Opinion Magazine
Number of visits: 9446641
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નોંધપાત્ર નવાં પુસ્તકો : ધીરુભાઈ ઠાકરનું ચરિત્ર, ઍન ફ્રૅન્કની રોજનીશી, કમળાબહેનનાં સંભારણાં, દલિતોના જમીન અધિકાર પરનું સંશોધન, હકારાત્મક સમાચાર કથાઓ ….

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|23 August 2019

ગયાં છ-આઠ મહિનામાં જે પુસ્તકો મળ્યાં છે, તેમાંથી એવું આશ્વાસન રહે છે કે સોશ્યલ મીડિયા અને વૉટ્સઍપ વીડિયોઝના જમાનામાં પણ, સારાં પુસ્તકો લખાય છે અને પ્રકાશિત થાય છે, એટલે લોકો પુસ્તકો વાંચતાં-વસાવતાં પણ હશે. 

કેટલાંક નવાં પુસ્તકો “ઓપિનિયન” માટે.  …

“નવગુજરાત સમય” દૈનિકમાં શુક્રવાર, 23 ઑગસ્ટ 2019ના ‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કટારની આ વિસ્તૃત આવૃત્તિ ‘ઓપિનિયન’ સારુ લેખકે કાળજીપૂર્વક આપી છે. પુસ્તકોની છબીઓ પણ સંજય ભાવેના સૌજન્યે જ સાંપડી છે. સંજયભાઈની આ સમજણદૃષ્ટિ તેમ જ ઔદાર્ય માટે સહૃદય આનંદ અને ઓશિંગણભાવ. 

−  વિ.ક.

‘ગુજરાતી વિશ્વકોશ’ના ઘડવૈયા ધીરુભાઈ ઠાકરનું ખૂબ વાચનીય જીવનચરિત્ર ‘જ્ઞાનયજ્ઞના આચાર્ય’ નામે ગયા મહિને પ્રસિદ્ધ થયું. તેનાં થકી ચરિત્રકાર મણિલાલ હ. પટેલે ગુરુઋણ તો જાણે અદા કર્યું જ છે,  સાથે ધોરણસરનાં સુરેખ જીવનચરિત્રનો નમૂનો પણ પૂરો પાડ્યો છે.

એ પણ નોંધવું જોઈએ કે ગુજરાતી ભાષાના પાંખાં ચરિત્રસાહિત્યમાં ગુજરાત વિશ્વકોશે ગુણવત્તાયુક્ત એવાં દસ જેટલાં જીવનચરિત્રો પ્રસિદ્ધ કરીને પ્રકાશન ક્ષેત્રે વિક્રમ કર્યો છે. નિબંધકાર-વિવેચક-અધ્યાપક એવા મણિલાલનો ધીરુભાઈ સાથેનો છેતાળીસ વર્ષનો નિકટનો પરિચય હતો. ઠાકરસાહેબે મોડાસામાં વિકસાવેલાં વિદ્યાસંકુલની આર્ટસ કોલેજના 1968ની ટુકડીના ગુજરાતી સાહિત્યના વિદ્યાર્થી મણિલાલે સાહેબનાં જ માર્ગદર્શન હેઠળ પીએચ.ડી કર્યું, ઉત્તમ અભ્યાસી તરીકે તેમની જ ભલામણ પામીને ઇડર કૉલેજમાં અધ્યાપક તરીકે નિમણૂક મેળવી ઉપરાંત મોડાસાની કૉલેજના અનુસ્નાતક વિભાગમાં પણ વર્ષો સુધી ભણાવ્યું.

સાહેબનાં કારકિર્દી અને વ્યાસંગના આખર સુધી નજીકના સાક્ષી રહ્યા હોવા છતાં પણ મણિલાલે લેખનમાં અંગતતા અને વ્યક્તિપૂજાને દૂર રાખી છે. વળી ધીરુભાઈનાં તમામ પુસ્તકોનો અભ્યાસ અને તેમનાં જીવનકાર્યની ભરપૂર વિગતો પુસ્તકને સમાવેશક બનાવે છે. એનું એક મહત્ત્વનું પાસું સ્થળકાળનું સમુચિત ચિત્રણ એ પણ છે. મોડાસામાં સર્વાંગી શિક્ષણને વરેલા પ્રગતિશીલ આચાર્ય ધીરુભાઈ માટે સપ્ટેમ્બર  1973 થી બેએક વર્ષ પીડાજનક હતાં. એ ઓછા જાણીતા યાતનાકાળ વિશે ‘કારમો આઘાત : વિપથગામી પરિબળો, મોડાસા (2)’ નામનું આખું પ્રકરણ વાંચવા મળે છે. શિક્ષણ સાથે સંકળાયેલા માટે મનનીય હોવા ઉપરાંત તે ધીરુભાઈ માટેના આદરમાં ઉમેરો કરનારું છે. પન્નાલાલ પટેલ, રાવજી પટેલ અને મણિલાલ દેસાઈનું જીવન પણ આલેખનાર મણિલાલ પટેલના આગામી ચરિત્રનાયક કોણ હશે તેની ઉત્સુકતા રહે છે.

અનોખા કર્મશીલ દિનકર દવે(1939-2018)ને અકૃત્રિમ અંજલિ આપતાં લખાણોનું ‘રચના-સંઘર્ષ અને સમન્વયનો સૈનિક દિનકર’ નામનું નાનું પુસ્તક બેએક મહિના પહેલાં ‘નયા માર્ગ’ના સંપાદક ઇન્દુકુમાર જાની પાસેથી મળ્યું. નિર્મળ, હસમુખા, હળવાશભર્યા, ‘વહેતાં ઝરણાં જેવાં’ અદના લોકસેવક  દિનકરભાઈ પ્રમાણમાં ઓછા જાણીતા હતા. પણ સમાજકાર્યમાં પડેલા લોકો માટે તેમના વિશે જાણવા જેવું ઘણું છે. વ્યક્તિગત રીતે તેઓ અનેક કામ હાથ પર લેતાં રહ્યા અને સંસ્થાઓને પણ સેવા આપતા રહ્યા : સજીવ ખેતી સહિત કૃષિના પ્રયોગો, વૈકલ્પિક ઊર્જા, પાણી બચત, સાબરમતી નદી પ્રદૂષણ નિવારણ, ગરીબો માટે સ્થાનિક સામગ્રી અને શ્રમથી સસ્તાં ઘરોની રચના, ગુજરાતમાં વિરલ એવી ઝગડિયાની આરોગ્ય સેવા સંસ્થા ‘સેવા રૂરલ’ની સ્થાપના, ભૂકંપ પછીનાં કચ્છમાં સુરક્ષિત બાંધકામ, નર્મદા યોજનાનાં વિસ્થાપિતોના પ્રશ્નો, આ યાદી ઘણી લાંબી થાય.

ઝાલાવડના ચુડાના વતની એવા દિનકરભાઈએ અંગત મિત્રો સાથે મળી લીમડી-ચોટીલા હાઇવે પર ‘અલખનો ઓટલો’ નામે ઉદ્યોગ સેવા સંકુલ શરૂ કર્યું. તેમાં મૉટેલ, ડીઝલ પંપ, ખેત સેવા, પથ્થરની ક્વોરી બધું અડાઅડ. સાથે એવી જગ્યા પણ બનાવી કે જ્યાં રસ્તે રઝળપાટ કરતા ડ્રાઇવરો, મદદનીશો, શ્રમજીવીઓને હૂંફાળો આશરો મળે ! ખૂબ સંતાપ ઉપજાવે તેવી પરિસ્થિતિમાં પણ હામ અને હળવાશ જાળવી રાખવાની તેમની વૃત્તિના પ્રસંગો પણ વાંચવા મળે છે. તેમના પરિવારજનોએ દિનકરભાઈની પહેલી પુણ્યતિથિ નિમિત્તે આ વર્ષે 9 જાન્યુઆરીએ બહાર પાડેલાં પુસ્તકનાં પાંસઠ જેટલાં લખાણોમાં સ્વજનો, મિત્રો, સાથીઓ અને દેશ-પરદેશનાં કર્મશીલોનો પણ સમાવેશ છે. કેટલીક અંજલિઓ પદ્યમાં પણ છે. એકંદરે ટૂંકાં લખાણોમાં દેખાવ ખાતર લખાયું હોય એવું કશું જ નથી. સમાજકાર્યમાં રસ ધરાવતા વાચકને  એમ વસવસો રહે કે માહિતી, જ્ઞાન, સૂઝ, ઊંડી નિસબત સાથે અનોખી સહજતા ધરાવતા આ અલગારી મનેખને એમના જીવન દરમિયાન જાણ્યા નહીં.

આઠ-દસ મહિના પહેલાં વસાવેલાં નવાં ગુજરાતી પુસ્તકોમાં ‘ઍન ફ્રૅન્કની ડાયરી’ એ દુનિયાભરના વાચકોના એક  પ્રિય પુસ્તક – ‘ડાયરી ઑફ અ યન્ગ ગર્લ’(અથવા ‘ડાયરી ઑફ  ઍન ફ્રૅન્ક’, 1947)નો કાન્તિ પટેલે કરેલો ગુજરાતી ભાવાનુવાદ છે. આ ડાયરી હિટલરે ઊભી કરેલી યાતનાછાવણીમાં મોતને ભેટેલી તેર વર્ષની યહૂદી કિશોરી ઍન ફ્રૅન્કે  (1929-1945) ડચ ભાષામાં લખી છે. યહૂદીઓનું નિકંદન કાઢનાર હિટલરની નાઝી પોલીસના હાથમાં પકડાતાં પહેલાં  ઍન અને તેના પરિવારને ઍમસ્ટારડામના એક અવાવરુ ઘરમાં સંતાઈને રહેવું પડ્યું હતું. એમાંથી 12 જૂન 1942 થી 01 ઑગસ્ટ 1944 સુધીના ભયાનક કાળની આપવીતી ઍને રોજનીશીમાં લખી છે. અરુણોદય પ્રકાશને  બહાર પાડેલાં ગુજરાતી પુસ્તકમાં અનુવાદકે એક વિસ્તૃત ઉપયોગી ભૂમિકા પણ લખી છે. સર્જનાત્મકતાના સ્પર્શવાળી આ વેદનામય વાસરીને તેમણે ‘એક કિશોરીના આંતરમનની આપવીતી’ ગણાવી છે. એ પણ યાદ રહે કે આ ડાયરી એક વ્યક્તિ અને એક કુટુંબ વંશવાદી એકાધિકારવાદી સત્તાકારણની પાશવતાનો ભોગ કેવી રીતે બને છે તેનો પ્રાતિનિધિક એવો દસ્તાવેજ ગણાય છે.

રવીન્દ્રનાથનાં રાષ્ટ્રવાદ પરના નિબંધોની જેમ આ પુસ્તક પણ અનુવાદ-સમૃદ્ધ ગુજરાતીમાં આટલું મોડું કેમ આવ્યું એ પ્રશ્ન છે. ત્રણ યુરોપીય મહાકાવ્યોના છાંદસ અનુવાદની સિદ્ધિ ધરાવનાર ગુજરાતીમાં નહીં ઊતરેલાં રૅડિકલ સામાજિક-રાજકીય લખાણોની યાદી લાંબી બની શકે. એ પણ નોંધવું જોઈએ કે ઍન ફ્રૅન્કની ડાયરીનો શબ્દશ: અનુવાદ દસેક વર્ષ પહેલાં ‘કુમાર’ માસિકના અંકોમાં પ્રકટ થઈ ચૂક્યો છે. એ કામ દિલ્હીમાં ડિફેન્સ રિસર્ચ અને ડેવલપમેન્ટ(ડી.આર.ડી.ઓ.)ના એક અધિકારી અને ગણિતજ્ઞ પ્ર.ચૂ. વૈદ્યનાં પુત્રી હિના ગોખલેએ કર્યું હતું.

કમળાબહેન પટેલ આમ તો કાલજયી અનુભવકથા ‘મૂળ સોતાં ઉખડેલાં’ માટે જાણીતાં છે. એમાં તેમણે ભારત-પાકિસ્તાનના ભાગલાને પગલે બંને દેશો તેમ જ ધર્મોના પુરુષોના અત્યાચારનો ભોગ બનેલી હજારો બહેનોને બચાવવાનું તેમ જ તેમનું પુનર્વસન કરવાનું જે અસાધારણ કામ મૃદુલાબહેન સારાભાઈ સાથે મળીને કર્યું, તેનો લેશમાત્ર આત્મપરતા વિનાનો  ચિતાર આપ્યો છે. આ કમળાબહેન ગાંધીજીના કાર્યકર હતાં એ સાંભળેલું હોય. પણ ગાંધીજીના પ્રભાવ અને એને તેમની સાથેની તાલીમ એટલે શું એની મનભર ઝલક ‘સાબરમતી આશ્રમનાં મારાં સંભારણાં’ નામે ચાળીસ પાનાંના પુસ્તકમાં મળે છે.

