Opinion Magazine
Number of visits: 9449142
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘ — ટહુક્યા કરવાનું મને મંજૂર નથી.’

ભદ્રા વડગામા|Diaspora - Literature|9 May 2013

ન્યૂરોલોજિસ્ટ્સે પૂરવાર કર્યું છે કે પુરુષો કરતાં સ્ત્રીઓ વધુ લાંબું જીવે છે. તેનું એક કારણ એ છે કે સ્ત્રીઓ એકબીજાના સુખદુઃખમાં સહભાગી બને છે. કોઈક રોમાન્ટિક સંબંધ તૂટી જાય, તો પણ તે ભાંગી નથી પડતી, કેમ કે તેની પાસે તેના સ્ત્રી મિત્રોનો સંગાથ છે, જેને તે પેટછૂટી વાત કરી, મનનું દુઃખ કે દ્વિધા હલકાં કરી શકે છે. આ વાતનો પુરાવો આપ સમક્ષ આજે મોજૂદ છે. પન્નાબહેનને જોઈ, કોણ કહી શકશે કે આ વર્ષની ૨૮ ડિસેમ્બરના તેમને ૮૦ વર્ષ પૂરાં થશે. દીર્ઘ આયુષ્ય માટે, હું તો પેટછૂટી વાત બહેનપણીઓને કહેવાનું કહું છું, જ્યારે પન્નાબહેન તો તેમની અંતરની વાતો સમગ્ર ગુજરાતી વાચકવર્ગ સુધી પહોંચાડે છે. પછી તેમના ઉપર કોઈ પણ જાતના સ્ટ્રેસની અસર શા માટે થાય ? કેટલાં સુંદર અને યુવાન દેખાય છે, જુઓ તો ખરાં !

તરફડાટ એટલે ? -


તમે કહેશો,
જલની બહાર આણેલા


કોઈ મીનને પૂછી જુઓ !

પણ ઘૂઘવતા ઉદધિના ભીતર


જે


કોરું કોરું તરફડે,


એને તમે શું કહેશો ?

આવા આવા તરફડાટને પન્નાબહેને પોતાની કવિતામાં કશા ય ક્ષોભ કે છોછ વિના છતા કર્યા છે.

અને એ પ્રેરણા તેમને મળી એક અમેરિકન કવયિત્રી પાસેથી. એમના જ શબ્દોમાં કહું, ‘લાઇબ્રેરીમાં નોકરી કરતાં કરતાં, પુસ્તકો જેવા અનાક્રમક મિત્રોની વચ્ચે જીવતાં જીવતાં, અચાનક એક દિવસ અમેરિકન કવયિત્રી Anne Sextonનો કાવ્યસંગ્રહ ‘Love Poems’ (1967) મારી આંખે વસી ગયો. એનાં કાવ્યો હું વાંચતી જાઉં અને એ વાતાવરણમાં ડૂબતી જાઉં. જાણે કે મારા ખોવાઈ ગયેલા beingનો ક્યાંક એમાં તાળો મળતો હોય, એવું અનુભવતી જાઉં. ટીવી પર પણ જો એનો કાર્યક્રમ હોય તો કદી ન ચૂકું. એક સ્ત્રી પોતા વિશે કોઈ પણ પ્રકારના નિષેધ વિના કેટલી હદે બેધડક બયાન કરી શકે છે, એનો ખ્યાલ મને આવ્યો. એનાં કાવ્યોમાં ગર્ભાશયની વાતો, masturbation અને menstruationની વાતો એ છોછ કે સંકોચ વિના કરી શકે છે – દંભના પડદા ચીરીને. હું એ પણ સમજું છું કે આવી વાતો કરવાથી જ કવિતા નથી થતી. પણ અંદરનું કોઈ તત્ત્વ આવી વાતોની અભિવ્યક્તિ માટે, ધસમસતું આવતું હોય તો કેવળ સામાજિક ભયથી એનો ઢાંકપિછોડો કરવો એ કલાકારને ન છાજે એવી કાયરતા છે.’

એ વાત કરી પન્નાબહેને. તેવી જ રીતે હું પણ લાઈબ્રેરી માટેનાં પુસ્તકોનું કેટેલોગીંગ કરી રહી હતી, ત્યારે, મારા માટે તે સમયે સાવ અજાણ, એવાં પન્નાબહેનનું, 'તું આંખોમાં આંખ પરોવી દીર્ઘ ચુંબન કરે' કાવ્ય મેં વાંચ્યું. મારાથી બોલાઈ ગયું, 'Wow! શયનગૃહની અંદરનું આટલું અંગત દૃશ્ય, એક ગુજરાતી સ્ત્રી, આટલી હદે ખુલ્લી રીતે વર્ણવી શકે ? 'ત્વચાની રજાઈ ઓઢાડે, વાઘા ઉતારે’ – કેટલી ૠજુતા સમાયેલી છે આ શબ્દોમાં ? અમે પુષ્ટિમાર્ગીઓ ઠાકોરજીનાં વસ્ત્રોને વાઘા કહીએ. મને ખબર નથી કે પન્નાબહેને પણ એ શબ્દ અહીં એ જ કારણસર વાપર્યો છે કે નહીં, પણ મારા માટે સંભોગની પ્રક્રિયાને તેમણે સમાધિની કક્ષાએ પહોંચાડી છે. એ જ કાવ્યમાંની બીજી એક પંક્તિ ય મને સ્પર્શી ગઈ તે હતી, 'આ બધું મને એટલું ગમે છે, એટલે હવે હું પણ મને ગમવા માંડી છું.'

આધ્યાત્મિક લખાણોમાં આપણે વાંચીએ છીએ કે 'સૌ પ્રથમ પોતાને પ્રેમ કરતાં શીખો, તો જ બીજાને પ્રેમ આપી શકશો.' પન્નાબહેન માટે પોતાને ગમવાનું કારણ ભલે બીજું છે, પણ એમાં આધ્યત્મિક્તાની થોડી છાંટ કદાચ છૂપાઈ હશે ? એ છાંટ વિશે ત્યારે મને વિચાર નહોતો આવ્યો, પણ હવે વિલાસબહેનના રંગે રંગાઈ છું, અને ઉંમરલાયક થઈ છું, એટલે આવે છે.

પ્રેમની પરાકાષ્ટાને પોરસતી એ જ કવયિત્રી ઘેલછાભર્યા પ્રેમ માટે ટકોર પણ કરી જાણે છે ઃ

પાંદડી વાયરાને વળગી શું કામ ?
વાયરો રોક્યો રોકાતો નથી કોઈથી,
પાંદડી શાને આ વાયરા પર મોહી’તી ?
હવે આંખડી આંસુમાં ઢળતી શું કામ ?

અને વળી ક્યારેક પુરુષપ્રધાન સમાજમાં પત્નીને જે રીતે પતિનો પડછાયો થઈને રહેવું પડે છે, તેને પડકાર આપવામાં પણ પન્નાબહેને પાછું જોયું નથી. મને પ્રિય તેમનું આ કાવ્ય માયા એનજેલુની કૃતિ Phenomenal Woman ની ઝાંખી કરાવે છે.

કોઈની બુદ્ધિના પાંજરામાં લાગણીનું પંખી થઈ,

ટહુક્યા કરવાનું મને મંજૂર નથી;
કોઈ પ્રેમને નામે મને ડંખ્યા કરે,
અને ઇચ્છા મુજબ મને ઝંખ્યા કરે;
જે બોલે તે બોલવાનું ને નાગ જેમ ડોલવાનું,
મને આવું અઢેલવાનું મંજૂર નથી.

 

પોતાની આંખ હોય પોતાની પાંખ હોય,
પોતાનું આભ હોય પોતાનું ગીત હોય,
મનની માલિક હું મારે તે બીક શી?
હું તો મૌલિક છું,
હામાં હા કહીને ઠીક ઠીક રહીને,
મને ઠીક ઠીક રહેવાનું મંજૂર નથી.

 

માપસર બોલવાનું માપસર ચાલવાનું,
માપસર પહેરવાનું માપસર પોઢવાનું,
માપસર ઓઢવાનું,
માપસર હળવાનું માપસર ભળવાનું,
આવું હળવાનું ભળવાનું માપસર ઓગળવાનું,
મને આવું પીગળવાનું મંજૂર નથી.

 

કોઈની બુદ્ધિના પાંજરામાં લાગણીનું પંખી થઈ,
ટહુક્યા કરવાનું મને મંજૂર નથી.

 
તો વળી આ કાવ્યમાં કોઈ વિધવાની વ્યથાનો ભાસ થાય છે. એક લોકગીતના શબ્દો લઈ, એક નવી જ ભાવના અહીં વર્ણવી છે.
 

સોના વાટકડી જેવું આ કાળજું
ને યાદનું કેસર ઘોળ્યા કરું
આંખની સામે જે ચહેરો હતો
એ ચહેરાને હું તો ખોળ્યાં કરું.

 

બારણાની બ્હાર આ રસ્તો પડયો છે
પણ ચાલવાનું મન મને થાતું નથી.
ક્યારનો ઉજાગરાનો દીવો બળે ઃ
કહે, દીવાને કેમ કરી ઓલવ્યાં કરું.

 

હાલ આસ્થા ચેનલ પર, ‘અસ્મિતા પર્વ’ સમયે, બિન્દુ ભટ્ટની અખેયપાતર નવલકથાના સર્જન વિશે તેમણે જે કહ્યું તે હું સાંભળતી હતી. તેમાંથી પન્નાબહેનની સર્જક્તા વિશે એમનાં અમુક વિચારો અપનાવી શકાય તેમ મને લાગ્યું. બિન્દુબહેન કહે છે કે ‘શેરીએ શેરીએ પતિ હોવા છતાં જીવનની ધાર જીરવી રહે છે, એવી કેટલીયે સતીઓ છે.’ અહીં એવી સતીઓને, એ પરિસ્થિતિમાંથી છૂટવા માટે, પન્નાબહેન આમ કહી પ્રોત્સાહન આપવા માગે છે.

સતી નામના કાવ્યમાં તેમણે લખ્યું છે ઃ

પતિને પરમેશ્વર માનનારી

હું સતી સ્ત્રી નથી.

અને એટલે જ

પતિના અવસાન પછી

રદ્દ થઈ ગયેલા અસ્તિત્વમાં

મૂરઝાયેલા ફૂલ જેમ જીવી જઈ

શેષ આયુષ્ય વીતાવવાના

આપણા ઉત્કૃષ્ટ રિવાજને

હું

વધાવી શકતી નથી.

હું

સ્વર્ગે જઈશ

એવી કોઈ ગણતરી  

મારા ગણિતમાં છે જ નહીં !

બિન્દુ બહેને કહ્યું કે દરેક સ્ત્રી એક અક્ષયપાત્ર છે, તેમાં સુંદરતા, સ્વાદ, કળા, પકૃતિ માટે જે રુચિ છે, તે અવર્ણનીય છે. અને પન્નાબહેનનાં કાવ્યોમાં આવાં આવાં સ્ત્રી સુલભ પાસાં આવરી લેવાયાં છે. સમયની મર્યાદાને ખ્યાલમાં રાખી, એ બધાંને હું અડી નથી શકતી.
 
