ભાગ્યે જ કોઈ એવી શિક્ષિત વ્યક્તિ હશે, જેણે નોબેલ ઇનામોનું નામ નહીં સાંભળ્યું હોય. દર વર્ષે વિજ્ઞાનની ત્રણ શાખાઓ, સાહિત્ય અને શાંતિ એમ પાંચ ક્ષેત્રે નોબેલ ઇનામો અપાય છે. છેક ૧૯૦૧થી અપાતાં આ ઇનામોનું આ ૧૨૦મું વર્ષ છે. આ ઉપરાંત એક ઇનામ અર્થશાસ્ત્રનું પણ છે, જે મૂળથી નોબેલ ઇનામ નહોતું, પરંતુ ૧૯૬૯માં રૉયલ સ્વીડિશ બૅન્કે તે પોતા તરફથી શરૂ કર્યું છે, અને બીજાં ઇનામો જોડે જ જાહેર થવાથી હવે તેને લોકો નોબેલ ઇનામ જ ગણે છે. બધાં ઇનામોના વિજેતાઓનાં નામોની એક પછી એક જાહેરાત ઑક્ટોબરના પ્રથમ સપ્તાહથી શરૂ થાય છે અને ઇનામો નોબેલની જન્મતારીખ દશમી ડિસેમ્બરને દિવસે સ્વીડનના પાટનગર સ્ટોકહોમમાં અને શાંતિનું ઇનામ નૉર્વેના પાટનગર ઑસ્લોમાં અપાય છે.
જેના નામે આ પારિતોષિકો અપાય છે, તે ઓલ્ફ્રેડ નોબેલનો જન્મ તો સ્વીડનમાં થયો, પરંતુ તે રશિયા, ઇંગ્લૅન્ડ, ફ્રાંસ અને છેવટ અમેરિકામાં રહી ચૂક્યો હતો. એની પ્રતિભા સર્વતોમુખી હતી; ઇજનેર હતો, પણ રસાયણશાસ્ત્ર જાણતો અને ઉદ્યોગપતિ હતો. તેની અનેક શોધોમાંથી મુખ્ય તે ડાયનેમાઇટની. રશિયાની ખનીજતેલની કંપનીઓમાં પણ તેનું રોકાણ હતું. પ્રખ્યાત તોપ બોફોર્સની કંપનીમાં ય તેનો હિસ્સો હતો. આ બધાથી તેને પુષ્કળ ધન મળ્યું. આજીવન અપરિણીત અને શરમાળ પ્રકૃતિના નોબેલને પોતાની જાતને આગળ ધકેલવાની ટેવ ન હતી. થોડો શોખ સાહિત્યનો હતો. એક ઑસ્ટ્રિયન મહિલા બર્થા વોન સટનર(જે એનાં સેક્રેટરી હતાં)ના પરિચયથી તેમને શાંતિના વિષયમાં બહુ રસ પડ્યો. આથી ૧૮૯૩માં તેણે જ્યારે વસિયતનામું બનાવ્યું ને ઇનામોની રચના કરી, ત્યારે શાંતિનો પણ તેમાં સમાવેશ કર્યો. લોકકથા એવી છે કે તેના મૃત્યુની ખોટી ખબર છપાયા બાદ જેવી ‘અંજલિ’ તેને મળી, તેનાથી તેનો આત્મા જાગ્યો અને તેણે ઇનામોનું દાન કર્યું; એ વાતને આધાર મળે તેવું કંઈ એની જીવનકથામાં વાંચવામાં ન આવ્યું. વિજ્ઞાનને ક્ષેત્રે કશુંક ઉપયોગી શોધી કાઢનારાઓને સન્માનવા તે જ મુખ્ય ઉદ્દેશ દેખાય છે. આથી જ ઇનામો માટે જાતિ, ધર્મ કે દેશની સીમાઓને તેણે શરત તરીકે અંકિત નથી કર્યાં.
નોબેલનું મૃત્યુ થયું ૧૮૯૬માં, પરંતુ ઇનામો ૧૯૦૧માં જ શરૂ થઈ શક્યાં કારણ કે એના ભત્રીજાઓએ ‘વિલ’ સામે વિવાદ કર્યો અને તેને ઉકેલતા પાંચ વર્ષ ગયાં. સૌથી પહેલું ઇનામ ક્ષ-કિરણોના શોધક વિલિયમ કોનરાડ રોન્જન(૧૮૪૫-૧૯૨૩)ને ગયું. ખાસ કરીને વિજ્ઞાનને લગતાં ઇનામોની જાહેરાતની વૈજ્ઞાનિકો રાહ જોતા હોય છે. તેમાં કોને મળ્યું તે કરતાં કયા વિષયને મળ્યું તેનું નામ વધુ લેવાય છે. જેમ કે આ વરસે મેડિસીનનું ઇનામ હિપેટાઈટિસ ‘C’ના વાઇરસની શોધને મળ્યું; વિજેતાનાં નામ હાર્વે અલ્ટર, માઇકલ હફટન અને ચાર્લ્સ રાઇસ ઓછાં મહત્ત્વના બને. સામાન્ય રીતે દર વર્ષે પહેલું જે ઇનામ જાહેર થાય તે ‘શરીરશાસ્ત્ર અથવા ઔષધવિજ્ઞાન’નું હોય છે. (આ ઇનામનું નામ વસિયતનામામાં Physiology OR Medicine એ રીતે લખાયું છે, એટલે કે આ બંને વિષય મળીને એક જ ઇનામ આપવાનું છે.) કમળાના એક પ્રકાર ‘હિપેટાઇટિસ-સી’નું કારણ એક વાઇરસ છે, તે બતાવી તેને જુદું તારવવા માટે આ પ્રાઇઝ ત્રણ વૈજ્ઞાનિકો વચ્ચે વહેંચાયું છે. અગાઉ કમળો થવા માટે A તથા B નામે ઓળખાતા વિષાણું જવાબદાર છે, તે નક્કી થઈ ગયું હતું. પરંતુ તે બંનેની ગેરહાજરીમાં પણ કમળો થાય છે અને તે આ વાઇરસ તેમ આ ત્રણ જણાએ દર્શાવ્યું. લોહીની તપાસમાં આ વિષાણુને પકડી શકાય છે. જેના યકૃત(લિવર)ને આ વાઇરસ લાગુ પડે તેમને લિવરનું કૅન્સર થવાની શક્યતા રહે છે.
પદાર્થવિજ્ઞાન (Physics) માટેનું ઇનામ પણ ત્રણ જણ વચ્ચે સંયુક્ત રીતે મળ્યું. રોજર પેનરોઝ, ગેન્ઝેલ અને એન્દ્રિયા ઘેઝ (મહિલા) એ ત્રણે એ અલગ-અલગ સમયે Black Hole ‘શ્યામગર્ત’ ઉપર કાર્ય કરેલું. બ્લૅક-હૉલ એવા અવકાશી પિંડ છે, જેનું ગુરુત્વાકર્ષણ એટલું પ્રચંડ હોય છે કે તેમાં ગયેલો કોઈ પદાર્થ પાછો નીકળી શકતો નથી, તે એટલે સુધી કે પ્રકાશ પણ નહિ! જેમાંથી પ્રકાશ ન નીકળે તેને જોઈ કેમ શકાય? એટલે તેનું નામ ‘કાળું કાણું’ એવું પડ્યું. આપણી આકાશગંગાના કેન્દ્રમાં પણ આવું જ એક બ્લૅક-હૉલ છે. પેનરોઝે આઇન્સ્ટાઇનના સાપેક્ષવાદનો ઉપયોગ કરી તેનું અસ્તિત્વ સમજાવ્યું, પરંતુ તે વાસ્તવમાં છે કે નહિ તેની સાબિતી ગેન્ઝેલ અને ઘેઝે આડકતરી રીતે આપી. તેઓએ અવલોકન કર્યું કે બ્રહ્માંડમાં અમુક તારાઓનું ટોળું એક અદૃશ્ય બિંદુની આસપાસ પ્રદક્ષિણા કરે છે. એનો અર્થ કે ત્યાં આગળ એક ભારે પિંડ છે, જેનું ગુરુત્વાકર્ષણ તેમને ફેરવે છે. પેનરોઝે કોલકાતાના એક પ્રોફેસર અમલકુમાર રાય ચૌધરીનું ગણિત વાપરેલું, એટલે અગાઉ એમને મળવા ખાસ કોલકાતા પણ આવી ગયા છે.
રસાયણશાસ્ત્રનું ઇનામ પણ આમ જુઓ તો બાયૉલૉજીને જ ગયું કહેવાય. આનુવંશિકતાના મહા અણુ DNAમાં આપણી ઓળખના જિન્સ (જનીન) રહેલા હોય છે. જિનેટિક એન્જિનિયરિંગમાં DNAના અમુક ભાગમાં રહેલા જિનને કાઢી નાખવાનું અથવા તેમાં ફેરફાર કરવાનો હોય છે. તો ખાસ જગ્યાએ એ મહા અણુમાં નવું જિન બેસાડવું હોય, તો તેને બરાબર જગ્યાએથી કાપવો પડે. અમુક રસાયણો આ કામ કરી આપે છે, જેને અણુને કાપવાની કાતર કહી શકાય. CRISPR Cas૧૯ નામની આ ટેક્નોલૉજી ઇમેન્યુઅલ ચાર પેન્ટિયર અને જેનિફર ડૂડના નામનાં બે સ્ત્રીવિજ્ઞાનીઓએ શોધી કાઢી છે. CRISPRએ લાંબા નામના પ્રથમ અક્ષરોથી બનેલું નામ છે. આ યુક્તિ વનસ્પતિ તેમ જ પ્રાણીઓના જનીનમાં ફેરફાર કરવા માટે વપરાય છે. કેટલાકે તેનો ઉપયોગ માણસની પ્રજાતિ સુધારવાના સંશોધન માટે પડકાર અને એમ કંઈક વિવાદ પણ ઊઠેલો. નોબેલ પ્રાઇઝના ઇતિહાસમાં પ્રથમ વાર છે કે સંયુક્ત ઇનામનાં બંને દાવેદાર મહિલા હોય, પરંતુ ભાભા પરમાણુકેન્દ્રના ડૉ. રથે આ વિષયે વ્યાખ્યાન આપતાં કહ્યું કે આ બંને ઉપરાંત લિથુયાનિયાના ડૉ. સિકિસ્નસે પણ આ જ શોધ કરી હતી, અને એમનું શોધપત્ર આ બંને કરતાં પહેલા પ્રકાશન માટે અપાયું હતું (મે ૨૦૧૨), પરંતુ આ લોકોએ જે જર્નલને પેપર મોકલ્યું, તેના તંત્રીને આ વિષય નવો લાગતાં તેમણે મોડા આવેલ પેપરને જલદી (જૂનમાં મળેલ પેપરને જૂનમાં જ) છાપ્યું. નોબેલ કમિટીએ ધાર્યું હોત, તો ત્રણેને સંયુક્ત ઇનામ આપી શકી હોત, પણ તેણે જે શોધપત્ર વહેલું છપાયું તેને ઇનામ આપ્યું. (એ વાત જુદી છે કે આમાંથી એક મહિલા સ્વીડનનાં છે, જ્યાં આ ઇનામોનો નિર્ણય થાય છે.)
સાહિત્યનું ઇનામ ૭૭ વર્ષનાં અમેરિકન કવિયિત્રી લુઇસ ગ્લુકને અપાશે. એમનો પ્રથમ કાવ્યસંગ્રહ છેક ૧૯૬૮માં પ્રકાશિત થયો હતો. એમ કહે છે કે એમની ખાસિયત છે કે બધાને સમજાય તેવી કવિતા લખવી. એમના કાર્ય વિષે સિતાંશુભાઈએ ગયા મહિનાના ‘નવનીત સમર્પણ’માં વિસ્તારથી વાત કરી છે. શાંતિનું પારિતોષિક યુનોની એક સંસ્થા વર્લ્ડ ફૂડપ્રોગ્રામને અપાયું. ફૂડપ્રોગ્રામ અનેક દેશોમાં શાળાનાં કુપોષિત બાળકોને ખોરાક પહોંચાડવાનું કામ છેલ્લાં સાઠેક વર્ષથી કરે છે. શાંતિ અને સાહિત્યનાં ઇનામો બાબતે ક્યારેક નોબેલ કમિટી થોડું ઍક્ટિવિઝમ કરી લેતી હોય છે. અર્થશાસ્ત્ર (જેને નોબેલ કમિટી Econonomic Science કહે છે!) માટે પોલ મીલ્ગ્રોમ અને રૉબર્ટ વિલ્સનની વરણી થઈ છે. એ લોકોએ નીલામી (Auction) કરવાની પ્રક્રિયાનો અભ્યાસ કર્યો અને તેની વિવિધ રીતો પેશ કરી છે. આપણા દેશમાં સ્પેક્ટ્રમ અને કોલસાની ખાણોના પટ્ટાના નીલામી બાબતે બહુ ચર્ચા થઈ. પરંતુ આ અર્થશાસ્ત્રી જોડીએ દર્શાવ્યું છે કે મોઘા ભાવે ખરીદાયેલ પટ્ટા સરકારોને ગમે, પરંતુ સરવાળે પ્રજાને માથે જ ભારે પડે છે.
ઇનામ મેળવનારે સામાન્ય રીતે મંચ પર પોતાના કામ વિષે વ્યાખ્યાન આપવાનું હોય છે. પરંતુ આ વર્ષે કોરોનાને કારણે કદાચ અર્પણવિધિ પ્રત્યક્ષ નહિ હોય. આમ છતાં વ્યાખ્યાન હોઈ પણ શકે. નોબેલ ફાઉન્ડેશનની વેબસાઇટ ઉપર આજ લગી થયેલા દરેક ભાષણની પ્રતિલિપિ મળે છે. બી.બી.સી. વર્લ્ડ ન્યૂઝ ડિસેમ્બરની દશમી તારીખે ઇનામ અપાયાં પછી આ બધી વ્યક્તિઓ સાથે વાતચીતનો કાર્યક્રમ કરે છે, જેમાં તેઓના અભિગમ તેમ જ કાર્યક્ષેત્ર વિષે વધુ જાણવા મળે છે. આમ તો નોબેલ ઇનામો વિષે બીજી પણ ઘણી રસપ્રદ વાતો છે, જેમ કે કોને બે વાર મળ્યું, એક કુટુંબમાં કેટલાને મળ્યું, કોને મળવું જોઈતું હતું ને ન મળ્યું અથવા ના મળવું જોઈતું હતું, તેને મળ્યું વગેરે … પણ તે ટ્રિવિયા વિષે ક્યારેક પછીથી.
E-mail : pr_vaidya@yahoo.com
સૌજન્ય : “નિરીક્ષક”, 01 જાન્યુઆરી 2021; પૃ. 13 તેમ જ 15