અગ્રણી બૌદ્ધિક  ભોગીલાલ ગાંધીના ચિરંજીવી અમિતાભ ગાંધીએ જાન્યુઆરીમાં આ પુસ્તક પ્રસિદ્ધ કર્યું છે. તેના વિતરક ‘અક્ષરભારતી પ્રકાશન’ના રમેશ સંઘવીએ શરૂઆતની નોંધ ‘મહેકતી સ્મરણમંજૂષા’માં લખ્યું છે : ‘મહાત્મા ગાંધી સંદર્ભે કંઈ પણ દસ્તાવેજીય — ઐતિહાસિક વાત-વિગત મળે તે તો અમોલું ધન !’ પ્રસ્તાવનામાં રાજયશાસ્ત્રના પૂર્વ અધ્યાપક અને આપણા બહુ મોટા વાચક સિદ્ધાર્થ નરહરિ ભટ્ટ લખે છે :

‘આ અસાધારણ સ્મરણનોંધ છે. અનેક દૃષ્ટિએ ગાગરમાં સાગર જેવી નાનકડી પુસ્તિકા થકી મહાત્માજીના સાબારમતી અશ્રમમાં સવારની વહેલી પ્રાર્થનાથી રાત્રિની છેલ્લી પ્રાર્થના સમેત સમગ્ર દિવસ દરમિયાન આશ્રમ એક સંસ્થા તરીકે અને તેના અંતેવાસીઓની શક્ય એટલી ઝીણામાં ઝીણી વિગતો અને સમગ્ર સહિયારા અને સ્વાશ્રયી જીવન વીતાવતા અશ્રમવાસીઓનાં જીવનઘડતરમાં મહાત્માજીની સૂક્ષ્મ દૃષ્ટિને કેવી રીતે મૂલવીશું ?’

કમળાબહેન તેમની તેર વર્ષની કુમળી વયથી એટલે કે 1925 થી છ વર્ષ સુધી આશ્રમમાં રહ્યાં. આ નિવાસનું તેમણે કરેલું વર્ણન જાણે એ સમયનાં આખા ય આશ્રમજીવનની અને દેશના માહોલની લઘુસૃષ્ટિ આપણી સામે ઊભી કરે છે – અને તે પણ કંઈક અંશે સ્વતંત્રમતિ, હોશિયાર, ઠીક પ્રગતિશીલ એવી તરુણીની કલમે નિરુપાયેલી ! વિગતો તેમ જ ઘટનાઓથી ભર્યુંભર્યું ચુસ્ત અને ચોટદાર લેખન સોંસરું તેમ જ નિખાલસ છે. ગાંધીજી વિશેનાં અન્ય કેટલાંક લખાણોની જેમ આ લખાણ પણ એમના વ્યક્તિત્વની તરલતા અને સંકુલતા બતાવે છે. ગાંધી, તેમની સાથેની મહિલાઓ અને આશ્રમજીવનના વિષયમાં રસ ધરાવનાર કોઈ પણ વ્યક્તિ આ નાનકડું પુસ્તક એકવાર વાંચવા લાગે એટલે તેનાથી એ છૂટે નહીં તેવું છે. પુસ્તકના આખરી બે સારરૂપ ફકરામાં કમળાબહેન લખે છે :

‘બાપુની વાત્સલ્યભરી મીઠી છાયામાં ગાળેલાં કિશોરવયનાં એ વર્ષોમાં કડક શિસ્તપાલન, અવિરત પરિશ્રમ, જરૂરી અવશ્યકતાઓની ટાંચ, એકસરખો બાફેલો આહાર વગેરે કોઈવાર કઠતાં. પદ્ધતિસર અભ્યાસ કરવાની તક ન મળી તેનો વસવરો રહેતો. એ મારી નબળાઈઓનો સ્વીકાર કરતાં મારે એ પણ કહેવું જોઈએ કે અન્યાયો સામે બાથ ભીડવા, જિંદગીમાં આવતાં ચઢાણ ઉતરાણથી અસ્વસ્થ ન થતાં, હૈયાસૂઝથી માર્ગ કાઢવાના અને સામાજિક દૂષણો સામે ઝઝૂમતાં સામે ચાલીને ફરજોને અદા કરતાં મૂલ્યોમાં બાંધછોડ ન કરવાની તાકાત સાંપડી તેનાં બીજ બાપુનાં સાન્નિધ્યમાં ગાળેલાં એ વર્ષોમાં રોપાયાં અને સીંચાતાં રહ્યાં.

કિશોર અવસ્થામાં પડેલી બાપુની વહાલસોયા વડીલની છાપ જ સ્મરણોનાં લખાણમાં છવાઈ ગઈ છે. ઉત્તમ આદર્શોના પ્રણેતા, રાષ્ટ્રના ઘડવૈયા, ભારતને સ્વાધીનતા અપાવનાર યુગપુરુષ ગાંધીજીનો પ્રભાવ આ લખાણોમાં ઉપસ્યાં નથી તે માટે વાચકો મને માફ કરે એવી આશા છે.’

ગુજરાત વિદ્યાપીઠમાં ગ્રામઅર્થશાસ્ત્ર વિભાગનાં સહાધ્યાપક મંજુલા લક્ષ્મણનો એક મહત્ત્વનો સંશોધન ગ્રંથ ‘ગૂર્જર પ્રકાશને’ માર્ચ મહિનામાં પ્રસિદ્ધ કર્યો છે : ‘જમીન સુધારો અને દલિતોની સ્થિતિ : એક મૂલ્યાંકન (ગુજરાત ખેત જમીન ટોચમર્યાદા ધારો 1960નાં સંદર્ભમાં)’. નિસબત  અને મહેનતથી થયેલા આ પ્રસ્તુત અભ્યાસનાં અનેક ચોંકાવી દેનારા નિષ્કર્ષો છે. જેમ કે, છ જિલ્લાના 423 લાભાર્થીઓમાંથી 57% જમીન અધિકાર મેળવી શક્યા છે અને જમીનપ્રમાણ સરેરાશ બે એકર છે. મોટે ભાગે દલિતોને પોતાના હક અને રાજ્યની ફરજના સહજ ક્રમમાં  જમીનો મળી નથી. એના માટે તેમને વ્યક્તિગત ધોરણે, સામુદાયિક રીતે, સંગઠનોના હસ્તક્ષેપ અને અદાલતોના આદેશ થકી સંઘર્ષ કરવો પડ્યો છે. તેમાં 58 % લાભાર્થીઓને જમીન મેળવવા માટે પાંચથી વધુ વર્ષ લાગ્યાં છે. કેટલાકે તો પચીસ વર્ષની કાનૂની લડત આપવી પડી છે. બહુ  આઘાતજનક નિષ્કર્ષ એ છે સરકારી દસ્તાવેજોમાં જેમને જમીન વહેંચણી કરવામાં આવી હતી તેવા લાભાર્થીઓમાંથી 43 % જમીન અધિકાર મેળવી શક્યા નથી, ઘણાં હજુ સુધી જમીન જોઈ શક્યા નથી. આ સંઘર્ષમાં કેટલાક બરબાદ થઈ ગયા છે. કેટલાંક કહે છે : ‘જો સરકાર દ્વારા અમને જમીન આપવામાં આવી ન હોત તો અમને આટલું નુકસાન ખર્ચ ન થયું હોત !’

અભ્યાસનાં છેલ્લેથી બીજાં, આઠમા પ્રકરણમાં સંશોધકે આજીવન ઝુઝારુ દલિત કર્મશીલ વાલજીભાઈ પટેલની સંઘર્ષરત સંસ્થા કાઉન્સિલ ફૉર સોશિયલ જસ્ટીસે દલિતોને જમીનો અપાવવા માટે કરેલાં બહુ જ વ્યાપક કામનું દસ્તાવેજીકરણ કર્યું છે, જેની એક અલગ મૂલ્યવાન પુસ્તિકા બની શકે. આ દળદાર અભ્યાસની સાથે વિદ્યાપીઠનાં જ સમાજકાર્ય વિષયનાં બે અધ્યાપકોનાં સંશોધન પુસ્તકો સહજ યાદ આવે. આનંદીબહેન પટેલનું દલિતો પરના અત્યાચારો તેમ જ તેમની હિજરતો પરનો અભ્યાસ અને દામિનીબહેન શાહે ગુજરાતમાં મુસ્લિમ ઘેટ્ટોઆઇઝેશન પર કરેલો  અભ્યાસ.

મૂળ ભાવનગરના પણ કચ્છની એક કોલેજમાં ગુજરાતીના અધ્યાપક અનિરુદ્ધસિંહ ભીખુભા ગોહિલનાં, અમદાવાદના ‘ડિવાઇન પ્રકાશ’ને હાલમાં બહાર પાડેલાં બે તદ્દન નવાં પુસ્તકો હમણાં મળ્યાં. ‘સૂરજનો સાતમો ધોડો’ પુસ્તકનું આવરણચિત્ર તો જિજ્ઞ્રેશ બહ્મભટ્ટનું છે. અગ્રણી હિન્દી સાહિત્યકાર ધર્મવીર ભારતીની જાણીતી લઘુનવલ ‘સૂરજ કા સાતવાં ઘોડા’ના તેમણે કરેલા આ અનુવાદની શરૂઆતમાં લેખકના પોતાનાં  નિવેદન અને ‘અજ્ઞેય’એ લખેલી ભૂમિકા વાંચવા મળે  છે. તે ઉપરાંત ગુજરાતીના રસજ્ઞ અધ્યાપક-વિવેચક અજય રાવલે ભારતીની કૃતિ પરથી શ્યામ બેનેગલે બનાવેલી ફિલ્મ વિશેનો અભ્યાસલેખ પણ અહીં વાંચવા મળે છે. અનુવાદક લખે છે : ‘… આ પુરુષાર્થ માત્ર ભાષાના સ્તરે જ નહીં પરંતુ કૃતિસમગ્રના સ્તરે અનુભવાય એમ એને  અનુવાદમાં ઊતાર્યો છે. ગુજરાતી વાચકને આ કૃતિ વાંચતાં જ ગુજરાતી લાગે એટલે ભયોભયો.’

અનિરુદ્ધસિંહનાં મૌલિક પુસ્તક ‘કાવ્ય પ્રતિ …’માં બાર ગુજરાતી પદ્યકૃતિઓનાં ‘કૃતિલક્ષી આસ્વાદાત્મક અવલોકનો’ વાંચવાં મળે છે. અનેક શિક્ષકો અને સાહિત્યકારો તરફ ઋણભાવ વ્યક્ત કરતી ‘આ સૌના ખભે ચઢીને હું ઊભો છું …’ એવી પ્રસ્તાવનામાં લેખક જણાવે છે : ‘સુરેશ જોશીની જેમ આ અસ્વાદોને ગ્રંથસ્થ કરવા પાછળનો હેતુ સામાન્ય વાચકને પણ કાવ્યાભિમુખ કરાવવાનો છે….’ અનિરુદ્ધસિંહના વિવેચન લેખોની ખાસિયત એ નિરુપણમાં રહેલી અરુઢતા છે. પહેલાં ભાગ્યે જ જોવા મળી હોય તેવી પ્રયુક્તિઓ અહીં જોવા મળે છે. અહીં કવિતાઓનું અનેક આકૃતિઓ, આલેખો, કોષ્ટકો અને ચિત્રો દ્વારા વિશ્લેષણ થયું  છે. એક લેખમાં એક બહેનની ‘હૃદયાવસ્થાનો વૃત્તાંત (કાર્ડિઓગ્રામ) આવો થાય ને ?’  એમ પૂછીને લેખક કાર્ડિઓગ્રામ જેવો ‘આકૃતિઆલેખ’ મૂકે છે ! લેખકે જેમની કૃતિઓ લીધી છે તે કવિઓ છે: દા.ખુ. બોટાદકર, બાલમુકુન્દ દવે, મનસુખલાલ ઝવેરી, રાવજી પટેલ, સિતાંશુ યશશ્ચન્દ્ર, કમલ વોરા, રમણીક અગ્રાવત, જયદેવ શુક્લ, પ્રિયકાન્ત મણિયાર, રમેશ પારેખ અને ભરત ભટ્ટ.

આમાંથી દરેકની કઈ એક કૃતિ આ વિવેચકે પસંદ કરી હશે, ધારો જોઈએ !

*******        

22 ઑગસ્ટ 2019

e.mail : sanjaysbhave@yahoo.com

Loading

23 August 2019 admin
← પેશન – ચાહના
કિસાનોના હમદર્દ, ક્રાંતિદૂત : મહાત્મા જોતીરાવ ફૂલે →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved