વિશ્વશાંતિ, સામાજિક ન્યાય, બિનસાંપ્રદાયિકતા અને સમાનતા માટે અંગ્રેજીમાં આજીવન કલમ ચલાવનાર પત્રકાર-કટાર લેખક પ્રફુલ્લ બિડવાઈનું ત્રીસમી જૂનના રોજ ૬૬ વર્ષની વયે અવસાન થયું. નેધરલૅન્ડના એમ્સ્ટરડૅમ શહેરની એક હોટલમાં ભોજન લેતી વખતે ખોરાક ગળામાં ફસાઈ જતાં ગૂંગળામણથી તેઓ અચાનક જ મૃત્યુ પામ્યા.
પ્રફુલ્લ બિડવાઈનો જન્મ ૧૯૪૯માં મધ્યપ્રદેશના દેવાસ ગામમાં થયો હતો. પિતા નાગપુરની સરકારી કૉલેજમાં ભૂગોળ વિભાગના વડા હતા. ભણવામાં હોશિયાર પ્રફુલ્લે આઈઆઈટી-મુંબઈમાં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં પ્રવેશ મેળવ્યો. સાઠના દાયકામાં દુનિયાભરમાં ચાલતા નાગરિક-અધિકારો માટેના આંદોલનની અસર હેઠળ તેમણે તેમની કૉલેજમાં પણ પ્રગતિશીલ વિદ્યાર્થીઓના જૂથની સ્થાપના કરી. આ અંદોલનમાં યુરોપ, અમેરિકા સહિત એશિયા, લેટિન અમેરિકા અને આફ્રિકાના યુવાનો જોડાયા. તેમણે દરેક પ્રકારના સંસ્થાનવાદ અને સામ્રાજ્યશાહીનો વિરોધ કર્યો. તેમનાં ધ્યેયોમાં, રાજ્ય અને લોકો વચ્ચે સંવાદ વધે, વિકસિત અને વિકાસતા દેશો વચ્ચેની, તેમ જ ગરીબો અને ધનિકો વચ્ચેની ખાઈ ઓછી થાય, તેવા પ્રયત્નોનો પણ સમાવેશ હતો. સાથે નિઃશસ્ત્રીકરણ અને અણુહથિયારમુક્તિ માટે વિરોધ પ્રદર્શનોમાં પણ આ જૂથ જોડાતું. આ વૈશ્વિક ઘટનાઓની નોંધ ભારતીય પત્રકારો અને પુસ્તક-પ્રકાશકો દ્વારા લેવાઈ. તે સમયનાં પ્રગતિશીલ યુવાનો માટે સંદર્ભસાહિત્ય બન્યું.
ભારતની સામાજિક અસમાનતા અને ખાસ કરીને દલિતો-આદિવાસીઓની દુર્દશા પ્રફુલ્લને અસ્વસ્થ કરતી. તેમણે ટ્રૅડ યુનિયનો અને મુંબઈના દલિત યુવાનો સાથે કામ શરૂ કર્યું. ૧૯૬૯માં આઈઆઈટીનો પાંચ વર્ષનો અભ્યાસ ત્રણ વર્ષમાં છોડી દઈને પ્રફુલ્લે પૂર્ણ સમયના રેડિકલ રાજકીય કર્મશીલ તરીકે કામ કરવાનું નક્કી કર્યું. ત્યાર બાદ તેઓ મહારાષ્ટ્રના ધુળે જિલ્લામાં ચાલતા શાહદાની ચળવળમાં જોડાયા. નક્સલબારીની ચળવળે ભારતનાં યુવક-યુવતીઓને આકર્ષ્યાં હતા તેમ શાહાદાની ચળવળે મહારાષ્ટ્રના યુવાનોને આકર્ષ્યા હતા. આ ચળવળ આદિવાસીઓ પર થતા અન્યાયના વિરોધમાં હતી. આ લડત આગળ જતાં ખેડૂતોની લડત બની અને ‘શ્રમિક સંગઠન’ અસ્તિત્વમાં આવ્યું.
અભ્યાસ છોડવાનો પ્રફુલ્લનો નિર્ણય માતા-પિતાને અવિચારી લાગ્યો હતો. માતા-પિતાના આ ઠપકાની પ્રતિક્રિયા રૂપે તેમણે કુટુંબ સાથેના સંબંધો લાંબા સમય માટે તોડી નાખ્યા. તે વર્ષો બાદ માતાની માંદગી દરમિયાન ફરી બંધાયા. શ્રમિક સંગઠન સાથે બે વર્ષ કામ કર્યા બાદ નાદુરસ્ત તબિયતને કારણે પ્રફુલ્લને મુંબઈ આવવાની ફરજ પડી. નવી સમાજ-રચનાના ધ્યેયથી ૧૯૭૨માં મુંબઈના મિત્રો સાથે ‘માગોવા’ નામના પ્રગતિશીલ જૂથના નિર્માણમાં પ્રફુલ્લ પણ જોડાયા. ‘માગોવા’માં ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફન્ડામેન્ટલ રિસર્ચ અને ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઑફ સોશિયલ સાયન્સિસ તેમ જ પૂના અને મહારાષ્ટ્રની વિવિધ સંસ્થાઓના વિજ્ઞાનીઓ, ઇજનેરો, સામાજિક વિજ્ઞાનના અભ્યાસીઓ, તબીબો સામેલ હતા. ૧૯૭૫માં કટોકટી જાહેર થયા બાદ આ જૂથની પ્રવૃત્તિઓ પર કાપ મુકાયા છતાં બાર પૂર્ણ સમયના કર્મશીલોએ ૧૯૭૮ સુધી ‘માગોવા’ની વિવિધ પ્રવૃત્તિઓ ચાલુ રાખી.
પ્રફુલ્લ ૧૯૭૭ બાદ ‘માગોવા’ની પ્રવૃત્તિ ઓછી કરી હવે વધુ સમય વર્કર્સ ડેમોક્રેટિક યુનિયનને આપવા લાગ્યા. તે સમયે તેમણે ‘ઇકોનૉમિક ઍન્ડ પોલિટિકલ વિકલી ઑફ ઇન્ડિયા’માં લેખો લખવાનું શરૂ કર્યું. ત્યાર બાદ થોડો સમય ઑક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસમાં પ્રૂફરીડર તરીકે કામ કરી ૧૯૭૮માં ‘બિઝનેસ ઇન્ડિયા’માં પત્રકાર તરીકે જોડાયા. ૧૯૮૧થી ’૯૭ સુધી તેઓ ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’માં રહ્યા. ફ્રીલાન્સ પત્રકાર તરીકે તેમના લેખો અને અભ્યાસો આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સામયિકો અને અખબારોમાં છપાતા. તે બાર વર્ષ ‘ફ્રન્ટલાઇન’ પખવાડિક સાથે હતા. ભોપાલ ગૅસદુર્ઘટનાનાં કારણો અને તેની અસરો પરના અનેક અભ્યાસપૂર્ણ તેમણે ‘ધ ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’માં લેખો લખ્યા. વિકાસ માટેની દોડમાં બેપરવાહીથી લેવાયેલા નિર્ણયોની પર્યાવરણ અને સમાજ પર ઊભી થતી અસરની બાબતમાં તીવ્ર સંવેદનશીલતા ધરાવતા પ્રફુલ્લ નર્મદાબચાવ આંદોલનના પ્રખર સમર્થક હતા. તેમણે મેધા પાટકરને નવા હરિતયુદ્ધના પ્રણેતા ગણાવ્યાં છે. તે માનતા કે નર્મદાબચાવ અંદોલન માત્ર શાંતિપૂર્ણ રીતે લોકોની પુનર્વસનની અવિરત માંગણી કરનારું આંદોલન હતું. વળી, તેના થકી મોટી યોજનાની પર્યાવરણીય, સામાજિક અને આર્થિક અસરો પ્રત્યે ગુનાઇત બેપરવાઈ, અસરગ્રસ્તોનો લેવાતો ભોગ જેવા પ્રશ્નો વિશ્વ સ્તરે ચર્ચામાં મુકાયા. પ્રફુલ્લે બાબરી મસ્જિદનો ધ્વંસ, સાંપ્રદાયિકતાના અને શિક્ષણના કોમવાદીકરણના વિરોધમાં પણ લખ્યું છે. બજારવાદના તેઓ કડક ટીકાકાર હતા.
બિનજોડાણવાદના પુરસ્કર્તા પ્રફુલ્લ જણાવે છે કે નેહરુવિયન મત પ્રમાણે લોકશાહી, બિનસાંપ્રદાયિકતા અને આત્મનિર્ભર ન્યાયપૂર્ણ વિકાસ આજે પહેલાં કરતાં વધુ પ્રસ્તુત છે. અત્યારે આર્થિક અસમાનતા પાછલાં વર્ષો કરતાં અનેક ગણી વધી છે. આ સંજોગોમાં ભારતે કંઈક સારું કરવું હોય તો પશ્ચિમનું અનુકરણ છોડી વૈશ્વિક શાંતિ, ન્યાય અને સમાનતાના સમર્થન સાથે કચડાયેલા લોકોનો અવાજ બનવું પડશે.
પ્રફુલ્લ ઝિયોનવાદ વિરોધી હતા અને છેલ્લાં સિત્તેર વર્ષોથી સ્વતંત્ર રાજ્ય સ્થાપવા માટે મથતા પૅલેસ્ટાઇનના લોકોના સમર્થક હતા. દિલ્હીના પૅલેસ્ટાઇન દૂતાવાસે રાજ્ય અને લોકો વતી બિડવાઈના અવસાન અંગે દુઃખ વ્યક્ત કરીને તેમને બાંધછોડ ન કરતા પત્રકાર અને નૈતિક સભાનતા સાથેના જાહેરજીવનના બૌદ્ધિક ગણાવ્યા છે. પ્રફુલ્લ વૈશ્વિક અણુનિઃશસ્ત્રીકરણના હિમાયતી હતા. ૧૯૯૮માં જ્યારે ભારત-પાકિસ્તાને પરમાણુ-અખતરા કર્યા, ત્યારે તેમણે અણુનિઃશસ્ત્રીકરણ અને શાંતિ માટેના સંગઠનની રચનામાં સક્રિય યોગદાન આપ્યું. વળી, તેઓ કોઈ પણ પ્રકારના અણુ-ઊર્જા ઉત્પાદનના વિરોધી હતા તેમ જ અણુવિદ્યુત મથકોનાં વિસ્તરણ અને મથકો દ્વારા નિયત ધોરણોના ભંગ અંગે સખત વિરોધ નોંધાવતા. તાજેતરમાં તેઓ ભારતમાં ડાબેરી આંદોલન વિષય પર પુસ્તક લખી રહ્યા હતા. ભારતમાં ડાબેરી ચળવળનું ભાવિ સમજવા માટે તેમને આ વિષય સાથે સંકળાયેલા અનેક લોકોની રૂબરૂ મુલાકાત લીધી હતી.
ભવિષ્યના ગુજરાતી પત્રકારો જાહેરજીવનના પ્રશ્નોમાં રસ લઈ સ્વતંત્ર અને નિર્ભિકપણે સમાજના મૂંગા છતાં દબાયેલા અને કચડાયેલા લોકોનો અવાજ બની વ્યક્ત થાય તે પ્રફુલ્લ બિડવાઈને સાચી શ્રદ્ધાંજલી હશે.
e.mail : parth.trivedi18@yahoo.com
સૌજન્ય : “નિરીક્ષક”, 01 અૉગસ્ટ 2015; પૃ. 18