અનામત આપી છે તેનો આ રોષ શાનો ?
હાજરી આપી વાહ વાહ થતી જોવા અને તાળીઓના અવાજમાં અમારી તાળીનો અવાજ ઉમેરવા, રવિવારની વહેલી સવારે, મિત્રો સાથે બસમાં નીકળી પડ્યા. મિત્ર વિનોદભાઈ શાહ અત્યંત સરળ માણસ. તેમણે મહારાષ્ટ્રના એક પછાત વિભાગમાં આવેલા પાલઘર જિલ્લાના વાડા તાલુકાના નાનકડા ખોબા જેવા પરળી ગામમાં આવેલી ‘પ્રાથમિક અને માધ્યમિક આશ્રમશાળા’માં બહુઉદ્દેશીય સભાગૃહ બાંધવા અનુદાન અને સાથે શ્રમદાન પણ કર્યું છે. રહેઠાણ, સંડાસ અને અન્ય અનેક અભાવો માટે આ આશ્રમશાળા ઉદાહરણ છે. કોઈ સદ્દગૃહસ્થે આંગળી ચિંધી અને ૧૧લાખના વચનથી શરૂ થયેલ કાર્ય ૩૭ લાખના ખર્ચ પછી બહુઉદ્દેશીય સભાગૃહ સુધી પહોંચ્યું. વિનોદભાઈના અનેક સખાવતી સગાં અને સંબંધીઓના અનુદાનથી આ પૂરું થયું ! ના રે ના, આ તો પાશેરાની પહેલી પૂણી. મારે જે વાત કરવી છે તે હવે શરૂ થાય છે. પહેલા ફોટાથી જુઓ આ ‘આશ્રમશાળા’.
આ આશ્રમશાળામાં ૬૦૦ ઉપરાંત આદિવાસી વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ ભણે છે. આવા આશરે અઢાર ઓરડાઓ છે જેમાં હેડમાસ્તરની ઓફીસ, સ્ટાફરૂમ, રસોડું વગેરેનો સમાવેશ થાય છે. આ ઓરડાઓનો ઉપયોગ દિવસે ક્લાસરૂમ તરીકે તથા ભોજન માટે તેમ જ રાત્રે એ જ રૂમોમાં વિદ્યાર્થીઓને સૂવા માટે સગવડ કરવામાં આવે છે. જયારે ક્લાસ ચાલતા હોય ત્યારે આ શાળાના વિદ્યાર્થીઓની એક પતરાની પેટી, તેની ઉપર તેમનું પાગરણ અને ત્રણ બાજુની ભીંત ઉપર બાંધેલી દોરી ઉપર તેમણે રોજે રોજ ધોયેલાં કપડાં સૂકાય છે. આગળ દરવાજો અને તેની સામેની ભીંત ઉપર ત્રણ બારી એ વાતાયનની વ્યવસ્થા છે, બે દિવાલો બીજા ઓરડાઓ સાથે જોડાયેલી હોવાથી ત્યાં બારીઓ નથી. ૬૦૦ વિદ્યાર્થીઓ વચ્ચે ત્યાં કુલ ૧૨ શિક્ષકો છે. રાત્રે એક ઓરડામાં ૬૦થી ૭૦ વિદ્યાર્થીઓ એકબીજાને લગભગ અડી અડીને સૂઈ રહે છે. એસ્બેસ્ટોસ છાપરાઓને માટે બનાવેલી લોખંડની વચ્ચેની કૈંચી ઉપર દાનમાં મળેલા ત્રણ પંખાઓ લટકે છે. ફરસ સિમેન્ટની બનેલી છે. હમણાં હમણાં બનેલા સુંદર શૌચાલયો અને સ્નાનગૃહો આ સુવિધાઓ સાથે મેળ ખાતા નથી. એનાથી પણ વિશેષ જેના ઉદ્દઘાટન સમારંભમાં અમે ગયા હતા એ તો સવિશેષ જુદો પડી જાય છે. આ સભાગૃહમાં સાંસ્કૃિતક કાર્યક્રમો થઈ શકશે, રાજકારણીઓને ભાષણ આપવા અને એકબીજાની પીઠ થાબડવાની સુવિધા મળશે, કહેવાણું તેમ ચારસો વિદ્યાર્થીઓ એક સાથે ભોજન લઈ શકશે અને રાત્રે સૂઈ પણ શકશે. વ્યંગ કરવા નહીં પરંતુ ત્યાં સાંભળ્યા તે ભાષણોમાં આ આદિવાસી અને પછાત ગણાતા વિસ્તારમાં રાજકારણીઓએ કરેલા પોતાના વખાણોમાં ક્યાંયે પણ આ ઘેટાબકરાંની માફક અનેક અસુવિધા સાથે જીવતા બાળકો અંગે એક પણ ઉલ્લેખ સાંભળવા મળ્યો નહીં. પદ્મશ્રી સ્વ. અન્ના સાહેબ જાધવનો ઉલ્લેખ થતો રહ્યો અને તેમણે શરૂ કરેલ આ શિક્ષણ અભિયાનની પ્રસંશા જરૂર કરવી જોઈએ. શહેરોમાં રહેતા આપણે જીવનની અનેકવિધ વિટંબણાઓ વચ્ચે જીવતાં દૂરસુદૂર વસતાં અનેક ભારતવાસીઓ અંગે કશુ જાણતા જ નથી. વિનોદભાઈ જેવાઓ પોતાની પાસે છે તેમાંથી થોડું આપી શકાય તે આપવા તૈયાર કેટલાં ? પણ મારે એ અંગે પણ કઈ વિશેષ કહેવું નથી. આ સમારંભમાં છોકરાઓ અને છોકરીઓએ ઉપસ્થિત લોકોના મનોરંજન માટે શિક્ષક-શિક્ષિકાઓના સહકારથી થોડાં કાર્યક્રમોનું આયોજન કર્યું. તેમાં તેઓનાં જીવન, વ્યવસાય અને આજીવિકા રળવા અંગેની વાત અત્યંત સુંદર રીતે પ્રતીકાત્મક સાધનો દ્વારા રજૂ કરી. તે દર્શનીય અને રોચક રહી. થોડાં સાધનો આ ફોટામાં દેખાશે.
આ ઉપરાંત હળ, બળદની જગ્યાએ માનવ – (વાસ્તવિકતા પણ ખરી), રંગોળી, ઘંટી, ખાંડણિયો, ઘાસનો પૂળો, સૂપડી, ગામનો ભૂવો, કર્મકાંડી, પશુ, પક્ષીઓ, ઉત્સવ અને ઉત્સવમાં થતાં નૃત્યો, તેમાં વપરાતા તરોપા, ઢોલ જેવાં વાદ્યો સાથે જે છે તેમાં પણ આનંદથી જીવતાં આ આદિવાસીઓને અહીં બાળકોએ જીવંત કરી આપ્યા.
આપણે આજે અનામતના આંદોલનો કરીએ છીએ. વર્ષોથી દલિત દશામાં જીવતાં લોકોને ભણવામાં અને નોકરીઓમાં મળતી રાહત સામે ફરિયાદો કરીએ છીએ. તે લોકો જે રીતે જીવ્યા છે અને જીવે છે તે આપણે જાણવું નથી. લાખો રૂપિયા આપી આપણે આપણાં બાળકોને શિક્ષણ આપીએ છીએ. શાળા-કોલેજમાં એડમિશન લઈ શકે તે માટે ટ્યુશનના પણ ખર્ચ કરીએ છીએ. દલિત અને કચડાયેલા લોકોનાં બાળકો આજે પણ કેવી રીતે શિક્ષણ મેળવે છે, કયા પ્રકારનું શિક્ષણ મેળવે છે તેનું એક ઝાંખું પણ સત્યદર્શન કરાવવા આ લેખ લખું છું. તે લોકોને કદાચ ઓછા ગુણ મળતા હશે, જેમને ઉત્તમ શિક્ષણનો અંશ પણ મળતો નથી. આપણે ભારતવાસીઓ કુટુંબીઓ છીએ તેવી વાતો માત્ર કહેવા ખાતર કરીએ છીએ. જેને પછાત કહીએ છીએ તેવા કરોડો દેશબંધુઓ આપણા માટે ખેતી કરે છે, મજૂરી કરે છે. આપણી સુવિધાના મૂળમાં આ ધરબાયેલા આ પાયાના પથ્થરો છે. અમે જોયેલી આ સ્થિતિથી પણ બદતર સ્થિતિ અને અસુવિધામાં જીવન વ્યતિત કરતા લોકોને આપણે જો કંઈ આપીએ છીએ તે તેમના પર ઉપકાર નથી. આપણે ઋણ ચૂકવવીએ છીએ. એ ક્યારેક સજારૂપે આવશે તે પરિસ્થિતિ પહેલાં આપણે આપણી દૃષ્ટિનો વ્યાપ વધારવો પડશે. આપણા આર્ષદ્રષ્ટા મૂર્ધન્ય કવિ સ્વ. ઉમાશંકર જોશીએ લખ્યું છે તે યાદ કરીએ :
“ભૂખ્યા જનોનો જઠરાગ્નિ જાગશે, ખંડેરની ભસ્મકણી ન લાધશે.”
આ અહીં જે વાત કરી છે તે ઉદાહરણ પૂરતી છે અન્નાસાહેબ જાધવના પુત્ર હજુ પણ આ ક્ષેત્રમાં અન્ય ૬૫ આવી સંસ્થાઓ સાથે જોડાયેલા છે. જેમાં આથી પણ વધુ ખરાબ સ્થિતિ છે. થાણા પાલઘર જેવા અગણિત ક્ષેત્રો વિકાસની રાહ જુએ છે.
e.mail : kanubhai.suchak@gmail.com