સુરેશ દલાલે કહ્યું છે તેમ, પન્નાબહેનની કવિતામાં, વેદના અને સંવેદના, વહાલ અને વસવસો સંપીને રહે છે. તેમની કૃતિઓ તૄપ્તિના અહેસાસની કવિતા છે, અલ્લડ સ્ત્રીનો ઉદ્દગાર નથી, તેમાં તરસનો તહેવાર છે, ખુમારીનો ઉધ્ધાર છે. હું ઉમેરીશ કે તેમાં સ્ત્રીત્વનો ઉત્સવ છે.
 
એમના એક ગદ્ય પદ્યમાં પન્નાબહેન લખે છે :
 
‘મારામાં એક ટોળું વિરાટ સમુદ્રના પાણીની જેમ ધસમસી આવે છે અને અહીંથી તહીં, તહીંથી અહીં રહીરહીને મને ફંગોળે છે. કોઈ કોણી મારે છે, કોઈ ધક્કા. કોઈ મને ઉપાડે છે, કોઈ પછાડે છે. મને ક્યાંય કોઈ જંપવા દેતું નથી. આ ભીડ મારી પોતાની છે. આ મારી જ ભીડમાં હું ખોવાઈ જાઉં છું. ખવાઈ જાઉં છું. હું મારા એકાંતના નીડમાં પાછી વળી શક્તી નથી. કપાઈ ગઈ છે મારી પાંખ. આંધળી થઈ ગઈ છે મારી આંખ, ગહનઘેરા અંધકારમાં હું મને ફંફોળું છું પણ કેમે કરીને હું મને મળતી નથી, મળી શક્તી નથી.’
 
પણ વર્ડસ્વર્થે કહ્યું છે કે  Poetry is the spontaneous overflow of powerful feeling, recovered in tranquility. કવિતા એ તીવ્ર લાગણીઓનો સ્વયંસ્ફૂર્ત ઊભરો છે, જે સંપૂર્ણ શાંતિમાં ડૂબી જઈને જ અંકુશમાં લાવી શકાય છે.
 
ભલે અહીં પન્નાબહેને લખ્યું છે કે ‘મારા એકાંતની નીડમાં પાછી વળી નથી શકતી’, પણ એ જાતની લાગણીનો અનુભવ લેવા પણ તેમને એકાંતમાં ઉતરવું પડતું જ હશે.
 
એક સર્જક તરીકે તેમણે એ tranquility – પરમ સ્થિરતા, સંપૂર્ણ શાન્તિમાં ડૂબી જઈને જ આવાં સર્જનો કર્યાં હશે. જેને પ્રકૄતિ પ્રત્યે આટલો પ્રેમ હોય, તેને ઘોંઘાટની વચ્ચે પણ, આંતરમુખ થઈ, મનોભાવોને હૃદયના એક ખૂણામાં છૂપાઈ રાખતાં આવડતું જ હશે. સીતાજીને સખીઓએ પૂછ્યું કે તમે આટલા બધા દિવસો અશોકવાડીમાં રહ્યાં, તો અમને કહો કે રાવણ કેવો દેખાય છે. સીતાજી કહે છે ‘મેં તો ફક્ત તેના પગનો અંગૂઠો જ જોયો હતો’, છતાં પણ સખીઓના આગ્રહથી તે રાવણનું ચિત્ર દોરે છે. બિન્દુબહેન કહે છે, 'એ ચિત્રનો રાવણ આગવો જ હશે.' સર્જકનું પણ એવું જ છે તેમને એક આવો અંગૂઠો મળે છે અને તેમાંથી એ કશુંક અદ્દભુત સર્જન કરી શકે છે.
 
પન્નાબહેને મા વિશે પણ કાવ્યો લખ્યાં છે, કેમ કે સંવેદનાનું સૂત્ર મા સાથે જોડાતું હોય છે. માના ખોળામાં જે વિસામો મળે છે, તે બધી વ્યાધિ-ઉપાધિને નષ્ટ કરી શકે છે. સૂરક્ષેત્રની એક સ્પર્ધામાં મહેશ ભટ્ટ એક ગાયકને કહે છે 'તારી ગાયકીમાં આત્મા પૂરવા માટે માના ખોળામાં સૂતાંસૂતાં જે ખામોશી – tranquilityનો અહેસાસ તું કરે છે, એ ખામોશીને યાદ કરી, રાત્રે એકાંતમાં કોઈના માટે નહીં ફક્ત તારા જ માટે તું ગાજે. પછી જોજે તેમાં શું માધુર્ય આવે છે.' તેવી જ રીતે આ કવયિત્રી પણ વચ્ચે વચ્ચે માના ખોળાનો આસરો લઈ, પોતાનું સર્જન કરતી હશે એવું હું માનું તેમાં અતિશયોક્તિ નહીં જ હોય.
અહીં મને કવિ રણછોડદાસની આ પંક્તિઓ પણ યાદ આવે છે

દિલમાં દીવો કરો રે દીવો કરો

દયા દીવેલ, પ્રેમ પરણાયું લાવો,


માંહી સુરતાની દીવેટ બનાવો;


મહીં બ્રહ્મઅગ્નિ પ્રગટાવો રે … દિલમાં દીવો કરો

માનવ પાસે પોતાનો આંતરિક દીવો પ્રગટાવવા માટે બધી સામગ્રી હશે – દયાનું દીવેલ, પ્રેમનું પરણાયું અને સુરતાની દીવેટ – પણ દીવાને બ્રહ્મઅગ્નિથી એ પેટાવશે નહીં, ત્યાં સુધી તેમાંથી પ્રકાશ ઉત્પન્ન નહીં થાય. તે જ રીતે પન્નાબહેન સંવેદનશીલ કૃતિઓ સાથેસાથે, દરરોજની સામાન્ય વસ્તુઓ પર પણ, હૃદયસ્પર્શી કાવ્યો લખી શકે છે, પછી તે છત પરનો કરોળિયો હોય કે કપડે ચોટ્યું ઘાસ હોય કે પછી ભીંત પર પડતો સવારનો તડકો હોય કે કરમાયેલો તુલસીછોડ હોય. તેમની કલમ હેઠળ એ બધાં કવિતા બની જાય છે, કેમ કે આ કવયિત્રીમાં એક કારીગરની કળા અને આત્મા વસેલાં છે. તેમણે કવિતારૂપી દીવો પ્રગટાવવા એકઠી કરેલી સામગ્રીઓ – વિચારો, લાગણીઓ, સંવેદનાઓ, આસપાસની ઝીણી ઝીણી વસ્તુઓ, માનવસંબંધો – ને સુંદર રીતે ગોઠવીને તેમાં બ્રહ્મઅગ્નિને પેટાવ્યો છે; તેમાં પોતાનો આત્મા રેડ્યો છે, એટલે જ એમની કૃતિઓ ઉત્કૃષ્ટ છે.

એવાં એ મારાં સખી પન્નાબહેનને, તેમના આગામી ૮૦મા વર્ષગાંઠ નિમિત્તે, અત્યારથી જ, અભિનંદન પાઠવું છું; અને પ્રભુ તેમને સુંદર સ્વાસ્થ્ય સહિતનું દીર્ઘાયુ અર્પે એવી પ્રાર્થના કરી વંદુ છું.

e.mail : bhadra.v@btinternet.com

(અમેરિકી દ્વૈ સર્જક પન્નાબહેન નાયક અને નટવરભાઈ ગાંધીના અતિથિ વિશેષપદે, 5 મે 2013ના રોજ, 'ગુજરાતી સાહિત્ય અકાદમી'ના 'અાંતરરાષ્ટૃીય ગુજરાતી દિવસ'ના અવસરે રજૂ કરાયેલું વક્તવ્ય)

Loading

9 May 2013 admin
← Ode to Indian Dukawala – a review
પ્રહ્લાદ-આહ્લાદ →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved