Opinion Magazine
Number of visits: 9451662
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સનત મહેતા : આજીવન અજંપ લડવૈયા

ચંદુ મહેરિયા|Samantar Gujarat - Samantar|21 August 2015

મંત્રી તરીકે વરસમાં એક દિવસ મોટરકાર ન જાય એવી જગાએ પ્રવાસ કરવાનો સંકલ્પ સનતભાઈ બરાબર પાળતા

એકાણું વરસના પુર્ણાયુષ્ય અને ૭૩ વરસના જાહેર જીવન સાથે સનત મહેતાએ આપણી વચ્ચેથી વિદાય લીધી. ભાવનગર જિલ્લાના જેસર ગામના પ્રાથમિક શાળાના શિક્ષક પિતાનું એ સંતાન. ૧૯મી એપ્રિલ ૧૯૨૫ના રોજ જન્મેલા સનતભાઈ, માંડ બી.એસ.સી. થયેલા. કારણ? ભણવામાં રસ નહોતો. જીવ સ્વતંત્રતા તલસતો હતો. માંડ સત્તર વરસના યુવા સનતે ૧૯૪૨ની ક્રાંતિનો હિસ્સો બનવા પિતા અને કુટુંબની અનિચ્છાએ ઘર છોડ્યું એ ઘટના જીવનનું વળાંકબિંદુ બની. ઘર છોડી ભાગેલા ‘અભાગી પુત્ર’ સનતે મા-બાપ અને ભાઈજોગ પત્રમાં લખ્યું હતું, ’આપણા કુળને દીપાવી શકું એટલી કામ કરવાની મ્હારામાં શ્રદ્ધા છે, શક્તિ છે.’ અને આ વાત એમણે સાત દાયકા કરતાં દીર્ઘ એવા જાહેરજીવન વડે રૂડી પેરે સાચી પાડી. વિદ્યાર્થી ચળવળ, સ્વતંત્રતા આંદોલન, ભૂગર્ભ ચળવળ, આરઝી હકૂમત, મહાગુજરાત આંદોલનથી છેક મહુવા નિરમા આંદોલન સુધી એ સતત સંઘર્શશીલ રહ્યા.

‘લોકતાંત્રિક સમાજવાદી વિચારધારા’ તરફ તેમને સહજ આકર્ષણ અને વળગણ હતું. અર્થકારણ વાચનનો નવો ઝોક બન્યો અને ‘વિકાસ માટે રાજકારણ’ તથા ‘ગરીબો માટે અર્થકારણ’ તેમના જીવનમંત્ર બન્યા. આજની પેઢીને સનતભાઈની સૌથી સુલભ ઓળખ પૂર્વ નાણામંત્રીની છે, પણ એમની સંસદીય કારકિર્દી બહુ તેજસ્વી રહી. ૧૯૪૯માં આકસ્મિક વડોદરા આવ્યા અને જીવનને દિશા મળી. ૧૯૪૦થી ૧૯૪૭ સુધી આઝાદી આંદોલનમાં રાષ્ટ્રીય પ્રવાહમાં, ૧૯૪૯ થી ૧૯૭૦ સુધી સમાજવાદી આંદોલનમાં અને ૧૯૭૧ પછી ઇંદિરા ગાંધીના કારણે એ કોંગ્રેસ સાથે રહ્યા. બે દાયકા વડોદરા મ્યુિનસિપાલિટીમાં, બે-અઢી દાયકા મુંબઈ અને ગુજરાતની ધારાસભાઓના અને ૧૯૯૬થી ૧૯૯૯ એ ભારતની લોકસભાના સભ્ય હતા.

બે વાર કેબિનેટ મંત્રી બન્યા અને શ્રમ, નાણા, આયોજન તથા નશાબંધી જેવા વિભાગો સંભાળ્યા. ઝીણાભાઈ દરજી ‘ખામ’ (ક્ષત્રિય, હરિજન, આદિવાસી, મુસ્લિમ) થિયરીના જન્મદાતા ખરા, પણ એ સનતભાઈને એના વ્યાખ્યાર્થી માનતા. ‘સદ્દભાગ્યે જાતિવાદી રાજકારણનો લાભાર્થી થવાની મારામાં લાયકાત જ નહોતી’ એમ લખનાર સનત મહેતાએ રાજકારણના આટાપાટાની રમતમાં પોતાને ‘જનતાનું રાજકારણ કરનાર’ અને સ્થાપિત ચોકઠા સામે ઝઝૂમનાર’ તરીકે ગણાવ્યા હતા. એટલે કાર્યદક્ષ અને લાયક હોવા છતાં એ ગુજરાતના મુખ્યમંત્રી તો ન બની શક્યા, પણ ૧૯૮૫ની ધારાસભાની ચૂંટણીમાં પણ કપાયા. સનત મહેતા ‘વંચિતોના રાજપુરુષ’ હતા.

એ બાબત એ હકીકત પરથી પરખાય છે કે મંત્રી તરીકે પણ વરસમાં એક દિવસ મોટરકાર ન જાય એવી જગાએ પ્રવાસ કરવાનો સંકલ્પ એ બરાબર પાળતા. ‘લોકતંત્રમાં વિશાળ, સાચા અને અર્થપૂર્ણ વિકાસના ભાગીદાર થવું હોય તો રાજનીતિ વગર ન બને’ એ સ્વીકારવા, છતાં ૧૯૯૯માં એમણે ચૂંટણીની રાજનીતિ છોડી. ત્યાર પછી ગરીબોનું રાજકારણ રચના અને સંઘર્ષના માર્ગે આગળ ધપાવ્યું. ૭૦ કરતાં વધુ વરસો એ કામદાર આંદોલન સાથે જોડાયેલા રહ્યા. આરંભે એ મોટે ભાગે જાહેર ક્ષેત્રના મોટા ઉદ્યોગના સંગઠિત કામદારોના હક માટે લડતા હતા. હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાં તાલીમ પછી એ અસંગઠિતોના સંગઠન તરફ વળ્યા. ખેડૂતો, કપાસ – ડુંગળી ઉત્પાદકો, અગરિયા, માછીમારો, મહિલાઓ અને આદિવાસી તેમના કામનું કેન્દ્ર બન્યા. વડોદરામાં થાણું નાંખી એ વાગરા, સુરેન્દ્રનગર, છોટાઉદેપુરના વિસ્તારો તથા આંબાડુંગર-ભેખડિયા જેવાં ગામોમાં શિક્ષણ, સ્વરોજગારથી માંડીને ઉત્પાદકોની કો-ઓપરેટિવ અને કંપની સુધીનું કામ કરતા રહ્યા.

ભાવનગરની શામળદાસ કોલેજમાંથી છૂટીને રોજ સાંજે, ‘ભાવનગર જમનાકુંડના વાલ્મીકિવાસમાં બાળકોને નવડાવવા, ધોવડાવવા, ભણાવવાનું કામ’ યુવાન સનત મહેતાએ કર્યું હતું. તો માતા-પિતાની નારાજગી વચ્ચે દલિત મિત્રોને ઘરે બોલાવી, રાંધીને ખવડાવ્યું હતું. એ તંતુ આગળ લંબાતો રહ્યો. તા.૩૧-૧-૨૦૧૩ના પોતાના હસ્તાક્ષરમાં લખેલા પત્રમાં એમણે મને લખેલું, ‘વાલ્મીકિવાસથી શરૂ કરેલું, પણ દલિતો માટે બહુ કરી શક્યો નથી. માત્ર સુરેન્દ્રનગરમાં દલિત કન્યાઓ માટે ૨૫ લાખનું છાત્રાલય બનાવી શક્યો. વારેતહેવારે ત્યાં જાઉં છું અને દલિત કન્યાઓને મળું છું ત્યારે એમને જોઈને આશા જન્મે છે.’૧૯૪૫માં પહેલી જેલયાત્રા કરી ચૂકેલા સનતભાઈ સાથે સંઘર્ષ આજીવન જોડાયેલો રહ્યો. 

૨૦૧૧-૧૨માં મહુવા આંદોલનમાં એ કનુભાઈ કલસરિયા સાથે મોખરો સંભાળતા હતા. મહુવાથી ગાંધીનગરની ૪૦૦ કિલોમિટરની પદયાત્રા હોય કે આ વરસના આરંભે વાયબ્રન્ટ ગુજરાત સામે દેખાવોના પ્રયાસમાં ગાંધીનગર પોલીસ સ્ટેશનમાં કલાકો બેસી રહેવાનું થયું, ત્યાં સુધી એ સતત સંઘર્ષરત રહ્યા હતા. જેમ સંઘર્ષ એમ સ્વાધ્યાય એ પણ સનત મહેતાના જીવનનો સ્થાયી ભાવ રહ્યો. કયાં કયાં પુસ્તક વાંચ્યા છે તેની યાદી રાખવાની ચીવટ દાખવતા સનતભાઈની તા. ૨૨-૦૭-૧૯૪૪ની ડાયરીમાં આવી નોંધ છેઃ  ‘એમ.ટી.બી. કોલેજ સુરતની લાયબ્રેરી ઘણી સારી છે, વાંચવાનો મારો બરાબર રાખ્યો છે.’ માંડ ૧૯ વરસના સનત મહેતાએ માર્કસનું ‘દાસ કેપિટલ’, લુઈ ફિશરનું ‘ટોવર્ડઝ ફ્રિડમ’ અને લેનિન- નેહરુને સુરતમાં જ વાંચ્યા.

યુવાવયે હસ્તલિખિત ‘પાંખડી’ સામયિક પ્રગટ કરનાર સનતભાઈએ પછી ‘નયા માર્ગ’ અને ‘હિતરક્ષક’ જેવાં સામયિકો પ્રગટ કર્યાં.  ગુજરાતના વિકાસની  હકીકતો અને જુદાં જુદાં પાસાં ઉજાગર કરતી ૫૦ પુસ્તિકાઓ ઉપરાંત  ‘ઘટનાની ભીતરમાં’ અને ‘અધૂરો વિકાસ, ‘અધૂરી લોકશાહી’ “દિવ્ય ભાસ્કર”માં પ્રગટ થયેલા તેમના લેખોના બે સંગ્રહ છે. સનતભાઈ સતત અજંપ રહેતા જીવ હતા. ગરીબોનો વિકાસ અને વધતી વિષમતા એમની ચિંતા હતા. ‘હજુ કેટકેટલું કરવાનું બાકી છે’ તે એમની કાયમી ચિંતા હતી. ૭૦ વરસના જીવનને એ વણથંભ્યું, તો ય અધૂરું ગણાવતા હતા. પોતાની નાનકડી જીવનનોંધના અંતે એમણે લખ્યું હતું, ‘બહારથી શાંત દેખાતું ગુજરાત ભીતરથી સળગે છે. સત્તા વગરની સંઘર્ષ રચનાની રાજનીતિ મતદાનમાં નવી છાપ ઊભી કરશે, એ આ ઘડપણનો આશા તંતુ બન્યો છે.’

સનતભાઈની આશા ફળો એવી આશા સાથે, અલવિદા સનત મહેતા. 

e.mail : chandumaheriya@gmail.com

લેખક સામાજિક-રાજકીય પ્રવાહોના ઊંડા અભ્યાસી અને વિશ્લેષક છે

સૌજન્ય : ‘અલવિદા’, “દિવ્ય ભાસ્કર”, 21 અૉગસ્ટ 2015

Loading

21 August 2015 admin
← એક નવા આતંકી જૂથને નાથવાની મથામણ
રાજપથ-જનપથ ભૂલેલા રોકસ્ટાર →

Search by

Opinion

  • મસાણ અને મોક્ષની મોકાણમાં જીવતા વારાણસીના દલિત ડોમ
  • એકલતાની કમાણી
  • સમાજવાદની 90 વર્ષની સફર: વર્ગથી વર્ણ સુધી
  • શ્રીધરાણી(16 સપ્ટેમ્બર 1911 થી 23 જુલાઈ 1960)ની  શબ્દસૃષ્ટિ
  • एक और जगदीप ! 

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved