Opinion Magazine
Number of visits: 9448030
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

દાંડીનું ગાંધીસ્મારક

મણિલાલ હ. પટેલ|Gandhiana|6 May 2015

જાણું છું કે જે વાત કરવા જઈ રહ્યો છું, તે ઘણે અંશે તો ‘અરણ્યરુદન’ છે. હાસ્તો ! કોઈ સાંભળે નહિ ને સાંભળે તો પણ એની સત્તામાં હોય તો ય – કશું કરે, કરાવે નહિ, તે વાત ગમે તેટલી સારી-ન્યારી તથા પ્યારી હોય તો પણ ‘અરણ્યરુદન’ જ ગણાય ! છતાં આપણે આવાં ‘અરણ્યરુદન’ કર્યા વિના નથી રહી શકતા ! વાત છે દાંડીના ગાંધી – સ્મારકની ! નવી એકદમ યુવાન પેઢીને તો ‘દાંડીયાત્રા’ વિશે પણ માંડીને કહેવું પડે એમ છે, ને વળી એ એક જુદી મોકાણ છે. જો કે નવી પેઢીના આવા ગુનાહિત / અસહ્ય એવા અજ્ઞાનની પાછળ પણ સમાજ અને સરકારની બેજવાબદારીઓ રહેલી છે. આ ગાંધી સ્મારકની વાત પણ રાજ્ય અને કેન્દ્રની સરકારોની અક્ષમ્ય ઉદાસીનતા અને નીંભર બેજવાબદારીનો જ સંકેત કરે છે. મારે એવું નથી કહેવું – જે હજારોએ લાખો વાર કહ્યું છે કે વિદેશોમાં વિજ્ઞાનીઓ, કલાકારો, ચિંતકો, શીલવાન રાજનેતાઓ તથા ઇતિહાસ સંબંધિત અનેક વાતો-વિગતો-વસ્તુઓ-કાર્યો, સિદ્ધિઓનાં સ્મારક રચીને જાળવવામાં આવે છે. અસ્મિતા, પરંપરા અને સાંસ્કૃિતક વિરાસત તો પ્રેરણા આપે છે તથા જીવનઘડતર કરે છે. કમનસીબે, આપણે સારી વાતોને છોડીને નહિ કરવા જેવાં અનુકરણો કરવામાં રાચીએ છીએ. હા, થોડાક લોકો એમાં ઉમદા અપવાદો હોય છે.

વર્ષો પહેલાં (બે અઢી દાયકા પહેલાં) દાંડી જોવા ગયો હતો, ત્યારે ત્યાં એક બે મજલા મકાન – સૈફ વિલાની સામે એક ઓટલો માત્ર નમકસત્યાગ્રહનું લખાણ સાચવતો પડ્યો હતો. ચારે બાજુ ખારાપાટમાં ગાંડા બાવળ તથા કાંટાળા ઝાંખરાંનું સામ્રાજ્ય હતું, જે આજે પણ વધીને વિસ્તરેલું છે. દરિયો રિસાઈને એક-બે માઈલ દૂર જતો રહ્યો છે. એનો ઘૂઘવાટ તથા પવનની ઝડીઓ સતત સંભળાયા કરે છે. બાકી તડકો અને સન્નાટો ગૂફતેગો કરે છે, બસ ! નમકનો કાયદો તોડવાની, મુઠ્ઠીભર મીઠું ચોરીને કાળા કાયદાનો સવિનયભંગ કરવા સાથે આઝાદી લીધા વિના હવે કદી સાબરમતી આશ્રમે પાછો નહીં જાઉં-ની ગાંધીજીની દર્દીલી હાકલની એ ઘટના વિશ્વભરમાં અપૂર્વ ઘટના બનીને ઇતિહાસ થઈ ગઈ છે. જેણે અંગ્રેજ સલ્તનતના પાયા હચમચાવી દીધા અને દેશની પ્રજા આઝાદી માટે બધું જ લૂંટાવી દેવા – પ્રાણ આપવા તત્પર થઈ હોય અને એ બધું જ સાચ્ચે જ સિદ્ધ થઈને રહ્યું હોય – એ ઘટનાસ્થળ તો વિશ્વભરનાં પ્રવાસીઓ માટે અપાર આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું હોય જ. એને બદલે આપણે દાંડીના ગાંધી સ્મારક બાબતે નીંભર નક્કામા અને પરસ્પર આક્ષેપો કરનારા તથા ખોટો જશ લેવાની લાલચમાં ગળાબૂડ રહેનારા લોકો બની રહ્યા છીએ ! ધિક્કાર છે આપણી પામરતાને … ને ધિક્કાર છે આપણી નમકહરામી વૃત્તિઓને !!

આજે ૨૦૧૫ના આ એપ્રિલમાં દાંડીયાત્રાને પૂરાં પંચ્યાસી (૮૫) વર્ષ થયાં છે. ૨૦૦૫માં દાંડીકૂચનાં પંચોતેર વર્ષ ઊજવવા અને જાતને આગળ કરવા નેતાઓનાં ધાડેધાડાં ઊતરી આવેલાં … સરકારો – પેલો રીપવાન વીંકલ વાર્તાનાયક વીસ વર્ષે જાગેલો એમ – અચાનક જાગી ગયેલી, સુશ્રી સોનિયાજી પણ આવ્યાં અને કરાડી (જ્યાં ગાંધી રોકાયેલા) ગામેથી ચાલતાં દાંડી ગયાં હતાં. આદરણીય મનમોહનસિંહજી પણ આવ્યા અને દશ કરોડ રૂપિયાનું પૅકેજ ગાંધી સ્મારક માટે જાહેર કર્યું. ગાંધી મેમોરિયલ – મ્યુિઝયમ – ગ્રંથાલય – થિયેટરરૂમ – સભાખંડ – આવાસ-નિવાસ તથા બધી સગવડોના નકશા રાજ્ય સરકારે તૈયાર કર્યા.

સરકારે – કેન્દ્રે – બસો તોંતેર એકર જમીન એક્વાયર કરી. એમાંથી પંદર એકર જમીન ગાંધી મેમોરિયલ માટે (રાજ્યને) ફાળવી, બાકીની ટૂરિઝમ વિભાગને ખાતે રાખવામાં આવી ! કેન્દ્રે એક હાઈપાવર કમિટી નીમી. ગાંધીજીના પૌત્ર ગોપાલકૃષ્ણ ગાંધીને એના ચૅરમેનપદ માટે નિમંત્રણ આપીને તેડાવેલા. મિટિંગો મળવા લાગી. ‘દાંડી હેટીરેજ માર્ગ’ પણ કેન્દ્ર દ્વારા રચાવો શરૂ થયો. પ્લાન પ્રમાણે રાજ્ય સરકાર દ્વારા પાયા પુરવા વગેરે કામ શરૂ થયું … ને પછી મંજૂરીના તથા જમીન તબદીલ કરવાના પ્રશ્નો બધા ઉકેલનારાંઓએ જ સાથે મળીને એવા તો ગૂંચવ્યા કે કોઈને ખબર નથી પડતી કે કામ કેમ અને કોણે અટકાવ્યું છે ? ક્યારે કોણ આ ગૂંચ ઊકેલશે ? ખરેખર દશ વર્ષ વીતી ગયાં છે ને તો ય સ્થિતિ તો ઠેરની ઠેર છે.

દરમિયાન ગોપાલકૃષ્ણ ગાંધી અગમ્ય કારણોસર રાજીનામું આપીને મુક્ત થયા છે. તુષાર ગાંધી સમિતિમાં કદાચ છે ખરા. એક સારી વાત એ બની કે મુંબઈ આઈ.આઈ.ટી.ને ગાંધીજીની પૂર્ણકદની પંદર ફૂટ ઊંચી પ્રતિમા બનાવવાનું કામ સોંપેલું. તે પ્રતિમા બે કરોડમાં તૈયાર થઈને આવી ગઈ છે. વિનય વિદ્યામંદિરના કૅમ્પસમાં, વાદળી તાડપટ્ટીમાં લપેટાયેલી, ગૂંગળાતી તે પ્રતિમાનું અનાવરણ થવાનાં કોઈ ચિહ્નો અહીં દાંડીમાં તો દેખાતાં નથી. યુ.કે., ઑસ્ટ્રેલિયા કે જર્મનીની જેમ આ ગાંધીપ્રતિમા કોઈ બીજા દેશમાં મોકલીએ, તો કદાચ એ પ્રતિમાને લોકો જોઈ-સમજી પ્રેરણા લઈ શકે – કદાચ ! આપણે ત્યાં તો ગાંધીનું નામ ‘લડવા’ને વાસ્તે બધા લે છે તે ય ટીવી/ ન્યૂઝ ચેનલોમાં ખપ પૂરતું !

યુ.પી.એ.ના પૂર્વ પર્યાવરણ-મંત્રી જયરામ રમેશે દાંડીના પર્યાવરણની જાળવણી સંદર્ભે પાંચ કરોડ રૂપિયા ગુજરાત સરકારને ફાળવેલા અને ગૂજરાત વિદ્યાપીઠને આ કામ સોંપવા જણાવેલું. સ્મારકથી આ વાત અલગ છે, પણ પર્યાવરણ-જાળવણીનું કામ વિદ્યાપીઠની દેખરેખમાં સારી રીતે ચાલે છે, એવી અછડતી માહિતી મળી છે … બધે ચોખ્ખાઈ જોતાં એ વાતમાં તથ્ય લાગ્યું છે, દાંડી તથા કરાડી ગામની – કાંઠાની જમીનો તો ખારી છે. ખાસ કાંઈ પાકતું નથી. પણ અહીંના લોકો પરદેશથી કમાણી કરી લાવ્યા છે. બે જ દાયકામાં આ ગામોની સિકલ ફરી ગઈ છે. કાચાં ઘરો – ઝૂંપડાં હતાં ત્યાં બંગલાઓ બની ગયા છે. પાકી સડકો તથા બધી જ સગવડો છે. સુંદર સ્કૂલો છે. પ્રજાએ તો દાંડીની સિકલ બદલી દીધી પણ સરકારો સાવ જ કાચી પુરવાર થઈ છે. સ્મારકને નામે બધાએ ભાષણો કરેલાં એટલું જ.

સ્મારકની જગ્યાએ તવારીખ દર્શાવતો પીલર ઊંચો તથા આકર્ષક ચણતરવાળો છે. બાજુમાં અગરના ઢગમાંથી મુઠ્ઠી મીઠું ઉપાડતા ગાંધીજીની કમાનાકારની પૂર્ણ કદની અને ભાવદર્શક પ્રતિમા છે. એની સામે ઊભાં રહીને વંદન કરવાનું અને ઇતિહાસને યાદ કરવાનું આપોઆપ બને છે. ઘડીક વાર તો આંખ ભીની થઈ આવે છે. સામે ‘સૈફ વિલા’ નામે બે મજલાની ઇમારત છે. થોડું રિનોવેશન ભળાય છે. દાંડીકૂચના ચોવીસમા દિવસે સાંજે (૫-૪-૧૯૯૩) દાંડી આવી પહોંચેલા ગાંધી આ ‘સૈફ વિલા’માં પછી નવ દિવસ રોકાયા હતા. વ્હોરા સમાજના ૫૧મા ગુરુ સૈયદના તાહેર સૈફુદ્દીનસાહેબનું આ ઘર. ૧૯૬૧માં વડાપ્રધાન નેહરુજી આવ્યા ત્યારે દાંડીના આ સ્થળને ‘નેશનલ મૉન્યુમેન્ટ’ જાહેર કરેલું. સૈફસાહેબે એમનું આ ઘર એ માટે સમર્પિત કરેલું. આજે ઘર તો ઠીક છે પણ વિરલ ફોટાઓ ધૂળ ખાતા, બારીઓમાં જેમતેમ ગોઠવેલા છે. આ ફોટાઓને લેમિનેશન તથા ફ્રેમિંગની જરૂર છે. પણ દાંડીની પંચાયત તથા નવસારીની જિલ્લા કચેરીઓ કહે છે કે આ અમારા કાર્યક્ષેત્રમાં નથી આવતું. આર્કિયોલૉજીવાળા કહે છે કે અમને આનો ચાર્જ વિધિવત્ સોંપાયો નથી !

રાષ્ટ્રને માટે જીવન સમર્પિત કરનાર, વિશ્વ જેમને આજે ય ઝંખે છે – જે આજે ખૂબ પ્રસ્તુત છે / જેમની દુનિયાને જરૂર છે, જેમનો જીવનવિચાર હજી ય મંત્ર જેવો છે એવા રાષ્ટ્રપિતાના દાંડી સ્મારકનું કોઈ ધણીધોરી નથી, એવું જાણીને તથા રૂબરૂ જોઈને આઘાત લાગે છે. ગાંધીજનો અને ગાંધીવાદીઓ ક્યાંક તો હશેને ?! પેલી ઉક્તિ સાચી છે કે સત્તાને / સરકારને આંખ છે, પણ એ જોવા માટે નથી; એને કાન છે, પણ એ કાન મતલબ-બહેરા છે. એ તો પોતાની ખુરશી જુવે છે ને ખુશામત સાંભળે છે. પહેલાં તંત્રો કૈંક સંવેદનશીલ હતાં પણ ત્યારે ય દાંડી ‘સ્મારક તો ‘રસ્તે રઝળતી વારતા’ જ બની રહેલું. હવે આજે તો નકરી સંવેદનહીનતા જ છે, ત્યારે શું થશે ?!

આ સ્મારકને વાળવા / સાચવવા સારુ પણ કોઈ જ માણસ-વ્યવસ્થા કે ફંડ નથી. પંચાયતની પરબ ચાલે છે – તે ય ગામફાળામાંથી. ૨૦૧૩માં નિવૃત્ત થયેલા એક સેવાભાવી કર્મચારી નામે રમણભાઈ ચીમનભાઈ સોલંકી સ્વેચ્છાએ અને વતનપ્રેમથી આ સ્મારકની સફાઈ કરે છે ને પ્રવાસીઓ માટે ‘સૈફ વિલા’ ખોલી દેવાની વ્યવસ્થા સંભાળે છે. બાજુમાં જ એનું સ્વચ્છ ઘર છે. આ રમણભાઈ જેટલી ય લાગણી ગાંધી માટે કોઈ પણ નેતાને નથી જ નથી ! રમણભાઈને તો જવાબદારી નિભાવવા સાથે રાષ્ટ્ર માટે મરી ફીટનાર તરફનો પ્રેમાદર વ્યક્ત કરવો છે. વિદેશોમાં ગાંધીપ્રતિમાનાં અનાવરણ કરીને થૂંક ઉરાડનારાઓ વિશે એમને રસ નથી. રમણભાઈ તો રાજી છે કે ગાંધીબાપુ અહીં મારા ઘર પાસે રહેલા ! હજી દાંડીના ગામલોકોમાં પણ (ને આ વિસ્તારમાં બધે) ગાંધીભાવના જીવંત છે.

વળતાં અમે કરાડી ગામે ગયા, જ્યાં દાંડીથી વળતાં ગાંધીજી પૂરા બાવીસ દિવસ રોકાયા હતા. અમે એ ગાંધી-ઝૂંપડીમાં પણ બેઠા – જ્યાં બેસીને ગાંધીએ વાઇસરૉયને પત્ર લખેલો અને ધારાસણા સત્યાગ્રહની જાણ તથા યોજના કરેલી. દાંડીમાં ઘુમ્મટવાળા દરવાજા સાથે વિશાળ વડ નીચે પ્રાર્થના કરતા ગાંધીની પ્રતિમા છે. કરાડીનો આ ગાંધીઘાટ કૅમ્પસ પણ એવો જ શાંત છે – વિશાળ જગ્યામાં વૃક્ષઘટાઓ વચ્ચે પેલી ઝૂંપડી હજી ઊભી છે … અહીંથી જ તા. ૪-૫-૧૯૩૦ના રોજ બ્રિટિશ સરકાર ગાંધીની ધરપકડ કરી અને યરવડા જેલમાં લઈ ગયેલી. મગનભાઈ કરાડિયા (યુ.કે.થી દર વર્ષે અહીં આવે છે.) આ ‘જગ્યા’ની સાચવણી માટે બધાં સાથે મળીને કામ કરે છે.

ગુજરાતના તથા દેશના યુવાનોમાં બીજી તમામ વાતે જરૂરી તથા બિનજરૂરી થનગનાટ છે. એમનામાં એ ભાવના પણ જગવી શકાય કે એમાંથી થોડાક તો દર વર્ષે કે ક્યારેક તો ગાંધીની એ દાંડીકૂચને માર્ગે ચાલવા નીકળી પડે. ગાંધી જ્યાં-જ્યાં ચાલ્યા રોકાયા ત્યાં-ત્યાં એ રચનાત્મક કાર્યક્રમો કરતા ચાલે ને આનંદ લૂંટે ! ૨૪૧ માઈલ એટલે કે ૩૮૮ કિલોમીટરની આ – ગાંધીઆશ્રમ અમદાવાદથી દાંડીગામ સુધીની – દાંડીયાત્રાએ દર વર્ષે જુદી-જુદી યુવાન ટોળકીઓ સરકાર પણ પસંદગી કરીને – ખર્ચ આપીને – મોકલી શકે … ને એ દ્વારા પણ કામ તો મૂળગામી જરૂર બને … ! અનેક સંસ્થાઓ આવાં કામ કરી શકે એમ છે … મૂળે વાત ઇચ્છાશક્તિ અને દેશદાઝની છે. જ્યાં ડગલે ને પગલે માત્ર મત મેળવવાની કે સત્તાની ગણતરીથી જ બધાં આયોજનો થતાં હોય ત્યાં અસ્મિતા અને ઇતિહાસના ગૌરવને કોણ પૂછે છે ? સાંસ્કૃિતક અને સંસ્કારના સંદર્ભો ભૂલીને સૌ જાણે-અજાણે ખોખલાપણાની દિશામાં ધકેલાઈ રહ્યા છે. ભોગવાદ અને ભૌતિકતાવાદની ભૂરકીમાં લોકો ‘ભ્રમને સત્ય માનવા’ લાગ્યા છે … ને વાતો ચાલે છે ઊર્ધ્વીકરણની … સમૃદ્ધિ અને વિકાસની ! દરેક જમાને ગાંધી આવીને બચાવશે એ તો શક્ય નથી પણ આપણી સામે ઊગરવા માટેનો ગાંધીવિચાર તો જરૂર હાજર છે. આ વિકલ્પ આપણી વાટ જુએ છે.

તા. ૧૫/૧૬-૪-૨૦૧૫, ગણદેવી-ચાંગા

સૌજન્ય : “નિરીક્ષક”, 01 મે 2015; પૃ. 11-12

Loading

6 May 2015 admin
← ખુદ્દારીનો ખાડો અને ધરમની સંસ્કૃિત
જન્મદિને / હે નિત્યનૂતન, →

Search by

Opinion

  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved