આજે ગુજરાતના એક એવા પનોતા પુત્રની વાત કરવી છે જેની રક્ષાનું મૂલ્ય થઈ શકે તેમ નથી. ‘પનોતા પુત્ર’ શબ્દની સાથે વાચકના મનમાં કદાચ ભક્ત અને સમાજ સુધારક નરસિંહ મહેતાનું નામ ઝબકે. શક્ય છે કે કોઈને વિશ્વ વંદનીય મહાત્મા ગાંધીનું સ્મરણ થાય. સાહિત્યના રસિયાઓને મન સ્વ. કનૈયાલાલ મુનશી અને મનુભાઈ પંચોલી – ‘દર્શક’નું દર્શન થાય. રાજકારણની રમણામાં રચનારાને ભલે કદાચ સંત પ્રકૃતિના સૌરાષ્ટ્રના પ્રથમ મુખ્ય મંત્રી સ્વ. ઉ. ન. ઢેબર જીભે ચડે. મારા મનમાં આજે એક વેપારી-ઉદ્યોગપતિની વાત રમે છે. જો કે ગુજરાતે નાનજી કાળિદાસ જેવા ઉત્તમ ઉમદા ઉદ્યોગપતિ આપ્યા છે, પરંતુ આધુનિક લાખોપતિ એમને થોડા જાણે?
મારો અંગુલી નિર્દેશ છે મુકેશ અંબાણી ભણી. ગયા માસના અખબાર ‘The Independent’માં મુકેશ અંબાણીને સરકાર દ્વારા વી.આઈ.પી. પોલિસ સુરક્ષા અપાઈ એવા સમાચાર વાંચવામાં આવ્યા. તરત મનમાં સવાલ ઊઠ્યો, કોઈ પણ વ્યક્તિને એવી સુરક્ષાની જરૂર ક્યારે અને શા માટે પડે? શું તેઓ આપણા દેશ અને સમાજ માટે અત્યંત મહત્ત્વના છે? બુદ્ધ, મહાવીર કે ગાંધી આવા વેપારીઓ કે ઉદ્યોગપતિઓ કરતાં વધુ ઉચ્ચ સ્થાન ધરાવતા હતા. પણ તેમને દુશ્મનો નહોતા કેમ કે એમની પાસે મિલકત નહોતી અને તેથી તેમની સુરક્ષાનો સવાલ નહોતો. જયારે અંબાણીતો ૨૭ માળના મકાનના અને ૧.૩૦ બીલિયન પાઉન્ડના ધણી છે! આથી જ તો ૨૪ સશસ્ત્ર પોલિસ કોન્સ્ટેબલ ચોવીસ કલાક એમનું રક્ષણ કરવા રોકવામાં આવ્યા છે.
સાચું પૂછો તો મુકેશ અંબાણીને કોનો આટલો બધો ભય છે? શા માટે તેઓ આટલા ડરે છે? તેઓ શું ખોટું કામ કરે છે? આમ તો એ એક સફળ વેપારી-ઉદ્યોગપતિ છે. મહેનતની કમાણી છે, પુષ્કળ નફો કરે છે. કોઈ ગેરકાયદે કામ તો નથી કરતા. કહે છે કેટલાક અંતિમવાદીઓ તરફથી તેમને ધમકી મળી છે. કોણ છે એ અંતિમવાદીઓ? શા માટે મુકેશ અંબાણીને ધમકી આપી? સરકારે એ અંતિમવાદીઓની માગણી જાણીને તેનો નિવેડો લાવવાની જરૂર છે કે મુકેશ અંબાણીને પિંજરમાં પૂરી દેવા જરૂરી છે? સરકાર પોતાના પગલાને વ્યાજબી ઠરાવવા કહે, ‘અંબાણી દેશની ધરોહર છે માટે તેનું રક્ષણ કરવું સરકારની ફરજ છે’, તો શું આપણા દેશના પ્રજાજન સરકારની ધરોહર નથી? બાળકોનાં સ્વાસ્થ્ય અને સ્ત્રીઓની સુરક્ષાની જવાબદારી કોની? એ ફરજ શું અંબાણી નિભાવશે? લોકો સરકાર પાસે ધા નાખે છે, ‘અમને અન્યાય, બળાત્કાર, ખૂન વગેરે જેવા ગુનાઓથી બચાવો’, તો સરકાર કહે છે, ‘જાઓ ગણપતિની પૂજા કરો’. હા, ગણપતિએ જ કરવું રહ્યું. કેમ કે ગણપતિનો અર્થ છે; ગણ=લોક=સમૂહ, તેનો પતિ=નાયક એટલેકે વડા પ્રધાન. અંબાણીનું મૂલ્ય ૧૪ બીલિયન પાઉન્ડ ગણાય છે, તો શું દેશના નાગરિકોનું મૂલ્ય શૂન્ય ગણાય?
જો કે મુકેશ અંબાણીના નરેન્દ્ર મોદી સાથેના મીઠા સંબંધોને કારણે આ ધમકી મળ્યાનું કહેવાય છે. પ્રશ્ન એ છે કે એના બીજા પણ મળતિયા, સાગરિતો છે એને પણ આ આતંકવાદીઓ મારશે? અન્યાય અને અસમાનતાના પ્રતિક સમા વેપારી-ઉદ્યોગપતિઓનું માથું વાઢવાથી સમાજમાં ન્યાય અને સમાનતા આવશે કે બીજા એવા જ મૂડીપતિઓ ફૂટી નીકળશે? એના કરતાં મૂડી પરનો એકાધિકાર અને તેની આટલી સામાજિક તથા રાજકીય મહત્તા ઘટાડવી એ જ ઉત્તમ ઉપાય છે એમ એ ક્રોધે ભરાયેલ લોકોને સમજાવવાની જરૂર છે. એમ જાણ્યું છે કે દર મહિને ૧૧,૦૦૦ પાઉન્ડ સુરક્ષાના ખર્ચ પેટે અંબાણી આપશે, એનાથી રાજી થવા જેવું ખરું? જરા વિચારીએ તો સવાલ થાય કે એ પૈસા તેની પાસે ક્યાંથી આવશે? એ શું ખેતર ખેડવા કે મજૂરી કરવા જાય છે? એના નોકરિયાતોને નિયમિત પગાર, પેન્શન વગેરે નહીં અપાતું હોય કે નફાનો બહુ મોટો ભાગ તેના ગાદલા નીચે છુપાવ્યો હોય તો જ આટલી મોટી રકમ એ ફાળવી શકે.
મુકેશ અંબાણીને ધમકી આપનાર વ્યક્તિઓ કે સંગઠનો સાથે વાટાઘાટ કરીને તેમના પ્રશ્નોનું નિરસન કરી તેમાં મુકેશ અંબાણીનો શો ફાળો છે એ મુદ્દો ચર્ચીને આ વાતનો નિવેડો લાવવો એમાં જ સરકારનું ડહાપણ સાબિત થશે. મુકેશ અંબાણીને કેટલા બધા દુશ્મનો હશે કે ચોવીસ કલાક પોલિસ પહેરો ભરે? જો એટલી સંખ્યામાં ખરેખર દુશ્મનો હોય તો તેણે ગુનો કર્યો હોવો જોઇએ અને તો એનો ય ન્યાય થવો જોઈએ. એક વ્યક્તિ ગેરરીતિ આચરતો રહે, પ્રજા તેનાથી ઉશ્કેરાય એટલે સરકાર તેનું રક્ષણ કરે એ સાચો ઉપાય છે કે તે એક વ્યક્તિને સમાજના હિતમાં આચરણ કરવાની ફરજ પાડે એ ખરો રસ્તો છે? જો કે અત્યારની ગુજરાતની સરકાર પાસે આવા નૈતિક પગલાંની આશા રાખવી એ જાણે બ્રિટનના બેન્કર્સ પાસેથી નાના ઉદ્યોગ-ધંધાના માલિકોને યોગ્ય વ્યાજના દરે પૈસા ધીરવાની ફરજ પાડવા જેવું છે.
ગુજરાતના સર્વમાન્ય અમૂલ્ય પુત્ર ગાંધીજીએ કહેલું, ‘હું જીસસના બધા આદેશોનું પાલન કરી શકું, સિવાય કે એક. જિસસે કહેલું ‘લવ ધાય એનીમી’ એ હું ન કરી શકું કેમકે મારે કોઈ દુશ્મન નથી.’
આજે જેની કિંમત નગદ નાણામાં મપાય છે એવા મુકેશ અંબાણી ભલે પોતાને મન અને એમની સાહસિકતાનો લાભ મેળવતી સરકારને મન અમૂલખ હોય પણ એનું ત્રાજવું સમગ્ર પ્રજાની સામે નમવું ન જોઇએ. ગુજરાતની મૂલ્ય વગરની પ્રજા વતી મુકેશ અંબાણીને અનુરોધ કરવા ચાહું છું કે ‘ખૂબ વેપાર કરો, મોટા ઉદ્યોગો સ્થાપો, પણ એટલી મૂડી શા સારુ એકઠી કરો છો કે તમારી સાત પેઢીને ખાતાં ય ન ખૂટે? કેમ કે એમ કરવાથી તમારી આ પેઢીના ભાંડરુઓની ભૂખ ટળતી નથી. મહિનાના ૧૧,૦૦૦ પાઉન્ડ તમારી સુરક્ષા પાછળ આપીને સરકાર અને લોકો પર ઉપકાર કર્યાનો સંતોષ મેળવશો કદાચ તમે, તેના કરતાં એ જ મૂડી રોજગારીની તકો ઊભી કરવામાં રોકશો તો તમારી જાનનો ખતરો ઊભો કરનારા કહેવાતા આતંકવાદીઓ તમારા જ પ્રસંશકો બનશે. ભાઈ મારા, અમારી આ વિનતી સ્વીકારી જોશો તો તમારું અને ભારતની અમૂલ્ય પ્રજાનું ભલું થશે.’
e.mail : 71abuch@gmail.com