કામિનીબહેન, બહુ જ સરસ ! *
વાંચતાં આંખમાં આંસુ આવી ગયાં, હર્ષનાં !
કાઠિયાવાડનાં ઘણાં ગામડાંઓમાં હું ફર્યો છું. અલગઅલગ કોમનાં માણસોને મળ્યો છ, અને તેમની મહેમાનગતિ માણી છે. હિંદુ, મુસ્લિમ, ખ્રિસ્તી કે ખેડૂત, વેપારી, કે પછી હરિજન હોય. ક્યાંક ગરમ ખીચડીમાં ચોખ્ખા ઘીની ધાર થાય, તો ક્યાંક સૂકા રોટલા સાથે લસણની કળીનાં વઘારવાળું પાણી હોય ! પણ દરેકના પ્રયત્ન એવા હોય, કે પોતાની મહેમાનગતિમાં ઊણપ ન રહે.
મૂળ વાત એ છે કે માણસના હૃદયમાં રહેલો માણસ પ્રત્યેનો પ્રેમ અમાપ છે.
હવે અહીં, તમને મારા ઓસ્ટ્રેલિયાના અનુભવ વિષે હું કહેવા ઇચ્છું છું.
મારો ફરવાનો શોખ મને હાઈવે અને ફ્રીવે છોડીને, નાના રસ્તાઓ પર વસેલાં નાનાં ગામડાંમાં લઈ જતો. મારો નિયમ ‘sun-downer’નો. જ્યાં સૂર્યાસ્ત થાય ત્યાં રાતવાસો કરવાનો. અહીંનું નાનું ગામડું એટલે પચાસથી સો કુટુંબની વસ્તિ. તો પણ અહીં એક કે બે હોટલ (Pub) હોય. તેમાં ખાવાપીવા ઉપરાંત રહેવાની પણ સગવડ હોય. આનંદપ્રમોદ માટે કાર્ડ, ડાર્ટ, સ્નૂકર, વગેરે રમતો હોય. મોટે ભાગે પતિપત્ની સાથે મળીને આ હોટલ ચલાવતાં હોય. ગામનાં કે આજુબાજુના ખેતરોમાં રહેતા લોકો અહીં એકબીજાને મળવા આવે. વાતો કરતાં પીવાનું તો હોય જ. કોઈવાર જમી પણ લે.
બેત્રણ દાયકા પહેલાંની આ વાતો છે.
‘કોલેરેન‘ આવું એક નાનું ગામ. ત્યાં બે હોટલ હતી. રૂમ બુક કરી, બેગ મૂકી, હાથમોં ધોઈ હું નીચે આવ્યો. આ માંસાહારી દેશમાં ત્યારે શહેરોમાં પણ ‘શાકાહારી‘ શબ્દ નવાઈનો હતો. તો ગામડામાં તો ક્યાંથી સાંભળ્યો હોય ? પાટીઆ પર લખેલી વાનગીઓ મારા કામની નહોતી. કાઉન્ટર પર ડ્રીંક બનાવતા ભાઈને મેં વાત કરી. તે અંદર જઈ તેમની પત્ની ‘જેની‘ને બોલાવી લાવ્યા; અહીં બૂમ પાડીને બોલાવવાનો રિવાજ નથી, તે સમજાયું. જેનીનું આખું નામ જેનીફર હતું. જેની રસોડાનું કામ સંભાળે. શાકાહારી તરીકે હું શું ખાઈ શકું અને શું નહીં તેની વિગતે ચર્ચા કરી. તેની પાસે બટેટા, ડુંગળી, ટમેટાં, ગાજર, વગેરે હતાં. આપણાં દેશમાં હોત, તો તેનું રસાવાળું શાક બનાવી, ભાત સાથે ખાઈ લેવાત. પણ અહીં તે શક્ય નહોતું. અહીં જમવામાં મીઠું કે મરી પણ કોઈ નહોતું લેતું, તો બીજા મસાલાની શું વાત કરવી ? વધારામાં જેની પાસે ચોખા નહોતા; આ ગામમાં ભાત કોઈ ન ખાય. જેનીએ સૂચન કર્યું કે બાજુમાં સુપરમાર્કેટ હજી ખુલ્લી છે. ત્યાંથી પમ્પકીન, બ્રોકલી અને બીન્સ લઈ આવી, મેં જેનીને આપ્યા. તે રસોડામાં જઈ કામે લાગી ગઈ.
એક બીઅર લઈ ટીવી જોતો હું બેઠો. અહીં પબમાં ટીવી અચૂક હોય. મોટે ભાગે ટીવી પર લોકોને ‘હોર્સ રેસીંગ‘ કે ‘ડોગ રેસીંગ‘ જોવામાં રસ હોય. હોટેલવાળા રેસનું બેટીંગ પણ લે.
થોડી વારે જેની મારી પ્લેટ લઈને આવી. પ્લેટ પરની સજાવટ જોઈ, હું અચરજ સાથે ખૂબ ખુશ થયો. જેનીની આવડત, ઉત્સાહ અને સમજણનું આ મહાન પ્રતિબિંબ હતું. ‘મેશ્ડ પોટેટો‘માં ડુંગળી અને મીઠું ભેળવેલાં, પમ્પકીન, બ્રોકલી, બીન્સ અને ગાજરના ટૂકડા તથા લીલા વટાણા માખણમાં સોંતળેલાં, બધું અલગઅલગ ગોઠવેલું, બટેટાની ગરમ ચીપ્સ, ચીઝની બે સ્લાઈસ ભુંગળું વાળીને મૂકેલી તથા માખણ ચોપડેલા ટોસ્ટ સાથે ટમેટાં, ડુંગળી ને ગાજરનું સેલાડ. બે નાની વાટકીમાં ટમેટો સોસ અને માયોનાઈઝ મૂકેલા. આ નવી જાતનું જમણ જમવાની મજા આવી. જમીને પૈસા આપવા ગયો ત્યારે કહે, ‘મને આજે તમારી પાસેથી ઘણું શીખવાનું મળ્યું. તેમાં પૈસા આવી ગયા.‘
‘બરચીપ‘, ‘પનોલા‘, ‘મજી‘, વગેરે ઘણાં ગામોની મુલાકાત પણ આવી જ રોમાંચક અને યાદગાર રહી છે. દરેક અનુભવમાં મને એ વાત સમજાઈ છે કે ‘માણસને માણસ ગમે છે.‘
મેલબર્ન. e.mail : pvaghani@hotmail.com
સંદર્ભ : * https://opinionmagazine.co.uk/subcategory/15/opinion/4