વાજપેયીને ભારતરત્નનો ઇલકાબ તેમની હયાતી પછી મરણોત્તર આપ્યો હોત તો શું ફરક પડવાનો હતો? વાજપેયીની દયનીય અવસ્થા કૅમેરાનો અને ચર્ચાનો વિષય બને એ ઘટના રોકી શકાતી હતી
અટલ બિહારી વાજપેયી દુશ્મનને પણ વહાલા લાગે એવા ભલા અને મુલાયમ માણસ છે. ૧૯૯૬માં કેન્દ્રમાં પહેલી વાર ૧૩ દિવસ માટે અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં BJPની સરકાર રચાઈ અને બહુમતીના અભાવમાં સરકારે રાજીનામું આપવું પડ્યું, ત્યારે અટલ બિહારી વાજપેયી માટે જે અનેક લોકોએ દુ:ખ અનુભવ્યું હતું એમાં આ લખનારનો સમાવેશ છે. વિશ્વાસની દરખાસ્ત પરની ચર્ચાનું સમાપન કરતાં વાજપેયીએ જે ભાષણ આપ્યું હતું એ હજુ ય કાનમાં ગુંજે છે. એ દિવસે બે ભાષણો ઐતિહાસિક હતાં એમ એ સમયના સ્પીકર પૂર્ણો સંગમાએ કહ્યું હતું. એક ભાષણ વાજપેયીનું અને બીજું ભાષણ પખવાડિયા પહેલાં વડા પ્રધાનપદેથી નિવૃત્ત થયેલા પી. વી. નરસિંહ રાવનું. વાજપેયીના ભાષણમાં શબ્દે-શબ્દે ખાનદાની જોવા મળતી હતી. સંસદીય લોકશાહીની મર્યાદા અને ગરિમા તેઓ જાણતા હતા એટલે ડંખ કોઈના પરત્વે નહોતો. એ દિવસે તેમણે ભાષણની શરૂઆત જ જવાહરલાલ નેહરુના વારસાને યાદ કરીને કરી હતી.
જમણેરી હિન્દુત્વવાદી પક્ષમાં હોવા છતાં વાજપેયી અંગત રીતે મધ્યમમાર્ગી હતા. સત્તા માટે મર્યાદા ઓળંગવામાં આવે કે એક હદથી વધારે સમાજમાં તિરાડ પેદા કરવામાં આવે એ તેમને ગમતું નહોતું. સંસદીય રાજકારણમાં વિવેક જાળવવાનો પણ તેઓ આગ્રહ રાખતા હતા. લોકસભાના ભૂતપૂર્વ સ્પીકર સોમનાથ ચૅટર્જીએ તેમનાં સંસ્મરણોના પુસ્તક ‘કીપિંગ ધ ફેઇથ’માં લખ્યું છે કે રાજકીય જરૂરિયાતના ભાગરૂપે લોકસભામાં વાજપેયીએ કોઈ માટે ક્યારેક આકરાં વેણ ઉચ્ચારવા પડ્યાં હોય તો ગૃહની બેઠક પૂરી થયા પછી તેઓ મળીને કે ફોન કરીને માફી માગી લેતા. પાંચ દાયકા કરતાં લાંબા સંસદીય જીવનમાં વાજપેયીની કોઈ કથની કે કૃતિના કારણે ગૃહમાં પ્રશ્ન ઊઠ્યો હોય કે ઊહાપોહ થયો હોય કે ધમાલ મચી હોય એવું કોઈ દહાડો બન્યું નથી. આજે તો આવાં કરતૂતોને સંસદસભ્ય તરીકેની સક્રિયતા માનવામાં આવે છે. જેના નામે જેટલા વિવાદ વધુ એટલો તે મહાન સંસદસભ્ય.
મધ્યમાર્ગી વાજપેયી અયોધ્યાના રામજન્મભૂમિ આંદોલન વખતે દૂર જતા રહ્યા હતા. જો કે સાચી વાત એ છે કે લાલ કૃષ્ણ અડવાણીએ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે તેમને દૂર હડસેલી દીધા હતા. વાજપેયીના મધ્યમમાર્ગી અભિગમ, ઉદારમતવાદી ચહેરો અને ખાનદાની એ સમયે સંઘ પરિવારને પરવડે એમ નહોતાં. જાએં તો જાએ કહાં એ સમયે લખાયેલું અને જાણીતું બનેલું તેમનું કાવ્ય છે. વાજપેયીના એ પ્રચંડ મૂંઝારાના દિવસો હતા. એ પછી રાજકીય જરૂરિયાત એવી ઊભી થઈ કે બાજુએ ધકેલી દેવામાં આવેલા વાજપેયીને પાછા લાવવા પડ્યા હતા એટલું જ નહીં, વડા પ્રધાનપદના ઉમેદવાર જાહેર કરવા પડ્યા હતા અને બનાવવા પણ પડ્યા હતા. જો કે સંઘપરિવાર વાજપેયીને પસંદ નહોતો કરતો. મૂંઝારો પરસ્પર હતો. વાજપેયી વિના ચાલે એમ પણ નહોતું અને વાજપેયી ગમતા પણ નહોતા.
એટલે તો અટલ બિહારી વાજપેયીને સંઘપરિવારની અંદર આવી ચડેલા કૉન્ગ્રેસી તરીકે ઓળખાવવામાં આવે છે. ઉમા ભારતીએ તો પક્ષની બેઠકમાં વાજપેયીની હાજરીમાં તેમને કૉન્ગ્રેસી તરીકે ઓળખાવ્યા હતા અને કહ્યું હતું કે જો સત્તામાં આવ્યા પછી કૉન્ગ્રેસના જ માર્ગે ચાલવું હતું તો આટલાં વર્ષ હિન્દુત્વવાદી પક્ષમાં રહ્યા શા માટે? સંઘના આઇડિયોલૉગ ગોવિંદાચાર્યે વાજપેયીને મહોરા તરીકે ઓળખાવ્યા છે. અમેરિકન રાજદૂતોના પ્રતિનિધિમંડળને તેમણે કહ્યું હતું કે વાજપેયી તો ઉદારમતવાદી મહોરું છે, બાકી પાછળ રહીને સરકાર અડવાણી ચલાવવાના છે. અડવાણીના એક સમયના હનુમાન વેન્કૈયા નાયડુએ અટલ બિહારી વાજપેયીની વડા પ્રધાન તરીકેની મુદ્દતના છેલ્લા વર્ષમાં વડા પ્રધાનપદેથી ખસી જવાનો ઇશારો કર્યો હતો. મજેદાર વાત એ છે કે વાજપેયી તેમના વિરોધીઓમાં જેટલાં સન્માનીય હતા એટલા તેમના પોતાના પક્ષમાં નહોતા. તેમની લોકપ્રિયતાને કારણે તેમની ઉપેક્ષા નહોતી થઈ શકતી એ મજબૂરી હતી. ઇતિહાસ તપાસી જુઓ; વાજપેયીને સૌથી વધુ ખંજર તેમના જ પક્ષમાંથી ભોંકાયા છે જ્યારે સંઘના અને BJPના વિરોધીઓ વાજપેયીને ખોટી જગ્યાએ ભરાઈ પડેલા સજ્જન તરીકે આદર આપતા હતા.
અટલ બિહારી વાજપેયીને ભારતરત્નનો ઇલકાબ આપવાની જાહેરાત થઈ ત્યારે વિના અપવાદ સર્વત્ર એનું સ્વાગત થયું હતું. આવા અજાતશત્રુ માણસની કદર કરવામાં આવી એ રાજી થવાનો પ્રસંગ છે. અત્યાર સુધીની રસમ એવી છે કે ભારત સરકારના નાગરિક ઇલકાબો લેવા રાષ્ટ્રપતિભવન જવું પડતું હોય છે. જો પોતે ન જઈ શકે તો તેમના વતી જે કોઈને મોકલવામાં આવ્યા હોય તેને ઇલકાબ આપવામાં આવે છે અને ઇલકાબ લેવા પ્રતિનિધિને પણ મોકલવામાં ન આવ્યો હોય તો પોસ્ટથી મોકલવામાં આવે છે. વિનોબા ભાવેને અને સુભાષચંદ્ર બોઝને આ રીતે પોસ્ટ દ્વારા ઇલકાબ મોકલવામાં આવ્યા હતા જેનો અનુક્રમે વિનોબાના અન્તેવાસીઓએ અને સુભાષબાબુના પરિવારે સ્વીકાર નહોતો કર્યો.
અટલ બિહારી વાજપેયીની શારીરિક-માનસિક સ્થિતિ એવી છે કે તેઓ રાષ્ટ્રપતિભવન જઈ શકે એમ નથી. તેમને એ વાતની પણ જાણ નથી કે તેમને ભારતરત્નનો પુરસ્કાર આપવામાં આવ્યો છે. આ સ્થિતિમાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ તેમના કોઈ પ્રતિનિધિને રાષ્ટ્રપતિભવન બોલાવવાની જગ્યાએ તેઓ પોતે પુરસ્કાર આપવા વાજપેયીના ઘરે ગયા હતા. વાજપેયી માણસ જ એવા છે કે રાષ્ટ્રપતિએ પ્રોટોકૉલ તોડીને આટલું સૌજન્ય બતાવ્યું છે.
અહીં એક મુદ્દે ઊહાપોહ કરવાની જરૂર છે. વાજપેયીને ભારતરત્નનો ઇલકાબ તેમની હયાતી પછી મરણોત્તર આપ્યો હોત તો શું ફરક પડવાનો હતો? આમ પણ વાજપેયીને ક્યાં ખબર છે કે તેમને કોઈ પુરસ્કાર આપવામાં આવ્યો છે? વાજપેયી માટે તો પુરસ્કાર નથી મરણોત્તર કે નથી જીવનપ્રાપ્ત. વાજપેયીની દયનીય અવસ્થા કૅમેરાનો અને ચર્ચાનો વિષય બને એ ઘટના રોકી શકાતી હતી.
સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 29 માર્ચ 2015
http://www.gujaratimidday.com/features/columns/atal-bihari-vajpayee-bharat-ratna