃભાષા ગુજરાતી આજે ગુજરાતી વિશ્વકોશ અને ગુજરાતી લેક્સિકોન જેવાં કાર્યોથી પોતાનું મસ્તક ગૌરવભેર ઉન્નત રાખે છે.


ક્ષણનો સાક્ષાત્કાર


વિશ્વના મહાનાયકોનો જરા વિચાર કરો. સોક્રેટિસ, અબ્રાહમ લિંકન, આલ્બર્ટ આઈન્સ્ટાઈન કે મહાત્મા ગાંધી જેવા મહાનાયકોના જીવન પર દ્રષ્ટિપાત્ કરીએ, તો ખ્યાલ આવશે કે એમણે પોતાના ધ્યેયની સફળતા માટે અવિરત અને અસાધારણ જંગ ખેલ્યો હતો. વિરાટ શિલાને ભાંગવા માટે તમે કરેલો એકસોમો પ્રહાર તેને તોડી નાખે છે, પણ શું તો એનો અર્થ એવો ખરો કે અગાઉ તમે કરેલા નવ્વાણુ પ્રહારો વ્યર્થ ગયા. ના, એવું સહેજે ય નથી. તમારા નવ્વાણુ પ્રહારોને કારણે શિલા અંદરથી એટલી તૂટતી રહી કે એકસોમાં પ્રહારને કારણે એના ટુકડે ટુકડા થઈ ગયા. જો નવ્વાણુ પ્રહાર કર્યા બાદ વ્યક્તિ નિષ્ફળતા ઓઢીને બેસી ગઈ હોત તો ?


સોક્રેટિસ રાજકીય વિરોધ જોઈને ચૂપ થઈ ગયા હોત તો? અબ્રાહમ લિંકન એમની ગરીબી અને વારંવારની નિષ્ફળતાઓના આઘાતથી નિરાશ થઈને માત્ર વકીલાત કરતા રહ્યા હોત તો ? આઈન્સ્ટાઈને વર્ષોનાં વર્ષો સુધી સાપેક્ષવાદના સિદ્ધાંતની શોધમાં ગાળવાને બદલે થોડા જ સમયે સંકેલો કરી લીધો હોત તો ? ગાંધીજીએ દેશની રાજકીય, આધ્યાત્મિક અને આર્થિક ગુલામી જોઈને આઝાદી માટેનું આંદોલન અભરાઈએ ચડાવી દીધું હોત તો ?
આ મહાનાયકોની વિશેષતા જ એ છે કે તેઓ નિરાશા, વિરોધ અને નિષ્ફળતા સામે ઝઝૂમતા રહીને દ્રઢ સંકલ્પ અને પ્રબળ ઈચ્છાશક્તિથી એનો સામનો કરતા રહ્યા. પરિણામે એમણે પહાડ જેવી સમસ્યાઓને પોતાના લોખંડી મનોબળથી પરાજિત કરી.


જેમને ઊંચા શિખર પર બેસવું છે, એણે એની પગદંડીઓ પર આવતી પરેશાનીઓ પાર કરવાની હોય છે. આને માટે અથાગ પ્રયત્નની જરૂર છે અને મહાનાયકોએ પ્રયત્ન કરીને એ સિદ્ધ કરી બતાવ્યું કે વ્યક્તિ જન્મથી મહાનાયક બનતી નથી, પણ સંજોગો સામે સતત ઝઝૂમીને અંતે વિજય હાંસલ કરીને મહાનાયક બને છે.



મનઝરૂખો



કેટલીક વ્યક્તિઓની બિમારી એમના તન-મન પર સવાર થઈ જાય છે, તો કેટલીક વ્યક્તિઓ સ્વયં બિમારી પર સવાર થઈ જાય છે. અમેરિકાના પ્રસિદ્ધ ધારાશાસ્ત્રી સેમ ઉન્ટરમેયરને કોલેજકાળથી જ દમ અને અનિદ્રાનો રોગ લાગુ પડયો હોવાથી આખી રાત જાગવું પડતું હતું, પરંતુ એમણે પોતાની આ વ્યાધિને વિશેષતામાં પલટાવી નાખવા માટે પથારીમાં પડખાં ફેરવવાને બદલે અભ્યાસ કરવાનું શરૂ કર્યું. પરિણામે સીટી ઓફ ન્યૂયોર્ક કોલેજના તેજસ્વી વિદ્યાર્થી તરીકે પંકાવા લાગ્યા. એ પછી વકીલાત શરૂ કરી અને દમ અને અનિદ્રાથી થતી અકળામણને ભૂલીને વિચાર્યું કે કુદરત તો એની રીતે મારી કાળજી લેશે, પછી ઓછી ઊંઘની ફિકર શી ?


આથી એમણે સખત કામ કરવા માંડયું અને બીજા યુવાન વકીલો ઉંઘતા હોય, ત્યારે સેમ કાયદાશાસ્ત્રનાં પુસ્તકો વાંચતા હોય! ૨૧ વર્ષની ઉંમરે એ જમાનામાં પંચોતેર હજાર ડોલરની રકમ કમાતા હતા અને ઈ.સ. ૧૯૩૧માં તો એમને અમેરિકાના કાનૂની ઈતિહાસમાં કેસ લડવા માટે દસ લાખ ડોલરની રકમ અને તેય રોકડમાં મળી, જે એક વિક્રમરૂપ હતી.


સેમ અનિદ્રાના વ્યાધિને કારણે અડધી રાત સુધી વાંચતા અને પાછા વહેલી સવારે પાંચ વાગે ઊઠીને લખવાનું શરૃ કરી દેતા. બીજા લોકો હજી પથારીમાંથી ઊઠીને દિનચર્યાનો પ્રારંભ કરે, ત્યારે સેમનું આખા દિવસનું કામ પૂર્ણ થઈ જતું ! જિંદગીમાં એમને ક્યારેય ગાઢ નિદ્રા આવી નહીં, તેમ છતાં ૮૧ વર્ષનું તંદુરસ્ત આયુષ્ય ભોગવ્યું. જો અનિદ્રાની અકળામણથી અશાંત થઈને સતત ચિંતાતુર રહ્યા હોત, તો આટલું લાબું, સ્વસ્થ અને સફળ જીવન જીવી શક્યા ન હોત.

http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/parijatno-parisauvad8812

Loading

7 July 2013 admin
← A TRIBUTE TO VASANT –RAJAB ON THE OCASSION OF 67TH MARTYRDOM OF VASANT – RAJAB A SAGA OF AMITY AND COMMUNAL HARMONY IN GUJARAT
Sleeping with the enemy →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved